સૌરાષ્ટ્રની ધરા પર દરવર્ષે ભાદરવો આવતા જ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલું એક નાનકડું ગામ તરણેતર થનગની ઊઠે છે અને ત્યાં મેળો ભરાય છે. આ મેળો માત્ર કોઈ ભૌતિક ઉત્સવ નથી, આ મેળો આસ્થા, સાહસ, લોકકળા અને યુવાનીના ઉલ્લાસનો એક એવો મહાકુંભ છે જ્યાં ભૂતકાળની પૌરાણિક કથાઓ અને વર્તમાનનું લોકજીવન એકબીજામાં ઓગળી જાય છે.
આ મેળો ભાદરવા સુદ ચોથથી શરૂ થઈને ભાદરવા સુદ છઠ સુધી ત્રણ દિવસ સુધી ચાલે છે, જે 2026માં 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન ધામધૂમથી યોજાઈ રહ્યો છે. મેળાનો પ્રારંભ થતાં જ કાનમાં ઢોલનો અવાજ અને આંખોમાં પરંપરાગત વસ્ત્રોના રંગોની છાપ પડે છે.
મેળાનું સાચું આધ્યાત્મિક હૃદયબિંદુ એટલે પ્રાચીન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, જેના શિખર પર ભાદરવા સુદ પાંચમની સવારે પાળીયાદના મહંત દ્વારા બાવન ગજની વિશાળ ધજા ચઢાવવામાં આવે છે. ‘ત્રિનેત્રેશ્વર’ એટલે ત્રણ નેત્ર ધરાવતા દેવાધિદેવ શિવ, જેમની શિખર પરથી વહેતી દિવ્ય કૃપાદ્રષ્ટિ હેઠળ આખી પાંચાળ ભૂમિ શિવમય બની જાય છે.
મેળાનું સૌથી મોટું આધ્યાત્મિક મહત્વ ભાદરવા સુદ પાંચમ એટલે કે ‘ઋષિ પંચમી’ના દિવસ સાથે જોડાયેલું છે. સ્થાનિક માન્યતા મુજબ, પાંચ ઋષિઓની કઠોર પ્રાર્થના પરથી ગંગાજીનો પવિત્ર પ્રવાહ આ ધામના પ્રાચીન ત્રિનેત્રેશ્વર કુંડમાં અવતરિત થયો હતો, જેના કારણે આ દિવસે કુંડમાં સ્નાન કરવું તે કાશી કે હરિદ્વારના ગંગાસ્નાન જેટલું જ મહાપુણ્યદાયી ગણાય છે.
ભગવાન વિષ્ણુએ કમળનયન આપ્યા તેથી પડ્યું ‘ત્રિનેરેશ્વર’ નામ
આ આધ્યાત્મિકતા પાછળ ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યાની પૌરાણિક કથા પણ છુપાયેલી છે. સ્થાનિક માન્યતા મુજબ આ જ પવિત્ર ભૂમિ પર ભગવાન વિષ્ણુએ શિવજીની પ્રસન્નતા અર્થે કઠોર તપસ્યા કરી હતી. પૂજા દરમિયાન એક હજાર કમળ અર્પણ કરવાનો સંકલ્પ હતો, પરંતુ એક કમળ ઓછું પડતાં વિષ્ણુ ભગવાને પોતાનું એક કમળનયન અર્પિત કરવા તત્પરતા દર્શાવી હતી.
વિષ્ણુજીની આવી પરમ નિષ્ઠા જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમણે ત્રિનેત્ર સ્વરૂપે પ્રગટ થઈને વિષ્ણુજીને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું. ત્યારબાદ આ મંદિરનું નામ ‘ત્રિનેત્રેશ્વર’ પડ્યું અને પછીથી અપભ્રંશ થતાં થતાં તરણેતર કહેવાયું. ભગવાનની તપસ્યા બાદ આ ધામ હરિ અને હરના પવિત્ર મિલનનું સનાતન પ્રતીક બની ગયું.
એવું પણ કહેવાય છે કે કણ્વ ઋષિનું તપ અને પાંચ ઋષિઓની પ્રાર્થનાથી શિવજી પ્રગટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે. લોકવાયકા મુજબ શિવજી પ્રગટ થયા બાદ ગંગાજીનો પ્રવાહ એ કુંડમાં સ્થાપિત થયો. ઋષિ પંચમીના દિવસે આ કુંડમાં કરેલું સ્નાન કાશીમાં કરેલ સ્નાન બરાબર કહેવાય છે.

મહાભારતના ઇતિહાસની સાક્ષી છે તરણેતરની ભૂમિ
આ ઉપરાંત તરણેતરની આ ધરતી મહાભારતના ઇતિહાસનું એક જીવંત પાનું બનીને ઊભી છે. સ્થાનિક લોકપરંપરા અનુસાર આ આખો પાંચાળ વિસ્તાર રાજા દ્રુપદની રાજધાની હતો. એવું કહેવાય છે કે ‘ત્રિનેત્રેશ્વર’ મંદિર પરિસરમાં જે કુંડ આવેલો છે ત્યાં જ દ્રૌપદીનો સ્વયંવર યોજાયો હતો અને આ જ ભૂમિ પર અર્જુને મત્સ્યવેધન કર્યું હતું.
પાણીના પ્રતિબિંબમાં જોઈને ઉપર ફરતી માછલીની આંખ વીંધવી, એ અર્જુનનો મત્સ્યવેધ માત્ર ધનુર્વિધ્યાનું કૌશલ્ય નહોતું, પરંતુ દ્રૌપદીના જીવનસાથી બનવા માટેની એક અસાધારણ પરીક્ષા હતી. અર્જુને પાણીમાં નિશાન સાધીને એ કસોટી પાર કરી અને પાંચાલીને જીતી, જે કથા આજે પણ તરણેતરની માટીમાં શ્વાસ લે છે.
દ્રૌપદીના સ્વયંવરથી શરૂ થયો તરણેતરનો લોકસ્વયંવર
એ જ દ્રૌપદી સ્વયંવરની પૌરાણિક સ્મૃતિ સમય જતાં સૌરાષ્ટ્રના સામાજિક તાણાવાણામાં વણાઈ ગઈ અને તેમાંથી જન્મ થયો તરણેતરના આજના લોકસ્વયંવરનો. અહીં કોઈ રાજકુમારો ધનુષ લઈને નથી આવતા, પરંતુ સૌરાષ્ટ્રના કોળી પટેલ અને અન્ય સમાજના યુવાનો પોતાના હાથમાં સ્વહસ્તે શણગારેલી રંગબેરંગી છત્રીઓ લઈને આવે છે.
આ છત્રી માત્ર તડકાથી બચવા માટેનું સાધન નથી, તે મહેનત, કારીગરી અને કલાત્મક વ્યક્તિત્વનું ‘ચાલતું-ફરતું પરિચયપત્ર’ છે. યુવાનો આ છત્રીઓને મોતી, નાના અરીસા, બારીક ભરતકામ અને પેચવર્કથી શણગારવા માટે આખું વર્ષ પોતાના ઘરમાં બેસીને અપાર મહેનત કરે છે.
પરંપરાગત કેડિયું, ધોતી અને રંગીન પાઘડી પહેરેલો યુવાન આવી છત્રી ખુલ્લી રાખીને મેળાના મેદાનમાં પોતાની કળા અને વ્યક્તિત્વનું પ્રદર્શન કરે છે. સામે પક્ષે, પરંપરાગત આભૂષણો અને ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓ અને તેમના પરિવારો પોતાના ભાવી જીવનસાથીની પસંદગી માટે આ સંકેતોને પારખે છે.
અહીં વસ્ત્રો પણ પોતાની ખાસ સામાજિક ભાષા બોલે છે, જેમ કે ઝાલાવાડની રબારી મહિલાઓમાં અવિવાહિત યુવતીઓ લાલ રંગની ‘ઝીમી’ ધારણ કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ કાળી ‘ઝીમી’ પહેરે છે. આ નાનકડો સામાજિક સંકેત મેળામાં આવેલા લોકોને પરસ્પર ઓળખવામાં મદદરૂપ બને છે.
આજના આધુનિક યુગમાં જ્યાં મેટ્રિમોનિયલ એપ્સ અને સોશિયલ મીડિયાનો યુગ છે ત્યાં તરણેતરનો મેળો બતાવે છે કે નજરોની ભાષા અને રૂબરૂ મળવાની પરંપરા આજે પણ કેટલી જીવંત છે. તે કોઈ કૃત્રિમ સ્થાન નથી, પરંતુ ખુલ્લા આકાશ નીચે શ્રદ્ધા અને સંસ્કૃતિના સાનિધ્યમાં બે હૃદય અને બે પરિવારોનું સાહજિક મિલન છે.
રાસ અને ગરબાની રમઝટ
બપોર નમતાં જ મેળાનો બીજો એક અદ્ભુત રંગ ઉઘડે છે. રાસ અને ગરબાની રમઝટનો. ઢોલના ધબકારા સાથે જ્યારે જોડિયા પાવાના સૂરો વાતાવરણમાં ભળે છે ત્યારે મેળાના મેદાનમાં સેંકડો મહિલાઓ અને યુવાનોના વિશાળ વર્તુળો રચાવવા લાગે છે અને આખી ધરતી ઝાંઝરના અવાજથી ધમધમી ઊઠે છે.
ઝાલાવાડના રબારી સમાજનો ‘રાહડો’ અને યુવાનોનો ‘હૂડા રાસ’ રમઝટ આ મેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાય છે. હૂડા નૃત્યમાં પુરુષો પોતાના શારીરિક બળ અને તાળીઓના તાલથી જે ઊર્જા પેદા કરે છે તે જોનાર દરેક વ્યક્તિના રોમ-રોમમાં ઉત્સાહ ભરી દે છે અને આખું મેદાન જ એક મોટું સ્ટેજ બની જાય છે.
દિવસ દરમિયાન નૃત્ય અને ઉલ્લાસ અનુભવ્યા પછી રાત પડતાં જ મેળાનો આધ્યાત્મિક અવતાર સામે આવે છે. મંદિર પરિસરમાં સાધુ-સંતો અને લોકકલાકારોના મુખેથી સંતવાણી અને ભજનોનો પ્રવાહ વહે છે, જ્યાં એક બાજુ લોકસંગીતનો થનગનાટ અને બીજી બાજુ શિવનામનો જપ વાતાવરણને પવિત્ર બનાવે છે.
2026નું આયોજન
આ વર્ષે 2026ના આયોજનમાં પણ પૌરાણિક વારસા સાથે આધુનિક વ્યવસ્થાનો અદ્ભુત તાલમેલ સાધવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા ભક્તો અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુવિધાસભર ડોમ, લોકકળા પ્રદર્શન અને સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી મેળાનો મૂળ આત્મા અકબંધ રહે.
2026ના આ ઉત્સવમાં લોકસંસ્કૃતિની સાથે ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રસ્સાખેંચ, કુસ્તી અને પરંપરાગત ગ્રામીણ રમતોમાં ગામડાના યુવાનો પોતાની શારીરિક તાકાત દર્શાવે છે, જે એક રીતે પ્રાચીન અર્જુનના મત્સ્યવેધની શૌર્ય-પરંપરાને રમતગમતના સ્વરૂપે જીવંત રાખે છે.
મેળામાં પથરાયેલું સ્થાનિક હસ્તકળા અને કારીગરીનું બજાર પણ ગ્રામીણ અર્થતંત્રને નવી શક્તિ આપે છે. હાથ વણાટના કાપડ, કાઠિયાવાડી દાગીના, અરીસાકામની વસ્તુઓ અને માટીના વાસણો ખરીદવા માટે પ્રવાસીઓનો જમાવડો રહે છે, જે આ મેળાની સ્મૃતિઓને લોકોના ઘરો સુધી પહોંચાડે છે.
ત્રિનેત્રેશ્વર મંદિરનું પુનઃનિર્માણ
નોંધનીય છે કે વડોદરાના ગાયકવાડ રાજવીઓએ 19મી સદીમાં ત્રિનેત્રેશ્વર મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, પરંતુ તેની બેનમૂન સ્થાપત્ય કલા આજે પણ મન મોહી લે છે. મંદિરની પથ્થર કોતરણી અને પવિત્ર કુંડ બતાવે છે કે ગુજરાતના રાજવીઓએ પોતાની આસ્થા અને પ્રાચીન વારસાને સાચવવા માટે કેટલું મોટું યોગદાન આપ્યું છે.
તરણેતરનો મેળો જોઈએ એટલે ધ્યાને આવે કે દ્વાપરમાં જે કૌશલ્ય અર્જુનના મત્સ્યવેધથી નોંધાયું હતું, આજે એવું જ કૌશલ્ય રંગીન છત્રીઓ અને રમતોમાં દેખાય છે. સમય બદલાયો છે, સાધનો બદલાયાં છે, પરંતુ પોતાની કળા અને આવડત દ્વારા જીવનસાથીને આદર આપવાની પરંપરા આજે પણ પાંચાળની આ પવિત્ર માટીમાં અકબંધ છે.
ચાર દિવસનો આ ભાતીગળ મેળો ભરાઈને પૂર્ણ થઈ જાય છે, પરંતુ તેની પાછળની તૈયારીઓ આખું વર્ષ ચાલે છે. ઘરમાં બેસીને છત્રી પર આભલાં જડતી કારીગરની આંગળીઓ અને ઢોલના તાલ પર પગ ઉપાડવા માટે આખું વર્ષ રાહ જોતી યુવાની, આ બંને મળીને તરણેતરના મેળાને વિશિષ્ટ બનાવે છે.
છેવટે જ્યારે મેળાના દિવસો પૂરા થાય છે, ઢોલના અવાજ શાંત પડે છે અને રંગીન છત્રીઓ પાછી ઘેર જવા લાગે છે ત્યારે પણ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ ત્યાં જ સ્થિર રહે છે, જેમાં આવતા ભાદરવાની પ્રતીક્ષાનો એક મૌન ધબકાર છુપાયેલો હોય છે.
તરણેતરનો મેળો એ માત્ર ભૂતકાળની ગાથા નથી, પણ વર્તમાનમાં જીવાતો લોકઇતિહાસ છે. ત્રિનેત્રેશ્વર મહાદેવની છત્રછાયામાં લહેરાતી બાવન ગજની ધજા અને રંગીન છત્રીઓ સાબિત કરે છે કે ગુજરાતમાં લોકસંસ્કૃતિ માત્ર પુસ્તકોમાં સચવાતી નથી. તે આજે પણ એટલા જ ગૌરવથી જીવાય છે અને સચવાય છે.


