‘મેં રાજીનામું આપી દીધું છે, મહાભિયોગની કાર્યવાહી ન થઈ શકે’: રોકડ રકમ મામલેના વિવાદમાં પૂર્વ જજ વર્માએ લોકસભાને નવો પત્ર લખ્યો

સરકારી નિવાસસ્થાનેથી કરોડો રૂપિયા મળી આવવા મામલે કાર્યવાહીનો સામનો કરતા અને આખરે રાજીનામું આપી ચૂકેલા પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માએ લોકસભા સચિવાલયને એક પત્ર લખીને કહ્યું છે કે તેમણે પહેલેથી જ રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ જજ નથી એટલે તેમની સામેની કાર્યવાહી ચાલુ રાખવાનો કોઈ અર્થ જ સરતો નથી. પત્ર 19 નવેમ્બરે સાંસદોને મોકલવામાં આવ્યો હતો.

પત્રમાં જસ્ટિસ વર્માએ કહ્યું કે તેમનું રાજીનામું તેમની સામે લાગેલા આરોપોની કબૂલાત નથી. સાથે પોતે નિર્દોષ હોવાનો પણ દાવો કર્યો છે. તેમની દલીલ છે કે રાજીનામાનો અર્થ એવો નથી કે તેમણે આરોપો અને તપાસ સમિતિના તારણો સ્વીકારી લીધાં છે. તેમણે બંધારણની કલમ 217(1)(a) અને સુપ્રીમ કોર્ટના 1978ના એક ચુકાદાનો હવાલો આપીને દલીલ કરી છે કે હાઇકોર્ટના જજ રાજીનામું આપે ત્યારથી જ તે અમલમાં આવી જાય છે. તેના માટે રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ સત્તાધિકારીની મંજૂરી જરૂરી હોતી નથી.

જસ્ટિસ વર્માની દલીલ છે કે તેમણે પહેલેથી જ રાજીનામું આપી દીધું છે એટલે હવે સંસદ કાયદેસર રીતે તેમને પદ પરથી દૂર નહીં કરી શકે, જેથી આ કાર્યવાહી બિનજરૂરી છે. હવે આગળ સંસદ નિર્ણય કરશે.

આ વિવાદ 14 માર્ચ, 2025ના રોજ શરૂ થયો હતો. તે રાત્રે દિલ્હી હાઇકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી ઘરમાં આગ લાગી હતી. આગ બાદ તેમના ઘરમાંથી બળી ગયેલી રોકડ રકમના બંડલ મળી આવ્યાં હતાં, જેના કારણે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ સમિતિએ પણ આ મામલાની તપાસ કરી હતી.

તે સમયે જસ્ટિસ વર્મા દિલ્હી હાઇકોર્ટના જજ હતા. ત્યારબાદ તેમને અલ્હાબાદ હાઇકોર્ટમાં મોકલાયા હતા. તેમણે 5 એપ્રિલ, 2025ના રોજ શપથ લીધા, પણ તેમને ન્યાયિક કામગીરી અપાઈ નહીં. આ દરમિયાન લગભગ 150 સાંસદોએ તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે નોટિસ આપી હતી. ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ‘જજિસ ઇન્ક્વાયરી એક્ટ, 1968’ હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.

સમિતિએ દોષી ઠેરવ્યા હતા

તપાસ સમિતિએ 12 ઑગસ્ટ, 2026ના રોજ રિપોર્ટ આપ્યો. તેમાં જસ્ટિસ વર્મા સામેના ત્રણેય આરોપો સાબિત થયા હોવાનું કહેવાયું છે. પહેલો આરોપ રોકડ ક્યાંથી આવી અને કોની છે તેનો યોગ્ય જવાબ ન આપવાનો હતો. બીજો આરોપ હતો કે તેઓ પુરાવા સાચવવામાં નિષ્ફળ ગયા, જેનાથી પુરાવા ગુમ થયા. ત્રીજો આરોપ હતો કે તેમણે તપાસ દરમિયાન યોગ્ય જવાબો આપ્યા નહોતા અને આખરે જવાબો આપવાનું સદંતર બંધ કરી દીધું હતું.

જસ્ટિસ વર્માએ તપાસ સમિતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે તપાસની પ્રક્રિયામાં નિષ્પક્ષતાનો અભાવ હોવાનો આરોપ લગાવીને તપાસમાં સહકાર ન આપ્યો. ત્યારબાદ તેમણે 9 એપ્રિલ, 2026ના રોજ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી દીધું. હવે તેમણે તપાસ સમિતિના રિપોર્ટ પર વધુ જવાબ આપવાનો કે આગળની કાર્યવાહીમાં ભાગ લેવાનો પણ ઇનકાર કર્યો છે. તેમણે લોકસભા સચિવાલયને પોતાનો પત્ર બંને ગૃહોના સાંસદો સમક્ષ મૂકવા અને આ મામલો અહીં જ બંધ કરવાની વિનંતી કરી છે.

હવે આગળ શું?

હવે સવાલ એ છે કે રાજીનામા બાદ પણ કાર્યવાહી ચાલુ રાખી શકાય કે નહીં. એક તરફ તપાસ સમિતિએ આરોપો યોગ્ય ગણાવ્યા છે. બીજી તરફ જસ્ટિસ વર્મા કહે છે કે તેઓ હવે પદ પર નથી, તેથી કાર્યવાહી ન થવી જોઈએ. તેમણે રાજીનામાને આરોપોની કબૂલાત માનવાનો પણ ઇનકાર કર્યો છે. હવે લોકસભા સચિવાલય શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.