ઉજ્જૈનમાં મસ્જિદના ડિમોલિશન દરમ્યાન મુસ્લિમ ટોળાનો પોલીસ પર પથ્થરમારો, બળપ્રયોગ બાદ સ્થિતિ નિયંત્રણમાં: મસ્જિદ સમિતિએ જ તોડવા માંડ્યો એક હિસ્સો

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં રોડ વાઇડનિંગ પ્રોજેક્ટ દરમ્યાન શાહી મસ્જિદનો એક ભાગ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં સ્થાનિક મુસ્લિમ ટોળાંએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. દરમ્યાન પથ્થરો ફેંકવામાં આવ્યા અને અફરાતફરી મચાવી દેવામાં આવી. જોકે પરિસ્થિતિ માટે પહેલેથી તૈયાર પોલીસે તરત સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું, જેના માટે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા.

આ મામલે ધમાલ બાદ મસ્જિદ કમિટીના માણસોએ જાતે જ મસ્જિદનો ભાગ તોડવાનો શરૂ કરી દીધો હતો. મીડિયા અહેવાલો અનુસાર લગભગ 9 ફિટ લાંબો અને 4 ફિટ પહોળો હિસ્સો હટાવવામાં આવનાર છે. મામલો હાઇકોર્ટમાં પણ પહોંચી ગયો છે, જે મામલે ઇન્દોર બેન્ચ સોમવારે (28 સપ્ટેમ્બર) સુનાવણી કરશે.

વાસ્તવમાં 2028માં ઉજ્જૈનમાં થનારા સિંહસ્થ કુંભ માટે એક ચાર રસ્તાથી મંદિર સુધીનો 900 મીટરનો રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. જેમાં માર્જિનમાં આવતાં મકાનોને નોટિસ આપવામાં આવી હતી. મસ્જિદને પણ માર્જિનમાં આવતો હિસ્સો તોડવા માટે જણાવવામાં આવ્યું હતું.

બે દિવસથી મસ્જિદના ડિમોલિશનના સમાચાર વહેતા થયા સ્થાનિક મુસ્લિમો વિરોધ કરવા માંડ્યા હતા. દરમ્યાન સોમવારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકઠી થઈ ગઈ અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે રવિવારે રાત્રેથી જ ભારે પોલીસબળ ખડકી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 2000 જેટલા પોલીસ જવાનો મૂકવામાં આવ્યા છે. ઉપરાંત મસ્જિદના 500 મીટર વિસ્તારમાં બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું હતું.

સોમવારે પ્રદર્શન કરવા એકઠા થયેલા સ્થાનિક મુસ્લિમોએ પછીથી પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે થોડા સમય સુધી વાતાવરણ ગરમ રહ્યું. જોકે પોલીસ પછીથી આંસુ ગેસના ગોળા છોડીને અને બળપ્રયોગ કરીને સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.

ઘટનામાં અમુક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.

ઉજ્જૈન એસપી પ્રદીપ શર્માએ મીડિયાને જણાવ્યું કે તમામ સમુદાયો અને સમાજના તમામ વર્ગો દરેક ઠેકાણે સહયોગ આપી રહ્યા છે અને આજે પણ ડિમોલિશનનું કામ મસ્જિદ સમિતિએ જાતે જ શરૂ કર્યું હતું અને હજુ ચાલી રહ્યું છે. જેના માટે સાવચેતીના પગલારૂપે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે અમુક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરીને અવ્યવસ્થા સર્જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ હળવો બળપ્રયોગ કરીને ટોળાને ગીખરી નાખ્યું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ પહેલેથી પરિસ્થિતિ માટે તૈયાર હતી જેથી સ્થિતિ પર તરત નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું અને હવે વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સતત સીસીટીવીથી મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. અમુક પોલીસકર્મીઓને નાની-મોટી ઈજા પહોંચી હતી પરંતુ તેઓ ફરજ પર હજુ પણ તહેનાત છે.

પોલીસ અનુસાર રવિવારે રાત્રે જિલ્લાની સરહદ પર અમુક માણસોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને મસ્જિદના ડિમોલિશન દરમ્યાન હોબાળો મચાવવા માટે લાવવામાં આવી રહ્યા હતા. અનેક પોલીસ મથકોમાં આવા શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જે કોઈ ધમાલ મચાવવામાં સંડોવાયેલા હશે તેમની વિરુદ્ધ FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે.