
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાજધાની નવી દિલ્હીમાં પરવાનગી વગર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને મામલે થયેલી પોલીસ કાર્યવાહીને પડકારવા માટે વામપંથી સંગઠન ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશનની (AISA) અધ્યક્ષ નેહા બોરાએ દાખલ કરેલી એક અરજી પર સુનાવણી કર્યા બાદ દિલ્હી હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. દિલ્હી પોલીસે નેહા બોરાને તપાસ ચાલે ત્યાં સુધી શાંતિ જાળવવા માટે ₹10,000નો બોન્ડ અને એક જામીનદાર રજૂ કરવા અંગે નોટિસ આપી હતી. નેહાએ આ નોટિસને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી છે. તેનો આરોપ છે કે શાંતિ જાળવવાના નામે પોલીસ પ્રદર્શન રોકવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધનીય છે કે 16 ઑક્ટોબરે નેહા બોરા CEC અને SIR વિરોધી પ્રદર્શનમાં સામેલ થઈ ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ 17 ઑક્ટોબરે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે નેહાને નોટિસ આપી હતી. તેમાં પૂછવામાં આવ્યું હતું કે તપાસ ચાલે ત્યાં સુધી શાંતિ જાળવવાની બાંહેધરી સાથે તેની પાસેથી ₹10,000નો વ્યક્તિગત બોન્ડ અને એક જામીનદાર કેમ લેવામાં ન આવે.
આ નોટિસમાં પોલીસે જણાવ્યું હતું કે નેહાએ મંડી હાઉસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રતિબંધિત જંતર-મંતરની આસપાસ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. આ સિવાય કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં પોલીસની પરવાનગી વગર જે પ્રદર્શન થવાનું હતું તેમાં લોકોને જોડાવા માટે ઉશ્કેર્યા હતા. નેહાએ આ આરોપો અને નોટિસને પડકારતાં હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કોર્ટમાં શું દલીલો થઈ?
નેહા બોરાના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસની નોટિસ એકદમ અસ્પષ્ટ છે અને તેમાં શાંતિ ભંગ થવાને લઈને કોઈપણ પ્રકારના નક્કર કારણો આપવામાં આવ્યાં નથી. આ નોટિસમાં કયા સમય, ઘટના કે સંજોગોમાં શાંતિ જોખમાઈ શકે છે તેનો કોઈ જ ઉલ્લેખ નથી.
વકીલોએ દલીલ કરી કે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવા એ કોઈ ગુનો નથી. વકીલોએ પોલીસના આરોપો અંગે કહ્યું કે નેહાએ માત્ર મંડી હાઉસ ખાતે શાંતિપૂર્ણ એકત્રીકરણનું આહ્વાન કર્યું હતું અને તેની અટકાયત પણ ત્યાંથી જ કરવામાં આવી હતી, જેથી પોલીસના આરોપો પાયાવિહોણા સાબિત થાય છે.
છેલ્લે નેહાના પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે કાર્યવાહી કરતી વખતે કયા પ્રતિબંધાત્મક આદેશનો ભંગ થયો તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તે સમયે લાગુ કરાયેલા આદેશોમાં મંડી હાઉસનો વિસ્તાર સામેલ ન હોવા છતાં પોલીસ મનસ્વી રીતે કાર્યવાહી કરી રહી છે.
નેહા બોરાના વકીલોએ કોર્ટમાં બંધારણના અનુચ્છેદ 19 અને 21નો હવાલો આપીને જણાવ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા શાંતિપૂર્ણ રીતે એકઠા થવાનો અધિકાર નાગરિકોને મળેલા મૂળભૂત હકો છે. સરકાર સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવો એ લોકશાહીનું અભિન્ન અંગ છે.
વકીલોએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશો ટાંકીને દલીલ કરી હતી કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ સામે મનસ્વી રીતે અટકાયત કે કાર્યવાહી ન થવી જોઈએ. જો માત્ર શાંતિ જાળવવાના નામે બોન્ડ ભરાવવાની શરતો મૂકીને નાગરિકોના અવાજને કચડવામાં આવશે તો તે સીધી રીતે તેમના મૌલિક અધિકારોનું હનન સાબિત થશે.
સરકારે કહ્યું– કાર્યવાહી જરૂરી હતી
બીજી તરફ, સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું કે નેહાએ 12 વખત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં તેણે CJP નેતાઓ અને પ્રશાંત ભૂષણ વગેરે સાથે એક સંયુક્ત બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં રિજિમ ચેન્જની વાત કરવામાં આવી હતી. સરકારી વકીલે કહ્યું કે નેહા બોરા પણ ત્યાં હાજર હતી અને એટલે તેની વિરુદ્ધ કાર્યવાહી કોઈ આધાર વગર શરૂ કરવામાં આવી હોય તેમ નથી. આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે કહ્યું કે સત્તાપરિવર્તન દિલ્હીમાં ભીડ એકઠી કરવાથી થતો નથી અને એ કામ ચૂંટણીથી કરવામાં આવે છે.
એએસજીએ કહ્યું કે શાંતિભંગ થવાની સંભાવનાઓ હતી એ હકીકત છે અને કોર્ટે તકનીકી બાબતો પકડી રહેવાના સ્થાને એ જોવું જોઈએ કે આ કેરવાહી શા માટે જરૂરી હતી. તેમણે કહ્યું કે કાર્યવાહીનો ઉદ્દેશ્ય રાજધાનીમાં સંભવિત અવ્યવસ્થા રોકવાનો હતો કારણ કે જો સમય રહેતાં પગલાં લેવામાં ન આવ્યાં હોત તો રાજધાનીમાં મોટાપાયે અવ્યવસ્થા સર્જાઈ ગઈ હોત.
નોંધનીય છે કે પોલીસે નેહા બોરાને BNSSની કલમ 126 હેઠળ નોટિસ આપી છે. આ જોગવાઈનો હેતુ ભવિષ્યમાં જાહેર શાંતિ ભંગ થતી અટકાવવાનો અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો છે. પોલીસે નોટિસમાં ઉલ્લેખ છે કે મંડી હાઉસ ખાતે સૂત્રોચ્ચાર કરવા, પ્રતિબંધો છતાં વારંવાર પ્રદર્શનોમાં ભાગ લેવા અને કનોટ પ્લેસમાં લોકોને ઉશ્કેરવા જેવી પ્રવૃત્તિઓથી શાંતિ જોખમાઈ શકે છે.
કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે, જે 23 ઑક્ટોબરના રોજ સંભળાવવામાં આવશે.

