હોમપેજગુજરાતજૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પકડાયા તે જ ભાગળ ગામમાં હિંદુ દલિત યુવાનો પર હુમલો:...

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પકડાયા તે જ ભાગળ ગામમાં હિંદુ દલિત યુવાનો પર હુમલો: એટ્રોસિટી કેસ, પણ કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણીનું મૌન– Exclusive Ground Report

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં જાહેર ચોકમાં ફટાકડા ફોડવા બાબતે મુસ્લિમ ટોળા દ્વારા જાતિસૂચક અપશબ્દો બોલી માર મારવામાં આવ્યો; એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પણ પોલીસની હાજરીમાં લાઇટો બંધ કરી હુમલાનો પ્રયાસ થયાનો પીડિતોનો ગંભીર આક્ષેપ

- Advertisement -

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા અને વડગામ વિધાનસભા મતવિસ્તારમાં આવતું ભાગળ ગામ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. જુલાઈ 2026માં જ્યારે ગુજરાત ATSએ રાજ્યભરમાંથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (JeM) 8 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારે તેમાંથી સૌથી વધુ 3 આતંકવાદીઓ આ જ ભાગળ ગામમાંથી પકડાયા હતા.

હવે આ જ ભાગળ ગામમાંથી દિવાળીના હિંદુ તહેવાર દરમિયાન હિંદુ દલિત સમાજના યુવાનો પર મુસ્લિમ ટોળા દ્વારા હુમલો થયાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ઑપઇન્ડિયા ગુજરાતીની ટીમે ભાગળ ગામના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પીડિત યુવાનો સાથે સીધી વાતચીત કરી હતી, જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

ફટાકડા ફોડવા બાબતે મુસ્લિમ ટોળાએ જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કર્યો

ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં ઘટનાના પીડિત યુવાને સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હતું કે, આ ઘટના 8 તારીખની રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હતી. ગામના મુખ્ય ચોકની ખુલ્લી જાહેર જગ્યામાં નાના બાળકો અને યુવાનો દિવાળીના ફટાકડા ફોડી રહ્યાં હતાં.

- Advertisement -

પીડિત યુવાને જણાવ્યું,

“અમે ગામની જાહેર જગ્યામાં ફટાકડા ફોડતા હતા, ત્યારે સામેની દુકાન પાસે બેઠેલા મુસ્લિમ સમાજના લોકોએ અમને રોક્યા અને કહ્યું કે ‘દિવાળી મનાવવી હોય તો ઘરે જઈને મનાવો’. અમે તેમને સમજાવ્યું કે આ ગામની ખુલ્લી જાહેર જગ્યા છે, કોઈની ખાનગી મિલકત નથી. જેમ તમે ઈદ મનાવો છો તેમ અમે અમારી દિવાળી મનાવીએ છીએ. પરંતુ ત્યાં બેઠેલા મુસ્લિમ લોકોએ ટોળું વળીને અમારી જાતિ અને હિંદુ ધર્મ વિશે અપશબ્દો અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું.”

પીડિતના નિવેદન મુજબ, ટોળામાંથી ફહીમ, ઓવેસ પટેલ અને અનશ પટેલ સહિતના શખ્સોએ પાછળથી આવીને તેમના પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. જ્યારે પીડિતના મિત્રો તેમને બચાવવા દોડી આવ્યા ત્યારે તેમની સાથે પણ હાથાપાઈ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ (SC/ST Act) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

પોલીસ બંદોબસ્ત હોવા છતાં લાઇટો બંધ કરી હુમલાનો પ્રયાસ

ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન પીડિત યુવાને એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ફરિયાદ નોંધાયાના બીજા દિવસે પણ મુસ્લિમો દ્વારા ગામમાં ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થયો હતો.

પીડિતે જણાવ્યું હતું કે,

“બીજા દિવસે ફટાકડા ફોડવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં આ તત્ત્વોએ વિસ્તારની લાઇટો બંધ કરી દીધી હતી અને હુલ્લડ તથા હુમલો કરવાની તૈયારી કરી હતી. જોકે પોલીસ કાફલો સ્થળ પર હાજર હોવાથી તેઓ હુમલો કરી શક્યા નહોતા. હાલ પણ અમને કોઈ ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ અને દબાણ આપવામાં આવી રહ્યું છે.”

વસ્તીનું સંતુલન બદલાતાં હિંદુ તહેવારો પર દબાણનો આક્ષેપ

ગામની સ્થિતિ અંગે વાત કરતા પીડિત યુવાને જણાવ્યું કે ભાગળ ગામમાં આ પહેલી ઘટના નથી. ગામમાં મુસ્લિમ સમાજની વસ્તી વધુ હોવાથી અગાઉ પણ લગ્ન પ્રસંગો કે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે હિંદુ સમાજને દબાવવાનો પ્રયાસ થતો રહ્યો છે. “તેઓ હંમેશા એવું દબાણ કરે છે કે અમારી સામે બોલવાનું નહીં અને ફટાકડા નહીં ફોડવાના”, તેમ પીડિતે ઑપઇન્ડિયા સમક્ષ જણાવ્યું હતું.

દલિત અધિકારોની વાતો કરતા કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કેમ મૌન?

ભાગળ ગામ વડગામ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાંથી જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય છે. દેશભરમાં દલિત અધિકારો અને ન્યાયના નામે રાજનીતિ કરતા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોતાના જ મતવિસ્તારમાં દલિત યુવાનો પર થયેલા આ હુમલા અંગે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધાં ન હોવાની નારાજગી પીડિતોએ વ્યક્ત કરી હતી.

પીડિત યુવાને ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે,

“અમારો વિસ્તાર વડગામ વિધાનસભામાં આવે છે અને જિજ્ઞેશ મેવાણી અમારા ધારાસભ્ય છે. આ ઘટના અખબારો અને સમાચારોમાં આવ્યા છતાં હજુ સુધી તેમણે અમારી મુલાકાત લીધી નથી કે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.”

વોટબેંકની રાજનીતિ સામે દલિત સમાજનું સન્માન ગૌણ કેમ?

ભાગળ ગામનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યંત ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ગુજરાત જેવા શાંતિપ્રિય રાજ્યમાં, જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે, ત્યાં કોઈ ગામમાં માત્ર વસ્તીનું સંતુલન બદલાઈ જવાથી હિંદુ સમાજને પોતાના જ ગામના જાહેર ચોકમાં દિવાળીના ફટાકડા ફોડવા માટે કોઈની મંજૂરી લેવી પડે તે ચિંતાજનક બાબત છે.

આ સાથે જ ‘જય ભીમ-જય મીમ’ ના નારા લગાવતા નેતાઓનો બેવડો ચહેરો પણ આ ઘટનાથી ખુલ્લો પડી ગયો છે. જ્યારે આરોપીઓ ચોક્કસ વોટબેંકના હોય, ત્યારે દલિત યુવાનો પર થયેલા હુમલા અને એટ્રોસિટીની ઘટના પર પણ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મૌન સેવી લે છે.

ગુજરાત પોલીસની ત્વરિત કાર્યવાહી અને બંદોબસ્તને કારણે બીજા દિવસે મોટી અનહોની ટળી હતી, પરંતુ આવા કટ્ટરપંથી તત્ત્વો સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે.

(નોંધ: આ સમગ્ર ઘટનાક્રમ અંગે ઑપઇન્ડિયા ગુજરાતીનો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ વિડીયો અમારી YouTube ચેનલ પર ઉપલબ્ધ છે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં