ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસ માગી રહી હતી 100 બેઠકો, સપાએ ઑફર કરી માત્ર 26!

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે તેવી ચર્ચાઓ વચ્ચે મંગળવારે (24 નવેમ્બર) બંને પક્ષો વચ્ચે બેઠક મળી હતી. જોકે હજુ ઘણી બેઠકો અને વાતચીત થશે એમ કહેવાય રહ્યું છે પરંતુ જાણવા મળ્યું છે કે સપાએ કોંગ્રેસને માત્ર 26 બેઠકો ઑફર કરી છે, જ્યારે કોંગ્રેસ 100 કરતાં વધુ બેઠકોની આશા રાખીને બેઠી હતી!

‘ધ હિન્દુ’ના અહેવાલ પ્રમાણે સમાજવાદી પાર્ટીના નેતા અને મહાસચિવ રામગોપાલ યાદવે કોંગ્રેસને 26 બેઠકો માટે ઑફર કરી હોવાની પુષ્ટિ કરી છે. મંગળવારે બંને પાર્ટીઓ માટે બીજા રાઉન્ડની બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

યાદવે કહ્યું, “અમે કોંગ્રેસને એ બે બેઠકોની ઑફર કરી છે જ્યાં તે જીતી હતી. ચાર બેઠકો એવી છે જ્યાં બીજા ક્રમે આવી હતી અને 20 બેઠકો એવી છે જ્યાં અમે (સપા) 60થી 70 હજાર વોટ મેળવ્યા હતા અને કોંગ્રેસને માટે 2 હજાર જેટલા વોટ મળ્યા હતા.”

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કુલ 403 બેઠકો છે, જેમાંથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માત્ર 2 બેઠકો જીતી હતી. પાર્ટી પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં 399 બેઠકો પર લડી હતી, જેમણે ‘લડકી હું, લડ સકતી હું’ કેમ્પેઇન પણ લૉન્ચ કર્યું હતું. પરંતુ 98% બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.

આવા પ્રદર્શન પછી પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 100થી વધુ બેઠકો પર લડવાનાં સપનાં જોઈ રહી છે, પરંતુ સમાજવાદી પાર્ટી આટલી બધી બેઠકો આપવાના મૂડમાં નથી. સપા નેતા રામજી લાલ સુમને કહ્યું કે, “અમે કોંગ્રેસ નેતાઓને વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ સમયની સંવેદનશીલતાને સમજે અને થોડું ફ્લેક્સિબલ સ્ટાન્સ રાખે. દેશના લોકો અને રાજ્યના લોકો પણ ઈચ્છે છે કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થાય.”

બીજી તરફ કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે કે તેઓ ઓછામાં ઓછી 100 બેઠકો મેળવશે અને ગઠબંધન કરીને ચૂંટણી લડશે.

હવે બંને પાર્ટીઓ વચ્ચે આગામી સમયમાં ફરી ચર્ચાઓ થશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થશે, પરંતુ કોંગ્રેસના ઉત્તર પ્રદેશમાં કંગાળ પ્રદર્શનને જોતાં 100 બેઠકો મળે તેની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં 2027ની શરૂઆતમાં ચૂંટણી આવી રહી છે. રાજ્યની 403 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડાશે. છેલ્લી બે ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે.