અમદાવાદ સાયબર ક્રાઈમે ડાર્ક વેબ અને ટેલિગ્રામ પર ચાલતા ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો, 24 વેબસાઇટ અને 5 ગ્રુપ સામે કાર્યવાહી

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ડ્રગ્સના ગેરકાયદે વેપારનો મોટો ખુલાસો કર્યો છે. ઇન્ટરનેટના ડાર્ક વેબ પર આ ધંધો ચાલતો હતો. તપાસમાં 24 ડાર્ક વેબસાઇટ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટ સામે આવ્યાં છે. આ પ્લેટફોર્મ પર કોકેઈન, હેરોઈન, MDMA, LSD, કેટામાઈન અને ગાંજા જેવા નશીલા પદાર્થો વેચવાની જાહેરાતો થતી હતી. પોલીસને શંકા છે કે આ નેટવર્ક માત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી, પરંતુ દેશનાં બીજાં મોટાં શહેરો સાથે પણ જોડાયેલું છે.

આપણે રોજ ગૂગલ કે ફેસબુક જેવી સામાન્ય વેબસાઇટ વાપરીએ છીએ. પરંતુ ડાર્ક વેબ પર સામાન્ય બ્રાઉઝરથી જઈ શકાતું નથી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ડાર્ક વેબસાઇટ પર ઓનલાઈન શોપિંગ જેવી વ્યવસ્થા હતી. ત્યાં ડ્રગ્સના ફોટા, ભાવ, વિગતો અને ડિલિવરીની માહિતી મૂકવામાં આવતી હતી. કેટલીક વેબસાઇટ પર તો ગ્રાહકોના રિવ્યૂ અને વેચનારના રેટિંગ પણ હતા.

ટેલિગ્રામ ગ્રુપમાં ખુલ્લેઆમ જાહેરાતો

નોંધનીય છે કે પોલીસને 5 ટેલિગ્રામ એકાઉન્ટ અને ગ્રુપ મળ્યા છે, જ્યાં ડ્રગ્સના ફોટા અને ભાવ મુકાતા હતા. ‘સિંગાપોર માર્કેટ પ્લેસ’ નામના એક ગ્રુપમાં 2,637 મેમ્બર્સ હતા. બીજા કેટલાક ગ્રુપમાં પણ 100 કરતાં વધુ લોકો જોડાયેલા હતા. એક ગ્રુપમાં ગ્રાહકોને ડ્રગ્સ મંગાવવા માટે પોતાનું સરનામું મોકલવાનું કહેવાતું તો, કેટલીક જગ્યાએ ઓર્ડર પ્રમાણે ડ્રગ્સ પહોંચાડવાની વ્યવસ્થા પણ હતી.

આ ગેરકાયદે ધંધામાં પૈસાની લેવડદેવડ માટે અલગ-અલગ રીતો વપરાતી હતી. એક ટેલિગ્રામ ગ્રુપમાં ઓર્ડર વખતે 50 ટકા એડવાન્સ અને બાકીની 50 ટકા રકમ ડિલિવરી પછી લેવાતી. ચૂકવણી માટે UPI, ક્રિપ્ટોકરન્સી, ગિફ્ટકાર્ડ અને આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફરની લિંક્સ અપાતી હતી.

ડિજિટલ પુરાવા અને ફરિયાદ

આ સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઈમના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલની નજરે આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે. જાડેજાને ટેલિગ્રામ અને ડાર્ક વેબ પર ડ્રગ્સના વેચાણ અંગેની માહિતી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં આ વેબસાઇટ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ કરી હતી.

આ દરમિયાન આશરે 2.05 GB જેટલું સ્ક્રીન રેકોર્ડિંગ, 38 સ્ક્રીનશોટ અને વેબસાઇટ તથા ટેલિગ્રામની લિંક્સ જેવા ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આ મામલે 18 નવેમ્બરે NDPS એક્ટ અને IT એક્ટ હેઠળ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હવે પોલીસ આ વેબસાઇટ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવનારા લોકો કોણ છે, તેમની સાથે અન્ય કોણ જોડાયેલું છે અને ડ્રગ્સ ક્યાંથી સપ્લાય કરવામાં આવે છે તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, મોબાઈલ નંબર અને આંતરરાષ્ટ્રીય પાર્સલ મારફતે ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની આશંકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.