
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના 10 મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે અંદાજે ₹133.41 કરોડના કામોને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાનો છે.
નિર્ણય અનુસાર રાજકોટના ગોંડલ સ્થિત ઐતિહાસિક અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજી મંદિર પરિસર માટે ₹5.06 કરોડ મંજૂર કરાયા છે. આ સિવાય વડોદરાના ભાદરવા ખાતે મહીસાગર નદી કિનારે ₹3.31 કરોડના ખર્ચે નવો ઘાટ, વોક-વે અને લેન્ડસ્કેપિંગ જેવાં કામો હાથ ધરાશે.
કચ્છના અંજાર ખાતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ‘ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ હેઠળ ₹12.98 કરોડના કામો થશે. સાથોસાથ મહેસાણાના ઉમરેચા સ્થિત ‘મીની પાવાગઢ’ તરીકે ઓળખાતા મહાકાળી માતાજી મંદિરે લાઈટિંગ અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ₹50 લાખ ફાળવવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત ગોરા રામજી મંદિરના રિપેરિંગ અને ફ્લોરિંગ માટે ₹18.91 લાખ મંજૂર થયા છે. આ ઉપરાંત નવસારીના વાંસદા ખાતે આવેલા પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર સંકુલમાં ભોજનાલય, કલ્ચરલ હોલ અને લાયબ્રેરી સહિતના વિકાસ માટે ₹5.03 કરોડની ફાળવણી કરાઈ છે.
અમદાવાદના બાવળા તાલુકાના કેસરડી ગામે આવેલા શ્રી જોધલપીર મંદિરના નવનિર્માણ માટે ₹21.75 કરોડનાં કામોને મંજૂરી મળી છે. આ સિવાય ગાંધીનગરના રૂપાલ સ્થિત પ્રખ્યાત શ્રી વરદાયિની માતાજી મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ અને યાત્રાળુઓની સુવિધા અર્થે ₹35 કરોડ ખર્ચાશે.
ઉર્જા બચત અને સુચારુ વ્યવસ્થા માટે મહેસાણાના તરભ સ્થિત શ્રી વાળીનાથ મહાદેવ મંદિર ખાતે 100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ અને વીજળીકરણ માટે ₹2.68 કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત વન્યજીવ અને કુદરતી પ્રવાસનને પ્રોત્સાહન આપવા ‘આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ’ માટે ₹46.91 કરોડ મંજૂર કરાયા છે.
આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થવાથી રાજ્યમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની યાત્રા વધુ સુગમ બનશે. આ પ્રોજેક્ટ્સને લીધે સ્થાનિક સ્તરે પ્રવાસન ઉદ્યોગને નવો વેગ મળશે અને રોજગારીની અનેક નવી તકો ઊભી થશે.

