
દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા પર ઈંડાં ફેંકવાના નીચ કૃત્ય મામલે બાયકુલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 22 વર્ષીય આરોપી દાનિશ શેર ખાનની ધરપકડ કરી લીધી છે. પવિત્ર ગણેશોત્સવ પૂર્વે ધાર્મિક ભાવનાઓ દુભાવવાના અને વિસ્તારની શાંતિ હરામ કરવાના પ્રયાસ બદલ તેની સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે તુરંત અલગ-અલગ 5 વિશેષ ટીમોની રચના કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને બાતમીદારોની મદદથી પોલીસે ઘટનાના આશરે 36 કલાકની અંદર જ આરોપી દાનિશ ખાનને ટ્રેસ કરીને તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.
ડીસીપી સેન્ટ્રલ ઝોન-1 જયંત મીણાએ આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે બાયકુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘મઝગાંવચા મોર્યા’ ગણેશોત્સવ મંડળની ગણપતિ આગમન યાત્રા દરમિયાન આ અસામાજિક ઘટના બની હતી. ઘટના સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક FIR નોંધીને તપાસના આધારે ગુનો ઉકેલી નાખ્યો છે અને મુખ્ય આરોપી દાનિશ ખાનની ધરપકડ કરી લેવાઈ છે.
Mumbai, Maharashtra: DCP Central Zone-I, Jayant Meena says, "On August 23, within the jurisdiction of Byculla Police Station, the arrival procession of the 'Mazgaoncha Morya' Ganpati Mandal was taking place. At around PM, an incident occurred where an unknown person threw an egg… pic.twitter.com/ZJGOskDBbT
— IANS (@ians_india) August 25, 2026
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી દાનિશ ખાન ઓનલાઈન ઓર્ડર પર ઈંડાં હોમ ડિલિવરી કરવાનું કામ કરે છે. ઘટનાના દિવસે તે મઝગાંવ સ્થિત કોન્ટિનેન્ટલ હાઇટ્સ બિલ્ડિંગમાં ઈંડાંની ડિલિવરી કરવા આવ્યો હતો.
ધુમાડાના કારણે ઈંડાં ફેંક્યા હોવાનો દાવો
પોલીસ સમક્ષ આરોપીએ દાવો કર્યો હતો કે બિલ્ડિંગની બહાર ગણેશ ચતુર્થી નિમિત્તે યાત્રામાં ફોડવામાં આવી રહેલા ફટાકડાના ધુમાડાના કારણે તેની આંખોમાં ભારે બળતરા થવા લાગી હતી અને તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. જેનાથી ઉશ્કેરાઈને અને ગુસ્સામાં આવીને તેણે આ કૃત્ય આચર્યું હતું.
બિલ્ડિંગના ઉપલા માળેથી આરોપી દાનિશ ખાને આવેશમાં આવીને ગણેશ આગમન યાત્રા અને ગણપતિજીની મૂર્તિ તરફ ઈંડાં ફેંક્યાં હતાં. શોભાયાત્રા પર ઈંડાં ફેંકવાની આ ઘટનાને કારણે સ્થાનિક ભક્તો અને મંડળના સભ્યોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને સ્થિતિ તંગ બની ગઈ હતી.
ઘટના બાદ તરત જ કોન્ટિનેન્ટલ હાઇટ્સ બિલ્ડિંગ બહાર આશરે 200થી વધુ રોષે ભરાયેલા લોકો અને ગણેશ ભક્તોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. લોકોએ ત્યાં જ વિરોધ નોંધાવીને ગણેશ આરતી શરૂ કરી દીધી હતી અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથે નારેબાજી કરી હતી.
સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ઘટનાસ્થળે તાત્કાલિક વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. ડીસીપી જયંત મીણાએ જાતે સ્થળ પર પહોંચીને આક્રોશિત લોકોને શાંત પાડ્યા હતા અને આરોપી સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. હાલમાં બાયકુલા પોલીસ આરોપી દાનિશ ખાન સામે કલમ 299 અને 196 હેઠળ આગળની કાર્યવાહી કરી રહી છે.

