હોમપેજક્રાઈમ250નું મુસ્લિમ ટોળું, ઘરમાં ઘૂસીને પથ્થરમારો અને પૂર્વનિયોજિત હુમલો…: વડગામના તેનીવાડામાં હિંદુ...

250નું મુસ્લિમ ટોળું, ઘરમાં ઘૂસીને પથ્થરમારો અને પૂર્વનિયોજિત હુમલો…: વડગામના તેનીવાડામાં હિંદુ મહિલાઓની લાજ પર પંજો!– Exclusive Ground Report

બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં હિંદુ પરિવારના ઘરમાં ઘૂસી મહિલાઓના કપડાં ફાડી અભદ્ર વર્તન અને ઘાતક હુમલાનો પીડિતોનો ગંભીર આક્ષેપ; અગાઉ પોતાના વાહનો હટાવીને મુસ્લિમોએ પ્લાનિંગ સાથે પથ્થરમારો કર્યો હોવાનો દાવો, છાપી પોલીસે બંને પક્ષે કુલ 19 લોકોની અટકાયત કરી

- Advertisement -

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મતવિસ્તારમાં આવતા ગામોમાં હિંદુ સમાજ પર થઈ રહેલા હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં દિવાળીના ફટાકડા ફોડવા બાબતે હિંદુ દલિત યુવાનો પર હુમલાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં હવે વડગામ તાલુકાના તેનીવાડા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે.

તેનીવાડા ગામમાં એક હિંદુ રાજપૂત પરિવારના ઘરમાં ઘૂસીને મુસ્લિમ ટોળા દ્વારા ઘાતક હુમલો, પથ્થરમારો અને ઘરની મહિલાઓના કપડાં ફાડી તેમની લાજ લેવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઑપઇન્ડિયા ગુજરાતીની ટીમે તેનીવાડા ગામના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પીડિત મહિલાઓ, ગ્રામજનો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત યુવાન સાથે સીધી વાતચીત કરી હતી.

ઘરમાં માત્ર મહિલાઓ અને ઘોડિયામાં સૂતેલું બાળક હતું ત્યારે ટોળું ઘૂસ્યું

અમે જ્યારે પીડિત પરિવારના ઘરની મુલાકાત લીધી ત્યારે સમગ્ર ઘરમાં તોડફોડ અને પથ્થરમારાનાં નિશાન સ્પષ્ટ જોવા મળ્યાં હતાં. ઘરની બારીઓના કાચ તૂટેલા હતા અને વાયરલ વિડિયોમાં જોવા મળ્યા મુજબ, જે ઘોડિયામાં એક નાનકડું બાળક સૂતું હતું તેની આસપાસ પણ પથ્થરોના ઢગલા પડ્યા હતા. સદનસીબે પરિવારની એક દીકરીએ સમયસૂચકતા વાપરી બાળકને ઉઠાવી લેતાં બાળકનો જીવ બચી ગયો હતો.

- Advertisement -

પીડિત મહિલાઓએ ઑપઇન્ડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું કે, ઘટના સમયે ઘરના પુરુષો ખેતરે અને કામ-ધંધે ગયા હતા અને ઘરમાં માત્ર મહિલાઓ જ હાજર હતી. પીડિત મહિલાઓના નિવેદન મુજબ:

“શરૂઆતમાં પાંચેક મુસ્લિમ શખ્સો આવ્યા હતા અને ‘હિંદુઓના-રાજપૂતોના ઘરમાં ઘૂસીને તેમની છોકરીઓ અને બૈરાઓની ઈજ્જત લૂંટી લો’ તેવી ઉશ્કેરણીજનક વાતો કરીને સીધો હુમલો કર્યો હતો. ઘરમાં એકલી રહેલી મહિલાઓને નીચે પાડીને તેમના સાડી અને બ્લાઉઝ ફાડી નાખવામાં આવ્યાં હતાં અને ગળું દબાવવાનો પ્રયાસ થયો હતો. બચાવવા વચ્ચે પડેલી દીકરીઓના ટી-શર્ટ અને કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં હતાં.”

એક પીડિત મહિલાએ જણાવ્યું હતું કે આ હુમલા અને આઘાતને કારણે તેઓ બે દિવસ સુધી બોલવાની સ્થિતિમાં પણ નહોતા.

પહેલાં વાહનો હટાવ્યાં અને પછી મુસ્લિમ ટોળાએ પથ્થરમારો કર્યો: પીડિતોનો આક્ષેપ

ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન પીડિત મહિલાઓ અને ગ્રામજનોએ આ હુમલાને પૂર્વયોજિત કાવતરું (Planned Attack) ગણાવતાં બે સ્થાનિક વ્યક્તિઓ–‘ઇમરાન ડોક્ટર’ અને પૂર્વ સરપંચ ‘ઇલ્યાસભાઈ’/’ઇતિહાસભાઈ’–ની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

પીડિત મહિલાઓના આક્ષેપ મુજબ:

“પહેલા પાંચ લોકોએ આવીને હુમલો કર્યો, ત્યારબાદ ઇમરાન ડોક્ટર અને પૂર્વ સરપંચ ઇલ્યાસભાઈ ત્યાં આવ્યા હતા. તેમણે શાંતિ કરાવવાના બહાને પહેલાં લોકોને પાછા વાળ્યા અને ચોકમાં પાર્ક કરેલી પોતાની ફોર-વ્હીલર ગાડીઓ ત્યાંથી હટાવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધી હતી, જેથી પથ્થરમારામાં તેમના વાહનોને નુકસાન ન થાય. ત્યારબાદ 250થી 400 લોકોનું ટોળું ભેગું કરીને ધાબા પર ચડીને અમારા ઘરો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો અને ખુદ ઇમરાન ડોક્ટરે મહિલાઓની ઈજ્જત લૂંટવા માટે ટોળાને ઉશ્કેર્યું હતું.”

‘હિંદુઓનાં ઘર ઓછાં હોવાથી ગામ છોડીને પલાયન કરવા દબાણ કરાય છે’

તેનીવાડા ગામની એક અન્ય પીડિત મહિલાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે ગામમાં હિંદુઓનાં ઘર ઓછાં છે અને મુસ્લિમોની વસ્તી વધારે હોવાથી અવારનવાર હિંદુ પરિવારોને હેરાન કરવામાં આવે છે. રસ્તા પર કચરો નાખવો, આવતી-જતી દીકરીઓની મશ્કરી કરવી અને “તમે અહીંથી ગામ છોડીને ભાગી જાઓ” તેવું કહીને પલાયન કરવા માટે માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.

બચાવવા આવેલા યુવાનનો હાથ તોડી નાખ્યો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ હુમલામાં હિંદુ પરિવારના પુરુષોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘરના વડીલો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. ઑપઇન્ડિયાની ટીમે પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત યુવાન સુરેશભાઈ સાથે પણ વાતચીત કરી હતી.

સુરેશભાઈએ જણાવ્યું હતું કે:

“હું બહાર હતો ત્યારે મારા ભાઈનો ફોન આવ્યો કે અમારા પર હુમલો થયો છે. હું બાઈક લઈને જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ ધોકા અને કોદાળી જેવા હથિયારોથી મારા પર હુમલો કરી દેવામાં આવ્યો. મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને ઑપરેશન કરીને પ્લેટ નાખવી પડી છે, જેમાં દોઢથી પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ હુમલો અચાનક નહીં, પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો.”

પોલીસનું શું કહેવું છે? બંને પક્ષે ફરિયાદ અને 19ની અટકાયત

આ સમગ્ર મામલે સત્તાવાર વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયા ગુજરાતીએ છાપી પોલીસ સ્ટેશનના PI નો સંપર્ક કર્યો હતો. કોર્ટની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેમણે ફોન પર આપેલી માહિતી મુજબ, આ ઘટનામાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે અને અત્યાર સુધીમાં બંને પક્ષના મળીને કુલ 19 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે.

જોકે ગ્રામજનોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે હુમલાનો ભોગ બનેલા નિર્દોષ હિંદુ યુવાનો સામે પણ ખોટી ફરિયાદ કરીને તેમને ફસાવવામાં આવ્યા છે, જ્યારે વિડીયોમાં પથ્થરમારો કરતા દેખાતા મુખ્ય મુસ્લિમ સૂત્રધારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારમાં જ હિંદુઓ અસુરક્ષિત કેમ?

વડગામ વિધાનસભા મતવિસ્તારમાં એક પછી એક સામે આવી રહેલી આ ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. એક તરફ ભાગળ ગામ– જ્યાંથી જુલાઈ 2026માં ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદના (JeM) આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા– ત્યાં દિવાળીના ફટાકડા ફોડવા બાબતે દલિત યુવાનો પર હુમલો થાય છે; અને બીજી તરફ તેનીવાડા ગામમાં હિંદુ રાજપૂત પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓની લાજ પર હાથ નાખવાનો પ્રયાસ થાય છે.

સવાલ એ ઊભો થાય છે કે વડગામના કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, જેઓ દેશભરમાં બંધારણ અને દલિત-મહિલા અધિકારોના નામે ભાષણો આપે છે, તેઓ પોતાના જ મતવિસ્તારમાં હિંદુ પરિવારો અને દલિત યુવાનો પર થઈ રહેલા આ હુમલાઓ સમયે કેમ મૌન સેવી લે છે? શું ચોક્કસ વોટબેન્ક ખુશ રાખવા માટે આ વિસ્તારમાં કટ્ટરપંથી તત્ત્વોને રાજકીય છત્રછાયા મળી રહી છે?

ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર જનતાને પૂરો વિશ્વાસ છે, ત્યારે તેનીવાડા ગામના વાયરલ વિડીયોના આધારે મહિલાઓની છેડતી અને પૂર્વયોજિત પથ્થરમારાના મુખ્ય આરોપીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી થાય તે સમયની માંગ છે.

(નોંધ: તેનીવાડા ગામનો સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ ઑપઇન્ડિયા ગુજરાતીની YouTube ચેનલ પર જોઈ શકાય છે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં