કેટલાક બંધનો માણસના શરીરને બાંધી શકે છે, તેની ચાલ રોકી શકે છે, તેની આસપાસની દુનિયા છીનવી શકે છે, પરંતુ દરેક બંધન મન સુધી પહોંચે એવું જરૂરી નથી. નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી સુપ્રિયની કથા આ જ નાનકડી પરંતુ અસાધારણ વાતને કેન્દ્રમાં રાખે છે. દારુક અને દારુકા આતંકથી લોકોને કેદ કરે છે. તેમની વચ્ચે સુપ્રિય નામનો એક વૈશ્ય પણ હોય છે. બહારથી તે બીજા કેદીઓ જેટલો જ નિઃસહાય છે, પરંતુ તેની એક ટેવ કેદમાં પણ અટકતી નથી. શિવની ઉપાસના.
જે દિવસે શિવની પૂજા ન થાય એ દિવસે ભોજન ન લેવાનો સંકલ્પ ધરાવતો સુપ્રિય કેદમાં પણ માટીનું શિવલિંગ બનાવે છે અને અન્ય કેદીઓને ‘ૐ નમઃ શિવાય’ના જપ તથા પાર્થિવ શિવપૂજામાં જોડે છે. છ મહિના સુધી આ ઉપાસના નિર્વિઘ્ન ચાલે છે. પછી જ્યારે રાક્ષસો તેને શિવનું ધ્યાન કરતા જોઈને મારવા ધસી આવે છે, ત્યારે સુપ્રિય પાસે બચવા માટે કોઈ માર્ગ નથી, તે માત્ર શિવને પોકારે છે અને આ જ ક્ષણે શિવ પ્રગટ થાય છે.
આટલો પ્રસંગ જાણ્યા પછી નાગેશ્વરને માત્ર ભક્તને બચાવનાર શિવ તરીકે જાણી-સમજી લેવા સરળ છે. પરંતુ શિવપુરાણ અહીં ધ્યાનથી જુઓ તો વાત થોડી વધુ આગળ જાય છે. અહીં એક કેદી છે, જે બહારથી બંધાયેલો છે પરંતુ તેની ઉપાસના સ્વતંત્ર છે. બીજી બાજુ દારુક અને દારુકા છે, જેમણે બહારની સત્તા મેળવી છે, પરંતુ તે સત્તા જ તેમને હિંસામાં વધુ ને વધુ ખેંચે છે. એકનો કાબૂ શરીર પર છે, બીજાનો પોતાના ચિત્ત પર અને અંતે પરમ તત્વ ક્યાં પ્રગટે છે? શક્તિના મહેલમાં નહીં, પરંતુ એક કેદખાનામાં, માટીના લિંગ અને એક અડગ સ્મરણની વચ્ચે. અહીંથી નાગેશ્વરની કથા દારુકાવનથી આગળ વધીને રુદ્રના એ વૈદિક સ્વરૂપ સુધી પહોંચે છે, જે કોઈ એક જગ્યા કે એક વર્ગમાં બંધાયેલું નથી.
દારુકાવનનો આતંક અને ભક્તિની શરૂઆત
શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના 29મા અધ્યાયમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિની પૃષ્ઠભૂમિ દારુકાવનથી શરૂ થાય છે. દારુકા નામની રાક્ષસીએ દેવી પાર્વતી પાસેથી વરદાન મેળવ્યું હતું. તેનો પતિ દારુક પણ શક્તિશાળી હતો અને અન્ય રાક્ષસો સાથે મળીને સારા માણસોને ત્રાસ આપતો, યજ્ઞોનો નાશ કરતો અને ધાર્મિક ક્રિયાઓમાં વિઘ્ન ઊભું કરતો. દેવો સાથેના સંઘર્ષ પછી દારુકા પોતાના વરદાનનો આધાર લઈને રાક્ષસોને સમુદ્રની વચ્ચે આવેલા એક સ્થળે લઈ જાય છે. ત્યાંથી તેઓ નૌકામાં મુસાફરી કરતા લોકોને પકડીને કેદ કરવા લાગે છે અને તેમનો અત્યાચાર ફરી શરૂ થાય છે.
આ કથામાં એક રસપ્રદ વાત છે. રાક્ષસો પાસે શક્તિ હતી, સંખ્યા હતી અને દારુકાને દેવીનું વરદાન પ્રાપ્ત હતું. છતાં તેઓ સતત ભય અને અસુરક્ષાની સ્થિતિમાં જ જીવતા હતા. જમીન પર ઋષિ ઔર્વના શાપનો ભય હતો, એટલે સમુદ્રમાં આશરો લીધો. સમુદ્રમાં ગયા પછી પણ હિંસા અને કેદનું ચક્ર અટક્યું નહીં. બહારથી તેઓને આશ્રય મળ્યો હતો, પરંતુ અંદરથી તેઓ શાંત નહોતા.
બીજી તરફ જે લોકો તેમના કબજામાં આવ્યા, તેમની પાસે કંઈ નહોતું. કેટલાક તો કેદમાં જ જીવનનો અંત આવી જાય તેવી સ્થિતિમાં હતા. આ જ કેદીઓમાં સુપ્રિય નામનો એક વૈશ્ય હતો. શિવપુરાણ તેને ‘શિવપ્રિય’ અને સતત શિવપૂજા કરનાર તરીકે ઓળખાવે છે. તેના ગળામાં ભસ્મ અને રુદ્રાક્ષ હતાં અને એવો નિયમ હતો કે જો કોઈ દિવસે શિવપૂજા ન થાય તો તે ભોજન પણ ન લે.
કેદમાં પણ આ નિયમ તૂટ્યો નહીં. તેણે પાર્થિવ શિવલિંગની પૂજા શરૂ કરી અને જેમને વિધિ આવડતી નહોતી તેમને પણ ‘ૐ નમઃ શિવાય’ના જપમાં બેસાડ્યા. કેટલાક ધ્યાન કરતા, કેટલાક માનસિક પૂજા કરતા અને કેટલાક માટીના લિંગની વિધિપૂર્વક ઉપાસના કરતા. છ મહિના આ રીતે પસાર થયા.
અહીં નાગેશ્વરની કથાનો સ્વર બદલાય છે. હવે પ્રશ્ન માત્ર એટલો નથી કે રાક્ષસો શું કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે કેદમાં રહેલો મનુષ્ય અંદરથી શું કરી રહ્યો છે. સુપ્રિય કેદમાં હતો, પરંતુ તેના ચિત્તની દિશા કેદીઓ જેવી નહોતી. તે દીવાલોને જોતો નહોતો, તે શિવને જોતો હતો. આ ભક્તિ કોઈ આરામ, સંપત્તિ કે અનુકૂળ પરિસ્થિતિમાંથી જન્મેલી નહોતી. તેની સામે મૃત્યુનો ભય હતો અને છતાં તેની ઉપાસનાનો ક્રમ અટક્યો નહીં.
જ્યાં કેદખાનું જ ઉપાસનાનું સ્થાન બની ગયું
આ પ્રસંગનું સૌંદર્ય એમાં છે કે સુપ્રિય એકલો ભક્ત બનીને બચવાનો પ્રયત્ન કરતો નથી. તે બીજા કેદીઓને પણ પોતાની સાથે જોડે છે. જેને પાર્થિવ પૂજાની વિધિ આવડતી હતી તે પૂજા કરે છે, જેને ન આવડતી હતી તે માત્ર ‘ૐ નમઃ શિવાય’નો જપ કરે છે. એટલે શિવ સુધી પહોંચવાનો એક જ રસ્તો હોવો જરૂરી નથી. કથામાં ભક્તિ માટે વિધિ, ધ્યાન અને સ્મરણ, ત્રણેયને સ્થાન મળે છે. શિવપુરાણના સંસ્કૃત પાઠમાં પણ કેદીઓના ધ્યાન, માનસિક પૂજા અને પંચાક્ષર મંત્રના જપનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
આ વાતને આજના અર્થમાં ‘અંદરની શક્તિ’ કહીને આગળ વધી જવું સરળ છે, પરંતુ સુપ્રિયની સ્થિતિને એટલી સામાન્ય ભાષામાં બાંધી દેવી પણ યોગ્ય નહીં બને. અહીં જે બન્યું છે તે ભારતીય ઉપાસના પરંપરાની એક મૂળભૂત સમજ બતાવે છે કે બાહ્ય સાધનો ન હોય તો પણ સ્મરણ બંધ થતું નથી. મંદિર નથી, સોનાના પાત્રો નથી, વિશાળ યજ્ઞશાળા નથી. છે તો માટીનું લિંગ, મંત્ર અને ધ્યાન.
આ જ કારણથી પાર્થિવ શિવલિંગનો પ્રસંગ અહીં ખૂબ મહત્વનો છે. માટીનું લિંગ કોઈ ભવ્ય સ્થાપત્ય નથી. તે ક્ષણિક પદાર્થમાંથી બને છે. પરંતુ ઉપાસક માટે તે ક્ષણિક પદાર્થ માત્ર ક્ષણિક નથી રહેતો. ભક્તિ તેને શિવની ઉપસ્થિતિનું કેન્દ્ર બનાવે છે. સુપ્રિય માટે કેદખાનાની વચ્ચે એ લિંગ જ સમગ્ર જગત બની જાય છે અને એ જ દૃશ્ય દારુક સમજી શક્યો નહીં.
જ્યારે દારુકે પૂછ્યું- કોનું ધ્યાન કરે છે?
શિવપુરાણના 30મા અધ્યાયમાં કથા એક ક્ષણે પ્રવેશે છે. દારુકના એક સેવકને સુપ્રિય સામે શિવનું અદભૂત સ્વરૂપ દેખાય છે અને તે જઈને પોતાના સ્વામીને આ વાત કહે છે. દારુક તરત સુપ્રિય પાસે પહોંચે છે. તે પૂછે છે કે તું કોનું ધ્યાન કરે છે? સત્ય કહેજે, નહીં તો તારું મૃત્યુ નિશ્ચિત છે. સુપ્રિય ટાળતો જવાબ આપે છે. દારુકનો ક્રોધ વધે છે અને રાક્ષસોને તેને મારી નાખવાનો આદેશ આપે છે. હવે કથાની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ આવે છે.
રાક્ષસો વિવિધ શસ્ત્રો લઈને સુપ્રિય તરફ ધસી આવે છે. સુપ્રિય ડરી જાય છે. શિવપુરાણ તેને નિર્ભય મહાયોગી તરીકે નહીં, ભય અનુભવતા મનુષ્ય તરીકે જ રજૂ કરે છે. તેની આંખોમાં ભય છે. પરંતુ ભય વચ્ચે પણ તે શિવના નામોનું સ્મરણ કરે છે અને પોકારે છે કે, ‘મને બચાવો, હે શિવ, તમે જ મારા સ્વામી છો. મારી પાસે મારું કહી શકાય એવું બીજું કશું નથી, હું તમારો છું અને મારું જીવન તમારામાં છે.’ આ શબ્દો પૂર્ણ થતાંની સાથે જ શિવ પ્રગટ થાય છે.
આ દૃશ્યને ધ્યાનથી જોવું જોઈએ. શિવ ત્યારે પ્રગટ થતા નથી જ્યારે સુપ્રિય ભયથી મુક્ત થઈ જાય છે. તેઓ ત્યારે પ્રગટે છે જ્યારે ભયની વચ્ચે પણ તેની ભક્તિનો આધાર બદલાતો નથી. આ તફાવત નાનો નથી. નિર્ભયતા અહીં ભક્તિની પૂર્વશરત નથી. ભક્તિ જ એવી સ્થિતિ સર્જે છે જેમાં ભયની વચ્ચે પણ માણસ પોતાનો આશ્રય બદલે નહીં.

શિવ માટીમાંથી પ્રગટ થાય છે અને તેમની સાથે ચાર દ્વારવાળું ભવ્ય મંદિર પણ દેખાય છે. સુપ્રિય તેમને જોઈને પૂજા કરે છે. શિવ પ્રસન્ન થાય છે, તેને પાશુપતાસ્ત્ર આપે છે અને રાક્ષસોનો સંહાર કરે છે. આ પછી પણ કથા એક મહત્વપૂર્ણ વાત કહે છે. શિવ ભક્તને બચાવીને પાછા જતા નથી. તેઓ દારુકાવનમાં નિવાસ કરવાનો સંકલ્પ કરે છે. માતા પાર્વતી દારુકાના વંશની રક્ષા માટે પોતાનું વરદાન જાળવે છે અને શિવ કહે છે કે તેઓ આ વનમાં ભક્તોના રક્ષણ માટે રહેશે. ત્યારબાદ શિવનું જ્યોતિર્લિંગ સ્વરૂપ નાગેશ્વર અને દેવીનું સ્વરૂપ નાગેશ્વરી તરીકે પ્રસિદ્ધ થાય છે. અહીંથી નાગેશ્વરનું નામ માત્ર એક સ્થળનું નામ નથી રહેતું. ભક્તની પોકાર અને શિવની ઉપસ્થિતિ વચ્ચેનો સંબંધ જ તેનું તીર્થમહાત્મ્ય બની જાય છે.
નાગેશ્વરમાં ‘નાગ’ની પહેલાં રુદ્રને સમજવો પડે
‘નાગેશ્વર’ નામ સાંભળીને સીધું નાગને કોઈ એક આધુનિક પ્રતીક સાથે ન જોડી શકાય. નાગેશ્વરની કથાને સમજવા માટે પહેલા એ જોવું પડે કે વૈદિક પરંપરા રુદ્રને કેવી રીતે જુએ છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં શ્રીરુદ્રના પ્રખ્યાત અનુવાકોમાં રુદ્રને અસ્તિત્વના કોઈ એક ખૂણે બંધ કરવામાં આવ્યા નથી. રુદ્રને પૃથ્વી પર, અંતરિક્ષમાં અને દ્યૂલોકમાં રહેલા સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવે છે. રુદ્રને માર્ગોમાં, જળમાં, વનમાં, પર્વતોમાં, વૃક્ષોમાં, ક્ષેત્રોમાં, આકાશીય અને ધરતીના વિવિધ પ્રાકૃતિક આયામોમાં રહેલા સ્વરૂપોમાં સંબોધવામાં આવે છે. એ જ વૈદિક પ્રાર્થનામાં સર્પસ્વરૂપોને પણ નમસ્કાર કરવામાં આવે છે.
આમાંથી નાગેશ્વર માટે એક વધુ સ્વાભાવિક દિશા મળે છે. રુદ્ર કોઈ એક મંદિર પૂરતા નથી. તેઓ પ્રકૃતિના દરેક સ્તરે, દરેક દિશામાં, વિવિધ રૂપોમાં સંબોધાય છે. સર્પ પણ આ વિશાળ રુદ્રદૃષ્ટિમાંથી બહારનું કોઈ ‘અશુભ’ ચિહ્ન નથી. તૈત્તિરીય સંહિતા સર્પોને પણ વૈદિક નમસ્કારના ક્ષેત્રમાં લાવે છે. વૈદિક સ્તરે જે સ્પષ્ટ છે તે એ છે કે રુદ્રનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે અને સર્પસ્વરૂપો પણ તેના સંબોધનમાં આવે છે.
આ દૃષ્ટિમાં ‘નાગેશ્વર’નું નામ વધુ રસપ્રદ બની જાય છે. નામમાં નાગ છે અને ઈશ્વર પણ છે. એક તરફ પ્રકૃતિનું એક જીવંત સ્વરૂપ, બીજી તરફ તેના ઉપરનો અધિપતિ. પરંતુ પુરાણકથા એ નામને જીવંત બનાવે છે કારણ કે અહીં શિવ કોઈ નાગ સાથેની સામાન્ય કથા માટે સ્થાપિત થતા નથી, તેઓ દારુકાવનના ભય વચ્ચે ભક્તોના રક્ષણ માટે ત્યાં જ રહે છે અને પછી નાગેશ્વર તરીકે પ્રસિદ્ધ થાય છે. અર્થાત્, નામને માત્ર વ્યુત્પત્તિથી સમજવા કરતાં તેની પાછળ ઊભી થયેલી શિવ-ઉપાસનાની પરંપરા જોવી વધારે મહત્વની છે.
રુદ્રનો વૈદિક વિસ્તાર અને સુપ્રિયની કેદ
અહીં સમાનતા નહીં, પરંતુ એક જોડાણ દેખાય છે. વૈદિક રુદ્ર કોઈ એક સુરક્ષિત, પવિત્ર અને સુવ્યવસ્થિત સ્થાનમાં જ હોતા નથી. તે જંગલમાં પણ છે, માર્ગ પર પણ છે, જળમાં પણ છે, પર્વતમાં પણ છે અને ગોપાલકોથી લઈને શસ્ત્રધારીઓ સુધીના અનેક રૂપોમાં તેમની ઉપસ્થિતિને ઓળખવામાં આવે છે. શ્રીરુદ્રનો આ સ્વભાવ જ રુદ્રને સીમિત દેવસ્થાનની બહાર લઈને જાય છે.
નાગેશ્વરની કથામાં સુપ્રિય માટે સૌથી મહત્વની વાત પણ આ જ છે. શિવને શોધવા માટે તેને કેદમાંથી બહાર આવવાની રાહ જોવી પડી નહીં. કેદખાનું જ તેની ઉપાસનાનું સ્થાન બની ગયું. તેની આસપાસ જે હતું તે શિવવિહીન લાગતું હતું, રાક્ષસો, બંધન, ભય, મૃત્યુની શક્યતા. પણ તેની ઉપાસનાની દૃષ્ટિમાં શિવ ત્યાં પણ હાજર હતા.
આને ‘શિવ સર્વત્ર છે’ જેવી ઘોષણા કરતાં માણસની દ્રષ્ટિ દ્વારા સમજવું વધારે સરળ છે. સરળ એ છે કે આ વાત સુપ્રિયના વર્તનમાં દેખાય છે. તેણે શિવને કેદખાનાની બહાર શોધ્યા નહીં. તેણે પોતાના હાથમાં મળેલી માટીમાંથી લિંગ બનાવ્યું અને ત્યાં જ ઉપાસના શરૂ કરી. એટલે ઉપાસના માટે પવિત્ર સ્થાન મળવાની રાહ નહીં, ઉપાસનાથી સ્થાન પવિત્ર થવાની પ્રક્રિયા અહીં દેખાય છે અને શિવનું પ્રાગટ્ય પણ એ જ સ્થળે થાય છે.
ભક્તની રક્ષા માટે શિવનું પ્રાગટ્ય
શિવપુરાણમાં શિવ પોતે કહે છે કે તેઓ આ વનમાં ભક્તોના રક્ષણ માટે રહેશે. આ એક મહત્વની વાત છે. શિવનું ત્યાં નિવાસ માત્ર રાક્ષસોના સંહાર પછીનું સ્મારક નથી. તેનું કેન્દ્ર ભક્તરક્ષા છે. દેવો અને ઋષિઓની પ્રાર્થનાને સ્વીકારી શિવ ત્યાં રહે છે અને ભક્તોને આશ્રય આપતા જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થાય છે.
સુપ્રિયની ભક્તિમાં પણ આ જ ભાવ સૌથી સ્પષ્ટ છે. તે શિવને કોઈ દૂરના પરમ દેવ તરીકે નહીં, પોતાના સ્વામી તરીકે સંબોધે છે. ‘તમે જ મારું સર્વસ્વ છો’, ‘હું તમારો છું’, આ ભાવ તેની પ્રાર્થનાનો આધાર છે. અહીં ભક્તિનો અર્થ માત્ર શિવ પાસે કંઈક માગવાનો નથી. માલિકી છોડીને સંબંધ સ્વીકારવાનો ભાવ છે. જે માણસ પાસે બહારથી પોતાનું કહી શકાય એવું કશું બચ્યું નથી, તે અંતે પોતાનું કહેવા માટે શિવનું નામ લે છે.
આ કારણે નાગેશ્વરની કથા ભક્તિ વિશે બોલતી વખતે માત્ર ‘શ્રદ્ધા રાખો, શિવ બચાવશે’ જેવી બાલિશ વાતો પર અટકતી નથી. તેમાં ભક્તિનો વધુ ગંભીર અર્થ છે. જે વસ્તુઓ આપણને પોતાનું હોવાનું ભાન કરાવે છે, ઘર, સંપત્તિ, સત્તા, ઓળખ, સંબંધો. એ બધું છૂટી જાય ત્યારે પણ એક આશ્રય બાકી રહે છે. સુપ્રિય માટે તે આશ્રય શિવ હતા અને જ્યારે ભક્તિ આ બિંદુએ પહોંચે છે ત્યારે જ શિવનું પ્રાગટ્ય કથામાં સ્વાભાવિક લાગે છે.
‘ૐ નમઃ શિવાય’થી રુદ્રની વિશાળતા સુધી
સુપ્રિયની કથામાં પાંચ અક્ષરનો મંત્ર આવે છે. ‘ૐ નમઃ શિવાય’. જે કેદીઓ વિધિપૂર્વક પાર્થિવ પૂજા કરી શકતા નહોતા, તેઓ પણ આ મંત્રનું સ્મરણ કરતા હતા. એટલે નાગેશ્વરનો પ્રસંગ કોઈ એક જ પ્રકારની ધાર્મિક પદ્ધતિને પ્રાધાન્ય આપતો નથી. એક તરફ પાર્થિવ લિંગની વિધિ છે, બીજી તરફ માનસિક પૂજા છે અને ત્રીજી તરફ માત્ર મંત્રસ્મરણ. શિવ સુધી પહોંચવાની ભક્તિની આંતરિક એકાગ્રતા અહીં મુખ્ય બને છે.
વૈદિક શ્રીરુદ્રમાં પણ રુદ્રને એક જ સ્વરૂપમાં બાંધવાનો પ્રયાસ નથી. રુદ્ર ‘ભવ’ પણ છે, ‘રૌદ્ર’ પણ, ‘શર્વ’ પણ છે, ‘પશુપતિ’ પણ, ‘ગિરિશ’ પણ છે અને ‘શંભુ’ પણ. સૃષ્ટિમાં જે કંઈ જુદાં-જુદાં રૂપે અનુભવાય છે, તેમાં રુદ્રના વિવિધ સ્વરૂપોને નમસ્કાર કરવાની પદ્ધતિ ત્યાં દેખાય છે.
નાગેશ્વરની પરંપરાને આ વૈદિક દૃષ્ટિ સાથે રાખીએ ત્યારે શિવનું એક રસપ્રદ સ્વરૂપ સામે આવે છે. તેઓ માત્ર ભવ્ય દેવસ્થાનના દેવ નથી, તેઓ ભક્તની કેદમાં પણ છે. તેઓ રણભૂમિમાં જ નહીં, નિઃસહાય માણસની ઉપાસનામાં પણ છે. તેઓ કોઈ એક સીમિત પવિત્ર ભૌગોલિક સ્થાનના સ્વામી નહીં, પરંતુ ભક્તિ જ્યાં તેમને પોકારે ત્યાં પ્રગટ થનારી ઉપસ્થિતિ બને છે. એટલે નાગેશ્વરની કથા ભક્તનું રક્ષણ અને શિવનું પ્રાગટ્ય જેવી વાતોમાં પૂરી થઈ જાય તો જે સૌથી સુંદર વાત છે તે રહી જાય છે. શિવનું પ્રાગટ્ય સંકટના અંતમાં નહીં, ભક્તિની પરાકાષ્ઠાના ક્ષણે થાય છે.
નાગેશ્વરનું શિવત્વ
નાગેશ્વરનું શિવત્વ સમજવા માટે ત્રણ દૃશ્યો પૂરતા છે. દારુક અને દારુકાની બહારની સત્તા, કેદમાં સુપ્રિયનું અંદરનું સમર્પણ અને અંતે શિવનું પ્રાગટ્ય. આ ત્રણેયને સાથે રાખીએ તો શક્તિ અને સત્તાનો એક જુદો અર્થ સામે આવે છે. દારુક પાસે માણસોને કેદ કરવાની શક્તિ હતી. સુપ્રિય પાસે પોતાને શિવમાં સ્થિર કરવાની શક્તિ હતી. દારુક બહારનું જગત નિયંત્રિત કરવા માગે છે. સુપ્રિય પોતાનું મન એક જ નામમાં સ્થિર રાખે છે. એકનું સામ્રાજ્ય ભય પર ઊભું છે, બીજાની ભક્તિ સમર્પણ પર.
આ વિરોધાભાસને અંતે શિવ ઉકેલે છે. તેઓ ભક્તને માત્ર બચાવતા નથી, તેઓ ત્યાં જ રહે છે. એટલે નાગેશ્વરનું સ્થાન ભક્તિની એક એવી સંકલ્પનાને સ્થાપિત કરે છે જેમાં શિવ દૂરના પરમ તત્વ બનીને બેઠા નથી. ભક્તની નિષ્ઠા અને પોકાર જ્યાં છે, ત્યાં તેઓ સ્વયં ઉપસ્થિત થાય છે.
અને આ સાથે વૈદિક રુદ્રની વ્યાપકતા પણ યાદ આવે છે. પૃથ્વીથી દ્યૂલોક સુધી, જળથી વન સુધી, માર્ગોથી પર્વતો સુધી અને સર્પસ્વરૂપો સુધી રુદ્રની ઉપસ્થિતિ છે. રુદ્રને કોઈ એક રૂપમાં કેદ કરી શકાય નહીં. નાગેશ્વરમાં આ વિશાળ રુદ્રદૃષ્ટિ એક ભક્તના અનુભવમાં નાની અને સ્પર્શી બની જાય છે. કેદખાનું નાનું હતું, પરંતુ તેની અંદર ઉપાસના ઘણી મોટી હતી.
નાગેશ્વરની કથાનો અંત દારુકના પરાજયથી નથી થતો. તેનો અંત એ વચનમાં થાય છે કે શિવ ભક્તોના રક્ષણ માટે ત્યાં રહેશે. આ વચન જ આ જ્યોતિર્લિંગના હૃદયમાં રહેલું સૌથી મોટું તત્વ છે. ભક્ત પાસે શું છે તેનાથી વધારે મહત્વનું છે કે ભક્ત કયા આશ્રયમાં છે. સુપ્રિય પાસે કશું બચ્યું નહોતું, પરંતુ તેને શિવનો આશ્રય હતો અને એ આશ્રયને તોડવા દારુકે તલવાર ઉઠાવી ત્યારે માટીના નાનકડા શિવલિંગમાંથી પરમેશ્વર પ્રગટ્યા.
નાગેશ્વર એટલે આ જ અનુભૂતિ. બંધન વચ્ચે પણ ઉપાસના અટકે નહીં, ભય વચ્ચે પણ સ્મરણ તૂટે નહીં અને જ્યાં ભક્તનો આશ્રય સાચો હોય ત્યાં શિવ માત્ર સ્મરણમાં નહીં, સ્વયં પ્રગટ થઈને ઊભા થાય. વૈદિક રુદ્રને જ્યારે આપણે સર્વત્ર વ્યાપેલા સ્વરૂપોમાં નમસ્કાર કરીએ છીએ અને નાગેશ્વરના સુપ્રિયને જ્યારે કેદમાં માટીના લિંગ સામે બેઠેલો જોઈએ છીએ ત્યારે બંને વચ્ચેનું અંતર ઘટવા લાગે છે. એકમાં રુદ્ર સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, બીજામાં એ જ શિવ એક કેદી ભક્તના નાના વિશ્વમાં સઘન ઉપસ્થિતિ બની જાય છે. નાગેશ્વરની વિશેષતા આ જ છે. અહીં શિવની મહત્તા તેમની વિશાળતાથી જ નહીં, ભક્ત માટે નજીક આવી જવાની તેમની ક્ષમતાથી પણ અનુભવાય છે.


