આજે ભારતમાં કોઈ નાની દુકાન હોય કે મોટો મોલ, ચાની લારી હોય કે સુપરમાર્કેટ, રિક્ષાવાળો હોય કે ઓનલાઈન શોપિંગ- એક વસ્તુ દરેક જગ્યાએ સામાન્ય બની ગઈ છે, UPI પેમેન્ટ. ₹10ની ચા હોય કે ₹10,000ની ખરીદી, ગ્રાહક સ્માર્ટફોન કાઢે છે, QR કોડ સ્કેન કરે છે, UPI PIN નાખે છે અને થોડી જ સેકન્ડમાં પેમેન્ટ પૂર્ણ થઈ જાય છે. ન રોકડની ચિંતા, ન છૂટા પૈસાની ઝંઝટ કે ન કાર્ડ સ્વાઇપ કરવાની વાટ જોવાની.
સૌથી રસપ્રદ વાત એ છે કે આટલી ઝડપી અને સુરક્ષિત સુવિધા માટે સામાન્ય ગ્રાહકને કોઈ અલગ ચાર્જ ચૂકવવો પડતો નથી. પરંતુ અહીં એક મોટો આર્થિક સવાલ ઊભો થાય છે કે જો UPI ફ્રી છે તો આ આખું વિશાળ ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ચાલે છે કેવી રીતે? શું બેન્કો, પેમેન્ટ એપ્સ અને ટેક્નોલોજી કંપનીઓ આ સેવા મફતમાં ચલાવે છે કે પછી તેની પાછળ કોઈ મોટો ખર્ચ થઈ રહ્યો છે?
નોંધનીય છે કે UPI એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસની શરૂઆત 2016માં RBIના નિયંત્રણ હેઠળ કામ કરતી NPCIએ (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા) કરી હતી. શરૂઆતમાં તેનો વિકાસ ધીમો હતો, પરંતુ નવેમ્બર 2016ની નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને મોટો વેગ મળ્યો. ડિસેમ્બર 2017 સુધીમાં માસિક ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય ₹10,000 કરોડથી પણ ઓછું હતું, જે માત્ર એક જ વર્ષમાં વધીને ₹1 લાખ કરોડને પાર પહોંચી ગયું હતું.
ત્યારબાદ 2019-21 કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકો રોકડ અને શારીરિક સંપર્કથી દૂર રહેવા લાગ્યા ત્યારે UPI ભારત માટે સંજીવની સમાન બન્યું. નાના દુકાનદારથી લઈને ઘરકામ કરનાર વ્યક્તિ સુધી અને સ્ટ્રીટ વેન્ડરથી લઈને મોટી મલ્ટીનેશનલ કંપની સુધી QR કોડ સામાન્ય બની ગયો. આજે UPI માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ભૂટાન, ફ્રાન્સ, મોરેશિયસ, નેપાળ, સિંગાપુર, શ્રીલંકા, યુએઈ, કતાર અને કંબોડિયા જેવા દેશોમાં પણ વિસ્તરી ચૂક્યું છે.
ડિજિટલ ભારતની કરોડરજ્જુ
આજે UPI ભારતની આર્થિક સિસ્ટમની કરોડરજ્જુ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતમાં કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 28,174 કરોડ સુધી પહોંચી હતી, જેમાં આશરે 86% ટ્રાન્ઝેક્શન માત્ર UPI મારફતે થયા હતા. દેશના 55 કરોડથી વધુ નાગરિકો UPIનો ઉપયોગ કરે છે અને 700થી વધુ સંસ્થાઓ અને બેન્કો આ વ્યવહારોને સરળ બનાવવા માટે ઇકોસિસ્ટમમાં જોડાયેલી છે.
આપણે જ્યારે સ્માર્ટફોન પર એક ક્લિક કરી છીએ ત્યારે તેની પાછળ બેન્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-સ્પીડ સર્વર્સ, નેટવર્ક કનેક્ટિવિટી, ઓથેન્ટિકેશન, સાયબર સિક્યોરિટી, ફ્રોડ મોનિટરિંગ, સેટલમેન્ટ સિસ્ટમ્સ અને 24/7 કસ્ટમર સપોર્ટ કામ કરે છે. પેમેન્ટ ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ આ નેટવર્કને સુરક્ષિત અને સતત ચલાવવાનો વાર્ષિક ખર્ચ આશરે ₹20,700 કરોડ જેટલો થાય છે. સિસ્ટમ જેટલી મોટી બને છે, તેના અપગ્રેડેશન અને સુરક્ષાનો ખર્ચ પણ એટલો જ વધતો જાય છે.
Zero-MDR નીતિ અને સરકારની સબસિડી
જ્યારે UPI શરૂ થયું ત્યારે સૌથી મોટો ઉદ્દેશ્ય લોકોને ડિજિટલ બનાવવાનો હતો. આ માટે સરકારે 2020માં ‘Zero-MDR’ નીતિ લાગુ કરી. MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) એટલે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારી પર લાગતી ફી. સરકારે વેપારીઓ માટે આ ફી શૂન્ય રાખી અને બેન્કો તથા પેમેન્ટ એપ્સને પ્રોત્સાહિત કરવા માટે પોતે બજેટમાંથી નાણાકીય સબસિડી આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ UPIને જોરદાર સફળતા મળી.
UPIની અસાધારણ સફળતા જ હવે તેના બિઝનેસ મોડલ માટે સૌથી મોટો પડકાર બની ગઈ છે. 2019ની સરખામણીએ 2026 સુધીમાં UPIના વ્યવહારોમાં 1,800%નો જંગી વધારો થયો છે, જ્યારે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વ્યવહારોમાં આ સમયગાળા દરમિયાન માત્ર 17%નો વધારો થયો છે. ટ્રાન્ઝેક્શનનો આટલો મોટો વધારો થતાં UPIના લાંબાગાળાના આર્થિક મોડલ અને વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને લઈને ચર્ચા શરૂ થઈ છે.
હવે MDR પર ચર્ચા ફરી કેમ શરૂ થઈ?
તાજેતરમાં સરકારે પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ હેઠળ ફેરફારો કર્યા. પરિણામે UPI પર ઝીરો મર્ચન્ટ ફીની જગ્યાએ ચોક્કસ પ્રકારના વ્યવહારો માટે MDRની શક્યતાનો કાયદાકીય રસ્તો ખૂલ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમે દુકાનદારો કે નાના વેપારીઓને ₹2,000 સુધીનું UPI પેમેન્ટ કરશો તો તેના પર કોઈપણ બેન્ક કે એપ કોઈ જ ચાર્જ વસૂલી શકશે નહીં, એ સેવા તમારા માટે બિલકુલ ફ્રી રહેશે.
જોકે, ₹2,000થી મોટી રકમના વેપારી વ્યવહારો (જેમ કે મોટા મોલ કે શોપિંગ) માટે ભવિષ્યમાં બેન્કો અને પેમેન્ટ કંપનીઓ વેપારીઓ પાસેથી ફી (MDR) લઈ શકે તેવી એક કાયદાકીય જોગવાઈ ખુલ્લી રાખવામાં આવી છે, જેથી આખી સિસ્ટમનો ખર્ચ નીકળી શકે. આ આખી ચર્ચાનો સૌથી રસપ્રદ આંકડો એ છે કે ₹2,000થી મોટી રકમના વેપારી વ્યવહારોની (P2M) સંખ્યા કુલ UPI પેમેન્ટ્સના માત્ર 4% જ છે.
જોકે નવાઈની વાત એ છે કે આ નાનકડા 4% વ્યવહારોમાં જ કુલ પૈસાની આપ-લેનો 68% જેટલો મોટો હિસ્સો સમાયેલો છે. આનો સીધો અર્થ એ થાય કે સામાન્ય લોકોના નાના-મોટા રોજિંદા પેમેન્ટ્સને બિલકુલ ફ્રી રાખીને, જો માત્ર આ 4% મોટા શોપિંગ કે કોમર્શિયલ વ્યવહારો પર જ સામાન્ય ચાર્જ (MDR) મૂકવામાં આવે તો સામાન્ય જનતા પર કોઈ બોજ પડ્યા વગર આખી UPI સિસ્ટમ માટે કરોડો રૂપિયાની કાયમી આવક ઊભી કરી શકાય.
આ MDRના દરોનું ગણિત પણ ખૂબ જ રસપ્રદ છે. હાલમાં પેમેન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા મોટા વેપારીઓના ₹2,000થી ઉપરના વ્યવહારો પર આશરે 0.3%થી 0.6% સુધીનો MDR રાખવાની ચર્ચા ચાલી રહી છે. તેને એક સરળ ઉદાહરણથી સમજીએ. જો 0.4%નો સરેરાશ દર નક્કી થાય તો ₹10,000ના વ્યવહાર પર વેપારી સ્તરે માત્ર ₹40ની ફી બને, જ્યારે ₹50,000ની મોટી ખરીદી પર તે ₹200 થાય. આ કોઈ બહુ મોટો આર્થિક બોજ નથી, પરંતુ કરોડો વ્યવહારો ભેગા મળીને આખી નેટવર્ક સિસ્ટમ ચલાવવા માટેનું જંગી ભંડોળ પૂરું પાડી શકે છે.
આમાં ઘણાને એમ પ્રશ્ન થાય કે આ ફી ગ્રાહકે ચૂકવવી પડશે? તો જવાબ છે ના. MDR એ ગ્રાહકના ખિસ્સામાંથી કપાતો ચાર્જ નથી. જો તમે ₹10,000ની ખરીદી કરો અને UPIથી પેમેન્ટ કરો તો તમારા બેન્ક ખાતામાંથી ₹10,000 જ કપાશે. આ MDR એ વેપારી (Merchant) પર લાગતી ફી છે. MDR વેપારી પાસેથી વસૂલવામાં આવતી ફી છે, તેનો ખર્ચ વેપારી પોતે ભોગવે કે પોતાની કિંમતમાં તેની અસર સમાવે, તે અલગ બાબત છે.
સામાન્ય નાગરિકો માટે P2P અને નાના પેમેન્ટ્સ સંપૂર્ણ ફ્રી
સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકો પર UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લાવવાનો ઈરાદો નથી. જો તમે તમારા કોઈ મિત્ર, સગા-સંબંધી કે અન્ય વ્યક્તિને (Person-to-Person) પૈસા મોકલો છો તો તે હંમેશાની જેમ બિલકુલ ફ્રી રહેશે. આ ઉપરાંત, શાકભાજી, દૂધ, કરિયાણું કે ચા જેવા રોજિંદા જીવનના ₹2,000 સુધીના તમામ નાના વેપારી વ્યવહારો પણ સંપૂર્ણપણે ચાર્જ-મુક્ત રહેશે.
UPI પર ચાર્જ લાગવાથી કોને થશે ફાયદો?
નાણાકીય વિશ્લેષણ સંસ્થા બરન્સટેનના અંદાજ મુજબ, જો UPI ટ્રાન્ઝેક્શનના અડધા ભાગ પર 0.4% MDR લાગુ કરવામાં આવે તો 2028 સુધીમાં આ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે આશરે ₹22,000 કરોડનો વાર્ષિક રેવન્યુ પૂલ ઊભો થઈ શકે છે. આ રકમ સરકાર માટે નહીં, પણ નેટવર્ક ચલાવતી બેન્કો, ટેક્નોલોજી પ્રોવાઈડર્સ અને એપ્સ વચ્ચે વહેંચાશે.
નોંધનીય છે કે ભારતમાં થતા કુલ UPI પેમેન્ટમાંથી 80% કરતાં વધુ વ્યવહારો માત્ર ફોનપે અને ગૂગલ પે મારફતે થાય છે. અત્યાર સુધી આટલા મોટાપાયે મફતમાં સેવા આપવાને કારણે આ કંપનીઓ માટે બિઝનેસ ચલાવવો અઘરો બની રહ્યો હતો. MDR આવવાથી તેમને કમાણીનો નવો સ્રોત મળશે, જેનો ઉપયોગ તેઓ સર્વરને વધુ ઝડપી અને ટેક્નોલોજીને વધુ મજબૂત કરવા માટે કરી શકશે.
આ બધી ચર્ચાઓની વચ્ચે એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે કે શું UPI ના દિવસો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જેવા થઈ જશે? જેનો જવાબ છે ના. ક્રેડિટ કાર્ડ પર 1.5%થી 2.5% જેટલો MDR લેવામાં આવે છે, જ્યારે UPI પર જો ચાર્જ આવશે તો પણ તે ખૂબ જ મર્યાદિત અને નજીવી હશે. આ ઉપરાંત, QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની જે સુવિધા અને ઝડપ છે, તે કાર્ડ સ્વાઇપ મશીનમાં નથી.
ગ્લોબલ UPI અને વિદેશમાં વિસ્તરણનો ખર્ચ
અહીં એ પણ નોંધવું જોઈએ કે UPI હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી. અગાઉ જોયું તેમ સિંગાપોરના PayNow સાથે લિંક અને અન્ય દેશોમાં પણ તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેથી ભારતની આ સિસ્ટમને વૈશ્વિક સ્તરે સુરક્ષિત, સાયબર-અટેક મુક્ત અને ઝડપી રાખવા માટે સતત મોટું રોકાણ જરૂરી છે, જે મજબૂત બિઝનેસ મોડલ વગર શક્ય નથી.
સોશિયલ મીડિયા પર ચાલતા એવા દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે કે ‘હવે દરેક UPI પેમેન્ટ પર ટેક્સ લાગશે’ અથવા ‘₹2,000થી વધુ ટ્રાન્સફર કરવા પર બેન્ક ફી કાપી લેશે.’ નીતિગત રીતે સામાન્ય માણસનો રોજિંદો UPI અનુભવ શૂન્ય ચાર્જ સાથે ચાલુ રાખવો એ જ સરકારની પ્રાથમિકતા છે.
આ સમગ્ર કવાયત ‘ફ્રી UPI’ બંધ કરવા માટે નથી, પરંતુ UPIના બિઝનેસ મોડલને આગામી દસ વર્ષ સુધી આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટેનો નવો અધ્યાય છે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ટેક્નોલોજી અપનાવીને દુનિયાને બતાવી દીધું, હવે પછીના 10 વર્ષ તેને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો સમય છે.


