કાશ્મીરી પંડિતો સામેના આતંકવાદ અને ટાર્ગેટેડ હત્યાઓનો સૌથી ભયાનક તબક્કો 1989-90 દરમિયાન જોવા મળ્યો હતો. અલગતાવાદી અને આતંકવાદી હિંસા ચરમસીમાએ પહોંચતાં કાશ્મીરી પંડિત, હિંદુ સમુદાયના મોટાભાગના લોકોએ પોતાનું સર્વસ્વ છોડીને ખીણમાંથી પલાયન કરવા મજબૂર થવું પડ્યું હતું. આ ભય અને આતંકના વાતાવરણ વચ્ચે પણ દરેક પંડિત પરિવારે પોતાની માતૃભૂમિ છોડી નહોતી. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના વંધામા ગામમાં કેટલાક પંડિત પરિવારો તમામ જોખમો વચ્ચે પણ પોતાના પૈતૃક ઘરોમાં જ ટકી રહ્યા હતા.
પરંતુ 1998માં આ જ પરિવારો આતંકવાદીઓની બર્બરતાનો ભોગ બન્યા. એક જ રાત્રે 23 નિર્દોષ લોકોની ઘાતકી હત્યા કરી દેવામાં આવી, જે ઘટના કાશ્મીરી પંડિતોના ઇતિહાસમાં એક કાળો અધ્યાય બની ગઈ. વંધામામાં રહી ગયેલા એ ચાર પરિવારો માટે 25 અને 26 જાન્યુઆરી, 1998ની મધરાત સાક્ષાત કાળરાત્રિ સાબિત થઈ.
રાત્રિના અંધકારમાં ઘૂસી લીધો હિંદુઓનો જીવ
હુમલાખોરો રાત્રિના અંધકારમાં ગામમાં દાખલ થયા અને પંડિત પરિવારોના ઘરો સુધી પહોંચ્યા. ત્યારબાદ ઘરના તમામ સભ્યોને એકઠા કરી તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો. આ હુમલામાં કુલ 23 કાશ્મીરી પંડિતોનાં સ્થળ પર જ મોત થયાં, જેમાં 9 મહિલાઓ અને 4 નિર્દોષ માસૂમ બાળકો પણ સામેલ હતાં.
આ નરસંહારનો સમયગાળો આતંકવાદીઓની માનસિકતા દર્શાવે છે. 25 જાન્યુઆરીની રાત્રે, એટલે કે સમગ્ર દેશ જ્યારે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ આ આતંકીઓએ આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. 1998ના અહેવાલમાં વંધામામાં 23 હિંદુઓની નિર્મમ હત્યા અને ગામના કેટલાક ભાગોને સળગાવી દેવાની ઘટના નોંધવામાં આવી હતી. તે સમયે પોલીસે હુમલાખોરો સરહદ પારથી એટલે કે કાશ્મીર બહારથી આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી.
વંધામા હત્યાકાંડ સાથે જોડાયેલી સૌથી ભયાનક વિગતોમાંની એક એ છે કે સાક્ષીઓના જણાવ્યા મુજબ હુમલાખોરોમાં કેટલાક લોકો ભારતીય સેના જેવી કેમોફલેજ વર્દીમાં આવ્યા હતા. અહેવાલ અનુસાર તે સમયે બચી ગયેલા એક 14 વર્ષના કિશોરે પોલીસને જણાવ્યું હતું કે હુમલાખોરોએ પહેલાં પરિવારો સાથે વિશ્વાસ કેળવવા વાતચીત કરી હતી અને ત્યારબાદ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો.
14 વર્ષનો કિશોર બન્યો સાક્ષી
આ ભયાનક હત્યાકાંડમાં માત્ર આ 14 વર્ષનો કિશોર જ જીવતો બચી શક્યો હતો, જે આખી ઘટનાનો મુખ્ય સાક્ષી બન્યો. તેણે અંધારામાં છુપાઈને પોતાના જ પરિવારના સભ્યોને ગોળીઓથી વીંધાતા જોયા હતા. હુમલા બાદ જ્યારે સેનાના જવાનો પહોંચ્યા ત્યારે આતંકના કારણે તે બહાર ન આવ્યો, પરંતુ બાદમાં પોલીસની હાજરીમાં તે સામે આવ્યો હતો. SIA દ્વારા જૂના કેસની તપાસ ફરી શરૂ કરાતા આ પ્રત્યક્ષદર્શી સાક્ષીનું નિવેદન સમગ્ર કેસમાં સૌથી મજબૂત કડી બની રહેશે.
વંધામા હત્યાકાંડને માત્ર એક સામાન્ય આતંકવાદી બનાવ ગણવો એ મૃતકોના બલિદાનનું અપમાન કરવા સમાન છે. આ એ ચાર પરિવારો હતા જેમણે 1990ના દાયકાના ભયાનક પલાયન છતાં પોતાની માતૃભૂમિ ન છોડવાનો સાહસિક નિર્ણય લીધો હતો. પરંતુ 25-26 જાન્યુઆરીની રાત્રે એ ચારેય પરિવારોનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું. 23 લોકોની હત્યાએ સ્પષ્ટ કરી દીધું કે આ ઇસ્લામી આતંકવાદનો હેતુ માત્ર સત્તા નહીં, પરંતુ કાશ્મીરમાંથી હિંદુઓનું અસ્તિત્વ નાબૂદ કરવાનો હતો.
નરસંહાર સર્જ્યા બાદ આતંકીઓનું મન ભરાયું નહોતું. અહેવાલ અનુસાર 23 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ હુમલાખોરોએ પંડિતોના ઘરો અને સ્થાનિક મંદિરોમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ હત્યાકાંડ પાછળ કોણ હતું તે સવાલ દાયકાઓથી ચર્ચામાં રહ્યો છે. તે વખતના અહેવાલમાં શરૂઆતમાં કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નહોતી.

હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ
પરંતુ પાછળથી ખૂલેલી વિગતોમાં આ હત્યાકાંડ પાછળ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ હોવાનું સામે આવ્યું અને તેના ઑપરેટિવ હમીદ ભટ્ટ ઉર્ફે હમીદ ગાડાને મુખ્ય આરોપી દર્શાવવામાં આવ્યો, જે 2000ની સાલમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. હવે SIA દ્વારા તમામ જૂના પુરાવાઓનું પુનઃપરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
પરંતુ આ કેસમાં સૌથી વિવાદસ્પદ પાસું એ રહ્યું કે આટલા મોટા નરસંહાર પછી પણ તપાસ ક્યાંક ખોવાઈ ગઈ. એ વખતની શાસક સરકારોની ઘોર ઉદાસીનતા, મુસ્લિમ વોટબેન્કને ખુશ રાખવાની ક્ષુદ્ર રાજનીતિ અને આતંકવાદ સામે કોઈ નક્કર પગલાં ન લેવાની લાચારીને કારણે આવા ઢગલાબંધ કેસો ઇતિહાસનાં અંધારા પાનાંમાં દબાઈને રહી ગયા.
અહેવાલમાં J&K પોલીસના સરવેને ટાંકીને જણાવાયું હતું કે 1989થી 2008 વચ્ચે 209 કાશ્મીરી પંડિતોની હત્યા થઈ અને140 કેસ નોંધાયા, પરંતુ તેમાંથી માત્ર 24 કેસમાં જ ચાર્જશીટ દાખલ થઈ શકી હતી. આ આંકડા તત્કાલીન રાજકીય ઈચ્છાશક્તિના અભાવ અને ન્યાય પ્રણાલીની ઉદાસીનતાની સાક્ષી પૂરે છે.
સુપ્રીમ કોર્ટે ફગાવી તપાસની અરજી
ન્યાય માટેની આ લડાઈ 2017માં સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી હતી. ‘રૂટ્સ ઇન કાશ્મીર’ નામના સંગઠને 1989-90ના સમયગાળામાં થયેલી પંડિતોની હત્યાઓની તપાસ માટે અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે 27 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાનું અને પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલી પડશે તેમ કહીને અરજી ફગાવી દીધી હતી. તેનાથી પીડિત કાશ્મીરી પંડિત સમુદાયને ભારે નિરાશા સાંપડી હતી.
પરંતુ વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર બદલાઈ અને દેશમાં એક મોટું રાજકીય તથા નીતિગત પરિવર્તન આવ્યું. મોદી સરકારના નેતૃત્વમાં આતંકવાદ પ્રત્યે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી અને કાશ્મીરી પંડિતો સાથે થયેલા ઐતિહાસિક અન્યાયને સુધારવાની પ્રક્રિયા શરૂ થઈ. આ જ પરિવર્તનના ભાગરૂપે 2021માં રાષ્ટ્રીય તપાસ એજન્સીની (NIA) તર્જ પર જમ્મુ-કાશ્મીરમાં ‘સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAની રચના કરવામાં આવી.
2023 પછી SIAએ કાશ્મીરી પંડિતોની હત્યાના દાયકાઓ જૂના પડતર કેસો ફાઇલમાંથી બહાર કાઢી તપાસ ઝડપી બનાવી. જેમાં BJP નેતા ટિકા લાલ ટપલું, જજ નીલકંઠ ગંજૂ, નર્સ સરલા ભટ અને કવિ સર્વાનંદ કૌલ પ્રેમીની હત્યાના કેસોનો પણ સમાવેશ થાય છે.
SIAને મળી રહી છે સફળતા
SIAને આ જૂના કેસોમાં સફળતા પણ મળી રહી છે. તાજેતરમાં જ સરલા ભટ હત્યાકાંડમાં SIAએ 737 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં JKLFના અલગતાવાદી નેતા યાસીન મલિક સહિત 5 લોકોને આરોપી બનાવાયા છે. પાંચમાંથી ત્રણ આરોપીઓ મૃત્યુ પામ્યા છે અને એક પાકિસ્તાનમાં છે. આ કાર્યવાહી દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો દાયકાઓ જૂના કેસમાં પણ ગુનેગારો સુધી પહોંચી શકાય છે.
આ જ કડીમાં, 24 ઑગસ્ટ 2026ના રોજ SIAએ વંધામા હત્યાકાંડની તપાસ અધિકૃત રીતે ફરી શરૂ કરી છે. એજન્સીનો આ નિર્ણય માત્ર ધૂળ ખાતી ફાઇલો ખોલવાનો નથી, પરંતુ પંડિતો સામે થયેલા અન્યાયનો હિસાબ કરવાનો છે. રિપોર્ટ મુજબ, SIA જૂના પુરાવાઓનું પુન:નિરીક્ષણ કરીને અને નવી લિંક્સ શોધીને આ કુખ્યાત હત્યાકાંડના તમામ ષડયંત્રકારીઓને કાયદાના શિકંજામાં લાવવા કટિબદ્ધ છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 28 વર્ષ પછી વંધામાના 23 નિર્દોષોને ન્યાય મળશે? સુપ્રીમ કોર્ટે 2017માં જે વિલંબને કારણ દર્શાવ્યું હતું, તે પડકાર આજે પણ છે. પરંતુ આધુનિક ફોરેન્સિક ટેકનિક, SIAની આક્રમક તપાસ અને સાક્ષીઓના પુનઃપરીક્ષણથી આશાનું એક કિરણ જાગ્યું છે. 1998ના આ નરસંહારના દોષિતો જો જીવિત હોય તો તેમને સજા સુધી પહોંચાડવા જ પડશે.
વંધામા માત્ર 23 લોકોની હત્યાની વાર્તા નથી, પરંતુ કાશ્મીરી પંડિતોના અસ્તિત્વ પર થયેલા ઘાતક પ્રહારનું પ્રતિક છે. 1998ના વંધામા બાદ 2003માં નાદીમર્ગમાં પણ 24 પંડિતોની હત્યા કરવામાં આવી હતી. એટલે કે વંધામા કોઈ છૂટાછવાયા બનાવનો હિસ્સો નહોતો, પણ કાશ્મીરમાંથી હિંદુ સમુદાયનો સંપૂર્ણ સફાયો કરવાના મોટા આતંકી ષડયંત્રની કડી હતો.
28 વર્ષ બાદ આજે ફરી એ જ પ્રશ્ન દેશ સામે ઊભો છે કે એ 23 નિર્દોષોનો ગુનો શું હતો? 25-26 જાન્યુઆરી 1998ની એ રાત્રે ચાર પરિવારોને હોમી દેનારા નરાધમો કોણ હતા? SIAએ શરૂ કરેલી આ તપાસ માત્ર ભૂતકાળનાં પાનાં ઉથલાવવાનો પ્રયાસ નથી, પરંતુ ભારત માતાના એ નિર્દોષ સંતાનોને ન્યાય અપાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે.


