હોમપેજસ્પેશ્યલહિંદુઓને ધર્મનું જ્ઞાન શીખવતાં પહેલાં જય વસાવડાએ સમજવું જોઈએ કે હિંદુત્વ કોઈ...

હિંદુઓને ધર્મનું જ્ઞાન શીખવતાં પહેલાં જય વસાવડાએ સમજવું જોઈએ કે હિંદુત્વ કોઈ એક સ્તોત્રના પાઠ પૂરતું સીમિત નથી

હિંદુઓને પોતાના તહેવારો, આસ્થા અને પરંપરાઓની રક્ષા કરવા માટે કોઈની શાસ્ત્રીય પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. માતાજીના ઉત્સવમાં શું સ્વીકાર્ય છે અને શું નહીં, એ નક્કી કરવાનો અધિકાર હિંદુ સમાજનો છે, તેને હિંદુઓને 'જ્ઞાન'ના પાઠ ભણાવીને છીનવી લેવાની છૂટ કોઈને નથી. વસાવડાને પણ નહીં.

- Advertisement -

હિંદુઓ પોતાના તહેવારો કેવી રીતે ઉજવે, ગરબામાં કોણ ભાગ લે અને માતાજીની આરાધનાના નામે કઈ મર્યાદાઓ જળવાવી જોઈએ, તેની ચર્ચા થાય ત્યારે એક ચોક્કસ વર્ગને અચાનક હિંદુઓના શાસ્ત્રજ્ઞાનની ચિંતા ઉપડવા લાગે છે. સવાલ ગરબાના આયોજનનો હોય, ધાર્મિક પરંપરાનો હોય કે હિંદુઓના પોતાના ઉત્સવની ઓળખ જાળવવાનો હોય, ચર્ચાને તરત જ ‘તમને ધર્મનું કેટલું જ્ઞાન છે?’ એવા સવાલ તરફ વાળી દેવામાં આવે છે. આદિત્ય ગઢવીના ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ ચાલતો હતો તેવામાં ‘લેખક’ જય વસાવડાએ પણ આવો જ રસ્તો પકડ્યો. હિંદુત્વના નામે અવાજ ઉઠાવનારાઓને માતાજીની સ્તુતિનું જ્ઞાન છે કે નહીં, એ સવાલ ઉછાળીને તેમણે આખા વિવાદને હિંદુઓની ધાર્મિક જાણકારીની કસોટી બનાવવાનો પ્રયાસ કર્યો.

તેમણે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે, “દોસ્તો, આપણે ત્યાં માતાજીના નામે કોણે કેવાં કપડાં પહેરવાં, કોણે ક્યારે કેટલું કોની સાથે ફરવું, ગરબા કઈ ટાઇપના લેવા અને સ્ટેપ્સ કેવા કરવા એની પંચાયત કરનારી એક આખી જમાત આવી ગઈ છે. એને ખરેખર માતાજીને લગતા સવાલો પૂછો તો પાંચીયાભરની ખબર હોતી નથી.”

ત્યારબાદ તેઓ ‘શક્રાદય સ્તુતિ’નો ઉલ્લેખ કરીને કહે છે કે હિંદુત્વના નામે આગળ આવનારા ઘણા લોકોને આ સ્તુતિનો અર્થ, તેનું શાસ્ત્રીય સ્થાન અને તેની પાછળનો સંદર્ભ પણ ખબર નહીં હોય. આટલી બધી ખબર કોને હોય છે, એવો તેમનો સવાલ છે. તેમના મતે માતાજીના નામે નિયમો બનાવનારા, યુવક-યુવતીઓ શું કરે છે તેની દેખરેખ રાખનારા અને કોઈને મજા કરતા જોઈને સજા આપવા પહોંચી જનારા લોકોને આ બધું ક્યાંથી આવડવાનું?

- Advertisement -

વસાવડાની દલીલમાં એક જૂની લિબરલ માનસિકતા ફરી દેખાય છે. હિંદુઓ પોતાના તહેવારની ધાર્મિક ઓળખ અંગે અવાજ ઉઠાવે, પોતાની પરંપરા અને આસ્થાની રક્ષા કરવાની વાત કરે કે ધાર્મિક આયોજનમાં અનુશાસનની માગણી કરે એટલે તરત તેમની સામે જ્ઞાનની પરીક્ષા ઊભી કરી દેવાની. તમને આ સ્તોત્ર આવડે છે? આ શ્લોકનો અર્થ ખબર છે? આ પુરાણ વાંચ્યું છે? આ વિધિનો સંદર્ભ જાણો છો? જાણતા નથી તો પછી માતાજીના નામે બોલો છો શા માટે? જાણે હિંદુ હોવાનો અધિકાર મેળવવા માટે પહેલાં કોઈ ચોક્કસ સ્તોત્રના પાઠ મોઢે કરવા પડે, શાસ્ત્રોના તમામ સંદર્ભો યાદ રાખવા પડે અને આવા કોઈ અક્કલમઠ્ઠા લિબરલની કોર્ટમાં પોતાની ધાર્મિક લાયકાત સાબિત કરવી પડે!

આદિત્ય ગઢવીના ગરબા કાર્યક્રમમાં મુસ્લિમોને બહાર નીકળી જવાની જાહેરાત થયા પછી જે ચર્ચા શરૂ થઈ હતી, તેના કેન્દ્રમાં હિંદુ તહેવારની ધાર્મિક ઓળખ અને તેમાં પ્રવેશ અંગેનો પ્રશ્ન હતો. આ ચર્ચા વચ્ચે વસાવડાએ હિંદુ સંગઠનો અને ધાર્મિક આચરણ અંગે ચિંતા વ્યક્ત કરનારા લોકોની શાસ્ત્રીય જાણકારી પર સવાલ ઉઠાવ્યા. મુદ્દો હવે ગરબામાં કોણ ભાગ લઈ શકે એ રહ્યો નહીં. મુદ્દો એ બનાવી દેવામાં આવ્યો કે જે લોકો માતાજીના નામે બોલે છે, તેમને માતાજી વિશે કેટલું જ્ઞાન છે? આ જ તો લિબરલ ઇકોસિસ્ટમની જૂની તરકીબ છે. હિંદુઓ પોતાના અધિકારની વાત કરે ત્યારે ચર્ચાને અધિકાર પરથી હટાવીને તેમની લાયકાત પર લઈ જવી. હિંદુઓ પોતાની પરંપરાની વાત કરે ત્યારે પરંપરાની ઓળખ કરતાં પહેલાં તેમને પોતાની ધાર્મિક જાણકારીનો હિસાબ આપવા બેસાડી દેવા.

શું શાસ્ત્રજ્ઞાન જ હિંદુ હોવાની લાયકાત છે?

સૌથી પહેલાં એક પાયાની વાત સમજી લેવી જોઈએ. ‘શક્રાદય સ્તુતિ’ના પાઠ આવડવા એ હિંદુ હોવાની લાયકાત નથી. એ સ્તુતિનું જ્ઞાન હોવું સારી વાત છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સંસ્કૃત શીખવું, સ્તોત્રોના અર્થ સમજવા અને પરંપરાના મૂળ સુધી પહોંચવું એ દરેક હિંદુ માટે લાભદાયી છે. પરંતુ જે વ્યક્તિને કોઈ સ્તોત્ર આવડતા નથી, તેને હિંદુ ધર્મ વિશે બોલવાનો અધિકાર નથી એવું કોણે નક્કી કર્યું? હિંદુ પરંપરામાં આવો કોઈ નિયમ છે? કોઈ શાસ્ત્રમાં એવી શરત છે કે માતાજીના ભક્તે પહેલાં દુર્ગા સપ્તશતીના અધ્યાયો કંઠસ્થ કરવા અને ત્યાર પછી જ નવરાત્રિ, ગરબા કે ધાર્મિક આચરણ અંગે પોતાનો મત વ્યક્ત કરવો?

હિંદુ સમાજમાં કરોડો લોકો છે. કોઈ સંસ્કૃતનો વિદ્વાન છે, કોઈ વેદોનો અભ્યાસ કરે છે, કોઈ પુરાણોનું પઠન કરે છે, કોઈ રોજ મંદિરે જઈને દીવો કરે છે, કોઈ નવરાત્રિમાં ઉપવાસ રાખે છે, કોઈ માતાજીની આરતી ગાય છે અને કોઈ ગરબાના તાલે માતાજીની આરાધના કરે છે. કોઈને શાસ્ત્રોના ઊંડા સંદર્ભો ખબર છે તો કોઈને માત્ર પોતાની કુળદેવીનું નામ અને તેમની આરાધનાની પરંપરા ખબર છે. શું આ બધાની ભક્તિનું મૂલ્ય એક જ શાસ્ત્રીય માપદંડથી નક્કી થશે? જે વ્યક્તિને ‘શક્રાદય સ્તુતિ’નો એક પણ શ્લોક યાદ નથી તેની માતાજી પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ જાય છે? જેને સંસ્કૃત વાંચતાં આવડતું નથી તેની નવરાત્રિની ઉપાસના અધૂરી થઈ જાય છે? જે પરિવાર પેઢીઓથી માતાજીના ગરબા ગાય છે, તેમણે કોઈ શાસ્ત્રીય પરીક્ષા આપવી પડશે?

વસાવડા જે સ્તુતિનો ઉલ્લેખ કરે છે, તેનું શાસ્ત્રીય સ્થાન જાણવું ચોક્કસપણે ઉપયોગી છે. ‘શક્રાદય સ્તુતિ’ દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાય સાથે સંબંધિત છે. દુર્ગા સપ્તશતી દેવીમાહાત્મ્ય તરીકે પણ ઓળખાય છે અને તે માર્કંડેય પુરાણનો ભાગ છે. ‘શક્ર’ એટલે ઇન્દ્ર અને દેવતાઓ દ્વારા કરવામાં આવેલી દેવીની સ્તુતિને આ નામ મળ્યું છે. આ માહિતી હિંદુ શાસ્ત્રપરંપરાના અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ માહિતી જાણતો માણસ જ માતાજીની ભક્તિ કરી શકે અથવા હિંદુઓના ધાર્મિક આચરણ અંગે પોતાનો મત આપી શકે, એવો નિષ્કર્ષ અહીં ક્યાંથી ઠોકી બેસાડાયો?

વસાવડાની દલીલનો મૂળ પ્રશ્ન જ આ છે. તેઓ એક તરફ શાસ્ત્રજ્ઞાનની ડાહી-ડાહી વાત કરે છે, પરંતુ બીજી તરફ એ જ જ્ઞાનનો ઉપયોગ હિંદુ સમાજના એક વર્ગને ઉતારી પાડવા માટે કરે છે. કોઈ વ્યક્તિને ‘શક્રાદય સ્તુતિ’ આવડતી નથી એ વાત પરથી તેની ધાર્મિક સમજ, ભક્તિ, સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક ચિંતાને એકસાથે નકારી દેવી એ કેવું તર્કશાસ્ત્ર? કોઈને શાસ્ત્રોનો સંદર્ભ સમજાવી શકાય, અજાણ હોય તો જ્ઞાન આપી શકાય, ખોટું જાણતો હોય તો સુધારી શકાય. પરંતુ કોઈને કંઈક આવડતું નથી એટલે તેને માતાજી કે હિંદુ ધર્મ વિશે બોલવાનો અધિકાર નથી, એ કોઈ તર્કપૂર્ણ દલીલ નથી. એ જ્ઞાનના આધારે અધિકારનું વર્ગીકરણ કરવાની માનસિકતા છે.

ભારતીય પરંપરામાં આસ્તિકતા અને નાસ્તિકતાની ચર્ચા નવી નથી

વસાવડા જે રીતે માતાજીના નામે બોલનારા લોકોની શાસ્ત્રીય જાણકારી પર સવાલ કરે છે, તેમાં એક બીજી ગૂંચ પણ છે. ભારતીય દાર્શનિક પરંપરા એટલી વિશાળ છે કે તેમાં ઈશ્વર, આત્મા, વેદ, જગત અને મોક્ષ વિશે જુદા-જુદા મત ધરાવતી અનેક વિચારધારાઓ વિકસી છે. અહીં દર્શનશાસ્ત્રની ચર્ચાઓ માત્ર એક જ પ્રકારની માન્યતા સ્વીકારવાથી આગળ વધે છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને વેદાંત જેવી પરંપરાઓ વચ્ચે પણ અનેક તાત્વિક પ્રશ્નો પર ચર્ચા અને મતભેદ જોવા મળે છે. બૌદ્ધ અને જૈન દર્શનોએ પણ ભારતીય બૌદ્ધિક પરંપરામાં પોતાના વિશિષ્ટ તર્કો રજૂ કર્યા છે.

આપણી પરંપરામાં ‘આસ્તિક’ અને ‘નાસ્તિક’ શબ્દોનો અર્થ પણ પશ્ચિમી અર્થમાં માત્ર ઈશ્વરમાં માનવું કે ન માનવું એવો નથી. પરંપરાગત દર્શનશાસ્ત્રીય વર્ગીકરણમાં વેદોની પ્રામાણિકતાનો સ્વીકાર કે અસ્વીકાર મહત્વનો માપદંડ રહ્યો છે. એટલે ભારતીય દર્શનોનો ઇતિહાસ વાંચનાર વ્યક્તિ જાણે છે કે અહીં વિચાર, તર્ક, શ્રદ્ધા અને જ્ઞાન વચ્ચેની ચર્ચા સદીઓથી ચાલતી આવી છે. કોઈ એક પ્રકારની ઉપાસના, કોઈ એક વિધિ કે કોઈ એક સ્તોત્રના જ્ઞાનને જ સમગ્ર હિંદુ પરંપરાની ઓળખ બનાવી દેવી એ આ વિશાળ પરંપરાને જ સાંકડી બનાવી દેવા જેવું છે.

સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ જ લઈ લો. સંન્યાસ પહેલાં નરેન્દ્રનાથ દત્તના જીવનમાં ઈશ્વરના અસ્તિત્વ અંગેના પ્રશ્નો અને આધ્યાત્મિક સંઘર્ષનો સમય આવ્યો હતો. તેઓ પ્રશ્નો પૂછતા હતા, જવાબ શોધતા હતા અને અનુભવના આધારે સત્યને સમજવા માગતા હતા. આ પ્રશ્નશીલતાએ જ તેમને શ્રીરામકૃષ્ણ પરમહંસ સુધી પહોંચાડ્યા અને આગળ જતાં તેઓ વેદાંતના મહાન પ્રવક્તા બન્યા. આ ઉદાહરણનો અર્થ એવો નથી કે વિવેકાનંદને કોઈ એક શબ્દમાં બાંધી દેવા જોઈએ. તેનો અર્થ એ છે કે ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રશ્ન પૂછવો, શંકા કરવી અને સત્યની શોધ કરવી એ પણ યાત્રાનો ભાગ છે. તો પછી હિંદુ સમાજના કોઈ વ્યક્તિને કોઈ સ્તોત્ર આવડતો ન હોય અથવા તે શાસ્ત્રોના ઊંડા સંદર્ભોથી અજાણ હોય એટલે તેની ધાર્મિક નિષ્ઠાને શંકાના ઘેરામાં મૂકવાની ઉતાવળ શા માટે?

હિંદુ પરંપરાએ જ્ઞાનને મહત્વ આપ્યું છે, પરંતુ જ્ઞાનને કોઈ ચોક્કસ વર્ગની જાગીર બનાવ્યું નથી. તેમાં વેદોનું અધ્યયન કરનારા વિદ્વાનોનું સ્થાન છે, પુરાણોનું પઠન કરનારા કથાકારોનું સ્થાન છે, ભક્તિમાં લીન રહેનારા સંતોનું સ્થાન છે અને પોતાની પરંપરા પ્રમાણે આરાધના કરનારા સામાન્ય ગૃહસ્થોનું પણ સ્થાન છે. બધાની ભૂમિકા એકસરખી નથી, પરંતુ દરેકની ધાર્મિક યાત્રા એક જ માપદંડથી નક્કી થતી નથી. હિંદુ પરંપરાની આ જ વિશાળતાને સમજવાને બદલે જો કોઈ કલમઘસુ શાસ્ત્રજ્ઞાનના આધારે બીજા હિંદુઓને જ ઉતારી પાડવા લાગે તો સમજી જવું જોઈએ કે તેનો ઇરાદો મલીન છે.

આરાધના માટે એક જ માર્ગ નથી

હિંદુ ઉપાસનાની વિવિધતા સમજવા માટે શૈવ પરંપરા તરફ નજર કરવી પૂરતી છે. ભગવાન મહાદેવની આરાધના વૈદિક મંત્રો અને આગમિક વિધિઓથી થાય છે, અભિષેક અને રુદ્રપાઠથી થાય છે, ધ્યાન અને યોગસાધનાથી થાય છે, ભજન અને નામસ્મરણથી થાય છે. શૈવ પરંપરામાં અઘોર માર્ગની પણ પોતાની વિશિષ્ટ સાધના અને તાત્વિક સમજ છે. અઘોર પરંપરાના સાધકો સમાજની રૂઢ ધારણાઓથી અલગ દેખાતા હોય છે, તેમ છતાં અઘોર માર્ગ શૈવ સાધનાની એક ઓળખાયેલી ધારામાં સ્થાન ધરાવે છે. મહાદેવની ઉપાસનાની આ વિવિધતા કહે છે કે હિંદુ ધર્મને માત્ર બાહ્ય દેખાવ, ચોક્કસ વિધિ કે એક જ પ્રકારની ધાર્મિક અભિવ્યક્તિમાં સમાવી શકાય નહીં.

દેવીની ઉપાસનામાં પણ આવું જ છે. કોઈ ભક્ત નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, કોઈ અખંડ જ્યોત પ્રગટાવે છે, કોઈ માતાજીના મંદિરે જઈને દર્શન કરે છે, કોઈ ગરબા ગાય છે અને કોઈ પોતાની કુળદેવીની પરંપરાનું પાલન કરે છે. ઉપાસનાના આ માર્ગો વચ્ચે વિધિનો તફાવત હોય શકે, શાસ્ત્રીય જ્ઞાનનો તફાવત હોય શકે અને આધ્યાત્મિક સમજનો પણ તફાવત હોય શકે. પરંતુ આ તફાવતને આધારે એક ભક્તને બીજા ભક્ત કરતાં ઓછો હિંદુ ઠરાવવાની સત્તા કોઈને મળી જતી નથી. જય વસાવડાને પણ નહીં.

માતાજીની આરાધનાની દરેક પરંપરાને એક જ ષોડશોપચાર વિધિમાં બાંધી શકાય નહીં. મંદિરોમાં આગમ અને પરંપરા પ્રમાણે ચોક્કસ વિધિઓનું પાલન થાય છે. ઘરોમાં કુળપરંપરા પ્રમાણે પૂજા થાય છે. લોકપરંપરામાં માતાજીનાં ગીતો, ગરબા અને ભવાઈ જેવાં સ્વરૂપોમાં પણ દેવીભક્તિ વ્યક્ત થાય છે. હિંદુ સમાજનું ધાર્મિક જીવન માત્ર ગ્રંથોના પાનાંમાં નથી રહેતું, તે પેઢીઓથી ચાલતી આવતી ઉપાસના, ઉત્સવ, લોકગીતો, કુટુંબપરંપરા અને સામૂહિક શ્રદ્ધામાં પણ જીવંત રહે છે.

તો પછી માતાજીના નામે કોઈ સામાજિક ચિંતા વ્યક્ત કરે ત્યારે તરત જ તેને શાસ્ત્રજ્ઞાનની કસોટી પર ચડાવી દેવાનો આગ્રહ શા માટે? જે લોકો નવરાત્રિમાં યુવતીઓની સુરક્ષા, ગરબા સ્થળે અનુશાસન કે ધાર્મિક પરંપરાની મર્યાદા અંગે ચિંતા વ્યક્ત કરે છે, તેઓ બધા જ શાસ્ત્રોના અધ્યાપક હોવા જોઈએ એવી શરત કોણે મૂકી? કોઈ વ્યક્તિને સલામતીના બધા નિયમો યાદ ન હોય એટલે તેને જાહેર કાર્યક્રમમાં સલામતીની ચિંતા કરવાનો અધિકાર નથી રહેતો? કોઈને કાયદાની દરેક કલમ આવડતી ન હોય એટલે તેને અન્યાય સામે અવાજ ઉઠાવવો ન જોઈએ? પછી હિંદુ તહેવારની વ્યવસ્થા અંગે બોલનારાઓ માટે જ આવી વાહિયાત લાયકાતની શરત કેમ?

હિંદુ તહેવારોમાં લિબરલિઝમ અને વોકિઝમ ઘૂસાડવાનો ખેલ

આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો ભાગ અહીં છે. હિંદુ તહેવારોની ધાર્મિક ઓળખ અંગે પ્રશ્ન ઊભો થાય ત્યારે લિબરલ ઇકોસિસ્ટમને તહેવારની પરંપરા કરતાં તેની અંદર સર્વસમાવેશિતા, આધુનિકતા અને પોતાની પસંદગીના સામાજિક મૂલ્યોનું પ્રમાણ કેટલું છે એ જાણવામાં વધુ રસ રહે છે. હિંદુઓ પોતાની ધાર્મિક પરંપરાની મર્યાદા અંગે વાત કરે તો તરત જ તેમને સંકુચિત, પછાત, કટ્ટર કે અજ્ઞાની સાબિત કરવાની કવાયત શરૂ થઈ જાય છે. કોઈ હિંદુ સંગઠન ધાર્મિક ઓળખનો મુદ્દો ઉઠાવે તો તેની દલીલને સાંભળવાને બદલે તેના સભ્યોને શું આવડે છે, કેટલું વાંચ્યું છે અને તેઓ કેટલા આધુનિક છે એવા સવાલો ઊભા કરવામાં આવે છે.

આ જ લિબરલિઝમ અને વોકિઝમની ઘૂસણખોરીની રીત છે. શરૂઆતમાં તહેવારને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે રજૂ કરો. પછી તેની ધાર્મિક ઓળખને ગૌણ બનાવો. ત્યાર બાદ તેમાં કોણ ભાગ લઈ શકે, કઈ મર્યાદાઓ જાળવવી જોઈએ અને કઈ પરંપરા અનુસરવી જોઈએ એ અંગે હિંદુઓના પોતાના અભિપ્રાયને જ શંકાસ્પદ બનાવો. અંતે હિંદુઓને જ સમજાવો કે તેઓ પોતાના તહેવારને કેવી રીતે સમજે, કોને પ્રવેશ આપે, કોને રોકે અને કઈ વાતને ધાર્મિક ગણવી. આ આખી પ્રક્રિયામાં હિંદુઓ પોતાના જ તહેવારના સ્વરૂપ વિશે વાત કરે ત્યારે તેમને વારંવાર પોતાની લાયકાત સાબિત કરવાની ફરજ પાડવામાં આવે છે.

જય વસાવડાની દલીલમાં પણ આ જ વૈચારિક વલણ છે. તેઓ ગરબા, કપડાં અને યુવક-યુવતીઓના વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરનારાઓને એક જ જૂથમાં મૂકે છે અને પછી ‘શક્રાદય સ્તુતિ’ના ‘જ્ઞાન’નો પ્રશ્ન ઉઠાવે છે. આ રીતે સામાજિક પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રશ્ન ઉઠાવનારાની ધાર્મિક જાણકારીને જ ચર્ચાનો વિષય બનાવી દેવામાં આવે છે. જાણે હિંદુ સંગઠનો કે સામાન્ય હિંદુઓને કોઈ બાબત અંગે ચિંતા વ્યક્ત કરવાનો અધિકાર મેળવવા માટે પહેલાં શાસ્ત્રીય જ્ઞાનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે.

આ જ ઇકોસિસ્ટમમાં ‘કૂલ’ દેખાવાની હોડ પણ ચાલે છે. પોતાના જ સમાજની ધાર્મિક લાગણીઓ અને પરંપરાઓને જૂની કે સંકુચિત ગણાવીને જે વ્યક્તિ પોતાને આધુનિક સાબિત કરી શકે, તેને લિબરલ વર્તુળોમાં વાહવાહી મળે છે. હિંદુઓ પોતાની પરંપરા માટે ઊભા રહે ત્યારે તેમને જ્ઞાન આપવું, તેમના અભિપ્રાયને પછાત ગણાવવો અને પોતાના વિચારોને પ્રગતિશીલતાના એકમાત્ર માપદંડ તરીકે રજૂ કરવા એ આ માનસિકતાનો ભાગ છે. તહેવારની ધાર્મિક ઓળખ અંગેની ચર્ચાને શાસ્ત્રજ્ઞાનની પરીક્ષામાં ફેરવી દેવી પણ આ જ માનસિકતાનો એક ભાગ છે.

હિંદુ સમાજે અહીં એક વાત સ્પષ્ટ સમજવી જોઈએ. શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું આપણી પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ શાસ્ત્રજ્ઞાનના નામે હિંદુઓને જ તેમના ધાર્મિક અધિકારો અંગે અપરાધભાવમાં ધકેલવાની કોઈ પણ કવાયતને પડકારવી જરૂરી છે. જ્ઞાનનો હેતુ પરંપરાને સમજવાનો છે, તેને સમગ્ર હિંદુ સમાજ સામે હથિયાર બનાવવાનો નહીં. હિંદુઓને પોતાના તહેવારની ઓળખ અંગે બોલતા અટકાવવા માટે જ્ઞાનના પ્રશ્નોનો સતત મારો ચલાવવામાં આવે તો તે માત્ર શાસ્ત્રીય ચર્ચા રહેતી નથી. તે એક વૈચારિક લડાઈનું સ્વરૂપ ધારણ કરે છે.

સ્ત્રીઓની સુરક્ષાનો પ્રશ્ન શાસ્ત્રજ્ઞાનની પરીક્ષા નથી

વસાવડા પોતાના નિવેદનમાં કપડાં, યુવક-યુવતીઓ કોની સાથે ફરે છે અને ગરબાના સ્ટેપ્સ કેવા હોવા જોઈએ તેની ચર્ચા કરે છે. તેઓ આ પ્રકારની ચિંતા કરનારાઓને જાણે એક જમાનાની પંચાયત ચલાવનારી જમાત તરીકે રજૂ કરે છે. પરંતુ નવરાત્રિ દરમિયાન સ્ત્રીઓની સુરક્ષા, ગરબા સ્થળે થતી છેડતી, ઓળખ છુપાવીને પ્રવેશ કરતા જેહાદીઓ, આયોજકોની જવાબદારી અને ધાર્મિક આયોજનમાં અનુશાસન જેવા પ્રશ્નો વાસ્તવિક સામાજિક ચર્ચાના મુદ્દા છે. આ પ્રશ્નો ઉઠાવનાર દરેક વ્યક્તિને ઈર્ષાળુ, અદેખી કે યુવક-યુવતીઓની મજા બગાડવા માગતી વ્યક્તિ ગણાવી દેવી એ પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાની રીત નથી. આ સ્પષ્ટ અને પૂર્ણતઃ બફાટ છે.

કોઈ પણ જાહેર કાર્યક્રમમાં સલામતી અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય છે. નવરાત્રિ જેવા વિશાળ ધાર્મિક ઉત્સવમાં તો આ જવાબદારી વધુ મહત્વની બને છે. લાખો લોકો ગરબામાં ભાગ લે છે. તેમાં મહિલાઓ, યુવતીઓ, પરિવારો અને બાળકો પણ હોય છે. તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવી એ કોઈની અંગત મજા સામેનો અપરાધ નથી. એ સામાજિક જવાબદારીનો ભાગ છે. આયોજકોને વ્યવસ્થા અંગે પ્રશ્ન પૂછવો, નિયમો નક્કી કરવાની વાત કરવી કે કોઈ પ્રવૃત્તિથી ધાર્મિક આયોજનના સ્વરૂપ પર અસર પડે છે કે નહીં તેની ચર્ચા કરવી એ બધું જ જાહેર જીવનનો હિસ્સો છે.

સૌથી મોટી વાત એ છે કે આ પ્રશ્નોનો જવાબ આપવાને બદલે તે પ્રશ્નો ઉઠાવનારા લોકોની શાસ્ત્રીય જાણકારી પર સવાલો કરવામાં આવે છે. કોઈ યુવતીની સુરક્ષાની ચિંતા કરે તો તેને પૂછવાનું કે ‘શક્રાદય સ્તુતિ’ આવડે છે? કોઈ ધાર્મિક આયોજનની મર્યાદા જાળવવાની વાત કરે તો તેને કહેવાનું કે પહેલાં દુર્ગા સપ્તશતી વાંચીને આવો? આ કેવી દલીલ છે? સ્ત્રીઓની સુરક્ષાનો પ્રશ્ન હોય કે ધાર્મિક પરંપરાની ઓળખનો, તેની ચર્ચા મુદ્દાના આધારે થવી જોઈએ. પ્રશ્ન ઉઠાવનારને અજ્ઞાની સાબિત કરી દેવાથી પ્રશ્ન અદૃશ્ય થઈ જતો નથી.

હિંદુઓને પોતાના તહેવાર અંગે બોલવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી

નવરાત્રિમાં ગરબા માત્ર નૃત્ય નથી. તે દેવીની આરાધના સાથે જોડાયેલી જીવંત પરંપરા છે. માતાજીની ભક્તિ, શક્તિની ઉપાસના, સામૂહિક શ્રદ્ધા અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ તેના કેન્દ્રમાં છે. સમય સાથે ગરબાના સ્વરૂપમાં ફેરફારો આવ્યા છે, સંગીત બદલાયું છે, આયોજનની પદ્ધતિઓ બદલાઈ છે અને મોટા વ્યાવસાયિક કાર્યક્રમો પણ શરૂ થયા છે. પરંતુ આ પરિવર્તનો વચ્ચે તેની ધાર્મિક ઓળખનો પ્રશ્ન અપ્રસ્તુત બની જતો નથી. હિંદુઓ પોતાના તહેવારને કેવી રીતે ઉજવવા માગે છે, તેની પરંપરાઓનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને ધાર્મિક આયોજનમાં કઈ મર્યાદાઓ જાળવવી જોઈએ એ અંગે ચર્ચા કરવાનો તેમને પૂરો અધિકાર છે.

આદિત્ય ગઢવીના કાર્યક્રમમાં થયેલી જાહેરાત પછી વિવાદ ઊભો થયો. ગઢવીએ પોતાને તે જાહેરાતથી અલગ કરી દીધો અને કહ્યું કે તે તેનો સંદેશ નહોતો. આ સમગ્ર ઘટનાએ ગરબાની ધાર્મિક ઓળખ, આયોજકોની ભૂમિકા અને મુસ્લિમોના પ્રવેશ અંગેની ચર્ચાને વધુ તીવ્ર બનાવી. આ ચર્ચામાં કોઈને કોઈ પક્ષની દલીલ સાથે અસહમતિ હોય શકે છે. પરંતુ આ ચર્ચા વચ્ચે હિંદુઓને જ શાસ્ત્રજ્ઞાનના આધારે ઉતારી પાડવાનો પ્રયાસ થાય ત્યારે તેનો જવાબ આપવો જરૂરી બને છે.

હિંદુ સમાજે પોતાના તહેવારો અંગેનો અભિપ્રાય વ્યક્ત કરતા પહેલાં કોઈના પ્રમાણપત્રની રાહ જોવાની જરૂર નથી. શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, પરંપરાનું જ્ઞાન મેળવવું જોઈએ અને પોતાના ધર્મની સમજ વધારવી જોઈએ. પરંતુ આ બધું હિંદુઓને જ તેમની ધાર્મિક ઓળખ અંગે બોલતા અટકાવવા માટેની શરત બની શકે નહીં. કોઈને ‘શક્રાદય સ્તુતિ’ આવડે છે કે નહીં એ તેના જ્ઞાનનો એક ભાગ હોય શકે છે, પરંતુ તેના આધારે આખા હિંદુ સમાજની ધાર્મિક નિષ્ઠા કે સામાજિક ચિંતાને માપી શકાય નહીં.

વસાવડા જેવા કથિત બુદ્ધિજીવીઓ જ્યારે હિંદુ સમાજના એક વર્ગને શાસ્ત્રજ્ઞાનના આધારે પડકારે છે ત્યારે તેમણે એ પણ સમજવું જોઈએ કે હિંદુ પરંપરા કોઈ એક ગ્રંથ, એક સ્તોત્ર કે એક પ્રકારની ઉપાસનાથી સમાપ્ત થતી નથી. તે અનેક દર્શનો, સંપ્રદાયો, સાધના માર્ગો, લોકપરંપરાઓ અને પેઢીઓથી ચાલતી આવતી શ્રદ્ધાનું વિશાળ વિશ્વ છે. આ વિશ્વમાં જ્ઞાનનું સ્થાન છે, ભક્તિનું સ્થાન છે, પ્રશ્નોનું સ્થાન છે અને સામાજિક જવાબદારીનું પણ સ્થાન છે. પણ આવા ધડમાથા વગરના બફાટનું સ્થાન નથી!

હિંદુઓને પોતાના તહેવારની ઓળખ અંગે બોલવા માટે પ્રથમ શાસ્ત્રજ્ઞાનની પરીક્ષા આપવી પડે, એવી માનસિકતા જ મૂળ સમસ્યા છે. હિંદુ તહેવારોમાં લિબરલિઝમ અને વોકિઝમના માપદંડો ઘૂસાડીને પછી હિંદુઓને જ સમજાવવું કે તેમની પરંપરાને કેવી રીતે જોવી, એ મૂળ તો વૈચારિક દાદાગીરી છે. હિંદુઓએ આ દાદાગીરી સામે અપરાધભાવ અનુભવવાની જરૂર નથી. શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને પરંપરાની રક્ષા કરવી એકબીજાના વિરોધી નથી. માતાજીની ભક્તિ કરવી અને પોતાના તહેવારની ધાર્મિક ઓળખ અંગે સ્પષ્ટ અભિપ્રાય ધરાવવો પણ એકબીજાથી અલગ નથી.

‘શક્રાદય સ્તુતિ’ના પાઠ આવડતા હોય તો ઉત્તમ, ન આવડતા હોય તો શીખી શકાય. પરંતુ કોઈ હિંદુને માતાજીના તહેવાર વિશે બોલતા પહેલાં પોતાની ભક્તિ અને શાસ્ત્રજ્ઞાનના પુરાવા રજૂ કરવાનું કહેવાની હિંમત કરનારાઓએ પહેલાં એ સ્પષ્ટ કરવું જોઈએ કે હિંદુ ધર્મના ઠેકેદાર બનવાનો અધિકાર તેમને કોણે આપ્યો? એક સ્તોત્રના પાઠ આવડતા નથી એટલે હિંદુઓને જ હિંદુ ધર્મનું જ્ઞાન શીખવવા નીકળી પડવું એ અહંકાર અને હિંદુ પરંપરાની વિશાળતાનું અજ્ઞાન છે. હિંદુઓને પોતાના તહેવારો, આસ્થા અને પરંપરાઓની રક્ષા કરવા માટે કોઈની શાસ્ત્રીય પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. માતાજીના ઉત્સવમાં શું સ્વીકાર્ય છે અને શું નહીં, એ નક્કી કરવાનો અધિકાર હિંદુ સમાજનો છે, તેને હિંદુઓને ‘જ્ઞાન’ના પાઠ ભણાવીને છીનવી લેવાની છૂટ કોઈને નથી. વસાવડાને પણ નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં