ઈરાનમાં હિજાબ વગર ગીત ગાયું તો સિંગર પરસ્તૂ અહમદી અને 4 કલાકારોને 74-74 કોરડા, કૉમમાં આપવામાં આવી સજા

ઈરાનમાં હિજાબ વગર ગીત ગાવા બદલ જાણીતી સિંગર પરસ્તૂ અહમદીને 74 કોરડા મારવાની કડક સજા આપવામાં આવી છે. 23 નવેમ્બર 2026ના રોજ ઈરાનના કૉમ શહેરમાં તેમની સજા પૂરી કરવામાં આવી. તેની સાથે કામ કરતા બીજા ચાર કલાકારોને પણ 74-74 કોરડા મારવામાં આવ્યા છે. સિંગરના વકીલ મુસ્તફા નીલીએ આ વાતની જાણકારી આપી. આ ઘટનાને કારણે આખી દુનિયામાં ઈરાનના નિયમો સામે ચર્ચા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ વાતની શરૂઆત ડિસેમ્બર 2024માં થઈ હતી. પરસ્તૂ અહમદીએ કૉમ શહેર પાસે આવેલી ઐતિહાસિક જગ્યા ‘દેર-એ-ગચિન કારવાંસરાઈ’માં એક સંગીત કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં કોઈ પ્રેક્ષકો હાજર નહોતા. પણ પરસ્તૂએ આ કાર્યક્રમ યુટ્યુબ પર લાઈવ કર્યો હતો. તે વિડીયોમાં તે હિજાબ વગર પુરુષ સંગીતકારો સાથે ગીત ગાઈ રહી હતી. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો અને લાખો લોકોએ જોયો.

નિયમો તોડવાના નામે ફટકારી સજા

નોંધનીય છે કે ઈરાનમાં મહિલાઓ માટે બહાર નીકળતી વખતે હિજાબ પહેરવો ફરજિયાત છે. ત્યાં મહિલાઓના જાહેરમાં ગીત ગાવા પર પણ કડક પ્રતિબંધ છે. પરસ્તૂએ આ બંને નિયમો તોડ્યા હોવાનું કહીને ઈરાની અધિકારીઓએ તેની સામે કેસ ચલાવ્યો. કાર્યવાહી દરમિયાન ઈરાનની કોર્ટે આ વિડીયોને ખોટો અને નિયમો વિરુદ્ધનો ગણાવ્યો. જૂન 2026માં કૉમની કોર્ટે પરસ્તૂ અને તેમની ટીમના કુલ 9 લોકોને 74 કોરડા મારવાની સજા ફટકારી હતી. સજા સામે કરેલી અપીલ પણ કોર્ટે રદ કરી દીધી.

આ સિવાય કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે પરસ્તૂ અહમદી અને તેમની ટીમના લોકો બે વર્ષ સુધી દેશની બહાર નહીં જઈ શકે. આ સિવાય બે વર્ષ સુધી તેઓ સંગીત કે કલાનું કોઈ કામ પણ નહીં કરી શકે. 23 નવેમ્બરના રોજ પરસ્તૂ સાથે સંગીતકાર સોહેલ ફગીહ નાસિરી, અમીન તાહેરી, અમીર અલી પિર્નિયા અને આયોજક મોહસેન લશ્કરીને કોરડા મારવામાં આવ્યા હતા. બાકીના ચાર લોકોને ક્યારે સજા થશે તે હજુ સ્પષ્ટ નથી.

મહિલાઓની સ્વતંત્રતા પર તરાપ

ઉલ્લેખનીય છે કે પરસ્તૂ અહમદીનો આ મામલો મહિલાઓની સ્વતંત્રતાના વિરોધ સાથે જોડાઈ ગયો છે. વર્ષ 2022માં મહસા અમીની નામની યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ઈરાનમાં હિજાબ સામે ઘણો વિરોધ થયો હતો. મહસા અમીનીને હિજાબના નિયમ મુજબ કપડાં ન પહેરવા બદલ પકડવામાં આવી હતી. ત્યારથી ઘણી મહિલાઓ હિજાબ વગર બહાર નીકળે છે, પણ સરકાર સમયાંતરે કડક કાર્યવાહી કરે છે.

ઘણા દેશો અને માનવાધિકાર સંગઠનોએ ઈરાનની આ સજાની ટીકા કરી છે અને સજાને ખૂબ ક્રૂર અને માનવ અધિકારો વિરુદ્ધ ગણાવી છે. તેમ છતાં ઈરાનની સરકાર પોતાના નિયમો પર કાયમ છે અને આ ટીકાઓને માનતી નથી. આ ઘટના બતાવે છે કે જ્યાં કડક મજહબી નિયમો હોય, ત્યાં કલા અને મહિલાઓની સ્વતંત્રતા કેટલી હદે જોખમાય છે.