હોમપેજગુજરાતગુજરાત સમાચારને જરૂર છે: આમ આદમી પાર્ટીની સરકારની જાહેરાતોનું સરખું ભાષાંતર કરી...

ગુજરાત સમાચારને જરૂર છે: આમ આદમી પાર્ટીની સરકારની જાહેરાતોનું સરખું ભાષાંતર કરી શકે એવા માણસોની

ગુજરાત સમાચાર માટે જોકે આ બધું નવું નથી. અખબારે પંજાબની જાહેરાતોમાં આવા છબરડા પહેલાં પણ વાળ્યા છે.

- Advertisement -

15 ઑગસ્ટની ઉજાણીની પદ્ધતિ દરેક માટે અલગ-અલગ છે. છાપાં માટે આ દહાડો જાહેરાત થકી કમાણી કરવાનો છે. ‘ગુજરાત સમાચાર’ દ્વારા પણ આજના અંકમાં જાહેરાતો આપી છે. એક પાનું આખું પંજાબ સરકારની ફૂલ પેજ એડવર્ટાઈઝ છે.

પંજાબની આમ આદમી પાર્ટી સરકારના માહિતી અને લોકસંપર્ક વિભાગ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાતમાં મુખ્યમંત્રી ભગવંત માન દેખાય છે. મોટા અક્ષરે 80 લખવામાં આવ્યું છે. કારણ કે આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે.

આપણી સમસ્યા એ છે કે કૉપીમાં જોડણી-વ્યાકરણની અનેક સામાન્ય કહી શકાય એવી ભૂલો કરવામાં આવી છે.

- Advertisement -

‘સ્વતંત્રતા દિવસના અવસરે સમસ્ત દેશવાસિયોંને હાર્દિક શુભકામનાઓ.’– આ વાક્ય લખવામાં આવ્યું છે.

વાસ્તવમાં અહીં સાચી જોડણી ‘દેશવાસીઓ’ છે. જોકે 80મામાં ‘મા’ ઉપર અનુસ્વાર ન મૂક્યું એટલી અખબારની મહેરબાની.

આગળ ભગવંત માનના ક્વોટમાં પણ લોચા માર્યા છે.

પહેલું વાક્ય છે– ‘આપણે પંજાબી રાષ્ટ્રની રક્ષા માટે હંમેશા પોતાના જીવનનું બલિદાન આપવા માટે મોખરે ઊભા રહ્યાં છીએ.’

અહીં ‘પંજાબી રાષ્ટ્ર’ અલગ અર્થ સૂચવી શકે. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે અલગ પંજાબી રાજ્યની માંગણી સાથે ખાલિસ્તાની વિચારધારા દાયકાઓથી અસ્તિત્વમાં છે. સાચું વાક્ય એ રીતે લખાવું જોઈએ જેથી આ અર્થઘટન ન થાય. આ તો અલગ પંજાબી રાષ્ટ્રના અર્થમાં પણ લઈ શકાય. જો ભાવાર્થ એ હોય કે પંજાબીઓ દેશની રક્ષા માટે બલિદાન આપવા મોખરે રહે છે તો એને એ રીતે લખાય.

પ્રબળ સંભાવના એવી છે કે પંજાબ સરકાર તરફથી પંજાબી અથવા હિન્દીમાં કૉપી મોકલવામાં આવી હશે અને ભાષાંતરનું કામ અખબારના સ્તરે થયું હશે. અથવા પંજાબ સરકાર તરફથી કે કોઈ એજન્સી તરફથી તૈયાર ભાષાંતર મળ્યું હોય તોપણ અખબાર છટકબારી શોધી શકે નહીં કારણ કે અંતિમ પ્રકાશન અખબારના પાના પર થાય છે. અખબારના અનુવાદકો કે પ્રૂફરીડરોને આવી ભૂલો ધ્યાને કેમ ન ચડે?

આ જ જાહેરાત ‘સંદેશ’માં પણ અપાઈ છે, પણ તેમાં ભાષાંતર વ્યાજબી થયું છે.

Screenshot

ગુજરાત સમાચાર માટે જોકે આ બધું નવું નથી. અખબારે પંજાબની જાહેરાતોમાં આવા છબરડા પહેલાં પણ વાળ્યા છે.

માર્ચમાં આવી જ એક પંજાબ સરકારની ‘ઔદ્યોગિક અને વ્યવસાયિક નીતિ’ની જાહેરાતમાં ‘પંજાબના દરિયાકાંઠા’ શબ્દોનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો હતો અને વાચકો ચકરાવે ચડ્યા હતા કે પંજાબમાં ક્યાંથી દરિયાકાંઠો આવ્યો!

જાહેરાતમાં લખવામાં આવ્યું હતું– ‘9 પ્રાથમિકતા ક્ષેત્રો અને સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારો માટે 25% વધુ પ્રોત્સાહનો.’

આ પણ નબળું ભાષાંતર હતું. વાસ્તવમાં પંજાબીમાં ‘દરિયા’ શબ્દ નદી માટે પણ વપરાય છે. ઉર્દૂમાં પણ નદીને દરિયો કહે છે. એટલે મૂળ પંજાબી કૉપીમાં દરિયાકાંઠો લખવામાં આવ્યું હોય તો એ વાસ્તવમાં નદીકાંઠા સાથે સંબંધિત હશે. ગુજરાતીમાં નદીને નદી કહે છે, દરિયાને દરિયો. દરિયો એટલે સમુદ્ર થાય. ગુજરાતીમાં ભાષાંતર કરતી વખતે આ ધ્યાન રાખવું પડે. પણ ગુજરાત સમાચારે સીધું છાપી માર્યું હતું.

ટૂંકમાં હવે થોડા સમય માટે ગુજરાત સમાચારના બાહોશ અને હોંશિયાર પત્રકારો મોદીએ આમ કરવું જોઈએ ને સરકારે તેમ કરવું જોઈએ– આ બધી પંચાતમાં પડવા કરતાં અનુવાદ પર ધ્યાન આપે એ વધુ સારું રહેશે, કારણ કે મોદીને સલાહકારોની અછત નથી. અખબારને અનુવાદકોની હોય એમ પ્રતીત થાય છે.

બીજો એક પ્રશ્ન એ પણ છે કે છેક પંજાબની સરકારની જાહેરાતો ગુજરાતમાં કેમ આપવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીજો એક લેખ લખવો પડે એમ છે. ક્યારેક એ પણ ખાંખાંખોળાં કરીશું, અત્યારે ગુજરાત સમાચારના અનુવાદની ‘પ્રશંસા’ કરીને છૂટા પડીએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં