યુથ કોંગ્રેસના ગુંડાઓએ મેટાની હૈદરાબાદ ઑફિસમાં ઘૂસી જઈને કરી તોડફોડ, અનેકની અટકાયત

હૈદરાબાદમાં શુક્રવારે (20 નવેમ્બર, 2026) ઇન્ડિયન યુથ કોંગ્રેસના માણસોએ સોશિયલ મીડિયા કંપની મેટાની ઓફિસમાં ઘૂસીને હોબાળો કર્યો અને તોડફોડ કરી હતી. યુથ કોંગ્રેસના બે હોદ્દેદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના વિરોધમાં આ ધમાલ મચાવવામાં આવી. મેટાએ ભાજપ અને RSSના ઇશારે વિપક્ષના અવાજને દબાવવા માટે આ કાર્યવાહી કરી હોવાનું કહીને કોંગ્રેસીઓએ ઉત્પાત મચાવ્યો હતો.

ઇન્ડિયન યુથ કોંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ગુંડાઓ મેટાની ઓફિસમાં ઘૂસતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. રાજ્ય પ્રમુખ જક્કિડી શિવચરણ રેડ્ડીની આગેવાનીમાં યુથ કોંગ્રેસના માણસોએ ઓફિસની બહાર પણ હોબાળો કર્યો હતો. વીડિયોમાં કેટલાક કાર્યકરો જમીન પર ફૂલનાં કુંડાં ફેંકીને તોડતા પણ દેખાય છે.

યુથ કોંગ્રેસે મેટા પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું કે કંપની વિપક્ષના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકીને સ્વતંત્ર અવાજોને દબાવી રહી છે. X પર પોસ્ટ કરતાં યુથ કોંગ્રેસે લખ્યું, “IYC કાર્યકરો ભાજપના ‘BETA’ – METAની હૈદરાબાદ ઓફિસમાં ઘૂસી ગયા! વિપક્ષી એકાઉન્ટ્સને બ્લોક કરીને સ્વતંત્ર અવાજોને દબાવવાનું હવે બહુ થયું. મેટાએ ભાજપના આદેશ નહીં, પરંતુ ભારતના બંધારણનું પાલન કરવું જોઈએ.”

આ સાથે યુથ કોંગ્રેસે મેટાને એમ પણ કહ્યું કે તમામ એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધો હટાવવામાં આવે. અન્યથા દેશભરમાં મેટાની ઓફિસો બંધ કરાવી દેવાની ધમકી આપી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, “સાત દિવસમાં તમામ એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધો દૂર કરો, નહીં તો અમે બધે જ તમારી ઓફિસો બંધ કરાવીશું. સેન્સરશિપ બંધ કરો. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.”

અહેવાલો અનુસાર, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબ અને રાષ્ટ્રીય પ્રભારી મનિષ શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

હોબાળો અને તોડફોડ બાદ પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તેમાં રાજ્ય પ્રમુખ શિવચરણ રેડ્ડીનો પણ સમાવેશ થાય છે. અટકાયત બાદ તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પછીથી મીડિયા સાથે વાત કરતાં રેડ્ડીએ તોડફોડને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે કાર્યકરો મેટાની ઓફિસમાં શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. તેમણે મેટા પર RSS અને ભાજપ સાથે મળીને કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્ટેન્ટ સામે પક્ષપાત કરવાનો આરોપ લગાવી દીધો.

રેડ્ડીએ કહ્યું, “META RSS અને BJP સાથે મળીને કામ કરી રહ્યું છે અને કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્ટેન્ટ પ્રત્યે વિરોધી વલણ ધરાવે છે. અમે અમારી રજૂઆત આપવા ઓફિસ ગયા હતા, પરંતુ અમને અંદર પ્રવેશવા દીધા નહીં અને પોલીસે અમારી ધરપકડ કરી.”

દરમ્યાન મેટાની મુંબઈ ઓફિસમાં પણ યુથ કોંગ્રેસના કાર્યકરોએ આ જ પ્રકારનો હોબાળો કર્યો હતો. ત્યાં પણ ભાજપ અને RSS સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવીને મેટાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.