મૂળ નેપાળની હિંદુ યુવતીની કચ્છના ગાંધીધામમાં હત્યા, આરોપી સુલતાનની ધરપકડ

મૂળ નેપાળની અને કચ્છના ગાંધીધામમાં એક મુસ્લિમ યુવક સાથે રહેતી હિંદુ યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગાંધીધામ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જેની ઓળખ સુલતાન સુમરા તરીકે થઈ છે.

ગાંધીધામ પોલીસ મથકે મૂળ નેપાળના અને હાલ દુબઈ રહેતા તેના ભાઈએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે તેમનો પરિવાર નેપાળથી કામઅર્થે ભારત આવ્યો હતો અને કચ્છના ગાંધીધામમાં રહેતો હતો. વર્ષ 2011માં તેની મોટી બહેન સ્થાનિક સુલતાન સુમરા નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવાર સિદ્ધપુર ચાલ્યો ગયો અને ત્યાંથી નેપાળ પરત ફર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાઈ-બહેન વચ્ચે છેલ્લે ચાર વર્ષ પહેલાં વાતચીત થઈ હતી અને સુલતાન મહિલાને પરિવાર સાથે સંપર્ક રાખવા દેતો ન હતો.

ગત 17 જુલાઈના રોજ દુબઈ રહેતા મહિલાના ભાઈને ગાંધીધામમાં જ રહેતા તેના એક પિતરાઈ ભાઈએ તેમની બહેનના મૃત્યુના સમાચાર આપ્યા હતા. પિતરાઈ ભાઈએ તેને જણાવ્યું કે 12 જુલાઈએ તેની છેલ્લી વખત વાતચીત થઈ હતી અને પીડિત મહિલાએ તેને જણાવ્યું હતું કે તેનો પતિ તેને માર મારે છે અને મારી નાખવાની ધમકી આપે છે.

લાશ પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવતાં જાણવા મળ્યું કે માર મારવાના કારણે શરીરે ઘણી ઈજા થવાથી અને લોહી વહી જવાથી મૃત્યુ થયું છે. ત્યારબાદ દુબઈ રહેતો મહિલાનો ભાઈ પરત ફર્યો હતો અને પિતરાઈ ભાઈ સાથે બંને હોસ્પિટલ જતાં ત્યાં મૃતદેહ જોતાં શરીરે ઈજાનાં ઘણાં નિશાન જોવા મળ્યાં હતાં અને માથાની પાછળના ભાગે લોહી વહી ગયું હતું.

ત્યારબાદ બંનેએ પોલીસ મથકે જઈને સુલતાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે સુલતાને મહિલાને હથિયાર વડે આખા શરીરે માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે મૃત્યુ થયું.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 (હથિયારબંધીના જાહેરનામાનું ઉલ્લંઘન) હેઠળ ગુનો દાખલ કરીને આરોપી સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી લીધી હતી. હાલ તે કસ્ટડીમાં છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

બીજી તરફ, કચ્છ ગોરખા સમાજે આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.