મેથ્યૂ વૈનડાઇક અને યુક્રેની નાગરિકો વિરુદ્ધ UAPA હેઠળના આરોપો પડતા મૂકાયા? NIAની અગત્યની સ્પષ્ટતા

માર્ચ 2026માં પકડાયેલા એક અમેરિકી અને છ યુક્રેની એમ સાત વિદેશી નાગરિકો વિરુદ્ધ ચાલતા કેસમાં તપાસ કરતી એજન્સી NIAએ UAPA હેઠળના આરોપો પડતા મૂક્યા હોવાના અહેવાલો પર સ્પષ્ટતા કરવામાં આવી છે. એજન્સીએ જણાવ્યું છે કે UAPA હેઠળ કોઈ આરોપો દૂર કરવામાં આવ્યા નથી અને તપાસ ચાલી જ રહી છે.

વાસ્તવમાં 8 સપ્ટેમ્બરના રોજ એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેના આધારે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે ચાર્જશીટમાં UAPA હેઠળના આરોપો લગાવવામાં આવ્યા નથી, જેથી આરોપીઓને જામીન મેળવવામાં પ્રમાણમાં સરળતા રહેશે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓમાં એક અમેરિકી નાગરિક મેથ્યૂ વૈનડાઇક પણ છે. તમામ પર મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને હથિયારી તાલીમ આપવા માટે ભારતની ધરતીનો ઉપયોગ કરવાનો આરોપ છે. માર્ચ 2026માં તેમની ધરપકડ થઈ ત્યારથી તેઓ જેલમાં બંધ છે.

સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે કે NIAએ આરોપીઓ વિરુદ્ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે કારણ કે આ આરોપો તપાસ દરમ્યાન સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયા છે. પણ તેનો અર્થ એ નથી કે UAPA હેઠળના આરોપો સાવ પડતા મૂકવામાં આવ્યા છે.

એજન્સીએ જણાવ્યું કે UAPAના માળખા મુજબ આરોપી કસ્ટડીમાં હોય ત્યારે એજન્સીએ 180 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવાની હોય છે. જો ચાર્જશીટ આ સમયગાળા દરમ્યાન દાખલ ન થાય તો આરોપી જામીન માટે અરજી કરી શકે છે. આ કેસમાં 180 દિવસનો ગાળો 8 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતો હતો.

8 સપ્ટેમ્બરના તબક્કા સુધીમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ હેઠળના આરોપો સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયા હતા એટલે NIAએ સમયગાળો જવા દેવા કરતાં તેટલા આરોપો પૂરતી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉપરાંત ચાર્જશીટમાં પણ લખવામાં આવ્યું છે કે UAPA હેઠળ તપાસ ચાલુ રહેશે. અર્થાત્ પહેલી ચાર્જશીટમાં UAPA હેઠળ કોઈ આરોપોનો ઉલ્લેખ નથી તો તેનો અર્થ એ ન કરવો જોઈએ કે UAPA હેઠળ તપાસ બંધ કરી દેવામાં આવી છે કે એવા કોઈ આરોપો તપાસ દરમ્યાન સાબિત થયા નથી.

અમેરિકી રાજદૂતો દ્વારા મુદ્દો ચર્ચવાને લઈને જણાવવામાં આવ્યું કે આ એક સામાન્ય રાજદ્વારી પ્રક્રિયા છે અને દરેક દેશ દ્વારા પોતાનો નાગરિક વિદેશી ધરતી પર કોઈ કેસમાં પકડાય ત્યારે સ્થાનિક પ્રશાસન અને સરકારનો સંપર્ક કરીને કોન્સ્યુલર એક્સેસ મેળવવામાં આવે છે જેથી તેને કાયદાકીય મદદ પૂરી પાડી શકાય. આમાં કશું જ અસામાન્ય નથી.