
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભૂતપૂર્વ TMC નેતા યુસુફ પઠાણ સાથે જોડાયેલા વડોદરાના જમીન વિવાદમાં ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વડોદરા મહાનગરપાલિકાના (VMC) હસ્તકની 978 ચોરસ મીટર વિવાદિત જમીન યુસુફ પઠાણને ફાળવવાની મંજૂરી આપી દીધી છે. આ જમીન તેમના પરિવારના મકાનની બિલકુલ બાજુમાં આવેલી છે, જેને લઈને વર્ષ 2012થી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું હતું.
સરકારના નવા ઠરાવ મુજબ, આ 978 ચોરસ મીટર જમીનમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાકના હેતુ માટે ‘ભેટ’ (Gift) તરીકે આપવામાં આવશે! જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના નિર્ધારિત બજારમૂલ્યના 55 ટકા દરે ફાળવવામાં આવશે. આ જમીનનું કુલ અંદાજિત બજારમૂલ્ય અંદાજે ₹20.5 કરોડ આંકવામાં આવ્યું છે, છતાં સામાન્ય જાહેર હરાજી કરવાને બદલે વિશેષ વ્યવસ્થા હેઠળ આ રાહત અપાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી જ્યારે યુસુફ પઠાણે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટરની ઓળખ અને સુરક્ષાની ચિંતાઓ આગળ ધરીને આ ખુલ્લી જમીન 99 વર્ષના લીઝ પર માગી હતી. તે સમયે VMCએ સસ્તી કિંમતે (આશરે ₹5.6 કરોડમાં) જમીન આપવાની મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ, જાહેર હરાજી વિના જમીન આપવાની આ અનિયમિતતા સામે આવતાં જૂન 2014માં રાજ્ય સરકારે આ દરખાસ્તને ફગાવી દીધી હતી.
સરકારે દરખાસ્ત નકાર્યા બાદ પણ વિવાદ અટક્યો નહીં. વડોદરા મહાનગરપાલિકાનો આરોપ છે કે કાયદેસરની મંજૂરી કે નાણાં ચૂકવ્યા વિના જ પઠાણે આ સરકારી જમીન પર વાડ લગાવીને તેના પર કબજો કરી રાખ્યો હતો. મંજૂરી ન હોવા છતાં જાહેર જમીન પર વર્ષો સુધી કબજો જમાવી રાખવાની આ પ્રવૃત્તિ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળ્યો હતો.
સાંસદ બન્યા પછી નોટિસ અને હાઇકોર્ટનો ઝાટકો
જૂન 2024માં પશ્ચિમ બંગાળના બહેરામપુરથી તૃણમૂલ કોંગ્રેસની (TMC) ટિકિટ પર ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા બાદ VMCએ તેને ગેરકાયદે કબજો હટાવવા માટે સત્તાવાર નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે પઠાણે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઑગસ્ટ 2025માં હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે, ‘કોઈ જમીન લાંબા સમયથી કોઈ વ્યક્તિના કબજામાં રહે એટલા માત્રથી તેને તે જમીન પર કાયદેસરનો માલિકી હક મળી જતો નથી.’
જૂન 2026માં હાઇકોર્ટની ખંડપીઠે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સત્તાવાર ફાળવણી અને નાણાં ચૂકવ્યા વિના કોઈ વ્યક્તિ જાહેર જમીન પર કબજો કેવી રીતે રાખી શકે? કોર્ટે અનધિકૃત કબજા બદલ આર્થિક દંડ કે નુકસાનની ભરપાઈ કરવા અંગે પણ કડક સવાલો ઉઠાવ્યા હતા.
અચાનક અપીલ પાછી ખેંચી લેવાઈ
હાઇકોર્ટમાં દબાણ વધતાં અને જમીનના કાયદેસર માલિકી હક અંગે કોર્ટે કડક સવાલો ઉઠાવતાં 31 ઑગસ્ટ 2026ના રોજ યુસુફ પઠાણે પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી. તેના વકીલે રજૂઆત કરી હતી કે આંતરરાષ્ટ્રીય રમતવીરોને જમીન ફાળવવા માટેની સરકારી નીતિ હેઠળ તેઓ અલગથી માંગ કરી રહ્યા છે. હાઇકોર્ટમાંથી આ કેસ પાછો ખેંચાતાંની સાથે જ રાજ્ય સરકાર દ્વારા 978 ચોરસ મીટર વિવાદિત જમીનમાંથી 500 ચોરસ મીટર જમીન ભેટ તરીકે અને બાકીની જમીન રાહત દરે ફાળવવાનો સત્તાવાર નિર્ણય કરીને જમીન મેળવવાનો રસ્તો સાફ કરી દેવાયો હતો.
નોંધનીય છે કે જૂન 2026માં યુસુફ પઠાણ સહિતના TMC સાંસદોએ અલગ થઈને ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા’ (NCPI) સાથે જોડાવાની જાહેરાત કરી હતી. રાજકીય પક્ષ બદલ્યાના થોડા જ મહિનામાં સરકારએ આ વિવાદિત જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે.
ભલે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 13 ઑગસ્ટ 2026ના ઠરાવ દ્વારા મંજૂરી આપી દીધી હોય, પરંતુ આ અંતિમ પ્રક્રિયા નથી. વડોદરા મહાનગરપાલિકાના કમિશનરના જણાવ્યા મુજબ, આ દરખાસ્તને VMCની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની બેઠકમાંથી નિયમિત મંજૂરી મેળવવી પડશે.

