ઑપરેશન સિંદૂર દરમ્યાન ગુજરાતના દરિયાકાંઠે નજર રાખી રહ્યા હતા ત્રણ ચીની સેટેલાઈટ: રિપોર્ટ

પાકિસ્તાન સામે ભારતીય સેનાએ લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર દરમિયાન ચીન પણ અંતરિક્ષમાંથી ભારતની હિલચાલ પર નજર રાખી રહ્યું હોવાની માહિતી તાજેતરમાં સામે આવી છે. બેંગલુરુની સ્પેસ સર્વિલન્સ કંપની દિગંતારાના વિશ્લેષણ પર આધારિત ‘ધ પ્રિન્ટ’ના અહેવાલમાં આ વાત બહાર આવી છે. વિશ્લેષણ અનુસાર આ દરમિયાન 3 ચીની સેટેલાઈટ ભારતના વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારો પર નજર રાખી રહ્યા હતા.

આમ તો તે સમયે જમીન પર મુખ્ય સૈન્ય સંઘર્ષ જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ચાલતો હતો. છતાં ચીનના સેટેલાઇટનું ધ્યાન ગુજરાતના દરિયાકાંઠા પર કેન્દ્રિત હતું. તેમાં ભુજ, નલિયા અને જામનગર જેવાં શહેરો સામેલ હતાં. આ બધા વિસ્તારો વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વના છે. 

ભુજ અને નલિયામાં ભારતીય વાયુસેનાના મહત્વના મથકો આવેલાં છે, જ્યારે દરિયાકિનારે INS સરદાર પટેલ અને INS દ્વારકા જેવાં નૌકાદળનાં મથકો પણ છે. આ ઉપરાંત જામનગરમાં આવેલી રિલાયન્સની મોટી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સુવિધાઓ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. આ રિફાઇનરીઓ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર છે.

ત્રણ સેટેલાઈટ અલગ-અલગ રીતે કરે છે કામ

ઉલ્લેખનીય છે કે ચીનના ત્રણ સેટેલાઇટ Ningxia-14, Gaofen-11 અને Yaogan-30 સક્રિય હતા. દરેક સેટેલાઇટ અલગ ટેક્નોલોજીથી માહિતી ભેગી કરે છે. Ningxia-14 અને Yaogan-30 રડાર, રેડિયો ફ્રીક્વન્સી અને ઇલેક્ટ્રોનિક સિગ્નલ પકડી શકે છે. તેનાથી સૈન્ય મથકો કે જહાજોના સિગ્નલની વિગતો મળી શકે છે.

Gaofen-11 સેટેલાઇટ એકદમ સ્પષ્ટ અને હાઇ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. તેનાથી બંદરો પર ઊભેલાં જહાજો પણ જોઈ શકાય છે. એરબેઝ પરના વિમાનોની સ્થિતિ પણ જાણી શકાય છે. આમ અંતરિક્ષમાંથી પણ ઝીણી અને વિગતવાર નજર રાખી શકાય છે.

ઑપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી જ હતી ચીની સેટેલાઈટની નજર

રિપોર્ટ મુજબ, 7 મે, 2025ના રોજ જે દિવસે ઑપરેશન સિંદૂર શરૂ થયું, તે જ દિવસે Yaogan-43 01G નામના અન્ય એક ચીની સેટેલાઇટે પોતાની ભ્રમણકક્ષા બદલી હતી. આ ફેરફારને કારણે તે સેટેલાઇટને ભારતીય સૈન્ય મથકો ઉપરથી વધુ સમય સુધી પસાર થવાની તક મળી અને ચાર દિવસ સુધી દેખરેખની પ્રવૃત્તિ વધી હોવાનું કહેવાયું છે.

સામાન્ય રીતે આપણે જાસૂસી એટલે સરહદ પર ઘૂસણખોરી, ડ્રોન કે જમીન પરના જાસૂસો વિશે વિચારીએ છીએ. પરંતુ આ ઘટના બતાવે છે કે હવે હજારો કિલોમીટર દૂર અંતરિક્ષમાંથી પણ સેટેલાઇટ દ્વારા નજર રાખી શકાય છે.