CJPનો સૌરવ દાસ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવાનો જ નહોતો: લંડન જતાં અટકાવાયા બાદ સામે આવી હકીકત

કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં ચઢતો અટકાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ સૌરવ દાસ અને તેની સાથે જોડાયેલ ગેંગે કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે સરકાર તેમને કોકરોચ આંદોલન વિશે વિદેશની જાણીતી યુનિવર્સિટીઓમાં બોલતા અટકાવવા માગે છે.

પરંતુ આ સમગ્ર ઘટનામાં કેટલીક મહત્વની વિગતો સામે આવી છે, જે સૌરવ દાસના દાવા કરતાં તદ્દન વિપરીત છે. 23 નવેમ્બર 2026ની રાત્રે સૌરવ દાસે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે તે રાત્રે 1 વાગ્યાની લંડન જતી ફ્લાઇટમાં મુસાફરી કરવાનો હતો, પરંતુ દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે, ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેને જાણ થઈ કે તેનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો છે.

ત્યારબાદ તેણે મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સરકાર કોકરોચ આંદોલનથી ડરી ગઈ છે. તેણે એવો પણ દાવો કર્યો કે ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE) અને એડિનબર્ગ જેવી શૈક્ષણિક સંસ્થાઓએ તેને કોકરોચ આંદોલન વિશે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. તેણે સરકાર પર યુવાનોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું આમંત્રણ હતું જ નહીં

આ સમગ્ર વિવાદને લઈને એક પછી એક વિવિધ સત્ય સામે આવી રહ્યા છે જે કોકરોચોની પોલ ખોલી રહ્યા છે. સૌરવ દાસે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા જતો હોવાનો દાવો કર્યો હતો. જોકે, તેની જ કોકરોચ જનતા પાર્ટીની કાનૂની વડી રત્ના સિંઘે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેને અને સૌરવ દાસને ઓક્સફોર્ડ યુનિયન (Oxford Union) તરફથી આમંત્રણ મળ્યું હતું, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી નહીં.

રત્ના સિંઘે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેને પણ વિઝા નહોતા મળ્યા. હવે અહીં સવાલ એ થાય છે કે જ્યારે આમંત્રણ ઓક્સફોર્ડ યુનિયનનું હતું ત્યારે તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું આમંત્રણ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો શું અર્થ?

ઓક્સફોર્ડ યુનિયન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચેનો તફાવત

ઓક્સફોર્ડ યુનિયન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી બે અલગ સંસ્થાઓ છે. ઓક્સફોર્ડ યુનિયનની સ્થાપના 1823માં થઈ હતી. તે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત એક સ્વતંત્ર ચર્ચા અને ડિબેટ સોસાયટી છે. અહીં રાજકારણ, સમાજ, વિજ્ઞાન અને અન્ય વિષયો પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને બોલાવવામાં આવે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની વેબસાઇટ પ્રમાણે, ઓક્સફોર્ડ યુનિયન યુનિવર્સિટીનો કોઈ વિભાગ નથી અને તે યુનિવર્સિટીથી અલગ સંસ્થા છે. યુનિવર્સિટીના સત્તાવાર સ્ટુડન્ટ હેન્ડબુકમાં તો તેને સ્વતંત્ર પ્રાઇવેટ મેમ્બર્સ ક્લબ ગણાવવામાં આવી છે, જેનો યુનિવર્સિટી સાથે કોઈ સત્તાવાર સંબંધ નથી.

પાસપોર્ટમાં જન્મસ્થળની ખોટી માહિતી સામે આવી

ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાસ્તવિકતા સામે આવ્યા બાદ હવે પાસપોર્ટને લઈને પણ સત્ય બહાર આવ્યું છે. NDTVના અહેવાલ પ્રમાણે, સૌરવ દાસને લંડન જતી ફ્લાઇટમાં મુસાફરી કરતો અટકાવવાનું કારણ તેના પાસપોર્ટની વિગતો હતી. તેના પાસપોર્ટમાં તેનું જન્મસ્થળ ચેન્નઈ નોંધાયેલું હતું, જે ખોટું હતું. તેના કારણે ચેન્નઈ રિજનલ પાસપોર્ટ ઑફિસે તેનો પાસપોર્ટ જપ્ત કરવાની પ્રક્રિયા પણ કરી છે.

અહેવાલ પ્રમાણે, 23 નવેમ્બર 2026ના રોજ સૌરવ દાસને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. તેને સાત દિવસમાં આ મામલે પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું છે. જવાબ રજૂ ન કરે ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ કરીને કોઈ મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

એક ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ?

આ સમગ્ર ઘટનામાં બે અલગ બાબતોને સમજવી જરૂરી છે. પ્રથમ, સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં ચઢતા અટકાવવામાં આવ્યો. બીજી, NDTVના અહેવાલ પ્રમાણે આ કાર્યવાહી પાછળ પાસપોર્ટમાં જન્મસ્થળ અંગેની ખોટી માહિતી હોવાનું કારણ સામે આવ્યું છે.

છતાં સૌરવ દાસે આ ઘટનાને સીધી મોદી સરકારના વિરોધ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડી દીધી. કોકરોચ આંદોલન વિશે વિદેશમાં બોલવાથી સરકાર ડરી ગઈ હોવાનો દાવો પણ કર્યો. પરંતુ અત્યાર સુધી સામે આવેલી વિગતોમાં સૌરવની જ ભૂલ દેખાઈ રહી છે અને એનાથી પણ આગળ તેનું જૂથ પણ પકડાઈ ગયું છે કે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળ્યું હતું.