‘આસિફભાઈ ગન નિકાલ’: દિલ્હીની ગેંગરેપ પીડિતાએ જણાવી આપવીતી, બંદૂક બતાવી છરીની ધાર પર બળાત્કાર ગુજાર્યો હોવાનો FIRમાં ઘટસ્ફોટ

તાજેતરમાં દિલ્હીના કાલકાજી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. સગીરાએ નોંધાવેલી FIR અનુસાર આસિફ, હેમંત અને મુકેશે પોતાને પોલીસ કર્મચારી ગણાવીને પીડિતા અને તેના મિત્રને ધમકાવ્યા હતા અને ત્યારબાદ સગીરા સાથે બંદૂક અને છરીની અણીએ ક્રૂરતા આચરી હતી. હવે આ મામલે પીડિતાના વધુ ખુલાસા સામે આવ્યા છે.

નોંધનીય છે કે ફરિયાદ નોંધાય બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી લીધી હતી, હવે દિલ્હી કોર્ટે ત્રણેય આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા છે અને તેમના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આસિફ અગાઉ પણ પાર્કમાં હથિયારો સાથે રખડતો હતો, જ્યારે હેમંતને પણ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તાજેતરમાં જિમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

પીડિતાએ કરેલ ખુલાસા

પીડિતા પોતાના જન્મદિવસે સાંજે કાલકાજી મંદિર અને ઈસ્કોન ટેમ્પલ દર્શન માટે ગઈ હતી. સાંજે આસ્થા કુંજ પાર્કમાં ગેટ નંબર 7થી પ્રવેશ કર્યા બાદ તે અને તેનો મિત્ર બેન્ચ પર બેઠા હતા, ત્યારે ત્રણેય આરોપીઓએ તેમની પાસે આવીને તેના મિત્રને થપ્પડ મારી દીધી હતી. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા.

જ્યારે આરોપીઓએ પીડિતાને ઝાડીઓ તરફ જવાનું કહ્યું ત્યારે ગભરાયેલી સગીરાએ પોતાની માતા સાથે વાત કરવા વિનંતી કરી હતી. આ સાંભળીને મુખ્ય આરોપીએ તેના સાથીને કહ્યું, ‘આસિફ ભાઈ ગન નિકાલ’. આસિફે કાળા રંગની બંદૂક બતાવીને પીડિતાને ડરાવી અને બાદમાં ત્રણેય જણાએ છરીઓ કાઢીને તેને અંધારા ભાગ તરફ લઈ ગયા હતા.

વારાફરથી ત્રણેય આરોપીઓએ ગુજાર્યો બળાત્કાર

FIR અનુસાર, આસિફે સગીરાના કપડાં ઉતારીને તેને લાલ રંગની બેન્ચ પર લઈ ગયો હતો. તેણે હેમુ (હેમંત) નામના સાથીને બહાર ધ્યાન રાખવા ઊભો રાખ્યો અને સગીરાના ગળા પર છરી મૂકીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ક્રૂરતા આચર્યા બાદ આસિફે હેમુને બોલાવ્યો. ત્યારબાદ હેમુ સગીરાને બીજી બેન્ચ પર લઈ ગયો અને તેણે પણ ગળા પર છરી મૂકીને સગીરા પર રેપ કર્યો હતો.

તેના પછી ત્રીજા આરોપી હેમુએ પણ સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કૃત્ય આચર્યા બાદ આરોપીઓએ સગીરાને ઉતાવળે કપડાં પહેરી લેવા કહ્યું હતું, પરંતુ તેની બ્રા પાછી ન આપી. ત્યારબાદ તેના મિત્રને બોલાવીને બંનેના મોબાઈલ ફોન પરત આપ્યા અને જો કોઈને પણ આ ઘટના વિશે કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને પાર્કની બહાર કાઢી મૂક્યા હતા.

પાર્કની બહાર આવ્યા બાદ પીડિતાએ તેના મિત્રને આપવીતી જણાવી હતી, ત્યારબાદ તેના મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 22 સપ્ટેમ્બરના રોજ ત્રણેય આરોપીઓ – આસિફ અને બે ભાઈઓ હેમંત તથા મુકેશની ધરપકડ કરી લીધી હતી.