ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઈને ગુજરાતના પ્રદેશ નેતાઓ સુધીના તમામ નેતાઓ રાજ્યમાં ફરી સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ગુજરાત કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. પક્ષની અંદર ચાલતો જૂથવાદ, નેતાઓ વચ્ચેની ખેંચતાણ અને સંગઠનાત્મક નબળાઈ હવે એટલી હદે પહોંચી ગઈ છે કે કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિપક્ષના નેતાની પસંદગી પણ કરી શકતી નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ અમદાવાદ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યું છે.
એપ્રિલ 2026માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામો જાહેર થયાં હતાં. આ ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સત્તા મેળવીને કોંગ્રેસ સહિતના વિપક્ષોને ધૂળ ચટાડી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 32 બેઠકો મળી હતી.
સંખ્યાબળની દ્રષ્ટિએ ઘણી પાછળ હોવા છતાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાનું પદ મેળવવાની તક હતી. પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થયાના છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, પક્ષ આ પદ માટે કોઈ એક નામ પર સર્વસંમતિ સાધી શક્યો નથી.
શહેઝાદખાન પઠાણ અને નિરવ બક્ષી વચ્ચે ખેંચતાણ
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા બનવા માટે મુખ્યત્વે બે નામોની ચર્ચા ચાલી રહી છે. એક તરફ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ, જ્યારે બીજી તરફ દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીનું નામ આગળ કરવામાં આવી રહ્યું છે.
દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ અગાઉ પણ અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતનું એક જૂથ મુસ્લિમ વૉટબેંકના કારણે તેમને ફરીથી આ પદ પર બેસાડવાની તરફેણમાં છે.
બીજી તરફ દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નિરવ બક્ષી અગાઉ વિપક્ષના ઉપનેતા રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કેટલાક નેતાઓ નિરવ બક્ષી અથવા જૈમિન શર્મા જેવા અન્ય હિંદુ નેતાઓને તક આપવાની તરફેણમાં હોવાની ચર્ચા છે. કોંગ્રેસ સંભવતઃ હવે મુસ્લિમ તુષ્ટિકરણ કરતા પક્ષની છાપ ભૂંસવાના પ્રયાસો કરી રહી છે, એટ લિસ્ટ ગુજરાતમાં તો ખરી જ, કારણ કે હવે પક્ષને સમજાયું હોવું જોઈએ કે ગુજરાતમાં રહીને હિંદુઓને નારાજ કરી શકાય એમ નથી. પરંતુ તેમ છતાં પક્ષ સ્પષ્ટપણે નિર્ણય લઈ શકતો નથી અથવા લેવા માગતો નથી.
કહેવાય છે કે સ્થાનિક સ્તરે ઉકેલ ન આવતાં આખરે આ મામલો કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી પહોંચ્યો હતો. ઑક્ટોબર 2026માં કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાનના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક તરીકે અમદાવાદ મોકલ્યા હતા. તેમને અમદાવાદના 32 ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે વન-ટુ-વન બેઠક કરીને તેમના અભિપ્રાય જાણવાની અને યોગ્ય નામની ભલામણ હાઈકમાન્ડને મોકલવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
નિરીક્ષકની મુલાકાત અને તમામ કોર્પોરેટરોનાં મંતવ્યો લેવાયા બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે દિવાળી આસપાસ વિપક્ષના નેતાના નામની જાહેરાત થઈ જશે. પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ શકી નથી.
બનાસકાંઠામાં પણ પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી
કોંગ્રેસની આ સ્થિતિ કોઈ એક શહેર કે એક પદ પૂરતી મર્યાદિત નથી. થોડા સમય પહેલાં બનાસકાંઠા કોંગ્રેસમાં પણ આવો જ આંતરિક વિવાદ સામે આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે 11 સપ્ટેમ્બર 2026ના રોજ જિલ્લા કોંગ્રેસની નવી ટીમ જાહેર કરી હતી. જોકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદીને પ્રદેશની મંજૂરી વગર જાહેર કરવામાં આવી હોવાનું જણાવી રદ કરી દીધી હતી.
આ નિર્ણયથી જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ગુલાબસિંહ રાજપૂતે પણ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસની લડાઈ ભાજપ સરકાર સામે હોવી જોઈએ, પોતાના જ કાર્યકરો અને નેતાઓ સામે નહીં. તેમણે સંગઠનના કામમાં અવરોધ ઊભા થતો હોવાની પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિવાદમાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય સ્થાનિક નેતાઓની ભૂમિકા પણ ચર્ચામાં આવી હતી. આટલું જ નહીં, બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ રોહિત પારઘીના રાજીનામાના અહેવાલોએ પણ પક્ષની આંતરિક સ્થિતિને ઉજાગર કરી હતી.
ખાસ વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા ગુજરાતની એકમાત્ર એવી બેઠક હતી જ્યાં કોંગ્રેસે જીત મેળવી હતી. ગેનીબેન ઠાકોરની જીતને કોંગ્રેસે રાજ્યમાં પોતાની રાજકીય હાજરી માટે મોટી સફળતા ગણાવી હતી. પરંતુ જે જિલ્લામાંથી પક્ષને લોકસભામાં એકમાત્ર જીત મળી હતી ત્યાં પણ સંગઠનાત્મક વિવાદો અટકવાનું નામ લઈ રહ્યા નથી.
ગુજરાત જીતવાના દાવા, પરંતુ સંગઠન સંભાળવામાં નિષ્ફળતા
બનાસકાંઠાનો વિવાદ હોય કે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતાની પસંદગીનો મામલો, બંને ઘટનાઓમાં એક વાત સરખી જોવા મળે છે. કોંગ્રેસની અંદર નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ અને સંગઠન પર નિયંત્રણ મેળવવાની ખેંચતાણ સતત સામે આવી રહી છે. એક તરફ ભાજપ સામે લડવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓ વચ્ચે સહમતી સધાતી નથી.
રાજકારણમાં કોઈપણ ચૂંટણી જીતવા માટે માત્ર મોટા ભાષણો કે સોશિયલ મીડિયા પરના દાવા પૂરતા હોતા નથી, તેના માટે જમીની સ્તરે મજબૂત સંગઠન અને નેતાઓ વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે કોંગ્રેસની સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી જોવા મળી રહી છે.
એક તરફ દિલ્હીથી આવતા કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં સત્તા પરિવર્તનના દાવા કરે છે અને ભાજપને તેના જ ગઢમાં હરાવવાની વાતો કરે છે, તો બીજી તરફ રાજ્યનું સ્થાનિક સંગઠન આંતરિક જૂથવાદ અને ખેંચતાણમાં જ અટવાયેલું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની પસંદગીનો મામલો હોય કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની કારોબારી રદ કરવાનો વિવાદ, દરેક ઘટનામાં એક જ વાત સમાન રીતે સામે આવે છે–પક્ષની અંદર નિર્ણાયકતા અને સંકલનનો અભાવ.
એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કારમી હાર બાદ અમદાવાદમાં વોર્ડ પ્રમુખોને હટાવવાથી લઈને કાર્યકરોની નારાજગી સુધીનો અસંતોષ ખુલીને બહાર આવ્યો હતો. જે પક્ષ પોતાના 32 ચૂંટાયેલા કોર્પોરેટરો વચ્ચે છ મહિનામાં એક વિપક્ષનો નેતા નક્કી ન કરી શકે, તે પક્ષ રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર ભાજપના બૂથ સ્તરના મજબૂત માળખા સામે કેવી રીતે ટક્કર ઝીલશે તે સૌથી મોટો સવાલ છે.
સંગઠનને બેઠું કરવા માટે સપ્ટેમ્બર 2026માં કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રભારી બદલીને રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાને ગુજરાતની જવાબદારી સોંપી. નવા પ્રભારીએ પક્ષમાં ‘રેસના ઘોડા’ અને ‘લગ્નના ઘોડા’ વચ્ચે ભેદ પાડીને સંગઠનને સાફ કરવાની વાતો તો શરૂ કરી છે, પરંતુ જમીની વાસ્તવિકતા હજુ બદલાઈ નથી.
ટૂંકમાં, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ભાજપ કરતાં પણ વધુ પોતાના ઘરની અંદરનો જૂથવાદ છે. જો હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ અમદાવાદ અને બનાસકાંઠા જેવા પાયાના વિવાદો ઉકેલીને કાર્યકરોમાં નવો ઉત્સાહ નહીં ભરે તો ગુજરાત જીતવાના દાવા માત્ર કાગળ પર જ રહી જશે અને 2027માં પક્ષ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ કપરું બની જશે.


