‘નારાજ ફૂફાજી બૂમો પાડશે, પણ વિકાસ નહીં અટકે’: વડોદરામાં જેન-ઝીને સંબોધિત કરતા પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, ફ્રેઈટ કોરિડોરનું લોકાર્પણ

વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે (8 સપ્ટેમ્બર) ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં Gen-Z યુવાનોને સંબોધવાની સાથે ગુજરાતને અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ₹35,000 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તકર્યું. તેમાં સૌથી મહત્વપૂર્ણ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના (WDFC) 326 રૂટ કિલોમીટરના ત્રણ અંતિમ સેક્શનનું લોકાર્પણ છે.

વડા પ્રધાન મોદીએ સાણંદ (નૉર્થ)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-JNPT એમ ત્રણ સેક્શન રાષ્ટ્રને સમર્પિત કર્યા. ₹20,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ત્રણ સેક્શન શરૂ થતાં સમગ્ર ફ્રેઈટ કોરિડોર નેટવર્ક હવે તેની સંપૂર્ણ લંબાઈમાં કાર્યરત થયું છે. આ સાથે ન્યૂ સાણંદ (નૉર્થ), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT પરથી ટ્રેન સેવાઓને પણ ફ્લેગ ઑફ કરવામાં આવી. 

‘2004માં વિચાર, 2014 સુધી ફાઇલો ફરતી રહી’

કાર્યક્રમમાં PM મોદીએ આ જ કોરિડોરના નિર્માણને લઈને અગાઉની સરકાર પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, “આ કોરિડોર માટે 2004માં વિચાર શરૂ થયો હતો અને 2006માં કંપની બનાવવામાં આવી હતી, પરંતુ 2014 સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ સુધી ફરતી રહી. 2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલ્યા બાદ આ કામને ગતિ આપવામાં આવી.”

આગળ તેમણે કહ્યું કે એક સમયે સો કિલોમીટરનો માલસામાનનો પ્રવાસ પૂર્ણ કરવામાં સાડા છ કલાક લાગતા હતા, જ્યારે હવે તેનાથી લગભગ અડધા સમયમાં અંતર કાપી શકાશે. તેમણે ટ્રક પરિવહનનું ઉદાહરણ આપતાં કહ્યું કે જ્યાં રોડ માર્ગે માલ પહોંચાડવામાં 30 કલાક લાગતા હતા ત્યાં હવે 10થી 12 કલાકમાં પહોંચાડી શકાય છે.

તેમણે JNPTથી વડોદરા સુધી દોડાવવામાં આવેલી ડબલ-ડેકર માલગાડીનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક જ ટ્રેનમાં 250થી વધુ ટ્રક જેટલો માલ મુંબઈથી વડોદરા પહોંચાડી શકાય છે. આ મુદ્દે તેમણે કટાક્ષમાં કહ્યું કે હવે ‘નારાજ ફૂફાજી’ બૂમો પાડશે કે ટ્રક ડ્રાઇવરનું શું થશે. મોદીએ કહ્યું કે મોટા પ્રમાણમાં માલ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાની ક્ષમતા વધશે.

‘50 હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા’

રેલવેના વિકાસની વાત કરતા તેમણે કહ્યું કે 2014 બાદ અત્યાર સુધીમાં 50,000 આધુનિક રેલ કોચ બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમણે અગાઉની સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જૂની સરકાર 10 વર્ષમાં 50,000 ટોઇલેટ પણ બનાવી શકતી નહોતી. વધુમાં તેમણે કહ્યું કે આજે રેલવે બજેટ ₹2.75 લાખ કરોડથી વધુ છે અને રેલવે હજારો નવા રોજગાર ઊભા કરી રહ્યું છે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો પણ આવે છે.

‘જૂઠાણું ફેલાવનારા દરેક ચોરાહે મળી જશે’

Gen-Zને સંબોધતા મોદીએ કહ્યું કે ભારતના યુવાનોએ સત્યની હૂંકાર સાથે આગળ વધવાનું છે. તેમણે કહ્યું કે ‘જૂઠાણું ફેલાવનારા તો દરેક ચોરાહે મળી જશે’, પરંતુ દેશના યુવાનો સત્ય સાથે આગળ વધશે. તેમણે યુવાનો માટે AIની આવશ્યકતા પર ભાર મૂક્યો અને કહ્યું કે આવનારા સમયમાં AIના માધ્યમથી અનેક ક્ષેત્રોમાં કામ થઈ શકે છે. ડિગ્રીની સાથે સ્કિલ પણ જરૂરી બની ગઈ હોવાનું કહીને તેમણે શિક્ષણમાં થઈ રહેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો.

મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ પણ પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આવનારા સમયમાં દરેક વસ્તુ વીજળીથી ચાલશે અને ભારતે પોતાની એનર્જી તથા ટેક્નોલોજીની ઇકોસિસ્ટમ વધુ મજબૂત કરવી પડશે.

આ સમગ્ર કાર્યક્રમમાં પીએમ મોદી પરંપરાગત સ્ટેજ પરથી ભાષણ આપવાને બદલે Y-આકારના રેમ્પ પર ચાલીને Gen-Z યુવાનોની વચ્ચે પણ પહોંચ્યા હતા. યુવાનો સાથે સીધો સંવાદ કરતા તેમણે વિકાસ, AI, સ્કિલ, આત્મનિર્ભરતા અને વિકસિત ભારતના લક્ષ્ય પર વાત કરી. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ નવસારી પહોંચશે, જ્યાં ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિવિધ વર્ગોના લોકો સાથે સંવાદનો કાર્યક્રમ છે.