હોમપેજક્રાઈમ‘સર તન સે જુદા’ ભારતની સંપ્રભુતા સામે પડકાર, ‘જય શ્રીરામ’ સાથે સરખાવી...

‘સર તન સે જુદા’ ભારતની સંપ્રભુતા સામે પડકાર, ‘જય શ્રીરામ’ સાથે સરખાવી શકાય નહીં: અલ્હાબાદ હાઇકોર્ટે તૌકીર રઝાની જામીન અરજી ફગાવતા શું કહ્યું?

તમામ પુરાવાઓ, હિંસાની ગંભીરતા, પોલીસ પર થયેલા હુમલા અને તૌકીર રઝાના ઉશ્કેરણીજનક વર્તનને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે આરોપીને આ તબક્કે જામીન પર મુક્ત કરી શકાય નહીં. પરિણામે મૌલાના તૌકીર રઝા ખાનને હાલ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.

- Advertisement -

ઉત્તર પ્રદેશના બરેલીમાં સપ્ટેમ્બર 2025માં ભયાનક હિંસા ભડકાવનારા અને ઇસ્લામવાદી ભીડને ઉશ્કેરનારા કટ્ટરપંથી મૌલાના તૌકીર રઝા ખાનને અલ્હાબાદ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની પીઠે બરેલી હિંસાના મુખ્ય સૂત્રધાર તૌકીર રઝાની જામીન અરજી ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું કે મજહબના નામે કાયદાના શાસન અને દેશની સંપ્રભુતાને પડકારનારાઓને કોઈપણ સંજોગોમાં રાહત ન આપી શકાય.

જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની બેન્ચે મૌલાનાની જામીન અરજી પર ચુકાદો આપતાં ઇસ્લામવાદી માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ જેવા ઝેરી અને હિંસક નારા ભારત દેશની સંપ્રભુતા અને અખંડિતતા સામે સીધો પડકાર છે અને તેને અન્ય ધાર્મિક નારાઓ સાથે સરખાવી શકાય નહીં.

અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે ‘સર તન સે જુદા’ જેવા નારાઓની સરખામણી ‘જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ’, ‘જય શ્રીરામ’ કે ‘હર હર મહાદેવ’ જેવા પવિત્ર નારાઓ સાથે ક્યારેય થઈ શકે નહીં. કોર્ટે સમજાવ્યું કે આ તમામ ધાર્મિક નારાઓ પોતાના ઈશ્વર કે ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરે છે, જ્યારે ‘સર તન સે જુદા’ માત્ર ને માત્ર હિંસા ફેલાવે છે.

- Advertisement -

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં ગંભીર નોંધ લેતા કહ્યું કે કટ્ટરપંથીઓ દ્વારા લગાવવામાં આવતો ‘સર તન સે જુદા’નો નારો કાયદાના શાસનને ખુલ્લો પડકાર ફેંકે છે. આ નારો સામાન્ય લોકોને દેશ અને કાયદા સામે ‘સશસ્ત્ર વિદ્રોહ’ (Armed Rebellion) કરવા માટે ઉશ્કેરે છે, જે ભારતીય કાયદા હેઠળ ગંભીર અને સજાપાત્ર ગુનો છે.

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બર 2025ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં મોટાપાયે હિંસા અને પથ્થરમારો થયો હતો. કટ્ટરપંથી મૌલાના તૌકીર રઝાએ મુસ્લિમ સમુદાયના લોકોને જુમ્માની નમાજ બાદ ઇસ્લામિયા ઈન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થવાનું આહ્વાન કર્યું હતું. તૌકીર રઝાનો દાવો હતો કે તે સરકાર દ્વારા મુસ્લિમો પર થતા કથિત અત્યાચારોનો વિરોધ કરવા માંગતો હતો.

સ્થાનિકતંત્રને જ્યારે આ વાતની જાણ થ, ત્યારે તેમણે શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે 25 સપ્ટેમ્બરના રોજ જ BNSSની ધારા 163 લાગુ કરી દીધી હતી. જાહેર જગ્યાઓ પર પાંચથી વધુ લોકોના એકઠા થવા પર સખત મનાઈ હોવા છતાં મૌલાના તૌકીર રઝાના આહ્વાન પર 200થી 250 લોકોની કટ્ટરપંથી ભીડ ઇસ્લામિયા ગ્રાઉન્ડ તરફ કૂચ કરવા લાગી હતી.

જ્યારે ફરજ પર તહેનાત પોલીસકર્મીઓએ આ ગેરકાયદે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાયેલા કટ્ટરપંથી ટોળાએ ‘સર તન સે જુદા’ના હિંસક નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ભીડે પોલીસ કાફલા પર આડેધડ પથ્થરમારો કર્યો, કાચની બોટલો અને પેટ્રોલ બૉમ્બ ફેંક્યાં હતાં. એટલું જ નહીં, ગેરકાયદે હથિયારો વડે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ હિંસા દરમિયાન કટ્ટરપંથીઓએ બરેલી શહેરની શાંતિ ડહોળી નાખી હતી. ભીડે પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા, વાહનોમાં તોડફોડ કરી અને જાહેરમાં સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું. કટ્ટરપંથીઓ એસપીના ગનરની એન્ટી રાઈટ ગન અને સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનો વાયરલેસ સેટ પણ લૂંટીને ભાગી ગયા હતા.

ઘટના બાદ પોલીસે સ્થળ પરથી દેશી પિસ્તોલ, વપરાયેલા તથા જીવતા કારતૂસ, ધારદાર છરા, લાઠીઓ, હોકી, પેટ્રોલ બૉમ્બની કાચની બોટલો અને ભારે માત્રામાં ઈંટો-પથ્થરો જપ્ત કર્યાં હતાં. આ પુરાવા સ્પષ્ટ કરતા હતા કે આ કોઈ આકસ્મિક વિરોધ નહોતો પરંતુ પૂર્વઆયોજિત હિંસક ષડયંત્ર હતું.

સરકાર અને પોલીસતંત્રે કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું કે આ આખી હિંસા અને રમખાણોના માસ્ટરમાઇન્ડ અને કિનપિંગ મૌલાના તૌકીર રઝા જ હતો. તૌકીર રઝા સંસ્થા ‘ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ’નો (IMC) પ્રમુખ છે અને તે પોતાના રાજકીય અને મજહબી સ્વાર્થ માટે અવારનવાર મુસ્લિમ સમુદાયને ઉશ્કેરતો રહ્યો છે.

કોર્ટમાં તૌકીર રઝાના વકીલોએ દાવો કર્યો હતો કે મૌલાના ઘટનાસ્થળે હાજર નહોતો કારણ કે તેને 26 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે જ નજરકેદ કરવામાં કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વહીવટીતંત્રે પરવાનગી ના આપતા તેમણે આહ્વાન રદ કરી દીધું હતું. તેથી એની ભૂમિકા સીધી રીતે હિંસામાં નહોતી એવી પણ દલીલ કરવામાં આવી હતી.

વિડીયો મેસેજથી વધુ ઉશ્કેરણી

જોકે, સરકારી વકીલ અને એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ પુરાવા મૂક્યા કે તૌકીર રઝા ઘરપકડ કે નજરકેદ નહોતો, પરંતુ ઘટના બાદ તે પોતાના સાથી ફરહત અલીના ઘરે સંતાયેલો હતો. ત્યાંથી તેણે એક વિડીયો મેસેજ જારી કરીને હિંસા કરનારી ભીડનો આભાર માન્યો હતો અને તેમના હિંસક કૃત્યોની પ્રશંસા કરી હતી.

હાઇકોર્ટે તૌકીર રઝાની આ કરતૂત પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે જુમ્માની નમાજનો ઉપયોગ કરીને વહીવટીતંત્રની મંજૂરી વગર ભીડ ભેગી કરવી અને હિંસા થયા પછી ભીડનો આભાર માનતો વિડીયો બનાવવો, તૌકીર રઝાનું આ વર્તન કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય તેમ નથી.

રાજ્ય સરકારે કોર્ટનું ધ્યાન દોર્યું કે તૌકીર રઝા કોઈ નિર્દોષ મજહબી નેતા નથી, પરંતુ તેનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. રઝા સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 24થી વધુ સંગીન ગુનાઓ નોંધાયેલા છે. તે અગાઉ પણ બરેલીમાં કોમી વૈમનસ્ય ફેલાવવા અને દંગા ભડકાવવાના કેસોમાં આરોપી રહ્યો છે.

BNSની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો

બરેલી પોલીસ સ્ટેશનમાં મૌલાના તૌકીર રઝા અને તેના સાગરીતો સામે BNSની કલમ 109(1), 121(1), 191, 310, 324અને ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ તથા સાર્વજનિક સંપત્તિ નુકસાન નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં 21 ડિસેમ્બર 2025ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે.

બરેલી હિંસાના આગલા જ દિવસે એટલે કે 27 સપ્ટેમ્બર 2025ના રોજ પોલીસે તૌકીર રઝાની ધરપકડ કરી લીધી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ટ્રાયલ કોર્ટે 10 નવેમ્બર 2025ના રોજ તેની જામીન અરજી રદ કરી દીધી હતી, જેના પછી તેણે અલ્હાબાદ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

અલ્હાબાદ હાઇકોર્ટનો આ આદેશ માત્ર તૌકીર રઝા પૂરતો સીમિત નથી, પરંતુ ‘સર તન સે જુદા’ જેવા ભડકાઉ, મજહબી નારા લગાવીને દેશના કાયદાને ખુલ્લેઆમ પડકારતા તમામ ઇસ્લામવાદીઓ માટે એક સ્પષ્ટ અને સખત સંદેશ છે. મજહબના નામે હિંસા અને કટ્ટરતા ફેલાવનારાઓને ભારતીય ન્યાયપ્રણાલી સાંખી લેશે નહીં.

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનના નામે ‘સર તન સે જુદા’ના નારા લગાવીને આતંકનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થયો છે. હાઇકોર્ટે આ નારાને ભારતની અખંડિતતા સામે જોખમ ગણાવીને આ ઝેરી માનસિકતા પર કાયદાકીય લગામ લગાવી દીધી છે.

તમામ પુરાવાઓ, હિંસાની ગંભીરતા, પોલીસ પર થયેલા હુમલા અને તૌકીર રઝાના ઉશ્કેરણીજનક વર્તનને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે આરોપીને આ તબક્કે જામીન પર મુક્ત કરી શકાય નહીં. પરિણામે મૌલાના તૌકીર રઝા ખાનને હાલ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં