હોમપેજરાજકારણમાર્ચમાં જ ₹300 કરોડ મંજૂર, સરકારનો પ્લાન પણ પહેલેથી તૈયાર: છતાં રાજસ્થાનની...

માર્ચમાં જ ₹300 કરોડ મંજૂર, સરકારનો પ્લાન પણ પહેલેથી તૈયાર: છતાં રાજસ્થાનની 300 શાળાઓના પુનઃનિર્માણની ક્રેડિટ ખાવા દોડ્યો વડો કોકરોચ

વારંવાર પોતાની ફજેતીથી બચવું હોય તો CJPએ ભવિષ્યમાં શ્રેય લેવા દોડતા પહેલાં જૂની તારીખો અને સમયરેખા જોઈ લેવી જોઈએ. કારણ સોશિયલ મીડિયાના જમાનામાં આવા ભ્રામક દાવાઓ વધુ સમય સુધી ટકી શકતા નથી.

- Advertisement -

રાજસ્થાનની જર્જરિત સરકારી શાળાઓના પુનઃનિર્માણને લઈને અચાનક રાજકીય શ્રેય લેવાની હોડ જામી છે. પોતાના પાયાવિહોણા દાવાઓ માટે જાણીતી ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) અભિજીત દીપકેએ અચાનક જાગીને રાજસ્થાનમાં 300 સરકારી શાળાઓ માટે નવાં મકાનો બનાવવાના સરકારના નિર્ણયને પોતાના કથિત અભિયાનની મોટી સફળતા તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, તેણે CJPના સહ-સંયોજક આશુતોષ રંકાને ટેગ કરીને સોશિયલ મીડિયા પર ‘CJP Impact in Rajasthan’ કહીને પોતાની જ પીઠ થાબડી લીધી છે.

પરંતુ અહીં મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર રાજસ્થાન સરકારનો આ નિર્ણય CJPના થોડા દિવસના ‘School Thik Karo’ નામના ડ્રામા અને સોશિયલ મીડિયા સ્ટંટના દબાણનું પરિણામ છે? કે પછી તેની પાછળની સરકારી અને ન્યાયિક પ્રક્રિયા મહિનાઓ પહેલેથી જ ચાલતી હતી? ઉપલબ્ધ સરકારી દસ્તાવેજો અને અહેવાલો જોઈએ તો આ અણઘડ દાવાનો ફુગ્ગો તરત જ ફૂટી જાય છે. કારણ કે રાજસ્થાનની જર્જરિત શાળાઓ માટે કેન્દ્ર સરકારે ₹300 કરોડની સહાયની મંજૂરી તો 22 માર્ચ 2026ના રોજ જ આપી દીધી હતી. એટલે કે CJPના આ કથિત અભિયાનના મહિનાઓ પહેલાં જ આ સમગ્ર પ્રક્રિયા જાહેર થઈ ગઈ હતી.

માર્ચમાં જ મંજૂર થઈ ગઈ હતી સહાય

માર્ચ મહિનાના અહેવાલોમાં તો આ અંગેના સમગ્ર આયોજનના આંકડા પણ સામે આવી ચૂક્યા હતા. તે સમયે જ સ્પષ્ટ જણાવાયું હતું કે આગામી પાંચ વર્ષમાં રાજ્યની શાળાઓના સુધારણા માટે કુલ ₹12,335 કરોડ ખર્ચવાની યોજના છે. આ બજેટ અંતર્ગત 3,587 જર્જરિત શાળાની જગ્યાએ નવી આધુનિક ઇમારતો માટે ₹2,487 કરોડ, 22,589 ઇમારતોના સમારકામ માટે ₹1,129 કરોડ અને લાખો જર્જરિત વર્ગખંડોના સ્થાને નવા વર્ગખંડોના નિર્માણ માટે હજારો કરોડના ખર્ચનું આયોજન નક્કી થયું હતું.

- Advertisement -

એટલે વાસ્તવિકતા એ છે કે ‘CJP આવી, શાળાઓ જોઈ, કેમેરા ફર્યા અને સરકાર દબાણમાં આવી ગઈ’- આ વાર્તા માત્ર દીપકેના મગજની ઉપજ છે. સરકારી દસ્તાવેજી પ્રક્રિયા, બજેટીય આયોજન અને કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવવાની વહીવટી પ્રક્રિયા પહેલેથી જ પૂરજોશમાં ચાલી રહી હતી. માર્ચમાં જ સરકારના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં રજૂ કરેલ સત્તાવાર એફિડેવિટમાં પણ ઉલ્લેખ હતો કે જર્જરિત શાળાઓના સુધારણા માટે કેન્દ્ર પાસેથી વિશેષ સહાય મળી ગઈ છે.

2025માં શાળાઓમાં થયેલ દુર્ઘટના બાદ લેવાયો હતો નિર્ણય

આ સમગ્ર મુદ્દાની પૃષ્ઠભૂમિ અને ભૂતકાળને પણ સમજવો જરૂરી છે, જેને આ પબ્લિસિટીના ભૂખ્યા કોકરોચો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2025માં રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાના વિસ્તારમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં સાત વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને ત્યારબાદ જૈસલમેરમાં શાળાનો ગેટ પડતાં અન્ય એક બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓ બાદ રાજસ્થાન હાઇકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને રાજ્યની જર્જરિત શાળાઓની સ્થિતિ અંગે સરકાર પાસે જવાબ માગ્યો હતો. એટલે કે શાળાઓની સુરક્ષા અને પુનઃનિર્માણનો મુદ્દો CJPના ઑગસ્ટ 2026ના ડ્રામાથી અચાનક જન્મેલો નથી.

ન્યાયિક આદેશો બાદ થયેલા રાજ્યવ્યાપી સરવેમાં 5,667 શાળા ઇમારતો જર્જરિત હોવાનું સામે આવ્યું હતું અને 17,109 શાળાના શૌચાલય પણ ઉપયોગ લાયક ન હોવાનું નોંધાયું હતું. એટલે આ નિર્ણય કોઈ એક કથિત સંગઠનના તાજેતરના પ્રવાસ કે સોશિયલ મીડિયા રીલ્સનું પરિણામ નથી. આ તો લાંબા સમયથી ચાલતી વહીવટી તપાસ અને ન્યાયિક દેખરેખ હેઠળ સામે આવેલી સ્થિતિ હતી, જેના પર સરકારે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

માર્ચ બાદ ઑગસ્ટમાં ₹409  કરોડના પ્રોજેક્ટની જાહેરાત

આ જ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે 2026ના માર્ચમાં કેન્દ્ર સરકાર તરફથી ₹300 કરોડની પ્રથમ તબક્કાની સહાય મંજૂર થઈ અને કામની દિશા સ્પષ્ટ થઈ હતી. ત્યારબાદ હવે ઑગસ્ટમાં સરકારે 300 જર્જરિત શાળાઓ માટે નવા મકાનો બનાવવાના ₹409 કરોડના પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 185 પ્રાથમિક, 70 ઉચ્ચ પ્રાથમિક અને 45 ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું નવસર્જન થવાનું છે, જેનાથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.

પરંતુ જ્યારથી આ જાહેરાત થઈ છે ત્યારથી CJP અને ખાસ કરીને અભિજીત દીપકેએ પોતાની સ્વાર્થી રાજકીય બ્રાન્ડિંગ શરૂ કરી દીધી છે. તેણે સરકારના નિર્ણયનું સ્વાગત કરવાને બદલે તેને સીધી ‘CJP Impact’ ગણાવીને જનતાને ભ્રમિત કરવાનો ખેલ શરૂ કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (TOI) જેવા મીડિયાહાઉસે પણ પોતાની હેડલાઇનમાં ‘CJP impact in Rajasthan’ લખીને આ પાયાવિહોણા દાવાને જ મુખ્ય સમાચાર બનાવી દીધા છે. રિપોર્ટના અંદરના લખાણમાં પણ સરકારના મહિનાઓ જૂના પ્રોજેક્ટને CJPની શૌચાલય-શાળા મુલાકાતો સાથે બળજબરીથી જોડી દેવામાં આવ્યો.

અહીં TOI પર પણ પ્રશ્ન થાય છે કે જો માર્ચ 2026માં જ ₹300 કરોડની કેન્દ્રીય સહાય મંજૂર થઈ ગઈ હતી, પાંચ વર્ષનું ₹12,335 કરોડનું આયોજન હાઇકોર્ટ સમક્ષ રજૂ થઈ ચૂક્યું હતું અને શાળાઓના પુનઃનિર્માણ માટેની કાનૂની પ્રક્રિયા ચાલુ જ હતી તો પછી ઑગસ્ટમાં થયેલી CJPની બે-ચાર મુલાકાતોને આ આખા નિર્ણયનું કારણ ગણાવવાનો તર્ક શું છે?

‘મફતનો શ્રેય’ લેવાના CJPના ધંધા

વાસ્તવમાં CJP કે કોઈ પણ સંગઠન રાજસ્થાનમાં સરકારી શાળાઓની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે તો તે લોકશાહીમાં તેમનો અધિકાર છે. કોઈ સંગઠન ખરાબ શાળાઓની તસવીરો બતાવે કે સરકાર પાસે જવાબ માગે તેમાં કોઈને વાંધો નથી. પરંતુ, મહિનાઓથી ચાલી રહેલી સરકારી અને કાનૂની પ્રક્રિયાને પોતાના બે દિવસના અભિયાનની સીધી સિદ્ધિ તરીકે રજૂ કરવી એ ચોખ્ખી ચોરી છે. આ જ જગ્યાએ મૂળ પ્રશ્ન શાળાઓના સુધારાનો નથી રહેતો, પરંતુ ‘મફતનો શ્રેય કોણ ખાશે?’નો બની જાય છે.

આ આખી સ્થિતિ જોઈને એક કહેવત યાદ આવે છે- જેમ બળદગાડી ચાલી રહી હોય અને ગાડીની નીચે ચાલતું કૂતરું ધૂળ ઉડાડીને એવો ભ્રમ પાળે કે ‘ગાડીનો આખો ભાર હું જ ઉપાડી રહ્યો છું!’ એ જ રીતે રાજસ્થાનની શાળાઓના સુધારણા માટે કેન્દ્ર, રાજ્ય સરકાર, વહીવટીતંત્ર અને હાઇકોર્ટની દેખરેખ હેઠળ જે નિણર્ય લેવાયો છે તેને CJP પોતાના માથે ચઢાવી રહી છે.

બીજો રસપ્રદ મુદ્દો એ છે કે CJPની આ હાલની ઝુંબેશને મીડિયાનો એક વર્ગ એવી રીતે કવરેજ આપી રહ્યો છે જાણે દેશની સરકારી શાળાઓની સ્થિતિનો મુદ્દો આ ‘કોકરોચ ગેંગ’ના નેતાઓએ હમણાં જ પહેલીવાર શોધી કાઢ્યો હોય! જ્યારે વાસ્તવિકતા અલગ છે. સૌથી મોટો અને મહત્વનો સવાલ તો એ છે કે આ CJP જેવી મંડળીઓના અભિયાનનો અંતિમ હેતુ ખરેખર દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાનો છે કે પછી માત્ર આવા મુદ્દાઓ ઉઠાવીને પોતાના રાજકીય રોટલા શેકવાનો.

NEETનો મુદ્દો પૂરો, એટલે રાજસ્થાનના નામે પબ્લિસિટી સ્ટંટ

અહીં એ પણ નોંધવું જરૂરી છે કે જે NEET પરીક્ષાના પેપર લીકનો મુદ્દો લઈને કોકરોચોએ ઘમસાણ મચાવ્યું હતું અને આખરે એ જ મુદ્દો હવે પૂરો થઈ ચૂક્યો છે. તેથી ચર્ચામાં રહેવા માટે અને પબ્લિસિટી મળતી રહે તે માટે હવે કોકરોચો આવાં ગતકડાં અપનાવી રહ્યા છે. શાળાઓમાં પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષિત વર્ગખંડ અને શિક્ષકોની ભરતી જેવા ગંભીર મુદ્દાઓ પર સતત કામ કરવું હોય તો લાંબી મેદાની કામગીરી, નીતિ વિષયક સૂચનો અને રચનાત્મક અભિગમની જરૂર પડે. માત્ર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવીને પછી સરકારના કામનો શ્રેય ચોરી લેવો, આને માત્ર ‘પબ્લિસિટી સ્ટંટ’ જ કહેવાય.

રાજસ્થાનની શાળાઓમાં નવાં મકાનો બનશે, બાળકોને સુરક્ષિત વાતાવરણ મળશે અને શિક્ષણની ગુણવત્તા સુધરશે, આ જ દેશ અને રાજ્ય માટે ખરેખર મહત્વની વાત છે. આ નિર્ણયનો શ્રેય કોણ લે છે તેનાથી શાળાએ જતા ગરીબ વિદ્યાર્થીઓને કોઈ ફરક પડવાનો નથી. પણ દેશની બાકીની જનતાને ચોક્કસ ફેર પડે છે.

અભિજીત દીપકે અને તેની કોકરોચ ટીમને જો ખરેખર રાજ્યના શિક્ષણની ચિંતા હોય તો સરકારના પહેલેથી ચાલી રહેલા કામનો મફતમાં શ્રેય લેવા દોડવાને બદલે વાસ્તવમાં કોઈક મુદ્દો ઉઠાવવો જોઈએ. NEET આંદોલન સમયે પણ સોનમ વાંગચૂકને આગળ ધરીને CJP નેતાઓ હરતા-ફરતા-ખાતા જોવા મળ્યા હતા. ત્યારે પણ દીપકે સહિતના નેતાઓની ભારે થું-થું થઈ હતી.

હવે ફરીથી રાજસ્થાન સરકારની નીતિઓને શ્રેય લેવા ભાગી રહેલ દીપકે ટોળીનો પોપટ થઈ ચૂક્યો છે. એટલે જો વારંવાર પોતાની ફજેતીથી બચવું હોય તો CJPએ ભવિષ્યમાં શ્રેય લેવા દોડતા પહેલાં જૂની તારીખો અને સમયરેખા જોઈ લેવી જોઈએ. કારણ સોશિયલ મીડિયાના જમાનામાં આવા ભ્રામક દાવાઓ વધુ સમય સુધી ટકી શકતા નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં