હિંદુ ભગવાનો-મહાપુરુષો માટે અભદ્ર ટિપ્પણીઓ, દેશવિરોધી કન્ટેન્ટ અને મુઘલોનું મહિમામંડન: ઇસ્લામવાદી કરિશ્મા અઝીઝ સામે FIR નોંધવા દિલ્હી કોર્ટનો નિર્દેશ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મૃદુલ ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિંદુ ધર્મ, હિંદુ ધાર્મિક વ્યક્તિઓ અને ઐતિહાસિક હિંદુ પાત્રો વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ્સ કરવાના મામલે કટ્ટરવાદી ઇસ્લામી કરિશ્મા અઝીઝ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આદેશ 17 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદી એડવોકેટ અમિતા સચદેવાની BNSSની કલમ 175(3) હેઠળની અરજી પર આપવામાં આવ્યો હતો. કોર્ટે દિલ્હી સાયબર પોલીસ સ્ટેશનના SHOને ફરિયાદના આધારે FIR નોંધીને કાયદા અનુસાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે X પર @KarishmaAziz_ હેન્ડલ પરથી ભગવાન શ્રીરામ, વીર સાવરકર, છત્રપતિ શિવાજી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપમાનજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનો, હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને હિંદુ ધર્મ તથા દેશ વિરુદ્ધ દુશ્મની ફેલાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક પોસ્ટ્સમાં મુઘલ આક્રાંતા ઔરંગઝેબનું મહિમામંડન કરવામાં આવ્યું હતું.

ભગવાન રામથી લઈને વીર સાવરકર અને શિવાજી મહારાજ સુધીનો ઉલ્લેખ

કોર્ટના આદેશમાં ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલી પોસ્ટ્સની વિગતો નોંધવામાં આવી છે. કોર્ટ ઓર્ડર ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ મુજબ 9 ફેબ્રુઆરી 2025ના રોજની એક પોસ્ટમાં હિંદુ સંતની શારીરિક વિકલાંગતાની મજાક ઉડાવીને હિંદુ સંતોનું અપમાન કરવામાં આવ્યું હતું. 13 ફેબ્રુઆરીની પોસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણી કરવામાં આવી હતી.

19 ફેબ્રુઆરી 2025ના એક વિડીયોમાં હિંદુ યોદ્ધાઓ, રાજાઓ અને ક્રાંતિકારીઓને અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 20 ફેબ્રુઆરીની બીજી પોસ્ટમાં ઔરંગઝેબને લઈને ઇતિહાસને વિકૃત કરવાનો અને હિંદુઓના દમન માટે કુખ્યાત ઇસ્લામી આક્રાંતાનું મહિમામંડન કરવાનો આરોપ છે. 26 ફેબ્રુઆરી તથા 22 માર્ચની પોસ્ટ્સમાં હિંદુ ધર્મ, હિંદુ પ્રતીકો અને ઐતિહાસિક હિંદુ પાત્રો અંગે અપમાનજનક તથા બદનક્ષીભરી ટિપ્પણીઓ કરવામાં આવી  હતી.

ફરિયાદમાં વીર સાવરકરનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીર સાવરકરને ‘traitor’ ગણાવીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભૂમિકા અંગે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ફરિયાદીનો દાવો હતો કે આ પોસ્ટ્સ માત્ર વ્યક્તિગત ટીકા પૂરતી સીમિત નહોતી, પરંતુ હિંદુઓની ધાર્મિક તથા દેશભક્તિની લાગણીઓને નિશાન બનાવતી હતી. 5 એપ્રિલ 2025ની બીજી પોસ્ટમાં હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો તથા દેશમાં દુશ્મની અને કોમવાદી વિખવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ છે.

‘પોસ્ટ્સની સત્યતા નક્કી કરવાનો આ તબક્કો નથી’: દિલ્હી કોર્ટ

આ મામલે દિલ્હી સાયબર પોલીસ તરફથી કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં પોસ્ટ્સમાં હિંદુ ધર્મને નિશાન બનાવતી સામગ્રી, અશ્લીલતા તથા રાજકીય-ઐતિહાસિક ટિપ્પણીઓ અને કટાક્ષ હોવાનું નોંધાયું હતું. કોર્ટે આ તબક્કે પોસ્ટ્સના અંતિમ અર્થ અથવા આરોપોની સત્યતા અંગે કોઈ નિષ્કર્ષ આપ્યો નથી. કોર્ટે કહ્યું કે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, રેકોર્ડ પર રજૂ કરાયેલી સામગ્રી અને તપાસ દરમિયાન એકત્ર કરવાની જરૂરી પુરાવાની પ્રકૃતિને ધ્યાનમાં લેતાં ફરિયાદમાં સંજ્ઞેય ગુનાઓ બને છે અને તપાસ જરૂરી છે.

કોર્ટે ખાસ નોંધ્યું કે આ મામલો માત્ર એક પોસ્ટ પૂરતો સીમિત નથી, પરંતુ ચોક્કસ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી અનેક પોસ્ટ્સ અને વિડીયોથી સંબંધિત છે. આ સામગ્રીની ઓથેન્ટિસિટી, અકાઉન્ટનું સંચાલન કોણ કરતું હતું, પોસ્ટ્સ કેવી રીતે ફેલાવવામાં આવી અને અન્ય ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જેવા પુરાવા તપાસ દરમિયાન એકત્ર કરવા જરૂરી છે. આવા પુરાવા સંપૂર્ણપણે ફરિયાદીની પહોંચમાં નથી, તેમ કોર્ટે નોંધ્યું. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે પોસ્ટ્સ અંતે કાયદા દ્વારા સુરક્ષિત રાજકીય અભિવ્યક્તિ,કટાક્ષ, ટીકા અથવા ઐતિહાસિક અભિપ્રાયની હદમાં આવે છે કે પછી ગુનાની હદ વટાવે છે, તે તપાસનો વિષય રહેશે.

BNSSની કલમ 175(3) હેઠળ અરજી, એક અઠવાડિયામાં રિપોર્ટ આપવા આદેશ

ફરિયાદી એડવોકેટ અમિતા સચદેવાએ BNSSની કલમ 175(3) હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા પરની અપમાનજનક અને વાંધાજનક પોસ્ટ્સની નોંધ લઈને પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી, પરંતુ FIR નોંધવામાં આવી ન હતી. ત્યારબાદ FIR નોંધવા માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરવામાં આવી.

કોર્ટે અરજી મંજૂર કરીને દિલ્હી સાયબર પોલીસ સ્ટેશનના SHOને ફરિયાદના આધારે FIR નોંધવાનો અને કાયદા અનુસાર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આજથી એક અઠવાડિયાની અંદર કોર્ટ સમક્ષ કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

અમિતા સચદેવાએ X પર આ આદેશની જાણકારી આપતા જણાવ્યું હતું કે FIR ભગવાન શ્રીરામ, જગદગુરુ રામભદ્રાચાર્યજી, વીર સાવરકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેની અપમાનજનક પોસ્ટ્સ તેમજ મુઘલોના અત્યાચારોના ગૌરવગાન સાથે જોડાયેલી ફરિયાદના આધારે નોંધાશે. તેમણે કોર્ટના આદેશને પગલે પોતાની ટીમનો આભાર માન્યો.