
દિલ્હીના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય હિંદુ યુવતી મુસ્કાન શર્માની હત્યા મામલે પકડાયેલા જિમ ટ્રેનર ઇમરાન ઉર્ફે આકિબની ધરપકડ બાદ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અગાઉ પણ ઇમરાન સામે પોક્સો હેઠળ એક કેસ નોંધાઈ ચૂક્યો હતો. 2018માં દિલ્હીમાં એક સગીરાની જાતીય સતામણી અને પીછો કરવા બદલ ઈમરાન સામે ગુનો દાખલ થયો હતો. 2021માં પણ એક હિંસા સંબંધિત કેસમાં તેનું નામ આવ્યું હતું. બીજી તરફ હત્યા સંબંધિત પણ ઘણી વિગતો બહાર આવી છે.
અહેવાલ એવા પણ છે કે હત્યા અગાઉ ઇમરાને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને પહેલાં આત્મહત્યા કરવાની વાત કરી હતી અને ત્યારબાદ મુસ્કાનને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. હાલ પોલીસ આ ઈન્સ્ટાગ્રામ લાઈવ વિડીયોની સત્યતા ચકાસી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મુસ્કાન અને ઇમરાન વર્ષ 2024થી એકબીજાના સંપર્કમાં હતાં. બંનેની મુલાકાત એક જિમમાં થઈ હતી. જોકે છેલ્લા બે મહિનાથી ઇમરાનના ડ્રગ્સના વ્યસન અને આક્રમક વર્તનને કારણે મુસ્કાને અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. મુસ્કાને 18 જુલાઈએ પોલીસનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ તે સમયે કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરાવી નહોતી. ત્યારબાદ ઇમરાનને નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો હતો, પરંતુ 30 જુલાઈએ તેણે ત્યાં પોતાને ઈજા પહોંચાડતાં તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
20 ઑગસ્ટે હોટલમાં મુસ્કાન અન્ય કોઈ યુવક સાથે વાત કરતી હોવાની શંકા રાખીને ઇમરાને તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ 26 ઑગસ્ટે સાંજે ઓલ્ડ મહાવીર નગર સ્થિત મુસ્કાનના ઘરે પહોંચીને બબાલ કર્યા બાદ ઇમરાને પહેલાં મુસ્કાનનું ગળું દબાવ્યું અને પછી સાથે લાવેલી છરી વડે ઘા માર્યા હતા. હત્યા બાદ તે મુસ્કાનનો ફોન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસને આશંકા છે કે તેણે પોતાના ગુનાના ડિજિટલ પુરાવા, ચેટ્સ કે અન્ય માહિતી દૂર કરવાનો કે નાશ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે.
હત્યા બાદ ફરાર થયેલા ઇમરાનને પકડવા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી. 27 ઑગસ્ટની રાત્રે રાજૌરી ગાર્ડન નજીક પોલીસે તેને ઘેરીને આત્મસમર્પણ કરવા કહ્યું ત્યારે ઇમરાને પિસ્તોલ કાઢીને પોલીસ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. પોલીસે સ્વબચાવમાં સાત રાઉન્ડ સામો ગોળીબાર કર્યો, જેમાં ઇમરાનના બંને પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ફાયરિંગ મામલે અલગથી BNS તથા આર્મ્સ એક્ટ હેઠળ નવી FIR દાખલ કરવામાં આવી હતી.
POCSO હેઠળ પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ
પોલીસ તપાસ દરમિયાન ઇમરાનનો ભૂતકાળ પણ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2018માં દિલ્હીના તિલક નગર પોલીસ સ્ટેશનમાં તેની સામે એક સગીર વયની બાળકી સાથે જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા બદલ POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. આ સિવાય 2021માં પણ તેની સામે હિંસા સંબંધિત ગંભીર કેસ દાખલ થયો હતો, જેમાં તેણે 30 ઑક્ટોબર 2020ની રાત્રે એક વ્યક્તિના માથા પર પથ્થરની સ્લેબ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
પોલીસ હાલમાં ઇમરાનની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જિમ અને ક્રિકેટ સંબંધિત પોસ્ટ્સ સિવાય ડિસેમ્બર 2019ની એક રીલ મળી આવી છે, જેમાં ગેરકાયદેસર પિસ્તોલ વડે હવામાં ફાયરિંગ થતું જોવા મળે છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ વિડીયોના આધારે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી કાર્યવાહી થઈ શકે કે નહીં.

