તિરુપરનકુંદ્રમ દીપમ વિવાદ: સુપ્રીમ કોર્ટે દીપ પ્રગટાવવા માટે આપી મંજૂરી તો ફરી રિવ્યૂ પિટિશન સાથે પહોંચી ગઈ તમિલનાડુની વિજય જોસેફ સરકાર

તમિલનાડુના મદુરાઈ સ્થિત તિરુપરનકુંદ્રમ ટેકરી સંબંધિત હિંદુઓની ધાર્મિક પરંપરા સામે ફરીથી તમિલનાડુની વિજય જોસેફ સરકારે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરના રોજ કાર્તિકાઈ દીપમના અવસરે પર્વતના પરંપરાગત સ્તંભ ‘દીપથૂન’ પર દીપ પ્રગટાવવાની મંજૂરી આપ્યા બાદ હવે રાજ્ય સરકારે એક પુનર્વિચાર અરજી દાખલ કરીને કોર્ટને નિર્ણય પરત ખેંચવા માટે વિનંતી કરી છે.

આ સમગ્ર મામલો ભગવાન મુરુગનના ઐતિહાસિક સુબ્રમણ્ય સ્વામી મંદિર સાથે જોડાયેલો છે. તિરુપ્પરનકુંદ્રમ પહાડી પર જ એક દરગાહ પણ આવેલી છે, જેની નજીક પથ્થરનો પ્રાચીન સ્તંભ ‘દીપથૂન’ આવેલો છે. હિંદુ ભક્તો અને સંગઠનોની લાંબા સમયથી માગ હતી કે તેમની પ્રાચીન પરંપરા મુજબ આ સ્તંભ પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની છૂટ મળવી જોઈએ.

20 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે 24 નવેમ્બરે એક વખત માટે દીપથૂન પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. શાંતિ જળવાઈ રહે તે માટે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર મંદિરના અધિકૃત લોકો અને અધિકારીઓ જ ત્યાં જઈ શકશે અને જરૂર પડે તો કેન્દ્રીય સુરક્ષા દળની (CISF) મદદ પણ લઈ શકાશે.

બીજા જ દિવસે તમિલનાડુ સરકાર પહોંચી કોર્ટ

જોકે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તમિલનાડુ સરકારને પચ્યો નહીં. આદેશના બીજા જ દિવસે, એટલે કે 21 નવેમ્બરે રાજ્ય સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી દીધી.

તમિલનાડુ સરકારે પોતાની અરજીમાં એવો બચાવ કર્યો છે કે દીપથૂન પર દીવો પ્રગટાવવાના કોઈ પુરાવા નથી અને વર્ષોથી નીચે આવેલા દીપ મંડપમમાં જ દીવો પ્રગટાવાય છે. આ જ દલીલ સરકારે અગાઉની અરજી પર ચાલી રહેલી સુનાવણી દરમ્યાન કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત સરકારે દરગાહની નજીક કાયદો અને વ્યવસ્થા બગડવાનું બહાનું આગળ ધર્યું છે. જ્યારે પણ હિંદુ ધાર્મિક પરંપરાઓની વાત આવે છે ત્યારે રાજ્ય સરકાર હંમેશા કાયદો-વ્યવસ્થાનું કારણ આગળ ધરી દે છે.  

સરકારે કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરી છે કે જો 24 નવેમ્બરે એક વખત દીવો પ્રગટાવી દેવામાં આવશે તો પછી તેને રોકી શકાશે નહીં અને અરજદારોને અંતિમ ચુકાદા પહેલાં જ જીત મળી જશે. આથી સરકારે સુપ્રીમ કોર્ટ પોતાના જ આદેશ પર તાત્કાલિક રોક લગાવે, જેથી કાર્તિકાઈ દીપમના દિવસે પરંપરાગત સ્તંભ પર દીવો ન પ્રગટાવી શકાય.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ માત્ર એક વખતની મંજૂરી છે અને તેનાથી કોઈ કાયમી અધિકાર ઊભો થતો નથી. વધુમાં આ કેસની મુખ્ય સુનાવણી જાન્યુઆરી 2027માં થવાની જ છે. છતાં, તમિલનાડુ સરકાર નથી ઇચ્છતી કે એક દિવસ માટે પણ હિંદુ શ્રદ્ધાળુઓ પરંપરા અનુસાર દીવો પ્રગટાવે.