ગુજરાતમાં પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ડખા અને જૂથવાદના કિસ્સાઓ સતત ચર્ચામાં રહેતા હોય છે. રાજ્યમાં ભાજપ સામે મજબૂત વિકલ્પ બનવાને બદલે કોંગ્રેસી નેતાઓ અંદરોઅંદર બાખડી રહ્યા છે. હાલમાં જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના (DCC) માળખાને લઈને પ્રદેશ નેતાગીરી અને જિલ્લા પ્રમુખ વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે.
મામલાની શરૂઆત 9 મહિલા પહેલાં થઈ હતી. 9 મહિના પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. નવ મહિના વીતી ગયા હોવા છતાં કોંગ્રેસ સંગઠન બનાવી શકી નહોતી. છેવટે બળવો પોકારીને 11 સપ્ટેમ્બરે પૂર્વ ધારાસભ્ય અને DCC પ્રમુખ રાજપૂતે પાર્ટીની ઉપરવટ જઈને સોશિયલ મીડિયા પર બનાસકાંઠા જિલ્લાના નવા હોદ્દેદારોની યાદી જાહેર કરી દીધી.

આ યાદીમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી સહિત વિવિધ જવાબદારીઓ માટે નામો જાહેર કરવામાં આવ્યાં હતાં. 125 જેટલા હોદ્દેદારોની યાદી બહાર પાડવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયા મારફતે પણ વ્યાપક રીતે પ્રસરી ગઈ. એટલે સ્થાનિક સ્તરે વાત હવે ‘માળખું બનશે’ ત્યાંથી ‘માળખું બની ગયું’ સુધી પહોંચી ગઈ હતી.
ગુલાબસિંહ રાજપૂતે સ્થાનિક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને તાલુકા સમિતિઓ સાથે પરામર્શ કરીને આ યાદી તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, છેલ્લાં નવ મહિનાથી સંગઠનનું માળખું મંજૂર થવાની રાહ જોવાઈ રહી હતી. પણ કઈં નિર્ણય જ ન લેવાતા તેમણે પોતે જ યાદી બનાવી લીધી. આ યાદી જાહેર થતાં જ પ્રદેશ કોંગ્રેસમાં મોટો ભડકો થયો.
યાદી જાહેર થતાં અંદરો-અંદર શરૂ થયા ડખા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની (GPCC) સત્તાવાર મંજૂરી વિના આ યાદી સાર્વજનિક થઈ હોવાનો વિરોધ ઊભો થયો. અંદરો અંદર આરોપ-પ્રત્યારોપ શરૂ થાય અને છેવટે 14 સપ્ટેમ્બરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિર્દેશથી આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરી દીધી. તેમણે કહ્યું કે આ યાદી માટે પ્રદેશની મંજૂરી નહોતી લેવામાં આવી.

પ્રદેશ સમિતિએ એવું પણ કારણ આપ્યું કે બનાસકાંઠા અને વાવ-થરાદને હવે અલગ સંગઠનાત્મક જિલ્લાઓ તરીકે વિભાજિત કરવામાં આવ્યા છે, તેથી બંને જિલ્લાના નવા માળખાની નિમણૂક પ્રક્રિયા ટૂંક સમયમાં અલગથી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, જિલ્લા કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ પણ ગુલાબસિંહ રાજપૂત સામે મોરચો ખોલ્યો. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણે આરોપ લગાવ્યો કે આ યાદીમાં પ્રદેશ કાર્યાલયનો સિક્કો કે તારીખ ન હતી અને રાજપૂતે પોતાના અંગત લોકોને જ હોદ્દા સોંપી દીધા હતા.
રાજપૂતે સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો
હવે સવાલ એ છે કે ગુલાબસિંહે પ્રદેશની મંજૂરી વગર યાદી જાહેર કેમ કરી? પ્રદેશ કોંગ્રેસનું કહેવું છે કે મંજૂરી વગર જાહેર કરાયેલી યાદી માન્ય જ ન ગણાય, જ્યારે ગુલાબસિંહનું કહેવું છે કે સંગઠન બનાવવામાં લાંબો વિલંબ થઈ રહ્યો હતો અને તેમને દિલ્હી તરફથી જોડાયેલા નિરીક્ષકો પાસેથી યાદી ક્લિયર હોવાની જાણ થઈ હતી.
અહીં કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’નો મુદ્દો પણ આવે છે. ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે જો જિલ્લા પ્રમુખને સંગઠન ઉભું કરવાની જવાબદારી આપવામાં આવે અને પછી તેણે તૈયાર કરેલી ટીમને પ્રદેશ સ્તરેથી સીધી રદ કરી દેવામાં આવે તો આ પ્રક્રિયાનો અર્થ શું રહ્યો?
યાદી રદ થયા બાદ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે કોંગ્રેસની લડાઈ પોતાના લોકો સાથે નહીં પરંતુ ભાજપ સરકાર સામે હોવી જોઈએ. ત્યારપછી તેમણે કહ્યું કે જો પાર્ટીમાં આ રીતે જ કામ થવાનું હોય તો તેમને જિલ્લા પ્રમુખ પદેથી હટાવીને બીજા કોઈને જવાબદારી આપી દેવામાં આવે.

કોંગી નેતાઓએ ભાજપ સાથે સોદા કર્યા હોવાના આરોપ
આ વિવાદમાં ગુલાબસિંહ રાજપૂતે કેટલાક કોંગ્રેસ નેતાઓ પર આરોપ લગાવ્યો કે તેઓ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેટલાક લોકો ભાજપ સાથે સોદા કરી રહ્યા છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણ બેઠકને લગતા કથિત સોદા, પૈસાની લેવડદેવડ અને કેટલાક લોકોને લાભ મળ્યાના આક્ષેપો કર્યા છે.
ગુલાબસિંહે વધુમાં કહ્યું છે કે તેઓ આગામી દિવસોમાં પુરાવા સાથે નામ જાહેર કરશે અને કેટલાક લોકોના પરિવારજનોને બેન્કોમાં નોકરી અપાવવા પણ સોદા થયા હોવાના આક્ષેપો કર્યા છે. જોકે ગુલાબસિંહના આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી. નોંધનીય છે કે આ સમગ્ર મામલામાં સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહના પક્ષમાં છે.
ગુલાબસિંહ અને ગેનીબેનના સમર્થનમાં કોંગ્રેસમાં પડ્યાં રાજીનામાં
બીજી તરફ બનાસકાંઠા યુથ કોંગ્રેસ પ્રમુખ રોહિત પારઘીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને રાજીનામાંમાં ગેનીબેન ઠાકોર તથા ગુલાબસિંહ રાજપૂતના અપમાનનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી થરાદ જિલ્લા પંચાયતના સભ્ય સિદ્ધરાજસિંહ રાજપૂત પણ ખુલ્લેઆમ ગુલાબસિંહ અને ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવ્યા. તેમણે કહ્યું કે ગુલાબસિંહ અને ગેનીબેન કોઈની મહેરબાનીથી નહીં પરંતુ જનતાના મતથી નેતા બન્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર બનાસકાંઠામાં જીત મળી હતી. ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને હરાવીને કોંગ્રેસને ગુજરાતમાં એકમાત્ર લોકસભા બેઠક અપાવી હતી. જે બેઠક પક્ષ માટે સૌથી મહત્વની છે ત્યાં સંગઠન મજબૂત થવાને બદલે ચર્ચા એ વાતની છે કે કોણે યાદી બનાવી, કોની મંજૂરી હતી અને કોણે રદ કરી. જનતા સામે મુદ્દા મૂકવાને બદલે કોંગ્રેસનું સંગઠન પોતે જ વિવાદનું કારણ બની ગયું છે.
કોંગ્રેસનું જહાજ ડૂબવાના આરે
તાજેતરમાં જ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. એવા સમયે 2027ની ચૂંટણી માટે જમીન તૈયાર કરવાના બદલે બનાસકાંઠાનો ખુલ્લો વિવાદ કોંગ્રેસની અંદરની સંકલન ક્ષમતા સામે સવાલો ઊભા કરે છે. અત્યારે સ્થિતિ એવી છે કે ગુલાબસિંહે જાહેર કરેલી યાદી રદ થઈ ગઈ છે, યુથ કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે અને પ્રદેશ નેતૃત્વ તથા જિલ્લા નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો છે.
ગુજરાતમાં પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલી અને ચૂંટણી દર ચૂંટણીયે પછડાટ ખાઈ રહેલી કોંગ્રેસની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે તેને પોતાના પતનના કારણો જ સમજાતા નથી. ગુજરાતની જનતાએ કોંગ્રેસને વર્ષો પહેલાં જ નકારી દીધી છે, પરંતુ પક્ષના નેતાઓ હજુય કપોલકલ્પનાઓમાં જીવી રહ્યા હોય તેમ લાગે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં માંડ-માંડ બનાસકાંઠાથી એક બેઠક મળી, ત્યાં તો પક્ષના સ્થાનિક નેતાઓની સત્તાની ભૂખ અને પ્રદેશ નેતૃત્વની બેદરકારી જાહેરમાં આવી ગઈ.
એકબાજુ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પક્ષમાં શિસ્તનો દાવો કરે છે તો બીજી બાજુ જિલ્લાના નેતાઓ સોશિયલ મીડિયા પર બારોબાર સંગઠનો બનાવીને પોતાની જ પાર્ટી પર ભાજપ સાથે સોદાબાજી કરવાનો ખુલ્લો આરોપ લગાવે છે. જોકે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની જે હાલત છે તે જોતાં હાલની પરિસ્થિતિ એ કોઈ નવાઈની વાત નથી.
અને આ કોઈ એકાદ કાર્યકરનો અસંતોષ નથી, પરંતુ કોંગ્રેસના કલ્ચરમાં વણાઈ ગયેલી લડાઈ છે. ગુજરાતમાં તો પાર્ટી પાસે 26માંથી માત્ર એક જ લોકસભા બેઠક બચી છે અને છતાંય નેતાઓ આંતરિક શો બાજીઓ-દંભમાંથી ઊંચા નથી આવી રહ્યા અને હાઇકમાન્ડને પડી નથી, જોકે તે PPTઓ રજૂ કરવામાંથી ઊંચા આવે તો ક્યાંક બીજે નજર કરે ને!
અંતે આ બધુ જોઈને તો એવું જ લાગે છે કે ગુજરાત કોંગ્રેસમાં કાર્યકરો કે જનતાના મુદ્દાઓ માટે નહીં, માત્ર પોતાના વર્ચસ્વ માટે કબ્જો જમાવવાની હોડ જામી છે અને ટોચનું નેતૃત્વ મોદીવિરોધથી આગળ કઈં જોઈ શકતું નથી. અંદરોઅંદરની આવી ગંદી રાજનીતિ, રાજીનામાંનાં નાટકો અને સોદાબાજીના ગંભીર આક્ષેપો સાબિત કરે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મધદરિયે ઝોલાં ખાતી નાવ જેવી છે અને જે તેના નેતાઓ જ નેતાઓને કારણે ડૂબે એમ છે. આ નાટકો એ વાતની સાબિતી છે કે 2027 હોય કે આવનારી કોઈપણ ચૂંટણી, કોંગ્રેસ પોતાની જ જૂથબંધીમાં હોમાઈ જવાની છે.


