વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાશે, સીએમ હિમંતાને નિમંત્રણ અપાયું

જાન્યુઆરી 2027માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’માં આસામ ‘પાર્ટનર સ્ટેટ’ તરીકે જોડાશે. ગુજરાત સરકાર વતી આસામને સત્તાવાર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બંને રાજ્યોની સરકારોએ જણાવ્યું છે કે આ નિર્ણયથી ગુજરાત અને આસામ વચ્ચે વેપાર, ઉદ્યોગ અને નવા રોકાણોની તકો વધશે. આ સમિટમાં આસામ પોતાના ઉદ્યોગો અને વિકાસની ક્ષમતાઓ દુનિયા સામે રજૂ કરશે, જેના માટે બંને રાજ્યોની સરકારો વચ્ચે ખાસ ચર્ચા-વિચારણા પણ થઈ છે.

આ ભાગીદારીના ભાગરૂપે ગુજરાતના કેબિનેટ મંત્રી નરેશ પટેલે 18 નવેમ્બરના રોજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી આસામના મુખ્યમંત્રીને સમિટમાં હાજર રહેવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આસામના મુખ્યમંત્રીએ પણ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ મુલાકાત દરમિયાન બંને રાજ્યો વચ્ચે ઔદ્યોગિક વિકાસ અને એકબીજાના રાજ્યમાં રોકાણ કરવા બાબતે વાતચીત થઈ હતી. ગુજરાતના પ્રતિનિધિમંડળે ખાસ કરીને ઓઈલ અને ગેસ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સફળતા વિશે આસામના અધિકારીઓને માહિતી આપી હતી. આ પ્રતિનિધિમંડળમાં સામેલ સરકારનાં અધિકારી અવંતિકા સિંઘે પણ આસામના અધિકારીઓ સાથે અલગથી બેઠક યોજીને બંને રાજ્યો સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તે અંગે ચર્ચા કરી હતી.

પાર્ટનર સ્ટેટ બનવાથી આસામને મોટો ફાયદો થશે, કારણ કે તેને દેશ-વિદેશથી આવતા મોટા ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સામે પોતાના રાજ્યની વિશેષતાઓ બતાવવાનો અવસર મળશે. આસામ સરકાર આ મંચનો ઉપયોગ કરીને પોતાના રાજ્યમાં નવા ઉદ્યોગો લાવવા પ્રયાસ કરશે. બીજી તરફ, ગુજરાતને પણ આસામ સાથે વેપાર અને ધંધાકીય સંબંધો વધુ આગળ વધારવાની નવી તક મળશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નું આયોજન 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થશે. આ સમિટની 11મી આવૃત્તિ હશે, જેમાં દુનિયાભરના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નિષ્ણાતો ભાગ લેશે. આ આયોજનનો મુખ્ય હેતુ ગુજરાતમાં રોકાણ વધારવાની સાથે નવી ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ સમિટ હવે માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતાં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રગતિનું એક મોટું માધ્યમ બની ગઈ છે. આસામને પાર્ટનર સ્ટેટ બનાવવાથી ગુજરાત અને પૂર્વોત્તર ભારતના રાજ્યો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે. હવે આ સમિટમાં બંને રાજ્યો વચ્ચે કયા નવા કરારો અને રોકાણો થાય છે તેના પર સૌની નજર રહેશે.