હોમપેજએક્સપ્લેઇનરબ્રિક્સ શું ડોલરને પડકારી રહ્યું છે: 49.5% વિશ્વવસ્તી ધરાવતા 11 દેશો વચ્ચે વેપાર...

બ્રિક્સ શું ડોલરને પડકારી રહ્યું છે: 49.5% વિશ્વવસ્તી ધરાવતા 11 દેશો વચ્ચે વેપાર કેવી રીતે ચાલે છે અને સ્થાનિક ચલણ તરફ વળવાની ચર્ચા કેમ?

BRICS રાતોરાત ડોલરને ખતમ કરવા નથી જઈ રહ્યું. વાસ્તવિક પરિવર્તન ધીમું અને ક્રમિક હશે, જ્યાં આગામી વર્ષોમાં વૈશ્વિક વેપારમાં ડોલરનો હિસ્સો ધીમે-ધીમે ઘટશે અને વિકલ્પ તરીકે સ્થાનિક ચલણો તથા ડિજિટલ પેમેન્ટ નેટવર્ક મજબૂત થશે.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક અર્થતંત્રમાં આજે સૌથી વધુ ચર્ચાતો વિષય એટલે કે ‘ડી-ડોલરાઇઝેશન’ (De-dollarisation) અને BRICS દેશોની ભૂમિકા. નવી દિલ્હી ખાતે આયોજિત BRICS સમિટ દરમિયાન આ મુદ્દો ફરી એકવાર ચર્ચના કેન્દ્રસ્થાને આવ્યો છે, જ્યાં ડોલરના વર્ચસ્વ અને તેના વૈકલ્પિક રસ્તાઓ વિશે વિગતવાર ચર્ચાઓ થઈ રહી છે.

સૌથી પહેલાં એક મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. BRICS દેશોએ અમેરિકન ડોલરમાં વેપાર સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય નથી લીધો. ખરી ચર્ચા એ વાતની છે કે ભવિષ્યમાં આ દેશો પોતપોતાના સ્થાનિક ચલણ, સીધી ચૂકવણી વ્યવસ્થા અને વૈકલ્પિક ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કેટલો વધારી શકે.

BRICSની શરૂઆત 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન સાથે થઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા જોડાતાં તે BRICS બન્યું. સમય જતાં તેનો વિસ્તાર થયો અને 2024માં ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન તથા UAE તેમજ 2025માં ઇન્ડોનેશિયા પણ સભ્ય બન્યાં. હાલમાં આ જૂથમાં કુલ 11 દેશો સામેલ છે: બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, UAE, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા.

- Advertisement -

આ 11 દેશો મળીને વિશ્વની લગભગ 49.5% વસ્તી, 40% વૈશ્વિક GDP અને 26% વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિશાળ આંકડાઓ દર્શાવે છે કે BRICSને માત્ર કેટલાક વિકાસશીલ દેશોનું સામાન્ય સંગઠન માનીને અવગણી શકાય તેમ નથી.

આ દેશો વચ્ચે કેવી રીતે થાય છે વેપાર?

હવે સવાલ એ થાય કે આ દેશો અત્યારે પરસ્પર વેપાર કેવી રીતે કરે છે?

સામાન્ય રીતે જો ભારતીય કંપનીએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું હોય તો વ્યવહારમાં ડોલર મુખ્ય માધ્યમ બને છે. જેમાં ભારતીય કંપની પોતાની બેન્ક મારફતે રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરીને રશિયન બેન્ક અને ત્યારબાદ રશિયન કંપનીને ચૂકવણી કરે છે.

જોકે બે દેશો ઈચ્છે તો સીધા સ્થાનિક ચલણનો ઉપયોગ પણ કરી શકે છે, જેમાં ભારતીય કંપની રૂપિયામાં ચૂકવણી કરે અને ખાસ સેટલમેન્ટ વ્યવસ્થા દ્વારા રશિયન કંપનીને રુબલમાં પૈસા મળે. પરંતુ સ્થાનિક ચલણમાં વેપાર કરવાનો અર્થ સીધી રૂપિયા-રુબલ રોકડ નોટોની આપ-લે નથી, પરંતુ તેની પાછળ બેન્કો, ક્લિયરિંગ એરેન્જમેન્ટ્સ અને કરન્સી કન્વર્ઝન મિકેનિઝમ કામ કરે છે.

ડોલરની જરૂર શા માટે અને આ દેશો કેમ ઘટાડવા માંગે છે તેના પરની નિર્ભરતા?

તો પછી વેપારમાં ડોલરની જરૂર શા માટે પડે છે?

કારણ કે ડોલર માત્ર એક દેશનું ચલણ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય માધ્યમ, વૈશ્વિક નાણાકીય બજારોનું કેન્દ્ર, દેશોના ફોરેન-એક્સચેન્જ રિઝર્વનો મહત્વનો હિસ્સો અને મધ્યસ્થ ચલણ (intermediary currency) બની ચૂક્યો છે. જો ભારત અને રશિયા વચ્ચે આયાત-નિકાસનું સંતુલન ન હોય તો ડોલર જેવી વૈશ્વિક સ્વીકાર્ય કરન્સી વ્યવહારને સરળ બનાવે છે.

આમ છતાં BRICS દેશો ડોલર પરની અતિ-નિર્ભરતા ઘટાડવા માંગે છે. આની પાછળનું પહેલું મુખ્ય કારણ નાણાકીય સ્વતંત્રતા છે. એક જ દેશની નાણાકીય વ્યવસ્થા પર વધુ પડતો આધાર જોખમી બની શકે છે, ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવે. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ વૈકલ્પિક ચલણોમાં વેપાર કરવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે.

બીજું મહત્વનું કારણ પેમેન્ટ સિસ્ટમમાં વિકલ્પ ઊભો કરવાનું છે.

માત્ર ચલણ બદલવાથી કામ પૂરું થતું નથી, પરંતુ સુરક્ષિત, ઝડપી અને ઓછા ખર્ચાળ ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડે છે. 2024ના કઝાન ઘોષણાપત્રમાં પણ સ્થાનિક ચલણના ઉપયોગ અને ‘BRICS Cross-Border Payments Initiative’ જેવી વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

‘BRICS Pay’ની ચર્ચા અને ભારતની ભૂમિકા

અહીંથી જ ‘BRICS Pay’ કે પેમેન્ટ સિસ્ટમની ચર્ચા શરૂ થાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે BRICS એ પશ્ચિમી SWIFT સિસ્ટમની જગ્યાએ કોઈ સંપૂર્ણ નવી સિસ્ટમ રાતોરાત તૈયાર કરી લીધી છે. ચર્ચાનો મુખ્ય હેતુ સભ્ય દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને પરસ્પર જોડવી અને સ્થાનિક ચલણમાં સેટલમેન્ટ ઝડપી બનાવવાનો છે. ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ સભ્ય દેશો વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર અને પેમેન્ટ કનેક્ટિવિટી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ આખી પ્રક્રિયામાં ભારતની ભૂમિકા અત્યંત રસપ્રદ અને વ્યવહારુ છે. ભારત એક તરફ ડોલર પરની અતિ-નિર્ભરતા ઘટાડવાના પક્ષમાં છે, તો બીજી તરફ તે નથી ઇચ્છતું કે ડોલરનું સ્થાન ચીનનો યુઆન લઈ લે. તેથી ભારતનો અભિગમ એક ચલણને બીજા ચલણથી રીપ્લેસ કરવાનો નથી, પરંતુ વિવિધ ચલણો અને સિસ્ટમો વચ્ચે સીધો અને સરળ સમન્વય સાધવાનો છે.

ભારતે BRICS દેશોની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને (CBDC) ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ માટે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતનું ધ્યાન ડોલરને રિઝર્વ કરન્સી તરીકે હટાવવા કરતાં આંતરરાષ્ટ્રીય વ્યવહારોને વધુ સરળ અને ઝડપી બનાવવા પર છે.

સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એટલે કે CBDC જેમ કે ભારતનો ડિજિટલ રૂપિયો આ ક્ષેત્રે મોટો ફેરફાર લાવી શકે છે. જો ભારત, UAE, રશિયા કે ચીનની ડિજિટલ કરન્સી સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાઈ જાય તો નાણાં મોકલવાની પ્રક્રિયા વચ્ચેની મધ્યસ્થ બેન્કો વિના સીધી અને ઝડપી બની શકે છે.

જોકે આ રસ્તો એટલો સરળ નથી. BRICS સામેની સૌથી મોટી મર્યાદા એ છે કે તેના 11 સભ્ય દેશોની અર્થવ્યવસ્થા અને આર્થિક પ્રાથમિકતાઓ સાવ જુદી જુદી છે. ચીન, ભારત, રશિયા, બ્રાઝિલ કે સાઉદી અરેબિયાનાં આર્થિક મોડેલ અલગ હોવાથી બધા માટે એક સમાન ‘મોનેટરી સિસ્ટમ’ બનાવવી અત્યંત જટિલ છે.

ઉપરાંત સૌથી વ્યવહારુ પ્રશ્ન ‘કરન્સી લિક્વિડિટી’નો છે. ઉદાહરણ તરીકે, જો ભારત રશિયા પાસેથી માલ ખરીદીને તેને રૂપિયામાં ચૂકવણી કરે, પરંતુ રશિયા સામે ભારતમાંથી એટલી ખરીદી ન કરતું હોય તો રશિયા પાસે વધારાના રૂપિયા જમા થશે. જો આ રૂપિયાનો ઉપયોગ ન થઈ શકે તો તેને અન્ય ચલણમાં રૂપાંતરિત કરવા પડે. આથી, સ્થાનિક ચલણમાં વેપાર સફળ બનાવવા બંને દેશો વચ્ચે પર્યાપ્ત માંગ અને લિક્વિડિટી હોવી જરૂરી છે.

જો BRICS દેશો ડોલરમાં વેપાર ઘટાડે તો અમેરિકા પર શું અસર પડશે?

અમેરિકી ડોલરનું વર્ચસ્વ માત્ર એક ચલણ પૂરતું સીમિત નથી, પરંતુ તે અમેરિકાની વૈશ્વિક અને આર્થિક શક્તિનો પાયો છે. જો BRICS દેશો પરસ્પર વેપારમાં સ્થાનિક ચલણનો ઉપયોગ મોટા પાયે શરૂ કરે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની માંગ ઘટશે. IMFના આંકડા મુજબ રિઝર્વ ચલણ તરીકે ડોલરનો હિસ્સો ધીમે-ધીમે ઘટી રહ્યો છે, પરંતુ તે હજુ પણ અગ્રણી સ્થાન પર છે. જો BRICSનું આ મોડેલ અન્ય દેશો પણ અપનાવે તો રાતોરાત નહીં પણ લાંબાગાળે ડોલરના વૈશ્વિક પ્રભુત્વમાં ઘટાડો ચોક્કસ આવી શકે છે.

અમેરિકા માટે સૌથી મોટો ફટકો તેના સરકારી દેવાં અને વ્યાજદર પર પડી શકે છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો તેમના ફોરેક્સ રિઝર્વમાં ડોલર રાખવા માટે અમેરિકી સરકારી બોન્ડ્સ ખરીદે છે. જો વિદેશી રોકાણકારો આ બોન્ડ્સમાં રોકાણ ઘટાડશે તો અમેરિકાને દેવું લેવા માટે વધુ વ્યાજ ચૂકવવું પડશે. પરિણામે અમેરિકન સરકારના બજેટ પર બોજ વધશે અને તેને પોતાના જ દેવાની ચૂકવણી માટે વધુ નાણાં ખર્ચવાં પડશે.

આર્થિક અસર ઉપરાંત અમેરિકાને સૌથી મોટો ઝટકો તેના રાજકીય અને જિયોપોલિટિકલ પ્રભાવ પર પડશે. હાલમાં ડોલર-કેન્દ્રિત સિસ્ટમ હોવાને કારણે અમેરિકા કોઈપણ દેશ પર નાણાકીય પ્રતિબંધો લાદીને તેના વેપાર પર રોક લગાવી શકે છે. પરંતુ જો દેશો પાસે ‘BRICS Pay’ કે સ્થાનિક ચલણ જેવા મજબૂત વિકલ્પો હશે તો અમેરિકાના આર્થિક પ્રતિબંધોની બ્લેકમેલિંગ શક્તિ નબળી પડી જશે અને દેશો અમેરિકન દબાણથી બચી શકશે.

જોકે, આ પરિસ્થિતિથી અમેરિકાને માત્ર નુકસાન જ થશે એવું નથી. જો ડોલર થોડો નબળો પડે તો અમેરિકામાં બનતી વસ્તુઓ વિદેશી ખરીદદારો માટે સસ્તી થશે, જેનાથી અમેરિકી નિકાસ વધશે અને સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થઈ શકે. પરંતુ તેની સામે આયાતી વસ્તુઓ મોંઘી થતાં અમેરિકામાં મોંઘવારી વધવાનું જોખમ પણ ઊભું થઈ શકે છે.

અમેરિકન ડોલરની ખરી શક્તિ કોઈની મજબૂરી નથી, પરંતુ તેના પ્રત્યેનો વૈશ્વિક વિશ્વાસ, ઊંડા નાણાકીય બજારો અને તેની અપરંપાર છે. જો BRICS દેશોએ ડોલરનો વિકલ્પ બનવું હોય તો તેમણે આ તમામ મોરચે સમાન સ્તરનો વિશ્વાસ ઊભો કરવો પડશે, જે માત્ર જાહેરાતોથી શક્ય નથી.

આ જ કારણે ‘નવી BRICS કરન્સી’ આવવાની વાતો માત્ર અફવાઓ અને વાયરલ ચર્ચાઓ પૂરતી સીમિત છે. વર્તમાન નીતિગત સ્તરે સામાન્ય ચલણી નોટ બહાર પાડવાને બદલે લોકલ-કરન્સી સેટલમેન્ટ અને ડિજિટલ પેમેન્ટ કનેક્ટિવિટી પર જ વાસ્તવિક કામ થઈ રહ્યું છે.

જો ડોલરમાં વેપાર ઓછો થાય તો અન્ય ચલણોનું મહત્વ વધશે

જો ભવિષ્યમાં BRICS દેશો પોતાના આંતરિક વેપારમાં રૂપિયા, યુઆન, રુબલ કે દિરહામનો ઉપયોગ મોટા પાયે વધારે તો ડોલરની વ્યવહારિક માંગ ચોક્કસ ઘટશે. આનાથી વિશ્વમાં એકચક્રીય ડોલર શાસનને બદલે મલ્ટિ-પોલર (બહુધ્રુવીય) નાણાકીય વ્યવસ્થા ઊભી થઈ શકે છે, જ્યાં અલગ-અલગ પ્રાદેશિક ચલણોનું મહત્વ વધશે.

ભારત માટે આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણ મોટા ફાયદા છે: આંતરરાષ્ટ્રીય વ્યવહાર ખર્ચ ઘટાડી શકાય, ભારતીય રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા વધી શકે અને કોઈપણ એક નાણાકીય સિસ્ટમ પર નિર્ભર ન રહીને ‘સ્ટ્રેટેજિક ઓટોનોમી’ જાળવી શકાય. જોકે, આયાત-નિકાસનું સંતુલન અને ચલણના મૂલ્યમાં આવતા ઉતાર-ચડાવ જેવાં જોખમો પણ સાથે રહેલાં છે.

અંતે, BRICS સામે સૌથી મોટો પડકાર ટેકનોલોજી કે પૈસાનો નથી, પરંતુ રાજકીય વિશ્વાસનો છે. ભારત અને ચીન વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધા, સભ્ય દેશોના અલગ-અલગ જિઓપોલિટિકલ હિતો અને ડેટા સુરક્ષા જેવા મુદ્દાઓ એક સામાન્ય નાણાકીય વ્યવસ્થાના નિર્માણમાં મોટા અવરોધ છે.

નિષ્કર્ષ એ છે કે BRICS રાતોરાત ડોલરને ખતમ કરવા નથી જઈ રહ્યું. વાસ્તવિક પરિવર્તન ધીમું અને ક્રમિક હશે, જ્યાં આગામી વર્ષોમાં વૈશ્વિક વેપારમાં ડોલરનો હિસ્સો ધીમે-ધીમે ઘટશે અને વિકલ્પ તરીકે સ્થાનિક ચલણો તથા ડિજિટલ પેમેન્ટ નેટવર્ક મજબૂત થશે. BRICSનો સાચો હેતુ ડોલરનો નાશ નહીં, પરંતુ એક એવા બહુધ્રુવીય વિશ્વનું નિર્માણ કરવાનો છે જ્યાં વેપાર માટે માત્ર એક જ ચલણ પર નિર્ભર રહેવું ન પડે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં