હોમપેજદેશ‘ઑપરેશન સિંદૂર’ના હુતાત્માઓનાં નામ છુપાવ્યાંનો આરોપ લગાવી મોદી સરકારને ઘેરવા નીકળી કોંગ્રેસ,...

‘ઑપરેશન સિંદૂર’ના હુતાત્માઓનાં નામ છુપાવ્યાંનો આરોપ લગાવી મોદી સરકારને ઘેરવા નીકળી કોંગ્રેસ, સેનાના સત્તાવાર રેકોર્ડ્સે જ ખોલી નાખી પોલ

જો પવન ખેડાએ થોડોક સમય કાઢીને ભારતીય સેના કે સંરક્ષણ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા હોત તો કદાચ તેઓ આવી શરમજનક સ્થિતિમાં ન મૂકાત. પરંતુ જોયા-તપાસ્યા વગર આરોપો મઢી દેવા એ જ આજની રાજનીતિનું નવું હથિયાર બની ગયું છે, જેમાં કોંગ્રેસના નેતાઓ પૂરેપૂરા માહિર થઈ ચૂક્યા છે.

- Advertisement -

રાજકારણમાં ચર્ચામાં રહેવા માટે ઘણીવાર વાસ્તવિકતાની તપાસ કર્યા વગર જ આક્ષેપો કરવામાં આવતા હોય છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. તેમણે ‘ઇન્ડિયા ટુડે’ના એક સમાચાર શેર કરીને મોદી સરકાર પર એક ગંભીર આરોપ લગાવ્યો કે સરકારે ‘ઑપરેશન સિંદૂર’ના હુતાત્મા વીરોનાં નામ છુપાવ્યાં છે. ગઈકાલ સુધી તમામ મોટા મીડિયા ચેનલોમાં પણ આ જ હેડલાઈન ચાલી રહી હતી કે પહેલીવાર ‘6 હુતાત્માઓનાં નામ જાહેર કરાયાં’. પરંતુ જ્યારે આ દાવાની સત્યતા તપાસવામાં આવી ત્યારે સત્ય કંઈક અલગ જ નીકળ્યું.

વાસ્તવમાં પવન ખેડા જે હુતાત્માઓનાં નામ સરકારે છુપાવ્યાં હોવાનો દાવો કરી રહ્યા છે, તે નામ તો પહેલેથી જ દેશની સામે હતાં. સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેનાએ તેમના બલિદાન પછી તરત જ પૂરા સન્માન સાથે આ માહિતી જાહેર કરી દીધી હતી. તાજેતરમાં સરકારે માત્ર આ નામોને નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની (નેશનલ વોર મેમોરિયલ) સત્તાવાર દીવાલ અને વેબસાઇટ પર અંકિત કર્યાં છે, જેને કોંગ્રેસ નેતાએ ‘નામ છુપાવ્યાં’ હોવાનો રાજકીય રંગ આપી દીધો.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ શું આરોપ લગાવ્યો?

કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પર ‘ઑપરેશન સિંદૂર’માં દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા 6 વીર સૈનિકોની યાદી શેર કરી. આ નામોમાં સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર), લાન્સ નાયક દિનેશ કુમાર, એવિએશન ટેકનિશિયન મૂડ મુરલીનાયક, હવાલદાર સુનીલ કુમાર સિંઘ અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના મેડલ) સામેલ હતા.

- Advertisement -

આ નામો પોસ્ટ કરીને પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે લખ્યું કે આ બહાદુર દીકરાઓએ પહલગામ હુમલા પછી દેશના સન્માન અને આપણી બહેનોના સિંદૂરની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. તેમનાં નામ દેશની જનતાના હૃદયમાં (રાષ્ટ્રીય ચેતનામાં) અંકિત થવા જોઈતાં હતાં. પરંતુ ભાજપ સરકારે આખું એક વર્ષ દેશથી તેમનું બલિદાન છુપાવી રાખ્યું. તેમણે સરકારના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવતા આગળ લખ્યું કે જે સરકાર રાષ્ટ્રભક્તિના દાવા કરે છે, તેણે આપણા નાયકોને એ સન્માન અને ઓળખ ન આપી જેના તેઓ ખરા હકદાર હતા.

ફેક્ટચેકમાં શું સત્ય બહાર આવ્યું?

જ્યારે આ દાવાનું ફેક્ટચેક કરવામાં આવ્યું ત્યારે પવન ખેડાના આરોપો તદ્દન પાયાવિહોણા અને ખોટા સાબિત થયા. ભારતીય સેના, વાયુસેના અને સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર રેકોર્ડ્સ દર્શાવે છે કે આ વીર જવાનોના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય છુપાવવામાં જ નહોતું આવ્યું. જ્યારે મે 2025માં પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાં નષ્ટ કરવા માટે ‘ઑપરેશન સિંદૂર’ ચલાવવામાં આવ્યું હતું, ત્યારે જ સેનાએ સમયાંતરે આ વીરોના બલિદાનની માહિતી દેશને આપી દીધી હતી. હવે ક્રમશઃ જોઈએ કે સાચું શું છે:

સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (વાયુસેના મેડલ): ભારતીય વાયુસેનાએ પોતે 13 ઑગસ્ટ 2025ના રોજ પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તત્કાલીન એર ચીફ માર્શલ એ.પી. સિંઘ પોતે રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં આવેલા સાર્જન્ટ સુરેન્દ્ર કુમારના વતન ગયા હતા. ત્યાં તેમણે હુતાત્માનાં માતા, પત્ની અને બાળકો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી. આને છુપાવ્યું કેવી રીતે કહી શકાય?

સુબેદાર મેજર પવન કુમાર: ભારતીય સેનાની ‘વ્હાઇટ નાઇટ કોર્પ્સ’ દ્વારા 16 મે 2025ના રોજ જ સત્તાવાર રીતે પોસ્ટ કરીને સુબેદાર મેજર પવન કુમારની વીરતા અને સર્વોચ્ચ બલિદાનને સલામી આપવામાં આવી હતી.

હવાલદાર સુનીલ કુમાર સિંઘ: સેનાની ‘વ્હાઇટ નાઇટ કોર્પ્સે’ 7 જૂન 2025ના રોજ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 6 જૂન 2025ના રોજ હવાલદાર સુનીલ કુમાર સિંઘ હુતાત્મા થયા હતા. સેનાએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રાઇફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર): ન્યુઝ એજન્સી ANIએ 11 મે 2025ના રોજ એક વિડીયો રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં જમ્મુના ત્રેવા ગામમાં રાઇફલમેન સુનીલ કુમારના પાર્થિવ દેહને પૂરા સૈન્ય સન્માન સાથે તેમના ઘરે લાવવામાં આવતો દર્શાવવામાં આવ્યો હતો. રાઇફલમેન સુનીલ કુમારને ‘વીર ચક્ર’ પણ મળેલું છે, કદાચ કોંગ્રેસ આ વાત ભૂલી ગઈ છે.

અગ્નવીર મૂડ મુરલીનાયક: વ્હાઇટ નાઇટ કોર્પ્સે 20 મે 2025ના રોજ જ પોસ્ટ કરીને અગ્નવીર મૂડ મુરલીનાયકના સર્વોચ્ચ બલિદાનને નમન કર્યું હતું.

લાન્સ નાયક દિનેશ કુમાર: સેનાએ 7 મે 2025ના રોજ જ પોસ્ટ કરીને માહિતી આપી દીધી હતી કે પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબાર દરમિયાન લાન્સ નાયક દિનેશ કુમારે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.

આ તમામ સત્તાવાર પુરાવાઓથી એ સ્પષ્ટ થાય છે કે આ 6 વીરો કોણ હતા અને તેમના બલિદાનની ગાથા એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2025માં જ દેશની સામે આવી ચૂકી હતી. તાજેતરમાં સરકારે માત્ર આ બલિદાનીઓનાં નામ સત્તાવાર રીતે નેશનલ વોર મેમોરિયલની ડિજિટલ અને વાસ્તવિક દીવાલો પર હંમેશ માટે અંકિત કર્યાં છે, જે એક નક્કી કરેલી પ્રક્રિયાનો જ ભાગ છે.

પાયાવિહોણા આરોપો લગાવવાની ‘કોંગ્રેસી’ આદત

આ આખા મામલાથી એક વાત ફરી સાબિત થઈ ગઈ છે કે કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓને ફેક્ટચેક કરવાની આદત જ નથી. હેડલાઇન્સ મેળવવા અને સરકારને ઘેરવાની ઉતાવળમાં કોંગ્રેસના નેતાઓ પાયાની વાસ્તવિકતાઓ જોવી પણ જરૂરી નથી સમજતા. દેશની સુરક્ષા અને સૈનિકોના બલિદાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ વિચાર્યા વગર રાજકારણ રમવું ખૂબ જ કમનસીબ છે.

જો પવન ખેડાએ થોડોક સમય કાઢીને ભારતીય સેના કે સંરક્ષણ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસ્યા હોત તો કદાચ તેઓ આવી શરમજનક સ્થિતિમાં ન મૂકાત. પરંતુ જોયા-તપાસ્યા વગર આરોપો મઢી દેવા એ જ આજની રાજનીતિનું નવું હથિયાર બની ગયું છે, જેમાં કોંગ્રેસના નેતાઓ પૂરેપૂરા માહિર થઈ ચૂક્યા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં