17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ત્રણ દિવસીય ‘સેમિકોન ઇન્ડિયા 2026’નો શુભારંભ કર્યો છે. આ કાર્યક્રમની મુખ્ય થીમ ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ’ છે. આ થીમનો હેતુ સિલિકોનથી લઈને આખી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ભારતની અંદર જ તૈયાર કરવાનો છે. 17થી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય સમિટમાં 52 દેશોના પ્રતિનિધિઓ, 600થી વધુ કંપનીઓ અને 50,000થી પણ વધુ મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે.
આજના આધુનિક યુગમાં સેમિકન્ડક્ટર ચિપ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે, કારણ કે આપણા સ્માર્ટફોન, કાર, યુપીઆઈ સર્વર, ડેટા સેન્ટર, મેડિકલ સાધનો અને સંરક્ષણ પ્રણાલી જેવી તમામ ટેકનોલોજીનો મુખ્ય આધાર આ ચિપ જ છે. આ નાનકડી ચિપમાં અબજો ટ્રાન્ઝિસ્ટર કાર્ય કરતા હોય છે. તેથી જ ડિજિટલ અર્થતંત્રના આ યુગમાં ચિપ ડિઝાઈનિંગ અને તેના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનીને ભારત પોતાની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે.
ભારત પાસે વર્ષોથી IT અને ચિપ ડિઝાઇન ક્ષેત્રે દુનિયાના શ્રેષ્ઠ એન્જિનિયરો અને પ્રતિભા હતી. આપણા એન્જિનિયરો વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓ માટે ચિપની ડિઝાઈન બનાવવાનું કામ કરતા હતા. પરંતુ મોટી ખામી એ હતી કે ભારતમાં ચિપ બનાવવાની ફેક્ટરીઓ, તેના મટીરિયલ, સાધનો અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ નહોતી. જેના કારણે ડિઝાઈન ભારતમાં બનતી હોવા છતાં ચિપના આખરી ઉત્પાદન માટે આપણે બીજા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું.
ભારત સરકારે આ ખામીનો ઉકેલ લાવવા જાન્યુઆરી 2022માં ‘સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ’ની શરૂઆત કરી, જેના માટે શરૂઆતમાં ₹76,000 કરોડનું બજેટ ફાળવ્યું હતું. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ ભારતમાં જ ચિપ અને ડિસ્પ્લે બનાવવાની ફેક્ટરીઓ, પેકેજિંગ સેન્ટરો અને ભારતીય ડિઝાઈનવાળી ચિપને પ્રોત્સાહન આપવાનો હતો. આમ ભારતનો આ પ્રયાસ માત્ર એકાદ ફેક્ટરી શરૂ કરવાનો નહોતો, પરંતુ સમગ્ર સેમિકન્ડક્ટર ઉદ્યોગનો મજબૂત પાયો ભારતમાં જ નાખવાનો હતો.
પ્રથમ તબક્કામાં 12 પ્રોજેક્ટ મંજૂર
પ્રથમ તબક્કામાં જ ભારતે નક્કર પરિણામો મેળવ્યા છે. સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં દેશના 6 રાજ્યોમાં ₹1.64 લાખ કરોડથી વધુના રોકાણ સાથે 12 પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે, જેમાં ચિપ અને ડિસ્પ્લે બનાવવાની ફેક્ટરીઓ તથા એડવાન્સ પેકેજિંગ સેન્ટરોનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં છે અને ત્રણ ફેક્ટરીઓમાં તો વ્યાપારી ધોરણે ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. એટલે કે ભારતનો આ પ્રયાસ હવે માત્ર કાગળ કે નીતિઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ પ્રત્યક્ષ ઉત્પાદન સુધી પહોંચી ગયો છે.
સરળ રીતે સમજીએ તો સેમિકન્ડક્ટર માટે 2 અલગ-અલગ તબક્કા હોય છે. સૌથી પહેલાં ચિપની ડીઝાઇન તૈયાર થાય છે, ત્યારબાદ ફેક્ટરીમાં સિલિકોન પ્લેટ પર સૂક્ષ્મ સર્કિટ બનાવવામાં આવે છે. ATMP અને OSAT જેવી ખાસ ફેક્ટરીઓમાં આ ચિપનું એસેમ્બલ, પેકેજિંગ અને ટેસ્ટિંગ થાય છે. ટૂંકમાં, ફેબનું કામ ચિપ બનાવવાનું છે અને એડવાન્સ પેકેજિંગનું કામ તે ચિપને સુરક્ષિત કરીને ઉપયોગ કરવા યોગ્ય બનાવવાનું છે.
ગુજરાત એક મહત્વપૂર્ણ કેન્દ્ર
‘સેમિકોન 1.0’ અંતર્ગત ભારતે ચિપ ઉત્પાદનના દરેક તબક્કામાં આગળ વધવાનું શરૂ કર્યું છે. ગુજરાતના ધોલેરા ખાતે ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની PSMC દ્વારા આશરે ₹91,526 કરોડના રોકાણથી ચિપ બનાવવાની ફેક્ટરી સ્થપાઈ રહી છે. આ બધામાં ગુજરાત એક મહત્વનું કેન્દ્ર છે. કેન્દ્ર સરકારે મંજૂર કરેલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી અડધા એટલે કે છ પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં આવી રહ્યા છે.
ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે દેશના કુલ પ્રોજેક્ટ્સમાંથી અડધા પ્રોજેક્ટ્સ રાજ્યમાં સ્થાપવામાં આવશે. આ છ પ્રોજેક્ટ્સમાં ધોલેરાનું Tata-PSMC ફેબ, સાણંદના માઈક્રોન, સીજી પાવર અને કેન્સ સેમિકોન પ્રોજેક્ટ્સ સામેલ છે. આ ઉપરાંત મે 2026માં કેન્દ્ર સરકારે ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ અને સુરતમાં સુચિ સેમિકોનના નવા પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે.
માત્ર આ બે નવા પ્રોજેક્ટ્સથી જ રાજ્યમાં આશરે ₹3,936 કરોડનું રોકાણ આવશે અને 2,230 જેટલી નવી રોજગારીની તકો ઉભી થશે. ગુજરાતનું સાણંદ શહેર ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. 31 માર્ચ 2026ના રોજ વડા પ્રધાને કેન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ 4 જુલાઈ 2026ના રોજ સીજી સેમીના પ્લાન્ટમાં પણ ઉત્પાદન શરૂ થઈ ગયું.
આ સાથે વર્ષ 2026માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરનારો સીજી સેમી દેશનો ત્રીજો પ્રોજેક્ટ બન્યો છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં આ ક્ષેત્રે જમીની સ્તર પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આનાથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે ભારત હવે માત્ર કોઈ એક પ્રક્રિયા પર નિર્ભર નથી. ધોલેરામાં ચિપ બનાવવાનું કામ થશે તો સાણંદમાં તેને પેકેજિંગ અને ટેસ્ટ કરવાનું કામ થશે. ટૂંકમાં, ચિપની ડિઝાઈનિંગથી લઈને તેના ઉત્પાદન અને પેકેજિંગ સુધીની આખી પ્રક્રિયા હવે ભારતમાં જ એકબીજા સાથે જોડાઈ રહી છે.
ગુજરાત જ કેમ બન્યું પસંદગી
હવે સવાલ એ થાય કે સેમિકન્ડક્ટ ક્ષેત્રે ગુજરાત જ કેમ? સેમિકન્ડક્ટ ફેક્ટરી માટે માત્ર જમીન કે મજૂરો પૂરતા નથી, પરંતુ ચોવીસ કલાક વીજળી, શુદ્ધ પાણી, ખાસ કેમિકલ્સ, રોડ-પોર્ટનું સારું જોડાણ અને કુશળ કારીગરો જેવા વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. ગુજરાત પાસે પહેલેથી જ મજબૂત ઔદ્યોગિક પાયો છે. ધોલેરા અને સાણંદ જેવા વિસ્તારોમાં કંપનીઓ સીધું ઉત્પાદન શરૂ કરી શકે તે પ્રકારની શ્રેષ્ઠ સુવિધાઓ અને સરકારી નીતિઓ ઉપલબ્ધ હોવાથી રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યા છે.
‘સેમિકોન 2.0’
જોકે, 12 પ્રોજેક્ટ્સ કે ₹1.64 લાખ કરોડનું રોકાણ એ જ આપણું અંતિમ લક્ષ્ય નથી. જો ચિપ બનાવવા માટેની મશીનરી, રસાયણો, ગેસ કે કાચો માલ આપણે વિદેશથી જ આયાત કરવો પડે તો દેશ સંપૂર્ણ આત્મનિર્ભર બની શકે નહીં. આ ઉદ્યોગને પૂરેપૂરો સ્વદેશી બનાવવા અને સમગ્ર સપ્લાય ચેઈનને ભારતમાં જ વિકસાવવા માટે હવે ‘સેમિકોન 2.0’નો આગામી અને અત્યંત મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે.
15 જુલાઈ 2026ના રોજ કેન્દ્ર સરકારે ₹1,27,500 કરોડના બજેટ સાથે ‘સેમિકોન 2.0’ને મંજૂરી આપી છે. આ વખતે હેતુ માત્ર ચિપ બનાવવાની ફેક્ટરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ ચિપની ડિઝાઈન અને ઉત્પાદન સંબંધિત આખી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. આ યોજના ચિપ ડિઝાઈનિંગને ઝડપ આપવા, નવી ફેક્ટરીઓ સ્થાપવા અને ઉત્પાદન માટે જરૂરી કાચો માલ, ગેસ તથા મશીનરી ભારતમાં જ તૈયાર કરવા પર ભાર મૂકે છે.
સેમિકોન 2.0ના 6 સ્તંભો
સેમિકોન 2.0નો પહેલો મુખ્ય સ્તંભ ‘ડિઝાઈન’ છે. ભારત પાસે ચિપ ડિઝાઈન કરનારા નિષ્ણાતો અને સ્ટાર્ટઅપ્સનો મોટો આધાર છે. હાલમાં 105થી વધુ સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. હવે મુખ્ય લક્ષ્ય એ છે કે ભારતીય કંપનીઓ પોતાની સત્તાવાર ડિઝાઈન અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તૈયાર કરે, જેથી માત્ર વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું ન પડે.
બીજો મહત્વનો સ્તંભ ‘મશીન અને મટિરિયલ્સ’ છે. સેમિકોન ઉદ્યોગ માટે અત્યંત ચોકસાઈવાળા મશીનો, ખાસ કેમિકલ્સ અને ગેસની જરૂર પડે છે. જો આ બધી વસ્તુઓ બહારના દેશોમાંથી આયાત કરવી પડે તો સપ્લાય ચેઈન જોખમમાં મુકાઈ શકે છે. તેથી સેમિકોન 2.0નો હેતુ ચિપ બનાવવા માટે જરૂરી આ મશીનો અને સાધન-સામગ્રીનું ઉત્પાદન ભારતમાં જ વિકસાવવાનો છે.
ત્રીજો સ્તંભ ‘ફેબ્સ’ એટલે કે ચિપ બનાવવાની વધુ ફેક્ટરીઓ શરૂ કરવાનો છે. ધોલેરા ખાતે દેશના પ્રથમ કમર્શિયલ ફેબનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સમગ્ર દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે માત્ર એક ફેક્ટરી પૂરતી નથી. વિવિધ ટેકનોલોજી અને ઉપકરણો માટે અલગ-અલગ પ્રકારની ચિપ્સની જરૂર પડે છે, તેથી આ યોજના હેઠળ વધુ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ચોથો સ્તંભ ATMP અને OSAT એટલે કે ચિપના એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગની ક્ષમતા વધારવાનો છે. આધુનિક ઈલેક્ટ્રોનિક્સમાં એડવાન્સ પેકેજિંગ માત્ર સુરક્ષા માટે નથી, પણ તે ચિપની કામગીરી અને ગુણવત્તા સુધારવા માટે પણ ખૂબ મહત્વનું છે. તેથી ભારત આ આખી પ્રક્રિયા દેશમાં જ પૂરી કરીને વધુ લાભ મેળવવા માંગે છે.
સેમિકોન 2.0નો પાંચમો સ્તંભ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે. સેમિકન્ડક્ટર ટેકનોલોજી સતત બદલાતી રહે છે અને આજે જે ટેકનોલોજી નવી છે તે થોડા વર્ષોમાં જૂની થઈ જાય છે. તેથી ભારત માત્ર વિદેશી કંપનીઓ માટે ઉત્પાદનનું કેન્દ્ર બનીને રહેવા નથી માંગતું, પરંતુ પોતાની સંશોધન ક્ષમતા વિકસાવીને નવી ટેકનોલોજી પણ પોતે જ બનાવવા માંગે છે.
છઠ્ઠો સ્તંભ ‘ટેલેન્ટ ડેવલપમેન્ટ’ એટલે કે કુશળ કારીગરો તૈયાર કરવાનો છે. ચિપ બનાવવાની ફેક્ટરીઓમાં કામ કરવા માટે સામાન્ય શ્રમિકો નહીં પરંતુ ખાસ તાલીમ પામેલા એન્જિનિયરો, પ્રોસેસ એન્જિનિયરો અને ચિપ ડિઝાઇનરોની જરૂર પડે છે. આથી જ સેમિકોન ઇન્ડિયા 2026 કાર્યક્રમમાં પણ યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને જોડીને મોટો કુશળ વર્કફોર્સ તૈયાર કરવા પર ભાર મુકાઈ રહ્યો છે.
સેમિકોન 1.0માં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાયો નાખવાનું કામ કર્યું હતું, જ્યારે સેમિકોન 2.0નો હેતુ એ પાયાને વધુ મજબૂત અને મોટો કરવાનો છે. પહેલી યોજનામાં ફેક્ટરીઓ અને પેકેજિંગ પ્લાન્ટ્સ લાવવા પર ધ્યાન હતું, જ્યારે બીજી યોજના ડિઝાઈનિંગ, મશીનરી, કાચો માલ, કેમિકલ્સ, સંશોધન અને ટેલેન્ટને એકસાથે જોડીને આખી સપ્લાય ચેઈનને મજબૂત કરવા માંગે છે.
આ જ કારણે ‘સેમિકોન ઇન્ડિયા 2026’ની થીમ ‘સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ’ માત્ર એક સૂત્ર નથી, પરંતુ ભારતની બદલાતી રણનીતિ દર્શાવે છે. આ ઈવેન્ટમાં રેતીમાંથી સિલિકોન બનાવવા, સિલિકોનમાંથી ચિપ બનાવવાની ડિઝાઈન, ફેબ્રિકેશન, પેકેજિંગ અને આખી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ તૈયાર કરવા સુધીની આખી યાત્રાને એકસાથે રજૂ કરવામાં આવી રહી છે.
આ યોજનામાં ગુજરાતના ધોલેરા અને સાણંદ સૌથી મહત્વના મથકો બની રહ્યાં છે. ‘સેમિકોન 1.0’ યોજનાએ ભારતને ‘શું આપણે ચિપ બનાવી શકીએ?’ એવા પ્રશ્નમાંથી બહાર કાઢીને પ્રત્યક્ષ ઉત્પાદન સુધી પહોંચાડ્યું છે. 12 પ્રોજેક્ટ્સ, ₹1.64 લાખ કરોડથી વધુનું રોકાણ અને ત્રણ ફેક્ટરીઓમાં શરૂ થયેલું ઉત્પાદન આ તબક્કાની મોટી સફળતા છે.
હવે ‘સેમિકોન 2.0’નો ઉદ્દેશ્ય તેનાથી પણ આગળ વધીને ચિપ ડિઝાઈન, મશીનરી, કાચો માલ, સંશોધન અને કુશળ વર્કફોર્સ સહિતની આખી ઇકોસિસ્ટમ ભારતમાં જ ઊભી કરવાનો છે, જેથી ચિપ પર માત્ર ‘મેડ ઈન ઇન્ડિયા’ લખાય એટલું જ નહીં પરંતુ સમગ્ર પ્રક્રિયામાં દેશનો હિસ્સો વધે. આ જ કારણે ‘સેમિકોન ઇન્ડિયા 2026’ એ માત્ર ત્રણ દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ ભારતની લાંબાગાળાની ઔદ્યોગિક યાત્રાનું એક નવું પ્રકરણ છે. ભારત હવે વિદેશી ચિપ પર નિર્ભર ગ્રાહક બની રહેવા નથી માંગતું, પરંતુ ચિપની ડિઝાઈનિંગથી લઈને ઉત્પાદન સુધીની આખી ટેકનોલોજી સપ્લાય ચેઈનમાં પોતાની મજબૂત ઓળખ બનાવવા માંગે છે.


