હોમપેજગુજરાતગુજરાત વિધાનસભામાં 9 બિલ: જમીનથી લઈને GST, વેપાર અને શિક્ષણ સુધી, જાણો...

ગુજરાત વિધાનસભામાં 9 બિલ: જમીનથી લઈને GST, વેપાર અને શિક્ષણ સુધી, જાણો શું જોગવાઈ છે અને કોને થશે લાભ

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલાં આ બિલોથી સામાન્ય નાગરિકો, ખેડૂતો, ભાડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓના રોજિંદા જીવન પર સીધી અસર પડશે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાનું વર્તમાન ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે, જે 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસના ગાળામાં યોજાશે. આ ટૂંકા સત્રમાં સરકાર મહત્વપૂર્ણ 9 બિલ રજૂ કરવાની છે, જે કૃષિ, શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, GST અને જમીન મહેસૂલ જેવા સામાન્ય નાગરિકોના જીવન સાથે સીધા જોડાયેલા ક્ષેત્રો આવરી લે છે. ખાસ કરીને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, પશુઆહારની ગુણવત્તા જાળવવા અને ભાડૂતો તેમજ મકાનમાલિકોના હિતોનું રક્ષણ કરવા માટે નવા કાયદા ઘડવામાં આવી રહ્યા છે.

આ સુધારાત્મક બિલો પાસ થવાથી રાજ્યના સામાન્ય નાગરિકો અને ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે. જમીનના વિભાજન અને રેકોર્ડ સંબંધિત જટિલ નિયમો સરળ બનવાથી કાયદાકીય વિવાદો ઘટશે અને જમીન-મકાન લે-વેચની કામગીરી સુગમ બનશે. સાથે જ, વેપાર અને ઉદ્યોગ માટે સરકારી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે અને શાળાકીય સુધારાઓથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. સમગ્ર રીતે જોતાં આ 9 બિલો રાજ્યમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અને સામાન્ય લોકો માટે ‘ઈઝ ઑફ લિવિંગ’ વધારવા તરફનું એક મોટું પગલું છે.

1. ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (સુધારા) બિલ, 2026

ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (સુધારા) બિલ, 2026નો સરળ અર્થ એ છે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના જુના કાયદાઓને આજના આધુનિક સમય પ્રમાણે બદલવામાં આવી રહ્યા છે. અત્યારે ખેતીમાં નવી ટેક્નોલોજી, ડ્રોન, હવામાન બદલાવ અને નવી જાતના બીજ જેવી બાબતો મહત્વની બની છે, તેથી યુનિવર્સિટીઓમાં ભણાવવા અને નવા સંશોધનો કરવાના નિયમો વધુ મજબૂત અને ઉપયોગી બનાવવામાં આવશે.

- Advertisement -

આ સુધારાથી ખેડૂતો અને કૃષિના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. યુનિવર્સિટીઓમાં થતા નવા વૈજ્ઞાનિક સંશોધનો અને ટેકનીકલ માર્ગદર્શન ખેડૂતો સુધી વધુ ઝડપથી પહોંચશે. ટૂંકમાં, આ કાયદો રાજ્યમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને નવી દિશા આપીને ખેતી અને ખેડૂતોના વિકાસને વેગ આપશે.

2. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (સુધારા) બિલ, 2026

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી (સુધારા) બિલ, 2026નો મુખ્ય હેતુ ઓર્ગેનિક ખેતીને વિજ્ઞાન અને આધુનિક સંશોધન સાથે જોડવાનો છે. કેમિકલ વગરની દેશી પદ્ધતિથી થતી ખેતીને માત્ર જૂની પરંપરા તરીકે નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે સાબિત કરીને આગળ ધપાવવા માટે આ યુનિવર્સિટીના કાયદાકીય માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

આ સુધારાથી કુદરતી ખેતી કરતા ખેડૂતો અને આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. યુનિવર્સિટીમાં જમીનની ગુણવત્તા, દેશી ખાતર અને કુદરતી પાક સંરક્ષણ પરવૈજ્ઞાનિક સંશોધનો થશે, જે ખેડૂતોને સરળ તાલીમ અને સાચી માહિતી રૂપે મળશે. ટૂંકમાં આ કાયદો રાજ્યમાં કેમિકલમુક્ત ખેતીને વૈજ્ઞાનિક આધાર આપીને ખેડૂતોની જમીન, સ્વાસ્થ્ય અને આવક સુધારવામાં મદદરૂપ બનશે.

3. ગુજરાત રેન્ટ બિલ, 2026

ગુજરાતમાં પ્રસ્તાવિત નવો ભાડા કાયદો મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો અને વ્યવસ્થામાં મોટો સુધારો લાવવા જઈ રહ્યો છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય બંને પક્ષો વચ્ચે વિવાદો ઘટાડીને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે. આ જોગવાઈ મુજબ મકાનમાલિક હવે વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ ડિપોઝિટ લઈ શકશે. હાલમાં ઘણા વિસ્તારોમાં 6થી 10 મહિનાની મોટી ડિપોઝિટ માગવામાં આવતી હતી, જેમાંથી ભાડૂતોને મોટી રાહત મળશે. દાખલા તરીકે ₹20,000 ભાડું હોય તો ડિપોઝિટ ₹60,000થી વધુ નહીં રહે.

બીજો મહત્વનો ફેરફાર લેખિત ભાડા કરાર ફરજિયાત કરવાનો છે. અત્યાર સુધી ચાલતી મૌખિક વ્યવસ્થાને કારણે ભાડું, ડિપોઝિટ પરત આપવાની સમયસીમા, મિલકતનું સમારકામ અને ખાલી કરાવવા સંબંધિત અનેક ઝઘડા થતા હતા. લેખિત કરારથી આ તમામ શરતો, મકાનમાલિક અને ભાડૂત બંનેના અધિકારો તથા જવાબદારીઓ પહેલેથી જ સ્પષ્ટ થઈ જશે.

આ ઉપરાંત, આ કાયદા હેઠળ એક વિશેષ ‘રેન્ટ ઓથોરિટી’ અને વિવાદ નિવારણ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે ભાડા કરારનું રજીસ્ટ્રેશન કરશે અને વિવાદોનો ઝડપી નિકાલ કરશે. આનાથી ભાડૂતોને ડિપોઝિટની સુરક્ષા મળશે અને મકાનમાલિકોને સમયસર ભાડું મેળવવા તથા નિયમાનુસાર મિલકત ખાલી કરાવવાની કાયદેસર સ્પષ્ટતા મળશે. જોકે, આ તમામ જોગવાઈઓ બિલ સંપૂર્ણ રીતે મંજૂર થઈને કાયદો બન્યા પછી જ અમલમાં આવશે.

4. પશુઆહાર, પોલ્ટ્રી ફીડ અને મિનરલ મિશ્રણ બિલ

ગુજરાતમાં નોનવેજ અને પોલ્ટ્રી ફીડની ગુણવત્તા જાળવવા તથા ભેળસેળ રોકવા માટે આ કાયદો પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ સુધારાનો મુખ્ય હેતુ બજારમાં ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવીને મિસબ્રાન્ડિંગ અને ભેળસેળ બંધ કરવાનો છે.

આટલું કડક બિલ લાવવાનું મુખ્ય કારણ પશુઓનું સ્વાસ્થ્ય અને પશુપાલકોની આવક છે. જો ખોરાકમાં જરૂરી પોષક તત્વો ન હોય કે ભેળસેળ હોય તો પશુના આરોગ્ય અને દૂધ, માંસ કે ઈંડાંના ઉત્પાદન પર સીધી માઠી અસર પડે છે. રાજ્યમાં 96 લાખથી વધુ ગાય, 1.05 કરોડથી વધુ ભેંસ અને 2.17 કરોડથી વધુ પોલ્ટ્રી પક્ષીઓનું વિશાળ ધન હોવાથી આ ક્ષેત્રની સુરક્ષા અત્યંત જરૂરી બની જાય છે.

કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ભેળસેળ કરનારાઓ માટે આ બિલમાં ભારે સજાની જોગવાઈ છે. ગંભીરતા મુજબ દોષિતોને 1થી 10 વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે, જ્યારે ખરાબ ખોરાકના કારણે પશુનું મૃત્યુ થાય તો સજા વધુ સખત બનશે. જોકે, પોતાના પશુઓ માટે જાતે ખોરાક બનાવતા ખેડૂતો કે સંશોધન કરતી સંસ્થાઓને આ કડક નિયમોમાંથી વિશેષ છૂટછાટ આપવામાં આવી છે.

5. ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) બિલ, 2026

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલું ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) બિલ, 2026 સામાન્ય જમીન માલિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ જમીન ખરીદે અને રજિસ્ટર્ડ દસ્તાવેજ થાય ત્યારે સરકારી મહેસૂલી રેકોર્ડમાં જૂના માલિકનું નામ હટાવીને નવા માલિકનું નામ ઉમેરવું પડે છે, જેને ‘મ્યુટેશન એન્ટ્રી’ કહેવાય છે. અત્યાર સુધી આ પ્રક્રિયામાં ઘણો વિલંબ થતો હતો, જેના કારણે જમીન માલિકોને અનેક વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ નવા બિલનો મુખ્ય હેતુ બિન-વિવાદાસ્પદ જમીન વ્યવહારોમાં મ્યુટેશન એન્ટ્રીની પ્રક્રિયાને એકદમ સીધી, ઝડપી અને સરળ બનાવવાનો છે. આ કાયદાના અમલથી જમીન ખરીદ્યા પછી સરકારી રેકોર્ડમાં નવું નામ અપડેટ થવામાં લાગતો સમય ખૂબ ઘટી જશે, જેનાથી સામાન્ય જમીન માલિકોને ઑફિસોના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે અને પારદર્શક રીતે કામગીરી પૂર્ણ થશે.

6. ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ બાબત સુધારા બિલ

ગુજરાત સરકારે ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કાયદામાં મોટા ફેરફારો કરવા માટે આ બિલ રજૂ કર્યું છે. અગાઉ 14 જુલાઈ 2026ના રોજ વટહુકમ દ્વારા લાગુ કરાયેલા આ નિયમોને હવે કાયમી કાયદાનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

આ સુધારા હેઠળ સમગ્ર રાજ્યમાં ખેતીની જમીનના ન્યૂનતમ એકમ તરીકે 10 ગુંઠા (આશરે 1,012 ચોરસ મીટર અથવા 0.25 એકર) નક્કી કરવામાં આવ્યા છે. પહેલાં જુદા-જુદા વિસ્તારો મુજબ આ માપ 20 ગુંઠાથી લઈને 3 એકર સુધીનું હતું, જે હવે આખા રાજ્યમાં એકસમાન 10 ગુંઠા થઈ ગયું છે.

આ ફેરફારનો સૌથી મોટો ફાયદો નાના ખેડૂત પરિવારોને થશે, કારણ કે ભાગલા વખતે 10 ગુંઠા સુધીના નાના હિસ્સા માટે પણ અલગ સરવે નંબર અને માલિકી રેકોર્ડ સરળતાથી મળી શકશે. જોકે, આ 10 ગુંઠા ન્યૂનતમ મર્યાદા હોવાથી તેનાથી નાના ભાગમાં ખેતીની જમીનનું વિભાજન કે વેચાણ કરવા પર નિયંત્રણ યથાવત રહેશે, શહેરી વિસ્તારોને આ નિયમમાંથી બાકાત રખાયા છે.

આ બિલમાં માત્ર ભવિષ્યના વ્યવહારો જ નહીં, પરંતુ 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 વચ્ચે અગાઉના કાયદાના ઉલ્લંઘનથી થયેલા ચોક્કસ જમીન વિભાજન કે ટ્રાન્સફરના જૂના કેસોને પણ રેગ્યુલરાઇઝ કરવાની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.

7. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) બિલ

ગુજરાત સરકારે શાળાઓનું સંચાલન વધુ કડક બનાવવા અને શિક્ષણનું સ્તર સુધારવાના હેતુથી ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) 2026’ રજૂ કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર અને બિનરજિસ્ટર્ડ શિક્ષણ વ્યવસ્થા પર લગામ લગાવવાનો છે. આ નવા કાયદા હેઠળ યોગ્ય રજિસ્ટ્રેશન કે મંજૂરી વિના શાળા ચલાવશે તો તેમને 1થી 2 વર્ષ સુધીની જેલની સજા અને ₹10 લાખથી ₹15 લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

આ ઉપરાંત વિશેષ જરૂરિયાતો ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે બિલમાં ‘સ્પેશિયલ એજ્યુકેટર’ની વ્યાખ્યા અને તેમની નિમણૂક અંગે ચોક્કસ જોગવાઈઓ કરાઈ છે. આવા શિક્ષકો પાસે રીહેબિલિટેશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (RCI) માન્ય લાયકાત હોવી ફરજિયાત છે.

આ ઉપરાંત, સરકારી ગ્રાન્ટ મેળવતી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય, શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભરતી, તેમની શૈક્ષણિક લાયકાત, નોકરીની શરતો અને અનામત નીતિનું ચુસ્તપણે પાલન કરાવવા પર ભાર મુકાયો છે.

8. ગુજરાત ‘ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ’  બિલ, 2026

ગુજરાત ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ બિલ, 2026 રાજ્યમાં વેપાર અને ઉદ્યોગો શરૂ કરવા તથા ચલાવવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવા માટે છે. આ બિલનો મુખ્ય હેતુ સરકારી પેપર વર્ક, બિનજરૂરી નિયમો અને મંજૂરીઓમાં થતા વિલંબને ઘટાડવાનો છે. આ માટે કોઈ નવો કાયદો બનાવવાની જગ્યાએ જૂના પાંચ મહત્વના કાયદાઓમાં સુધારા કરવાની દરખાસ્ત મુકવામાં આવી છે, જેથી ઉદ્યોગકારોનો સમય અને શ્રમ બંને બચે.

આ બિલમાં ‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ’માં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. આ ફેરફારથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટા શહેરોમાં દુકાનો, મોલ, રેસ્ટોરન્ટ, કેફે અને ગેરેજ જેવા વ્યવસાયોને 24 કલાક (રાત-દિવસ) ખુલ્લા રાખવાની લવચીકતા અને તક મળી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે કોઈ નિયમો વગર રાત્રે દુકાનો ખુલ્લી રહેશે. કર્મચારીઓની સુરક્ષા અને કામના કલાકો સંબંધિત કાયદાકીય નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

આ કાયદાથી નાઇટ-લાઇફ, રિટેલ, ટૂરિઝમ, સેવાઓ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે જોડાયેલા વ્યવસાયોને ભારે પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે. આ સિવાય, MSME ઉદ્યોગો માટે નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા અને સેલ્ફ-ડિકલેરેશન પદ્ધતિથી સરકારી પરવાનગીઓ ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમજ અન્ય રાજ્યના ડૉક્ટરો માટે પણ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા સુગમ બનાવવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો આ બિલનો મૂળ મંત્ર ‘ઓછું કાગળકામ, ઓછો સમય અને ઝડપી મંજૂરી’ છે. વેપારીઓએ હવે નાની-મોટી મંજૂરીઓ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. પરિણામે, ગુજરાતમાં નવો બિઝનેસ શરૂ કરવો અને તેને વિસ્તારવો પહેલાં કરતાં વધુ સરળ બનશે, જે રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

9. ગુજરાત GST (સુધારા) બિલ, 2026

ગુજરાત જીએસટી સુધારા બિલ 2026 મુખ્યત્વે રાજ્યના GST કાયદાને કેન્દ્ર સરકારના બદલાયેલા નિયમો સાથે સુસંગત કરવા માટે છે. ભારતમાં GST વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય બંનેના સમન્વયથી ચાલે છે, તેથી જ્યારે પણ કેન્દ્ર સરકાર કે GST કાઉન્સિલ દ્વારા નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવે ત્યારે રાજ્યએ પણ પોતાના જીએસટી એક્ટમાં તે મુજબ સુધારા કરવા પડે છે.

આ બિલથી GST રજિસ્ટ્રેશન, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાની પ્રક્રિયા, રિટર્ન ફાઇલિંગ, ટેક્સની ગણતરી અને એસેસમેન્ટને લગતા નિયમોને કેન્દ્રીય ફ્રેમવર્ક સાથે એકસમાન બનાવવામાં આવ્યા છે. આ સુધારા બિલની સીધી અસર તમામ GST રજિસ્ટર્ડ વેપારીઓ, મેન્યુફેક્ચરરો, સર્વિસ પ્રોવાઇડર્સ, નાના-મોટા MSME ઉદ્યોગો અને ટેક્સ પ્રોફેસનલ્સ પર પડશે.

કેન્દ્ર અને રાજ્યના નિયમો એકસરખા થવાથી વેપારીઓ માટે ટેક્સ કમ્પ્લાયન્સ સરળ બનશે અને કાયદાકીય ગૂંચવણો દૂર થશે. ટૂંકમાં કહીએ તો આ બિલ રાજ્યના GST કાયદાને રાષ્ટ્રીય સ્તરના GST માળખા સાથે અપડેટ કરવાનો એક વહીવટી અને કાયદાકીય સુધારો છે. તેનાથી સામાન્ય નાગરિકો પર કોઈ નવો બોજ નહીં પડે, પરંતુ વેપારીઓ માટે દેશભરમાં એકસમાન નિયમો હેઠળ વેપાર કરવાનું વધુ સુગમ બનશે.

ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલાં આ બિલોથી સામાન્ય નાગરિકો, ખેડૂતો, ભાડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓના રોજિંદા જીવન પર સીધી અસર પડશે. જેમાં ખેતીની જમીનમાં નાના 10 ગુંઠાના ટુકડાઓનો કાયદાકીય ઉકેલ, મકાન ભાડે આપતી વખતે સુરક્ષા પેટે લવાતી સિક્યોરિટી ડિપોઝિટ મહત્તમ 3 મહિના સુધી જ મર્યાદિત કરવાનો નિયમ, બિન-અધિકૃત શાળાઓ સામે લાખો રૂપિયાના કડક દંડની જોગવાઈ, શહેરોમાં 24  કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલી શકાવાની સુવિધા સાથે ‘નાઇટ ઇકોનોમી’નો વિકાસ અને પશુઆહારમાં ભેળસેળ કરનારાઓ સામે 10 વર્ષ સુધીની આકરી સજાની જોગવાઈ જેવા પાંચ ક્રાંતિકારી ફેરફારો સામેલ છે, જે એકંદરે રાજ્યમાં પારદર્શિતા, સુરક્ષા અને વેપાર-રોજગાર માટે નવું અને સરળ વાતાવરણ પૂરું પાડશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં