હોમપેજમંતવ્યICJએ મ્યાનમારને જવાબદાર ઠેરવ્યું, ભારતમાં શરૂ થઈ ગઈ રોહિંગ્યાઓ માટે સહાનુભૂતિની ઝુંબેશ:...

ICJએ મ્યાનમારને જવાબદાર ઠેરવ્યું, ભારતમાં શરૂ થઈ ગઈ રોહિંગ્યાઓ માટે સહાનુભૂતિની ઝુંબેશ: કાશ્મીરી હિંદુઓના મુદ્દે ક્યાં હોય છે આ સંગઠિત સક્રિયતા?

માનવાધિકારની વાત પસંદગીપૂર્વક ન થઈ શકે. રોહિંગ્યાઓ માટે સહાનુભૂતિની દુકાન ખોલી બેસનારાઓ ક્યારેય કાશ્મીરી હિંદુઓ કે ભારતમાં હિંદુ સમુદાયો પ્રત્યે થતા અત્યાચારો વિશે વાત કરતા નથી. કારણ કે એ તેમના એજન્ડામાં નથી.

- Advertisement -

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ– ICJએ હમણાં બે દિવસ પહેલાં મ્યાનમારને રોહિંગ્યા મુસ્લિમો સામે નરસંહાર માટે જવાબદાર ઠેરવ્યું. ICJ સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ન્યાયિક સંસ્થા છે જે દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય કાનૂની વિવાદો ‘ઉકેલે’ છે. ગામ્બિયાએ મ્યાનમાર વિરુદ્ધ દાખલ કરેલા કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે મ્યાનમારના સૈન્ય દ્વારા 2017માં રખાઈન રાજ્યમાં રોહિંગ્યા સમુદાય સામે ચલાવવામાં આવેલા અભિયાનને ‘નરસંહાર’ ગણાવ્યું. નવ ન્યાયાધીશોની બહુમતી સાથે આપવામાં આવેલા આ ચુકાદામાં મ્યાનમારને નરસંહાર રોકવાની, ગુનેગારોને સજા કરવાની અને પીડિતોને વળતર આપવાની જવાબદારી પણ યાદ કરાવવામાં આવી છે. ICJએ કોઈ દેશને નરસંહાર માટે જવાબદાર ઠેરવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે.

આમ તો જેટલી વિશ્વસનીયતા સંયુક્ત રાષ્ટ્રની રહી ગઈ છે એનાથી ઓછી વિશ્વસનીયતા અને મહત્તા આ આઈસીજે નામના ફારસની છે. તે બે દેશો વચ્ચેના વિવાદોમાં ચુકાદાઓ આપે છે પણ ચુકાદાના અમલીકરણ માટેની કોઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થા સ્વાભાવિક થઈ પણ ન શકે. દેશની સરહદો વચ્ચે અદાલતી ચુકાદાઓનું પાલન કરાવવા માટે પોલીસ કે સૈન્ય હોય, આંતરરાષ્ટ્રીય સરહદો વચ્ચે આ કામ ન થઈ શકે. એટલે મ્યાનમાર આ ચુકાદા પર આંખ આડા કાન કરે તો બહુ બહુ તો ગામ્બિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જઈ શકે અને ત્યાંથી રાજકીય દબાણ વધારી શકે કે પ્રતિબંધો અને અન્ય પગલાંનો ડર ઉભો કરી શકે. પણ એમાં પણ સુરક્ષા પરિષદનાં રાજકીય સમીકરણો અને અન્ય ઘણી બાબતો જોવી પડે. સ્થાયી સભ્યો પાસે વીટો પાવર હોવાના કારણે આવા પગલાંની અમલવારી પણ નિશ્ચિત હોતી નથી.

બીજી બાજુ રોહિંગ્યાઓની વાત કરીએ તો આ મૂળ મ્યાનમારના રખાઈન વિસ્તારમાં વસતો મુસ્લિમ સમુદાય છે. મ્યાનમારમાં તેમના નાગરિકત્વ મુદ્દે, ઓળખ અને અધિકારો મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલતો રહ્યો છે. 2017માં મ્યાનમારની સૈન્ય કાર્યવાહી બાદ લાખો રોહિંગ્યાઓએ દેશ છોડીને પાડોશી બાંગ્લાદેશમાં આશરો લીધો અને ત્યાંથી ઘણા ભારત આવી ગયા. ત્યારથી રોહિંગ્યાઓનો મુદ્દો આંતરરાષ્ટ્રીય રાજકારણ અને માનવાધિકાર સંગઠનોના એજન્ડામાં રહ્યો છે.

- Advertisement -

ભારતમાં ફરી શરૂ થયો ગણગણાટ

મ્યાનમાર સંબંધિત ICJના ચુકાદા પછી ભારતમાં પણ લેફ્ટિસ્ટો, કહેવાતા માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજકીય પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભારતે હવે આ સમુદાય પ્રત્યે સંવેદનશીલ વલણ દાખવવું જોઈએ, તેમને દેશમાંથી હાંકી કાઢવાની વાતોને સ્થાન ન હોવું જોઈએ, તેમની સાથે માનવતાપૂર્ણ અને સંવેદનશીલ વ્યવહાર કરવો જોઈએ અને આખરે તેમના પુનર્વસન માટે પ્રયાસો કરવા જોઈએ– એવી દલીલોને ફરીથી આગળ કરવામાં આવી રહી છે.

આ દલીલો જોકે નવી નથી. ભારતમાં રોહિંગ્યાઓને વસાવવા માટે, તેમની હકાલપટ્ટી અટકાવવા અને તેમના અધિકારોના નામે કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે એક રાજકીય અને બૌદ્ધિક વર્ગ સતત સક્રિય રહ્યો છે. પણ એક ઊડીને આંખે વળગે એવી બાબત એ પણ છે કે આ જ વર્ગ ભારતના નાગરિકો સાથે, હિંદુઓ સાથે થયેલા અત્યાચારો અને તેમના અધિકારો માટે આટલી તીવ્રતાથી ક્યારે અવાજ ઉઠાવતો નથી. ઘણા કિસ્સાઓમાં તો અવાજ બિલકુલ નીકળતો નથી અને મૌન ધારણ કરી લેવામાં આવે છે.

લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડા પ્રકાશન ‘ધ વાયર’ આમાં અગ્રેસર થઈ ગયું છે. વાયરે ચુકાદો આવતાવેંત એક લેખ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક છે, ‘મ્યાનમારને નરસંહાર માટે જવાબદાર ઠેરવાયું, ભારતની રોહિંગ્યાઓ પ્રત્યે શું જવાબદારી?’

Screenshot

લેખમાં ભારતને નૈતિક અદાલતના કઠેડામાં ઊભું રાખી દેવામાં આવ્યું છે. લેખિકા તનિમા કિશોર લખે છે કે ઇતિહાસ ભારતને એ આધારે યાદ રાખશે કે નરસંહારના પીડિતોને તેણે બહાર રાખવાનું પસંદ કર્યું કે રક્ષણ આપવાનું. આ ભાષા માત્ર માનવતાની અપીલ પૂરતી સીમિત નથી પણ સરકાર પર, તેની નીતિઓ પર નૈતિક દબાણ ઊભું કરવાનું સાધન છે. જાણે સરહદોનું રક્ષણ, ગેરકાયદે પ્રવેશ સામે કાર્યવાહી અને રાષ્ટ્રીય સુરક્ષા બધું જ ગૌણ બની જાય.

લેખમાં એ તો સ્વીકારવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચુકાદો ભારતને રોહિંગ્યાઓને નાગરિકતા આપવા કે ઇમિગ્રેશન માટેનાં નિયંત્રણો ત્યજી દેવાની ફરજ પાડતો નથી, પણ ત્યારપછીની સમગ્ર દલીલ એવી રીતે ગોઠવવામાં આવી છે જેથી ભારતની ગેરકાયદે ઘૂસણખોરી સામેની નીતિ પર જ પ્રશ્નાર્થ સર્જાય અને તેને નરસંહાર પીડિતો પ્રત્યેની અસંવેદનશીલતા તરીકે રજૂ કરીને મામલાને સિફતપૂર્વક માનવાધિકાર પર લઈ જઈ શકાય.

લેખમાં કહેવાયું છે કે રોહિંગ્યાઓને માત્ર ઇમિગ્રેશન અને સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈશું તો તેમની સામે થયેલા નરસંહારની વાસ્તવિકતા ઢંકાઈ જશે. આ દલીલમાં સમસ્યા છે. કોઈ નરસંહારનો ભોગ બન્યું હોય એ હકીકત અને તેને ભારતના કાયદા હેઠળ દેશમાં રહેવાનો અધિકાર છે કે નહીં– આ બંને ભિન્ન બાબતો છે. બંનેને ભેળવી દઈને ભારતની કાયદેસરની નીતિને નૈતિક રીતે શંકાસ્પદ ઠેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેની આડમાં રોહિંગ્યાઓના પુનર્વસન માટેની દલીલોને સ્થાપિત કરવામાં આવી છે.

‘ધ વાયર’ અહીં અટક્યું નથી. આવા જ બીજા એક લેખમાં સીધી સુપ્રીમ કોર્ટને કઠેડામાં ઊભી રાખી દેવામાં આવી છે. એપ્રિલ 2021માં રોહિંગ્યાઓને મ્યાનમાર પરત મોકલવાની કાર્યવાહી સામે થયેલી અરજી પર કોર્ટે આપેલા નિર્ણયને નરસંહારના પીડિતોને તેમના હત્યારાઓના હાથમાં સોંપી દેવાની કાર્યવાહી તરીકે ચીતરવામાં આવ્યો છે. ત્યારે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને ઉપલબ્ધ છે અને રોહિંગ્યાઓના કાયદેસર દેશનિકાલમાં ન્યાયિક હસ્તક્ષેપ ન થઈ શકે.

Screenshot

‘ધ વાયર’ના લેખમાં નિર્ણયની તુલના નાઝી જર્મનીમાંથી ભાગેલા યહૂદી શરણાર્થીઓને ફરી કેમ્પમાં મોકલવાની ઘટના સાથે કરી દેવામાં આવી છે. અર્થાત્ આ કાયદાકીય દલીલના નામે સુપ્રીમ કોર્ટ સામે માત્ર આરોપો નથી મૂકાયા પણ તેને રાજકીય અને ભાવનાત્મક નરેટિવમાં ફેરવવાનો પ્રયાસ પણ થયો છે. રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની ચિંતા કરતી વખતે સરકાર અને ન્યાયતંત્ર નરસંહારના પીડિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખતાં હોય એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ જ નરેટિવ સોશિયલ મીડિયા પર આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ‘એક્ટિવિસ્ટ’ કવલપ્રીત કૌરે એક પોસ્ટમાં લખ્યું છે, ‘હવે જ્યારે ICJએ જાહેર કરી દીધું છે કે રોહિંગ્યાઓએ નરસંહારનો સામનો કર્યો હતો તો હવે સુપ્રીમ કોર્ટ પાસે એટલી આશા તો રાખી જ શકાય કે થોડી માનવતા બતાવે અને ભારત સરકારને રોહિંગ્યા શરણાર્થીઓને ડિપોર્ટ કરતા કે દરિયામાં નાખી દેતા અટકાવે.’

સબા નકવીએ એક પોસ્ટમાં રોહિંગ્યાઓ માટે ભરપૂર સહાનુભૂતિ ઉઘરાવવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું કે દિલ્હીમાં કોઈ પ્રકારની નાગરિકતા વગર રોહિંગ્યાઓ રહે છે અને એક કેમ્પમાંથી બીજા કેમ્પમાં મોકલવામાં આવતા રહે છે. તેમની પ્રત્યે કોઈ માનવતા દાખવી રહ્યું નથી એવી વાર્તા કરવામાં આવી છે.

પામેલા ફિલિપોઝ કહે છે, ભારતમાં રોહિંગ્યાઓને સહાનુભૂતિની જરૂર છે. તેઓ નરસંહારના પીડિતો છે, ભારત સરકારે આ બાબતની નોંધ લેવી જોઈએ.

આવી બીજી ઘણી પોસ્ટ મળશે. અખબારોમાં લેખો લખાશે. ડિબેટો થશે. વ્યવસ્થિતપણે નરેટિવ સ્થાપિત કરવામાં આવશે. જેની શરૂઆત થઈ ગઈ છે.

2017થી ભારતમાં રોહિંગ્યાઓ માટે સહાનુભૂતિની દુકાનો ખુલી ગઈ છે

એવું નથી કે આ પ્રવૃત્તિઓ ICJના ચુકાદા પછીથી શરૂ થઈ છે. ભારતમાં ડાબેરીઓ દ્વારા રોહિંગ્યાઓની તરફેણ કરવાનો ઇતિહાસ લાંબો છે. 2017માં મ્યાનમારની સૈન્ય કાર્યવાહી પછી જ રોહિંગ્યાઓના વિસ્થાપનનો મુદ્દો ઉભો થયો ત્યારે ભારતમાં રાજકીય-સામાજિક વર્ગોમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સતત રોહિંગ્યાઓની તરફેણમાં રહ્યાં છે અને તેમના માટે સહાનુભૂતિ ઉઘરાવવામાં ક્યારેય પાછળ પડ્યાં નથી. તેનું એક મોટું કારણ વોટબેન્ક હતું. બાંગ્લાદેશ સાથે બંગાળની સરહદો જોડાયેલી છે. બંગાળમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વર્ષોથી એક સંવેદનશીલ વિષય રહ્યો છે પણ મમતા સરકાર કાયમ આ બાબત અવગણતી રહી અને ઘૂસણખોરો પ્રત્યે કૂણું વલણ દાખવતી રહી, કારણ કે તેઓ જો નાગરિકત્વ મેળવે કે મતાધિકાર મેળવે તો આખરે લાભ મમતા અને ટીએમસીને હતો.

મમતા જોકે એકલાં નથી. 2017માં અમુક યુઝઅલ સસપેક્ટોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને રોહિંગ્યાઓને બળજબરીથી પરત ન મોકલવાની કાર્યવાહી ન કરવા માટે વિનંતી કરી હતી. પત્ર લખનારાઓનાં અમુક નામો અહીં પ્રસ્તુત છે: પી ચિદમ્બરમ, શશિ થરૂર, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, હર્ષ મંદર, સ્વરા ભાસ્કર, તિસ્તા સેતલવાડ વગેરે. આ તમામે મોદીને પત્ર લખીને કહ્યું હતું કે રોહિંગ્યાઓને જો પરત મોકલીશું તો તેઓ ફરી અત્યાચારનો ભોગ બનશે, માટે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ.

જમિયત ઉલેમા-એ-હિન્દ પણ સતત રોહિંગ્યાઓના સમર્થનમાં રહ્યું છે. 2017માં જમિયતે જંતર-મંતર પર રોહિંગ્યાઓના સમર્થનમાં મોટું પ્રદર્શન કર્યું હતું અને તેમાં કેન્દ્ર સરકાર પર રોહિંગ્યાઓને આતંકવાદ સાથે જોડીને દેશનિકાલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 2021માં સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી તેમાં પણ પ્રશાંત ભૂષણ અને કોલિન ગોન્સાલ્વિસ વગેરે જાણીતાં નામો હતાં. પછીથી છાશવારે રોહિંગ્યાઓનો મુદ્દો ઉપડે ત્યારે જાહેર ચર્ચા સહાનુભૂતિ તરફ વળે તે માટેના પ્રયાસો થતા રહ્યા છે.

અંતિમ ઉદ્દેશ્ય એ જ છે કે આ બધી ચર્ચાઓ થકી ભારતમાં રોહિંગ્યાઓની હાજરી અને વસવાટને રાજકીય અને કાયદાકીય રીતે સુરક્ષિત કરવામાં આવે. રોહિંગ્યાઓ નરસંહારના પીડિતો છે, તેમના પ્રત્યે માનવતા દાખવવી જોઈએ, તેમને હાંકી ન કાઢવા જોઈએ એવી વાતો ફરતે નરેટિવ ગોઠવી દેવામાં આવે તો આ જાહેર ચર્ચાઓની અસર અદાલતોના ચુકાદાઓ પર અને સરકારી નીતિઓ પર પડ્યા વગર રહે નહીં.

ભારત ધર્મશાળા નથી, દરેક સંકટગ્રસ્ત સમુદાયને લાવીને વસાવવાનો ઠેકો પણ નથી લઈ રાખ્યો

પરંતુ અહીં મૂળ વાત એ છે કે મ્યાનમારમાં નરસંહાર થયો હોય કે વિશ્વના બીજા કોઈ દેશમાં યુદ્ધ, હિંસા કે અત્યાચાર થયા હોય, તેનો અર્થ એ નથી કે ભારતે દરેક સંકટગ્રસ્ત સમુદાયને લાવીને પોતાના દેશમાં વસાવવાની જવાબદારી ઉઠાવવી પડે. ભારત ધરમશાળા નથી કે દરેક મુશ્કેલીમાં ફસાયેલા વિદેશી સમુદાયને લાવીને વસાવવાનો ઠેકો પણ નથી લઈ રાખ્યો.

ભારત સાર્વભૌમ રાષ્ટ્ર છે. પોતાની સરહદોનું રક્ષણ કરવું, દેશની સુરક્ષા જાળવવી અને નાગરિકોનાં હિતોને પ્રાથમિકતા આપવી એ કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્રની જવાબદારી છે અને તેની સરકારનું મૂળભૂત કર્તવ્ય છે. વડા પ્રધાન મોદી અનેક વખત જાહેર મંચો પરથી કહેતા રહ્યા છે કે દેશના નાગરિકોના હકો પહેલા આવે છે, સંસાધનો પર અધિકાર દેશના નાગરિકોનો છે. તેમને છોડીને ઘૂસણખોરોને પ્રાથમિકતા કોઈ સરકાર ન આપી શકે. કોઈ દેશ ન આપી શકે.

રોહિંગ્યાઓને ભારતમાં વસાવવા માટે માનવતાના નામે દલીલો કરનારાઓ એ ભૂલી જાય છે કે આ ચીલો ચાતરી દેવામાં આવે એનાં દુષ્પરિણામો શું હોય શકે. તેનાથી માત્ર માનવતાનો જ પ્રશ્ન ન સર્જાય પણ તેની સાથે રાષ્ટ્રીય સુરક્ષા, સ્થાનિક સંસાધનો, રોજગાર અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પણ જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે મુદ્દો ગયો હતો ત્યારે પણ રોહિંગ્યા સહિતના ગેરકાયદે ઘૂસણખોરોને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવાયા હતા અને પુરાવા સહિત વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ ઘૂસણખોરો અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના પણ રેકોર્ડ અને ડેટા ઉપલબ્ધ છે.

આ સંજોગોમાં ભારતની સરકાર માત્ર સંવેદનશીલતા અને માનવતાના નામે નિર્ણયો ન લઈ શકે અને દરેક પરિબળો જોવાં પડે છે. સરકાર ભારતની સુરક્ષા અને નાગરિકોના હિતોની પ્રાથમિકતાના આધારે નિર્ણય લે તો એ અમાનવીય ન કહી શકાય. આ કોઈ પણ સાર્વભૌમ રાષ્ટ્રના કર્તવ્યમાં આવે છે.

ભારત ભૂતકાળમાં શરણાર્થીઓને આશ્રય આપી ચૂક્યું છે. ભારતે પોતાની ક્ષમતા અને રાષ્ટ્રીય હિતને બેલેન્સ કરીને હંમેશાં માનવતાવાદી ભૂમિકા ભજવી છે. આવા નિર્ણયો કરતી વખતે કાયમ પરિસ્થિતિ, સંજોગો અને ભારતીય નાગરિકોના હિતોનો વિચાર કરવામાં આવ્યો છે. પણ આ પરંપરાને ભારતની સરહદો અનિયંત્રિત રીતે ખુલ્લી રાખવાની દલીલોમાં ન ફેરવી શકાય. શરણ આપવું કે ન આપવું એ ભારતનો નિર્ણય છે, કોઈ વિદેશી સમુદાયનો વિશેષાધિકાર નથી કે તે કે તેની તરફેણ કરનારાઓ સરકારને પોતાની નીતિ બદલવા માટે દબાણ કરી શકે.

કાશ્મીરી હિંદુઓની વાત આવે ત્યારે આ માનવતા અને સંવેદનશીલતા ક્યાં જાય છે?

આ ચર્ચામાં એક મોટો વિરોધાભાસ એ પણ છે કે રોહિંગ્યાઓ માટે ધરતી-આકાશ એક કરી દેનારાઓનો રાજકીય-બૌદ્ધિક વર્ગ ભારતમાં જ અત્યાચારોનો ભોગ બનેલા હિંદુઓની વાત આવે ત્યારે સદંતર મૌન થઈ જાય છે. ત્યારે આ સંવેદનશીલતા અને માનવતા વિદાય લઈ લે છે. આ તમામની માનવતાની કસોટી ભારતના નાગરિકોના મુદ્દે પણ થાય એ સમયની માંગ છે.

કાશ્મીરી હિંદુઓએ 1990ના દાયકામાં ઇસ્લામી આતંકવાદ, નરસંહાર અને સામૂહિક વિસ્થાપનનો ભોગ બનવું પડ્યું. પોતાના ઘરેથી રાતોરાત બહાર નીકળવાની ફરજ પડી હતી એવા હજારો પરિવારો વર્ષોથી શરણાર્થી જેવી સ્થિતિમાં જીવ્યા. તેમની સંપત્તિ, તેમનાં ઘરો, સામાજિક-સાંસ્કૃતિક ઓળખ અને વતનમાં પરત ફરવાનો અધિકાર– આ બધું જ એક ઝાટકે આંચકી લેવામાં આવ્યું હતું. પણ રોહિંગ્યાઓ, જેઓ વિદેશી નાગરિકો છે, તેમના માટે જેટલી તીવ્રતા દર્શાવાય છે તેની દસમા ભાગની પણ અહીં જોવા મળતી નથી.

કાશ્મીરી હિંદુઓ તો આ દેશના નાગરિકો હતા. તેમને પોતાના દેશમાંથી વિસ્થાપિત થવું પડ્યું હતું. તેઓ વતનમાં પરત ફરે તે માટેની સુરક્ષિત વ્યવસ્થા, ન્યાય અને પુનર્વસનની માંગણી એ કોઈ વિદેશી સમુદાય માટે શરણની માંગ કરતાં વધુ પ્રાથમિક બાબત હોવી જોઈએ. પરંતુ એવું ક્યારેય થયું નથી. કાશ્મીરી હિંદુઓના મુદ્દે ક્યારેય આવી સંગઠિત સક્રિયતા જોવા મળતી નથી. તેમની પીડા માટે, તેમને ન્યાય મળે એ માટે આ કથિત માનવતાવાદી વર્ગ કેટલી વાર રસ્તા પર વિરોધ કરવા આવ્યો છે? કેટલા ખુલ્લો પત્ર લખ્યા? કેટલી ડિબેટો થઈ કે અખબારોમાં લેખો લખાયા? કેટલા રાજકીય પક્ષોએ આ મુદ્દાને પોતાના એજન્ડામાં સમાવ્યો? જવાબ આપણે જાણીએ જ છીએ.

એટલે રોહિંગ્યાઓ મુદ્દે ભારત સરકારની નીતિઓનો વિરોધ કરવો અને તેમને ભારતમાં વસાવવા માટે સતત દબાણ બનાવી રાખવું એ સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવતું કામ છે. એક રાજકીય પસંદગી છે. પરંતુ માનવાધિકારની વાત પસંદગીપૂર્વક ન થઈ શકે. રોહિંગ્યાઓ માટે સહાનુભૂતિની દુકાન ખોલી બેસનારાઓ ક્યારેય કાશ્મીરી હિંદુઓ કે ભારતમાં હિંદુ સમુદાયો પ્રત્યે થતા અત્યાચારો વિશે વાત કરતા નથી. કારણ કે એ તેમના એજન્ડામાં નથી.

માનવતાની ચર્ચા સર્વવ્યાપી મૂલ્યોના આધારે થતી હોય તો તે માત્ર રોહિંગ્યાઓ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. માનવતાનું મૂલ્ય રાજકીય અનુકૂળતા મુજબ બદલાતું ન રહે ત્યારે જ તેની વિશ્વસનીયતા રહે છે.

મ્યાનમારમાં થયેલા નરસંહાર માટે મ્યાનમારની સરકારને જવાબદાર ઠેરવવામાં આવે છે. ભારત માનવતાવાદી અભિગમ રાખે પણ સરહદો, કાયદા અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા નિર્ણયો આંતરરાષ્ટ્રીય ચુકાદાના ભાવનાત્મક અર્થઘટનના આધારે ન થઈ શકે, એ નિર્ણયો લેતી વખતે સરકાર પરિસ્થિતિ, સંજોગો, નિર્ણયોનાં પરિણામો અને દુષ્પરિણામો અને ભારતના નાગરિકોના હિતોને ધ્યાનમાં લેશે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં