આ વર્ષની પંદરમી ઑગસ્ટનો સપરમો દહાડો ઋષિકેશમાં ગંગાજીના કિનારે સ્વામી ગોવિંદદેવ ગિરીના પવિત્ર સાંન્નિધ્યમાં ગાળ્યો.
22 જાન્યુઆરી 2024નો દિવસ તમને યાદ હશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અગિયાર દિવસના અનુષ્ઠાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પારણાં કર્યાં. સ્વામી ગોવિંદદેવ ગિરીના પાવન હસ્ત દ્વારા પારણાં કર્યાં. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તેઓ કોષાધ્યક્ષ છે, ખજાનચી, ટ્રેઝરર. ટ્રસ્ટના આર્થિક કારોબાર પર ચાંપતી નજર રાખવા સ્વામી ગોવિંદદેવ ગિરી જેવા અણિશુદ્ધ અને નખશિખ પ્રામાણિક સંતની પસંદગી બિલકુલ યોગ્ય હતી, છે અને રહેશે. એમને કારણે આ ભવ્ય મંદિરને મળતા રોજના કરોડો રૂપિયાના દાનનો ચોખ્ખો હિસાબ રહે છે. આવકની સાથે ખર્ચનો પણ ચોખ્ખો હિસાબ રહે છે.
તો પછી થોડા અઠવાડિયા પહેલાં ગાજેલા દાનની રકમની ચોરીના સમાચાર શું ખોટા હતા?
સારો સવાલ છે.
ધ્યાનથી વાંચજો.
તમે ખ્રિસ્તીઓના ચર્ચમાં આવતી ડોનેશનની રકમની ચોરીના સમાચાર કોઈ દિવસ વાંચ્યા છે? કેમ નથી વાંચ્યા? હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ પર બળાત્કાર કરવાના આક્ષેપ વાંચ્યા હશે. પાદરીબાબા પરના આવા આક્ષેપ મીડિયામાં કોઈ ચગાવતું નથી. બળાત્કારની સજામાંથી કોર્ટ પ્રેશર હેઠળ પાદરીને છોડી દેશે તો એના ન્યુઝ નહીં બને પણ હિન્દુ ધર્મગુરુને જામીન મળશે કે પેરોલ મળશે તો મીડિયા હોહા કરી મુકશે. ચર્ચમાં થતી ચોરીઓ અને ચર્ચના આર્થિક ગોટાળાઓનું પણ આવું જ છે. ચર્ચના કર્તાહર્તાઓ આવા કિસ્સાઓને અંદરોઅંદર જ ‘ઉકેલી’ નાખે છે. પોલીસ કેસ થવા દેતા નથી. ચર્ચને કરોડોનું દાન આપનારા શ્રદ્ધાળુઓની આંખમાં ધૂળ નાખવામાં આવે છે કે ચર્ચ આર્થિક બાબતે ચોખ્ખું ચણાક છે, બધું હન્કી ડોરી છે. ખ્રિસ્તી ધર્મના આર્થિક ભ્રષ્ટાચારનું સૌથી મોટું કેન્દ્ર તો વેટિકન છે, જેના વિશે પુસ્તકો લખાયાં છે, ટનબંધ ન્યુઝપેપર રિપોર્ટ્સ ઉપલબ્ધ છે જેના પરથી હૉલિવુડમાં ફિલ્મો બની ચૂકી છે.
પણ પ્રજા તો એમ જ માનીને બેઠી છે કે ચર્ચનો આર્થિક વ્યવહાર દૂધે ધોયેલો હોય છે.
આવું જ મુસ્લિમોની શ્રદ્ધા સમાન મસ્જિદો દરગાહો ઇત્યાદિની બાબતમાં. મુસ્લિમ બળાત્કારી ધર્મગુરુને પણ ઘણી વખત હિન્દુમાં ખપાવવાની કોશિશ મીડિયા કરતું હોય છે એમ અહીં પણ જે કંઈ આર્થિક ગોસ્મોટાળા થતા હોય છે તે બધા જાજમ હેઠળ ઢાંકી દેવામાં આવે છે. આપસમાં પતાવટ કરી દેવામાં આવે છે. મામલો પોલીસને સોંપવામાં નથી આવતો. ચૂપચાપ ભીનું સંકેલી લેવામાં આવે છે. વકફ બોર્ડના કરોડોના ગોટાળાની વાત લોકો સુધી પહોંચતી નથી. સેક્યુલર મીડિયાને ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની છબી ખરડાય તે પસંદ નથી. સેક્યુલર મીડિયાને ભગવા સાથે જ દુશ્મની છે.
અયોધ્યાના રામ મંદિરમાં આવતા દાનની રકમમાં ચોરી થઈ છે એની ખબર દુનિયાને કેવી રીતે પડી? મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ થઈ એટલે. જેમની જવાબદારી મંદિરના આર્થિક વ્યવહારો ચોખ્ખા રાખવાની છે તેમના ધ્યાનમાં આ ચોરી આવી એટલે એમણે આ મામલામાં ભીનું સંકેલીને ‘મંદિરની આબરૂ ન ખરડાય’ એ માટે ચૂપચાપ આપસમાં પતાવટ કરવાનો માર્ગ અપનાવવાને બદલે સાચા સનાતની તરીકે પારદર્શક અભિગમ લીધો. આને લીધે ભવિષ્યમાં આવી કોઈ નિંદનીય ઘટના ન બને તે માટે કેવાં પગલાં લેવાં જોઈએ એ વિશેની ચર્ચા થઈ શકી, નિર્ણયો લેવાયા. ટ્રસ્ટની એફઆઇઆર પછી તાબડતોબ એસઆઇટીની સ્થાપના થઈ, ઇન્વેસ્ટીગેશન થયું, સુપ્રીમ કોર્ટે પણ જાંચતપાસ માટે સર્વોચ્ચ સમિતિ નીમી. બધું જ જાહેર જનતાની જાણ હેઠળ થતું રહ્યું. કુલડીમાં ગોળ ભાંગવાની માનસિકતા અહીં કોઈની નથી. મંદિરના વહીવટમાં અને મસ્જિદ-ચર્ચના વહીવટમાં પાયાનો જે ફર્ક છે તેની પબ્લિકને ખબર પડી.
ધરપકડો થઈ. તપાસમાં બહાર આવ્યું કે કોણે ચોરી કરી હતી. કોણે ચોરી કરી હતી? મંદિરના ટ્રસ્ટનો એકપણ કારભારી કે કર્મચારી એમાં ઇન્વોલ્વ્ડ નથી તે બહાર આવ્યું. તો ચોરી કરી કોણે? મંદિરમાં આવતી રોજની દાનધર્માદાની રકમને ગણવા માટે મંદિરે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એસ.બી.આઇ.ના પગારદાર કર્મચારીઓ આ રકમ ગણીને એનો હિસાબ મંદિરને આપે એવી વ્યવસ્થા થઈ છે. ચોરી એસ.બી.આઇ.ના પગારદાર બદમાશ નોકરોએ કરી. પકડાયા. કેસ ચાલશે. સજા થશે. ભવિષ્યમાં આવી ચોરી ન થાય એ માટે હજુ વધુ જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઈ છે.
મંદિરની દાનપેટીમાં આવતી રોકડ રકમને હાથેથી ગણતા એસ.બી.આઇ.ની કેટલાક કર્મચારીઓ દ્વારા થયેલી આ ચોરી સિવાયની બાકીની બધી જ રકમોની રસીદ વગેરેનો તાળો બરાબર મળી ગયો છે. અબજો રૂપિયાના એ કારોબારમાં એક પૈસો ઓછોવત્તો થયો નથી. મંદિરને મળેલી 2,926 મોંઘી ચીજવસ્તુઓમાંથી એક પણ જણસ આઘીપાછી થઈ નથી. એ સંપૂર્ણ યાદી અને કઈ ચીજ ક્યાં છે તે વિશે પૂરતી જાહેરાત થઈ ચૂકી છે. કોઈપણ વ્યક્તિ અયોધ્યા જઈને ખાતરી કરી શકે છે કે સોનાના પતરાવાળું રામચરિતમાનસ સલામત છે (આ ભેટ આપનાર સજ્જને મીડિયામાં કોઈના ચડાવવાથી જે એલફેલ નિવેદનો આપ્યાં હતાં તે બદલ માફી માગી છે). ચાંદીના કાકભુષુંડી પણ સલામત છે (આ ભેટ આપનાર પણ અનાપશનાપ આક્ષેપો કરતા હતા તેમણે પણ માફી માગી છે). ચાંદીની 200 ઈંટો ભેટ આપનારા વિશ્વ સિંધી સંગઠને પણ પત્ર લખીને કહ્યું છે કે અમે મોકલેલી ભેટ સલામત છે તેનો અમને આનંદ છે અને સંતોષ છે.
ચોરી આખરે તો ચોરી છે. ચાહે એ એક રૂપિયાની હોય કે પછી અમુક કરોડની હોય. ધર્મસ્થળમાં આવી કોઈ ઘટના બને છે ત્યારે શ્રદ્ધાળુઓના દિલને ઠેસ પહોંચે તે સ્વાભાવિક છે. આવું ફરીથી ન બને તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવાય અને અત્યારે જે વ્યક્તિઓએ આ ગુનો કર્યો છે એમને કડકમાં કડક સજા થાય તેવું કોઈ પણ ઈચ્છે. અને એવું જ થશે. મામલો પોલીસ, કોર્ટ, સુપ્રીમ કોર્ટ પાસે છે અને ટ્રસ્ટ સંભાળી રહેલા સંતો આ તમામ ઘટનાક્રમના સાક્ષી છે.
તો હવે સવાલ એ થાય છે કે બાતનું બતંગડ થયું કેવી રીતે? કોણે આ બધું કર્યું જેને લીધે અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠા ખરડાઈ?
જેમણે રામ મંદિરમાં એક રૂપિયાનું ડોનેશન નથી આપ્યું, જેઓ ક્યારેય ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરનાં પગથિયાં નથી ચડ્યા, જેઓ રામ મંદિર ન બંધાય એ માટે કરોડોનો ખર્ચ કરીને દાયકાઓ સુધી કોર્ટમાં લડ્યા હતા, જેઓ ભગવાન રામને કાલ્પનિક ગણીને હસી કાઢતા હતા, જેમના માટે રામસેતુનું અસ્તિત્વ જ નથી, જેમને સનાતન પરંપરા સાથે ભગવાન વાલ્મિકી અને સંત તુલસીદાસ સાથે નાહવાનીચોવવાનો સંબંધ નથી એવી નીચ માનસિકતાવાળાઓએ આ મુદ્દાને ચગાવ્યો. જાણે એવું વાતાવરણ ઊભું કર્યું કે આપણે રામભક્તોએ આ મંદિરને લૂંટી લીધું, મોદીએ લૂંટ્યું, ભાજપની સરકારે લુંટ્યું, મોગલ આક્રાંતાઓ કરતાં પણ આપણે ગયાગુજર્યા કે મંદિરોને લૂંટી રહ્યા છીએ. પેઇડ મીડિયાએ આ બાબતમાં પેટ્રોલ રેડીને આગ ભડકાવી અને સોશિયલ મીડિયામાં ઍક્ટિવ એવા દેશદ્રોહીઓ વિદેશી ફંડિંગની લાલચે હજુય આ મુદ્દાને ઉછાળતા રહે છે.
સ્વામી ગોવિંદદેવ ગિરીએ મારી સાથેની વાતચીતમાં કહ્યું કે કેટલાક લોકો મને પૂછતા હતા કે તમે કોષાધ્યક્ષપદેથી રાજીનામું આપશો? મેં કહ્યું બિલકુલ નહીં આપું. હું છત્રપતિ શિવાજી મહારાજનો વફાદાર સૈનિક છું. રણમેદાન છોડીને નહીં ભાગું. એકેએક પ્રશ્નનો જવાબ આપીશ. મારી જવાબદારી પૂરેપૂરી રીતે મેં નિભાવી છે, નિભાવતો રહીશ.
મોદી સરકારને, ભાજપને, સંઘને, સનાતનને, આપણને, આ દેશને બદનામ કરવા માટે રોજે રોજ નવા નવા પેંતરા રચાતા રહે છે. 2027ની યુપીની ચૂંટણીમાં ભાજપ પુનઃ વિજય ન મેળવે એવો એજન્ડા લઈને તેઓ સાયકલ ચલાવે છે. દુનિયાના અમુક દેશોને ભારતની ધસમસતી પ્રગતિ સામે વાંધો છે. દુનિયાના અમુક ગેંગસ્ટરોને મોદી આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ લોકો ભારતના વિપક્ષી નેતાઓ દ્વારા મોદીને નાકામિયાબ ચીતરવાની સતત કોશિશ કરતા રહે છે, જુઠ્ઠાણાં ફેલાવીને, આપણને ગેરમાર્ગે દોરતા રહે છે. પેઇડ મીડિયા એ લોકોની સાથે છે. ચિરકુટ જેવી યુટ્યુબ ચેનલો અને વિનાશકારી ડિજિટલ ચેનલો જુઠ પર જુઠ પર જુઠ ફેલાવ્યા કરે છે.
જુઠ્ઠાણું બહુ ઝડપથી ફેલાઈ જાય છે. આ એનો સ્વભાવ છે. અસત્યને નિર્વસ્ત્ર બનીને બજારમાં ફરવા નીકળવા માટે બહુ તૈયારી નથી કરવી પડતી. સત્યે સજ્જ અને સજાગ થઈને, નક્કર માહિતી-પુરાવા લઈને નીકળવાનું હોય છે જેમાં વાર લાગી જતી હોય છે. મારા વાચકો અનેક વાર મને પૂછતા હોય છે કે, ‘શું ફલાણી વાત સાચી છે?’ ખોટી વાત બજારમાં ફેલાવવા માટે કોઈએ ઝાઝી મહેનત કરવી નથી પડતી. ખોટી વાતને ખોટી પુરવાર કરવા માટે ઊંડાણ સુધી જવું પડતું હોય છે. સત્યશોધનની જવાબદારી મોટી છે ગપ્પાં મારનારાઓની કોઈ જવાબદારી નથી હોતી.
ખોટી વાત ખોટી પુરવાર ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી. તમને જેમનામાં શ્રદ્ધા છે એમના પરની તમારી શ્રદ્ધા ડગે નહીં તે જોવું. દેશવિરોધી, મોદીવિરોધી, સનાતનવિરોધી પત્રકારો કોણ છે, કેવા છે, ક્યાં છે અને કેવા બુરખા પહેરીને કામ કરે છે તેની તમને ખબર છે. એ લોકો દિમાગી નક્સલી છે એવી હવે તમને ખુદ વડા પ્રધાન દ્વારા જાણ કરવામાં આવી છે.
આ દિમાગી નક્સલીઓ ગુજરાતમાં પણ અનેક છે. આવા એક એકને ચુન ચુન કે એક્સપોઝ કરવાના છે, એમના જુઠ્ઠા નેરેટિવને પડકારવાના છે, એમની આવકના સ્ત્રોતોને ખુલ્લા પાડવાના છે, એમની ડાહી ડાહી વાતો પાછળનો ઝેરીલો એજન્ડા લોકો સમક્ષ ઉઘાડો પાડવાનો છે.
શું આ ફલાણી માહિતી સાચી છે એવું જંતુ તમારા મગજમાં ભરાઈ ગયું હોય તો એ કીડાનો સળવળાટ શાંત ન થાય ત્યાં સુધી ધીરજ ધરવી. પેસ્ટ કન્ટ્રોલવાળાઓ દિવસરાત એ જ કામ કરી રહ્યા છે. આ દેશને દિમાગી નક્સલોથી મુક્ત કરવામાં જેવું પવિત્ર કાર્ય બીજું એકેય નથી.
પંદરમી ઑગસ્ટની સવારે લાલ કિલ્લા પરથી પ્રવચન કરતા વડા પ્રધાન મોદીએ સાચું જ કહ્યું હતું: ‘આ દેશને ડરાવવામાં કેટલાક લોકોને આનંદ આવતો હોય છે.‘
આપણે આ પિશાચી આનંદ લેનારાઓનો ઈલાજ કરવા જ બેઠા છીએ.


