હોમપેજદુનિયાભરપૂર માત્રામાં ક્રૂડ ઓઇલ હોવા છતાં ભારત પાસેથી પેટ્રોલ કેમ ખરીદી રહ્યું...

ભરપૂર માત્રામાં ક્રૂડ ઓઇલ હોવા છતાં ભારત પાસેથી પેટ્રોલ કેમ ખરીદી રહ્યું છે રશિયા?

રશિયા પાસે ક્રૂડ ઓઇલનો પુરવઠો હજુ પણ છે. સમસ્યા એ છે કે તે ક્રૂડને પૂરતી ઝડપે પેટ્રોલમાં રૂપાંતરિત કરી શકે તેવી રિફાઇનરી ક્ષમતાનો એક હિસ્સો યુદ્ધ દરમિયાન નુકસાનગ્રસ્ત થયો છે.

- Advertisement -

રશિયા દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અને નિકાસ કરનારા દેશોમાંનો એક છે. છતાં હાલમાં એક વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે– રશિયાને ભારત પાસેથી પેટ્રોલ એટલે કે ગેસોલિન મંગાવવું પડી રહ્યું છે.

પહેલી નજરે આ વાત વિરોધાભાસી લાગે. જે દેશ પોતે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ કાઢે છે અને દુનિયાભરમાં મોકલે છે, એ જ દેશ પેટ્રોલ માટે બીજા દેશ તરફ કેમ જુએ? આ સવાલનો જવાબ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ વચ્ચેના મૂળભૂત તફાવતમાં છુપાયેલો છે.

સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે– રશિયા ભારત પાસેથી ક્રૂડ ઓઇલ નહીં, પરંતુ રિફાઇન્ડ પેટ્રોલ ખરીદી રહ્યું છે. જમીનમાંથી નીકળતું ક્રૂડ સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. ક્રૂડ ઓઇલને રિફાઇનરીમાં પ્રોસેસ કર્યા પછી પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો બને છે. એટલે રશિયાની હાલની મુશ્કેલી ક્રૂડની અછત કરતાં વધુ રિફાઇનિંગ ક્ષમતાની અછત છે.

- Advertisement -

રશિયા પાસે ક્રૂડ ઓઇલનો પુરવઠો હજુ પણ છે. સમસ્યા એ છે કે તે ક્રૂડને પૂરતી ઝડપે પેટ્રોલમાં રૂપાંતરિત કરી શકે તેવી રિફાઇનરી ક્ષમતાનો એક હિસ્સો યુદ્ધ દરમિયાન નુકસાનગ્રસ્ત થયો છે. યુક્રેને છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને અન્ય એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાઓ વધાર્યા છે. આ હુમલાઓના કારણે અનેક પ્લાન્ટમાં કામગીરી અટકી ગઈ છે અથવા ઘટી ગઈ છે.

આ સ્થિતિને એક સરળ ઉદાહરણથી સમજીએ.

માની લો કે તમારી પાસે ખેતરમાં ઘઉંનો મોટો જથ્થો છે, પરંતુ તમારી લોટની મિલ બંધ થઈ ગઈ છે. ઘઉં તમારી પાસે હોવા છતાં તમે રોટલી બનાવી શકતા નથી. ત્યારે તમારે ઘઉં નહીં, પરંતુ લોટ તો બહારથી ખરીદવો જ પડશે. રશિયા સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે– ક્રૂડ છે, પરંતુ તેને પેટ્રોલમાં ફેરવવાની ક્ષમતા પર હુમલાઓની અસર પડી છે.

યુક્રેનના હુમલાઓનું લક્ષ્ય માત્ર યુદ્ધના મોરચા પૂરતું સીમિત નથી. રશિયાની અંદર આવેલી રિફાઇનરીઓ પણ નિશાન બની છે. 11 ઑગસ્ટે યુક્રેનના ડ્રોન હુમલા બાદ ઓર્સ્ક રિફાઇનરીની કામગીરી બંધ થઈ ગઈ હતી. અહેવાલ મુજબ આ પ્લાન્ટની વાર્ષિક ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા લગભગ 5.76 મિલિયન ટન છે અને તેની મરામતમાં મહિનાઓ લાગી શકે છે, કારણ કે પ્રતિબંધોને કારણે કેટલાક જરૂરી વિદેશી સાધનો મેળવવામાં મુશ્કેલી છે.

આ એકમાત્ર ઘટના નથી. જૂન-જુલાઈ દરમિયાન મોસ્કો, નિઝની નોવગોરોડ, સાયઝરાન, ઓમ્સ્ક, સારાટોવ અને અન્ય વિસ્તારોની રિફાઇનરીઓ પણ હુમલાઓ અથવા અન્ય વિક્ષેપોથી પ્રભાવિત થઈ હતી. પરિણામે રશિયામાં પેટ્રોલનું ઉત્પાદન ઘટ્યું. જૂન 2026માં રશિયાનું ગેસોલિન ઉત્પાદન એક વર્ષ અગાઉની સરખામણીએ આશરે 17 ટકા ઘટીને લગભગ 8.5 લાખ બેરલ પ્રતિ દિવસ થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

બીજી તરફ રશિયામાં ઉનાળાની ઋતુ દરમિયાન પેટ્રોલની માંગ પણ ઊંચી રહે છે. રોયટર્સ અનુસાર ઉનાળામાં રશિયામાં ગેસોલિનનો વપરાશ પ્રતિદિન ઓછામાં ઓછો 1.10 લાખ ટન સુધી પહોંચે છે. એટલે ઉત્પાદન ઘટે અને માંગ ઊંચી રહે તો બજારમાં ખાધ ઊભી થવી સ્વાભાવિક છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલ માટે લાંબી કતારો, રેશનિંગ અને વધતા ભાવની સ્થિતિ જોવા મળી છે.

અહીંથી ભારતની એન્ટ્રી થાય છે. ભારત વિશ્વના મોટા રિફાઇનિંગ હબમાંનું એક છે. ભારતમાં 22 ઑપરેશનલ રિફાઇનરીઓની કુલ સ્થાપિત ક્ષમતા 258.1 મિલિયન ટન પ્રતિ વર્ષ છે. ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 61.5 મિલિયન ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. એટલે ભારત પાસે માત્ર ક્રૂડ ખરીદવાની જ નહીં, પરંતુ તેને મોટાપાયે રિફાઇન કરીને પેટ્રોલ-ડીઝલ જેવા તૈયાર ઉત્પાદનો વિદેશ મોકલવાની ક્ષમતા પણ છે.

રિફાઇનરીઓને નુકસાન થતાં મોસ્કો ભારત પાસેથી મંગાવે છે પેટ્રોલ

આ જ કારણથી રશિયા માટે ભારત એક મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે. રશિયાની પોતાની રિફાઇનરીઓમાંથી ઉત્પાદન ઘટે ત્યારે ભારતમાંથી તૈયાર પેટ્રોલ દરિયાઈ માર્ગે મંગાવી શકાય છે. અહેવાલ મુજબ જુલાઈમાં ભારતે રશિયાને ઓછામાં ઓછા 60,000 મેટ્રિક ટન ગેસોલિન મોકલ્યું હતું અને બે ટેન્કરમાં 30,000થી 40,000 ટન જેટલો માલ હતો. અહેવાલ અનુસાર રશિયા વિવિધ દેશોમાંથી દર મહિને કુલ 4 લાખ ટન જેટલું ગેસોલિન આયાત કરવાની યોજના ધરાવતું હતું.

આ ઘટના એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે સામાન્ય સ્થિતિમાં ક્રૂડનો પ્રવાહ બંને દેશો વચ્ચે એકદમ વિપરીત દિશામાં જોવા મળે છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે, તેને પોતાની રિફાઇનરીઓમાં પ્રોસેસ કરે છે અને તેમાંથી બનેલાં કેટલાંક પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરે છે. હવે એ જ રશિયા ભારતમાંથી તૈયાર ગેસોલિન લઈ રહ્યું છે. એટલે વૈશ્વિક ઓઇલ ટ્રેડમાં એક પ્રકારનો ‘રિવર્સ ફ્લો’ જોવા મળી રહ્યો છે.

પરંતુ તેનો અર્થ એવો નથી કે રશિયા અચાનક ઓઇલ ઉત્પાદન કરવામાં અસમર્થ બની ગયું છે. ક્રૂડનું ઉત્પાદન અને રિફાઇનિંગ બે અલગ તબક્કા છે. રશિયા જમીનમાંથી ક્રૂડ કાઢી શકે છે, તેને નિકાસ પણ કરી શકે છે, પરંતુ જો તેની પોતાની રિફાઇનરીઓમાંથી પૂરતું પેટ્રોલ ન બને તો સ્થાનિક બજાર માટે તૈયાર પેટ્રોલ બહારથી ખરીદવું પડે. હાલની સમસ્યાનો મુખ્ય મુદ્દો આ જ છે.

યુદ્ધે આ મુશ્કેલીને વધુ ગંભીર બનાવી છે. યુક્રેનનો હેતુ રિફાઇનરીઓ પર હુમલા કરીને રશિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુદ્ધ કરવાની ક્ષમતા અને અર્થતંત્ર પર દબાણ વધારવાનો પણ છે. એક પછી એક રિફાઇનરી પર હુમલાથી ઉત્પાદન ક્ષમતા ઘટે છે, અને એક પ્લાન્ટને નુકસાન થયા પછી બીજો પ્લાન્ટ પણ નિશાન બને તો વધારાની ક્ષમતા પણ ઝડપથી ખતમ થઈ જાય છે. કહેવાય છે કે ઓર્સ્ક રિફાઇનરીના બંધ થવાથી સ્થાનિક ઇંધણ પુરવઠા પર વધુ દબાણ આવ્યું છે.

યુક્રેનના હુમલાઓના કારણે સમગ્ર સપ્લાય ચેઇન પ્રભાવિત

મુશ્કેલી માત્ર પેટ્રોલ પંપ પૂરતી મર્યાદિત રહેતી નથી. ઇંધણની અછતથી ટ્રકિંગ અને માલસામાનની હેરફેરનો ખર્ચ પણ વધે છે. રશિયામાં ડ્રોન હુમલાઓને કારણે ઇંધણના ભાવમાં 16થી 18 ટકા સુધી વધારો અને પરિવહન ખર્ચમાં 4.5થી 5.5 ટકા સુધી વધારો નોંધાયો હતો. એટલે રિફાઇનરી પર થયેલો હુમલો અંતે સામાન્ય ગ્રાહકથી લઈને સમગ્ર સપ્લાય ચેઇન સુધી અસર પહોંચાડી શકે છે.

રશિયા માટે નજીકનો વિકલ્પ બેલારુસ પણ છે. બેલારુસ પહેલેથી જ રશિયાને પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરાં પાડે છે અને જુલાઈમાં ત્યાંથી રશિયા તરફ ગેસોલિનના શિપમેન્ટમાં વિક્રમજનક વધારો નોંધાયો હોવાનું નોંધાયું હતું. પરંતુ માત્ર પડોશી દેશો પર આધાર રાખવાથી સમગ્ર ખાધ પૂરી કરવી મુશ્કેલ બની શકે છે. તેથી ભારત જેવા મોટા રિફાઇનિંગ અને નિકાસ કરતાં દેશ તરફ નજર જવી સ્વાભાવિક છે.

ભારતીય રિફાઇનરીઓની ક્ષમતા ઘણી વધુ

આ સમગ્ર ઘટનામાં ભારત માટે પણ એક રસપ્રદ પરિસ્થિતિ ઊભી થાય છે. દેશ પોતે ક્રૂડનો મોટો આયાતકાર છે, છતાં તે રિફાઇનિંગ ક્ષમતાના કારણે પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે. એટલે ભારત ઓઇલ આયાત કરે છે અને છતાં ઓઇલ ઉત્પાદનો નિકાસ કરે છે એ વિરોધાભાસ નથી. ભારત કાચો માલ એટલે કે ક્રૂડ ખરીદે છે, તેને રિફાઇનરીમાં વધુ મૂલ્યવાળા ઉત્પાદનોમાં ફેરવે છે અને પછી વૈશ્વિક બજારમાં વેચે છે.

આ ઘટનાનો સૌથી મોટો અર્થ એ છે કે આજના સમયમાં એનર્જી સિક્યુરિટી માત્ર ઓઇલના ભંડાર પર આધારિત નથી. આજે તમારી પાસે રહેલા ક્રૂડના પુરવઠાનું મહત્વ તો છે જ સાથે સાથે તેને રિફાઇન કરવાની કેટલી ક્ષમતા છે, રિફાઇનરીઓ કેટલી સુરક્ષિત છે, સ્પેર પાર્ટ્સ અને ટેક્નોલોજી કેટલાં સરળતાથી મળે છે અને વૈશ્વિક બજારમાં વૈકલ્પિક સપ્લાયર સુધી પહોંચ કેટલી સરળ છે– આ બધું પણ એટલું જ મહત્વનું છે.

એટલે આપણો પ્રશ્ન કે ‘રશિયા પોતે ક્રૂડ ઓઇલ બનાવે છે તો ભારત પાસેથી પેટ્રોલ કેમ ખરીદે છે?’ તેનો સીધો જવાબ છે: રશિયા પાસે ક્રૂડની અછત નથી, પરંતુ યુદ્ધ અને યુક્રેનના સતત ડ્રોન હુમલાઓથી તેની રિફાઇનિંગ ક્ષમતાને ભારે નુકસાન થયું છે. પરિણામે તૈયાર પેટ્રોલનું સ્થાનિક ઉત્પાદન તેની જરૂરિયાત કરતાં ઓછું પડી રહ્યું છે. આ ખાધ પૂરી કરવા માટે મોસ્કોએ ભારત સહિત અન્ય દેશોમાંથી તૈયાર ગેસોલિન ખરીદવાનું શરૂ કર્યું છે. આ ઘટના રશિયા માટે માત્ર ઇંધણની અછત નહીં, પરંતુ યુદ્ધ કેવી રીતે દેશની એનર્જી સિસ્ટમના એક ચોક્કસ તબક્કાને નબળો પાડી શકે છે તેનું મોટું ઉદાહરણ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં