ઈરાન-યુએસ સંઘર્ષ ફરી ભડક્યો: અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કરો તબાહ કર્યાં, હોર્મુઝમાં મિસાઈલ હુમલા, હૂતીઓ પણ મેદાનમાં

અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ફરીથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાને અમેરિકન યુદ્ધજહાજો પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને અમેરિકાએ સામે ઈરાની ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યાં. ઈરાને વળતો પ્રહાર કરીને અમેરિકન સૈન્ય મથકો અને ખાડીનાં જહાજો પર હુમલા કર્યા, જેથી વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને LNG માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

આ સમગ્ર સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ હતી. અમેરિકા અને ઇઝરાયલે ઇરાનની પરમાણુ અને મિસાઈલ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે ‘ઑપરેશન એપિક-ફ્યુરી’ નામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. આ હુમલા પછી બંને પક્ષો વચ્ચે સતત અથડામણ ચાલુ રહી હતી, જેમાં વચ્ચે હુમલા થોડા ધીમા પડ્યા પરંતુ યુદ્ધનો અંત આવ્યો નહોતો અને આ સંઘર્ષ વધુ ખતરનાક સ્તરે પહોંચ્યો હતો.

હાલમાંમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ અચાનક અત્યંત જોખમી મોડ પર પહોંચી ગયો છે. આ નવી કટોકટીનું તાત્કાલિક કારણ સમુદ્રમાં બંને દેશોના સૈન્યદળો વચ્ચે થયેલી સીધી અથડામણ છે. તાજેતરમાં જ ઈરાને અમેરિકી તથા અન્ય દેશનાં જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે.

ઈરાની હુમલા બાદ શરૂ થયો સંઘર્ષ

આ સંઘર્ષના તબક્કાની શરૂઆત 5 સપ્ટેમ્બરે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકન એરક્રાફ્ટ કેરિયર અને ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર તરફ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા બાદ થઈ હતી. જોકે અમેરિકી જહાજોએ આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો અને તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઈરાનના આ હુમલાના જવાબમાં અમેરિકાએ તુરંત જ ઈરાનના 3 ક્રૂડ ઓઈલ કેરિયર્સને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા. ઇરાનની અર્થવ્યવસ્થા અને યુદ્ધ લડવાની ક્ષમતાનો મુખ્ય આધાર તેની તેલની નિકાસ હોવાથી અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તેનાં યુદ્ધજહાજો પર હુમલા થશે તો ઈરાનના ઓઈલ ફ્લીટને પણ સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે.

અમેરિકાએ કર્યો 5 ટેન્કરો પર હુમલો

અમેરિકાએ પોતાની આ કાર્યવાહી આગળ ધપાવતા 8 સપ્ટેમ્બરે ઈરાનનાં વધુ 5 ક્રૂડ ઓઈલ ટેન્કરો પર હુમલો કરીને તેમને નષ્ટ કર્યાં. ઈરાને પણ આ સામે વળતો પ્રહાર કરતા જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથક તરફ આશરે 20 જેટલી બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાંથી મોટાભાગની મિસાઇલોને આકાશમાં જડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ઈરાને જમીન સિવાય સમુદ્રી માર્ગે પણ વળતી કાર્યવાહી ચાલુ રાખી હતી.

હવે ઈરાની દળોએ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા સંબંધિત જહાજો અને અન્ય ઓઈલ ટેન્કરો સહિત લગભગ 10 જહાજો પર મિસાઈલ હુમલા કરવાનો દાવો કર્યો છે. આ વળતા પ્રહારોને કારણે સમગ્ર ઓઈલ સપ્લાય માર્ગ પર યુદ્ધનું સંકટ ઘેરાયું છે.

હૂતીઓ પણ કરી રહ્યા છે હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર મધ્ય-પૂર્વમાં ફેલાઈ રહ્યો છે. આ કટોકટી વચ્ચે ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરો પણ આ યુદ્ધમાં સક્રિય થઈ ગયા છે. તેમણે સાઉદી અરેબિયાના અબહા, નજરાન અને જાઝાન જેવા વિસ્તારો પર ડ્રોન અને મિસાઈલ વડે તીવ્ર હુમલા કર્યા છે, જેમાં ઊર્જા સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે.

હૂતીઓના કારણે આ સંઘર્ષ અનેક મોરચે ખેલાતા પ્રાદેશિક યુદ્ધનું સ્વરૂપ લઈ રહ્યો છે. જેમાં એક તરફ ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ સામે સીધી લડાઈ લડી રહ્યું છે તો બીજી તરફ હૂથી જૂથ સાઉદી અરેબિયા અને ખાડી દેશોમાં આવેલાં અમેરિકી ઠેકાણાંને નિશાન બનાવી રહ્યું છે.