મહિલાઓને ઘરમાં કેદ રાખવાની ‘ગ્રાન્ડ મુફ્તી’ની ટિપ્પણીની ટીકા કરનાર કેરળની મહિલા એન્કર અપર્ણા કુરુપ સામે જ FIR, કટ્ટરપંથીઓ આપી રહ્યા છે હત્યાની ધમકી

‘ગ્રાન્ડ મુફ્તી’નું ટાઇટલ ધરાવતા મૌલાના કન્થાપુરમ A.P. શેખ અબુબકર અહમદના વિવાદસ્પદ અને સ્ત્રીવિરોધી નિવેદનની ટીકા કરનાર મલયાલમ મહિલા એન્કર અપર્ણા કુરુપ સામે જ હવે કેરળ પોલીસે ગુનો નોંધી લીધો છે. આ કેસ કાસરગોડના રહેવાસી અબ્દુલ હકીમની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અપર્ણાએ એક ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ‘ગ્રાન્ડ મુફ્તી’એ મહિલાઓના જાહેર જીવન અને તેમની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરતી ટિપ્પણીઓ કરી હતી. ‘બિગ ટીવી’ના શોમાં એન્કર અપર્ણા કુરુપે આ મહિલાવિરોધી માનસિકતા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કટ્ટરપંથીઓ માટે ઇસ્લામી મૌલવીઓના આવા વિચારો સામે સવાલ ઉઠાવવો પણ અસહ્ય બની ગયો.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, મારી નાખવાની ધમકીઓ

શો પ્રસારિત થતાં જ સલફી સંગઠન વિઝડમ યુથના નેતા અબ્દુલ્લા બાસિલ અને અન્ય ઇસ્લામવાદી જૂથોએ સોશિયલ મીડિયા પર અપર્ણા સામે ઝેર ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. કટ્ટરપંથીઓના આ દબાણ સામે ‘બિગ ટીવી’ મેનેજમેન્ટે એન્કર અને ચેનલ વતી માફીનામું જાહેર કરવું પડ્યું હતું. આ ઉપરાંત અપર્ણાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી, તેના પરિવારના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મહિલા એન્કર અપર્ણાએ પોતાની સુરક્ષા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેને ધમકી આપનાર અબ્દુલ્લા બાસિલ સામે FIR નોંધાઈ હતી. પરંતુ કાસરગોડના અબ્દુલ હકીમ નામના વ્યક્તિની ફરિયાદ પર કોચી સાયબર પોલીસે પીડિત એન્કર અપર્ણા કુરુપ સામે જ મજહબી વિદ્વેષ ફેલાવવાનો કેસ દાખલ કરી દીધો.

હાલ કાર્યવાહી ન કરવા સૂચના

મામલો વણસતા કેરળના ગૃહ વિભાગે પોલીસને સૂચના આપી છે કે આ કેસમાં ઉતાવળે કોઈ આકરાં પગલાં ન ભરવામાં આવે. બંને પક્ષો તરફથી નોંધાવવામાં આવેલા કેસોની આગળની કાર્યવાહી હાલ સ્થગિત રાખવા જણાવ્યું છે. આ ઘટના બાદ કેરળના રાજકારણમાં તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. મુસ્લિમ યુથ લીગના રાજ્ય જનરલ સેક્રેટરી પી. કે. ફિરોઝ અને યુથ કોંગ્રેસના નેતા રેજિલ મક્કુટ્ટી સહિત UDFના નેતાઓએ બાસિલ સામેનો કેસ પાછો ખેંચવાની માંગ કરી છે.

આટલું જ નહીં, મુસ્લિમ યુથ લીગ (IUML) અને કોંગ્રેસના નેતાઓ પણ ખુલ્લેઆમ કટ્ટરપંથી બાસિલ સામેનો કેસ પાછો ખેંચવાની માંગણી કરી રહ્યા છે. આ ઘટનાક્રમ સ્પષ્ટ દર્શાવે છે કે કથિત સેક્યુલર નેતાઓ અને રાજ્ય સરકાર મહિલા અધિકારો અને કાયદાના શાસન કરતાં કટ્ટરપંથી વૉટબેંક સાચવવામાં વધારે રસ ધરાવે છે.

અપર્ણા કુરુપની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતમાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નો ઉપયોગ માત્ર એકતરફી થાય છે. જો કોઈ હિંદુ ધર્મ કે પરંપરા પર ટીકા કરે તો તેને ‘સ્વતંત્રતા’ ગણાવવામાં આવે છે, પરંતુ જો કોઈ મહિલા પત્રકાર મુસ્લિમ મૌલાનાઓના સ્ત્રીવિરોધી વિચારો પર સવાલ ઉઠાવે તો તેને સાયબર ટ્રોલિંગ, જાનથી મારી નાખવાની ધમકીઓ અને સરકારી તંત્ર દ્વારા કેસનો સામનો કરવો પડે છે.