હમણાં આતંકવાદ વિરોધી તપાસ કરતી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી. આમાંથી છ યુક્રેની નાગરિકો છે અને એક અમેરિકન. આરોપ છે કે આ તમામ મિઝોરમના સંરક્ષિત સરહદી વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા, ત્યાંથી મ્યાનમાર ગયા અને ત્યાં જઈને ઉત્તર-પૂર્વ ભારતમાં સક્રિય અમુક હિંસક જૂથોને તાલીમ આપતા હતા. તેમની પાસેથી યુરોપની બનાવટનાં ડ્રોનનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.
13 માર્ચે આ તમામની ધરપકડ થઈ હતી, 16મી માર્ચે NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. તમામની 11 દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી છે. 27મી માર્ચે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ વિદેશી નાગરિકોમાંથી જે એકમાત્ર અમેરિકન પકડાયો છે તે ખાસ્સો જાણીતો છે. મેથ્યૂ વૈનડાઇક નામનો આ શખ્સ પણ હાલ NIAની કસ્ટડીમાં છે.
❗️RT INDIA EXCLUSIVE – NAMED: American & Ukrainian Nationals Arrested For Alleged 'Terror Training' In Myanmar
— RT_India (@RT_India_news) March 17, 2026
The American named, Matthew VanDyke, has appeared in at least two films – one about his activities in Libya, and another about his 'security' firm, Sons of Liberty… https://t.co/68tmeaRBtI pic.twitter.com/pf5v8mfK4z
આ નંગ પોતાને સિક્યોરિટી એનાલિસ્ટ, વૉર કોરસપોન્ડન્ટ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર અને બીજું ભલભલું ગણાવે છે. 1981માં અમેરિકાના બાલ્ટીમોરમાં તેનો જન્મ. જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ફોરેન સર્વિસમાં તેણે ડિગ્રી મેળવી હતી. પછીથી તે મોટરસાયકલ ટુર કરવા માંડ્યો અને મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશોમાં ફર્યો. 2011માં એક કારસ્તાન કર્યું પછી દુનિયાભરમાં જાણીતો બન્યો.
2011માં લિબિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. પ્રજા મુઆમ્માર ગદ્દાફી સામે પડી હતી. આ સમયે વૈનડાઇક આ વિદ્રોહીઓના જૂથમાં ભળી ગયો અને આખું ગૃહ યુદ્ધ ફિલ્માવવા માંડ્યો. જ્યારે ગદ્દાફી સરકારે વિદ્રોહીઓને પકડીને જેલમાં મૂકવાના શરૂ કર્યા તો આનો પણ વારો પડી ગયો અને જેલભેગો કરવામાં આવ્યો. લગભગ છએક મહિના સુધી તે જેલમાં રહ્યા પછી બહાર આવ્યો હતો.
2014માં વૈનડાઇકે SOLI નામનું એક સંગઠન સ્થાપ્યું. આનો અર્થ થાય– સન્સ ઑફ લિબર્ટી ઇન્ટરનેશનલ. આ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એક ખાનગી સિક્યુરિટી કોન્ટ્રાક્ટિંગ કંપની છે અને દુનિયાભરમાં વિદ્રોહી જૂથોને હથિયારી તાલીમ અને ‘કન્સલ્ટિંગ સર્વિસ’ આપવાનો દાવો કરે છે, એ પણ નિઃશુલ્ક. તેઓ કહે છે કે આતંકવાદી જૂથો અને ફાસીવાદી સરકારો સામે લડતાં જૂથોને તેઓ ટ્રેનિંગ અને પુરવઠો પૂરો પાડે છે.
I have fought in Ukraine and am still here.
— Matthew VanDyke (@Matt_VanDyke) November 21, 2025
ઈરાકમાં ISIS સામે લડતાં જૂથોને પણ SOLIએ તાલીમ આપી હતી. 2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો વૈનડાઈક અને તેનું સંગઠન ત્યાં પણ પહોંચ્યાં. અહીં તેમણે યુક્રેનનાં સૈન્ય જૂથોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. વૈનડાઇકનું માનીએ તો એ પોતે પણ સેનામાં જોડાયો હતો. એનો અર્થ એ થાય કે SOLI એ જ પ્રમાણે કામ કરતું હતું જે વેસ્ટર્ન-નાટો અને ખાસ તો અમેરિકી સેના ઇચ્છતી હતી. વૈનડાઇક અગાઉ પણ યુએસ મિલિટરી સાથે સંકળાયેલો રહી ચૂક્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના વીસ વર્ષ રહી તે દરમ્યાન તે ફોરવર્ડ ઓપરેટિંગ બેઝમાં કામ કરી ચૂક્યો હતો.
આમ તો આવા મિલિટરી કોન્ટ્રાક્ટરો અને ખાસ કરીને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એકદમ ગુપ્ત રીતે કામ કરતા હોય છે, પણ વૈનડાઇક એમાં નોખો પડે એમ છે. X પર તેણે ખાતું બનાવી રાખ્યું છે અને ત્યાં પોતે જે કોઈ પ્રવૃત્તિ કરે તેની જાણકારી આપતો રહે છે. 2022 પછીથી તેની ફીડ પર સતત યુક્રેન વિશેની માહિતીઓ જોવા મળે છે.
હવે આ મેથ્યૂ ભારતમાં ઝડપાઈ ગયો છે. તે કોલકાતાથી પકડાયો હતો. જ્યારે ત્રણ-ત્રણ યુક્રેનિયનો દિલ્હી અને લખનૌથી પકડાયા હતા. યુક્રેની નાગરિકો સાથે મેથ્યૂની સાંઠગાંઠ હશે એ ઉપરની માહિતી પરથી પુરવાર થઈ ચૂક્યું છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે યુક્રેનીઓ અને તેમની બબાલમાં પરાણે પડેલા મેથ્યૂએ ભારતમાં લડતાં જૂથોને મ્યાનમાર જઈને તાલીમ આપવાની શું જરૂર પડી?
અહીં એ નોંધ કરવી જોઈએ કે મ્યાનમાર-ભારત સરહદે યુક્રેનીઓ અમુક હિંસક જૂથોને તાલીમ આપતાં હોવાની વાત સ્વયં મિઝોરમના મુખ્યમંત્રી પણ માર્ચ 2025માં કરી ચૂક્યા છે.
આ બધાનો જવાબ ગ્લોબલ એલાયન્સ અને પ્રોક્સી વૉરફેર સ્ટ્રેટેજીના અત્યંત જટિલ જાળામાં મળે છે. મ્યાનમારના વર્તમાન સૈન્ય શાસક Min Aung Hlaing રશિયાના નજીકના સાથી છે. 2022માં રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ગઈ ત્યારે દુનિયાભરમાંથી પુતિનની ટીકા થઈ પણ મ્યાનમાર પક્ષમાં રહ્યું હતું. બદલામાં રશિયા મ્યાનમારને ભરપૂર હથિયારો પૂરાં પાડે છે. મ્યાનમાર એરફોર્સને Mi-38 હેલિકૉપ્ટરોથી માંડીને Su-30 ફાઇટર જેટ, સર્વેલન્સ ડ્રૉન વગેરે નિયમિત પહોંચાડવામાં આવતું રહે છે.
યુક્રેન હાલ રશિયા સામે લડી રહ્યું છે પણ હવે આ સંઘર્ષ સરહદો પૂરતો સીમિત રહ્યો નથી. મૂળ વાત એ છે કે યુક્રેનની ગણતરી રશિયાને માત્ર યુક્રેનની સરહદોમાં જ નહીં પણ બહાર પણ જ્યાં શક્ય બને ત્યાં ઘેરવાની છે. એટલે યુક્રેન અને તેના સાથીઓ (જેમાં અમેરિકી સેના પણ છે) રશિયાના સાથીઓને પણ ટાર્ગેટ કરતા રહે છે, તેમના માટે નવી-નવી સ્મસ્યાઓ ચાલુ રહે તેનું ધ્યાન રાખતા રહે છે.
મ્યાનમાર આ બધામાં અગત્યનું એટલા માટે છે કારણ કે એ રશિયાનું બહુ નજીકનું સાથી છે. જો મ્યાનમારને નુકસાન કરવામાં આવે તો રશિયા પર આડકતરી રીતે દબાણ આવશે. એટલે અહીં સક્રિય હિંસક જૂથોને યુક્રેનનું હિત ઇચ્છનારાઓ તાલીમ આપતા રહે છે, ડ્રોન વૉરફેર શીખવતા રહે છે.
ચિત્રમાં ભારત એટલા માટે આવે છે કારણ કે આ ફોરેન ઓપરેટિવ ભારતને રૂટ તરીકે જુએ છે. ભારત ભૌગોલિક રીતે ઘણું નજીક છે અને ભૂરાજકારણમાં ન્યુટ્રલ સ્ટેટ તરીકે જોવાય છે. પરંતુ NIAએ આ કારસ્તાનીઓની ધરપકડ કરીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ભારત પોતાની જમીનનો ઉપયોગ આ રીતે પ્રોક્સી વૉર માટે કરવા નહીં દે. ભારત ભલે ભૂરાજકારણમાં, અન્ય દેશોના સંઘર્ષોમાં તટસ્થ વલણ દાખવશે પણ પોતાની સરહદોની સુરક્ષાની વાત આવે ત્યારે બાંધછોડ ચલાવી નહીં લે.
આ આખો એપિસોડ દર્શાવે છે કે આજના જમાનામાં હવે યુદ્ધો અલગ રીતે લડાય છે. સંઘર્ષો સરહદો પૂરતા સીમિત રહેતા નથી અને વિવિધ દેશોમાં પણ ફેલાઈ રહ્યા છે. આ ચોક્કસ કિસ્સામાં યુએસ અને યુક્રેનના માણસો હવે રશિયાને આડકતરી રીતે નુકસાન કરવા માટે મ્યાનમારને ટાર્ગેટ કરી રહ્યા છે. તેમાં ભારતનો રૂટ તરીકે ઉપયોગ કરવાની ગણતરી હતી, પણ એજન્સીઓએ એ ઇરાદા પાર પાડવા દીધા નહીં.


