
હૈદરાબાદના મદન્નાપેટ વિસ્તારમાં 20 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવ અને અન્નદાનના આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓની લાગણી દુભાવવાનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર 2BHK પોલીસ હાઉસિંગ સોસાયટીની ઈમારતના સાતમા માળેથી નોન-વેજ સામગ્રી અને હાડકાંથી ભરેલું પેકેટ પ્રસાદની સામગ્રી નજીક ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના બપોરે આશરે 3 વાગ્યે બની હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ અને આયોજકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનો અને ગણેશ ઉત્સવ સમિતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચારમિનાર ઝોન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરોડા પાડ્યા અને આ દરમ્યાન સોસાયટીના મોહમ્મદ ઇમરાન કુરેશી તથા અર્શિયા બેગમ અને સમીનાની અટકાયત કરી હતી.
બીફ ફેંકાયાનો આરોપ
ઘટના બાદ વિરોધ કરી રહેલા ભાજપના નેતાઓ અને હિંદુ સંગઠનોનો આરોપ છે કે પવિત્ર અન્નદાનના સ્થળને અપવિત્ર કરવાના હેતુથી જ બીફ ધરાવતું પેકેટ ફેંકવામાં આવ્યું હતું. જોકે, પોલીસે પોતાના પ્રાથમિક નિવેદનમાં સ્થળ પરથી નોન-વેજ સામગ્રી અને હાડકાં મળ્યાનું સ્વીકાર્યું છે. પોલીસ હાલમાં ફોરેન્સિક તપાસ કરી રહી છે.
ઘટના બાદ હિંદુ સંગઠનો અને ભાજપના કાર્યકરોએ ચંચલગુડા વિસ્તારમાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનારાઓએ માંગ કરી હતી કે હિંદુ શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરનારા અને આયોજનને નિશાન બનાવનારા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિની અપીલ
સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તુરંત ઘટનાસ્થળે અને આસપાસના વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી દીધો હતો. ચારમિનાર ઝોનના DCP ખરે કિરણના જણાવ્યા અનુસાર પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવીને માહોલ બગાડવાનો પ્રયાસ કરનારાઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે.
નોંધનીય છે કે હાલ દેશભરમાં ગણેશ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. અટકાયત કરાયેલા મોહમ્મદ ઇમરાન કુરેશી અને અન્ય બે મહિલાઓની ભૂમિકા તેમજ કાવતરાના હેતુ અંગે પોલીસ ટૂંક સમયમાં વધુ વિગતો આપી શકે છે.

