હોમપેજરાજકારણ'બંદી સિંઘ' કોણ છે, જેમની મુક્તિ માટે પંજાબમાં સતત ચાલતું રહે છે...

‘બંદી સિંઘ’ કોણ છે, જેમની મુક્તિ માટે પંજાબમાં સતત ચાલતું રહે છે રાજકારણ

જાન્યુઆરી 2023થી આંદોલને ચડેલો કૌમી ઇન્સાફ મોરચો હવે વધુ તીવ્ર બન્યો. બીજી તરફ બંદી શીખોની યાદી પણ લાંબી થઈ રહી છે. આમ આદમી પાર્ટીની સરકાર માટે પણ હવે ધર્મસંકટ જેવી સ્થિતિ છે.

- Advertisement -

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘બંદી સિંઘો’ માટે પ્રદર્શનો થઈ રહ્યાં છે. બંદી સિંઘોની મુક્તિ માટે આંદોલન કરતા કૌમી ઇન્સાફ મોરચાએ હમણાં 21 ઑગસ્ટે પંજાબ બંધનું એલાન પણ આપ્યું હતું. દરમ્યાન અનેક વિસ્તારોમાં અસર પણ જોવા મળી, વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો અને મામલાની ગંભીરતા જોતાં પોલીસ તંત્ર પણ એલર્ટ હતું. ખાસ કરીને પટિયાલા, લુધિયાણા, મોહાલી વગેરે વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શન કોઈ તાત્કાલિક ઘટના નથી, કૌમી ઇન્સાફ મોરચો આજકાલથી નહીં 7 જાન્યુઆરી 2023થી ચંડીગઢ-મોહાલી સરહદે ધરણાં પર બેઠો છે. આ સંગઠન પોતાની મુખ્ય માંગણીઓ સંતોષવા માટે રેલીઓ, રસ્તા રોકો અને ટોલ પ્લાઝા બંધ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. હવે આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. પરિણામે ‘બંદી સિંઘો’નો આ મુદ્દો હવે પંજાબના રાજકારણમાં એક લાંબાગાળાના રાજકીય અને સામાજિક દબાણના સાધન તરીકે ઉભરી આવ્યો છે.

‘બંદી સિંઘ’ એટલે કોણ?

‘બંદી સિંઘો’ એટલે કેદી તરીકે જેલમાં બંધ શીખ પુરુષો. જોકે કાયદાકીય પરિભાષામાં આ કોઈ સત્તાવાર કેટેગરી કે વર્ગીકરણ નથી, પરંતુ વિવિધ શીખ સંગઠનો અને રાજકીય સંગઠનો આ શબ્દનો ઉપયોગ એવા કેદીઓ માટે કરે છે જેમને તેઓ ‘રાજકીય કેદી’ અથવા સમુદાય સાથે થયેલા અન્યાયના ભોગ બનેલા માને છે.

- Advertisement -

આ જૂથ હેઠળ આવતા તમામ લોકોની કાયદાકીય સ્થિતિ એકસરખી હોતી નથી. તેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા, મૃત્યુદંડ પામેલા, પેરોલ પર બહાર આવેલા અને હજુ જેમના કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે તેવા અન્ડરટ્રાયલ કેદીઓનો સમાવેશ થાય છે. તેથી કાયદાકીય દૃષ્ટિએ ‘બંદી સિંઘ’ એક જ પ્રકારના કેદીઓનો સમૂહ નથી.

આ યાદીમાં કોનાં નામ છે?

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી એટલે કે SGPCની યાદીમાં મુખ્યત્વે નવ લોકોનાં નામ સામેલ છે: બલવંત સિંઘ રાજોઆણા, જગતાર સિંઘ હવારા, જગતાર સિંઘ તારા, પરમજીત સિંઘ ભેઓરા, લખવિંદર સિંઘ લખા, ગુરમીત સિંઘ, શમશેર સિંઘ, દેવવિંદર પાલ સિંઘ ભુલ્લર અને ગુરદીપ સિંઘ ખેડા. આ તમામ લોકો વિવિધ ગંભીર ગુનાઓ અને વિસ્ફોટોના કેસોમાં અદાલતો દ્વારા દોષિત ઠરેલા છે.

આ યાદીમાંના મોટાભાગના 1995ના પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી બેઅંત સિંઘની હત્યાના કેસમાં દોષિત છે. આ આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટમાં મુખ્યમંત્રી સહિત 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત, દેવવિંદર પાલ સિંઘ ભુલ્લર 1993ના દિલ્હી બૉમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરેલો છે, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

પરિણામે જ્યારે રાજકીય કે શીખ સંગઠનોના મંચો પરથી ‘બંદી સિંઘો’ કે ‘શીખ કેદીઓ’ જેવા સામાન્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમની સામેના ગંભીર આતંકવાદી અને હિંસક ગુનાઓનો ઇતિહાસ ઢંકાઈ જાય છે. સામાન્ય જનતા સમક્ષ આ મુદ્દો રજૂ કરતી વખતે તેમની પાછળના કાયદાકીય અને અપરાધિક પાસાંઓ પર પૂરતી ચર્ચા થતી નથી.

‘સજા પૂરી થઈ ગઈ’ એવો દાવો કેટલો સાચો?

આંદોલનકારીઓનો મુખ્ય દાવો એવો છે કે ઘણા શીખ કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી હોવા છતાં તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. પરંતુ કાયદાકીય દૃષ્ટિએ આ દાવો સંપૂર્ણપણે સાચો નથી, કારણ કે આજીવન કેદ અંગે સામાન્ય લોકોની સમજ અને કાયદાકીય જોગવાઈ વચ્ચે મોટો તફાવત છે.

સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ અનુસાર, આજીવન કેદનો (Life Imprisonment) સામાન્ય અર્થ 14 કે 20 વર્ષ પછી આપોઆપ જેલમાંથી મુક્તિ નથી. કાયદા મુજબ આજીવન કેદ એટલે તેનો અર્થ કેદીના કુદરતી આયુષ્યના અંત સુધીની જેલની સજા જ થાય છે. 14 વર્ષની જેલ બાદ સરકાર માત્ર કેદીની સજામાં ઘટાડો (Remission) કરવા અંગે વિચારણા કરી શકે છે, પણ આપોઆપ મુક્ત થવાની ખાતરી આપવામાં આવતી હોતી નથી.

તેથી, જો કોઈ કેદીએ 25 કે 30 વર્ષ જેલમાં વીતાવ્યાં હોય તો પણ કાયદાકીય રીતે તેની સજા આપોઆપ પૂરી થઈ ગઈ ગણાય નહીં. કેદીની સજા માફ કરવી કે ઘટાડવી તે નિર્ણય ગુનાની ગંભીરતા, તપાસ કરનારી એજન્સી અને સંબંધિત સરકારના અધિકારક્ષેત્ર પર આધાર રાખે છે.

બલવંત સિંઘ રાજોઆણાનો કેસ સૌથી મોટો રાજકીય મુદ્દો કેમ?

બલવંત સિંઘ રાજોઆણા ‘બંદી સિંઘો’ આંદોલનનો સૌથી ચર્ચિત ચહેરો છે. પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંઘની હત્યાના કેસમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2012માં તેની ફાંસી નક્કી થઈ હતી, પરંતુ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા દાખલ કરાયેલી દયાની અરજીને કારણે તે અટકી ગઈ હતી. જોકે, રાજોઆણા પોતે આ અરજીનો વિરોધ કરી રહ્યો છે અને માફી માગવાને બદલે SGPCને અરજી પાછી ખેંચવા દબાણ કરી રહ્યો છે.

2023માં સુપ્રીમ કોર્ટે પણ નિર્ણયમાં થયેલા વિલંબના આધારે સજા ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો. આ કેસ પંજાબના રાજકારણમાં એક વિચિત્ર વિરોધાભાસ ઊભો કરે છે. જે SGPC અને શીખ સંગઠનો રાજોઆણાની ફાંસી રોકવા માટે લડત ચલાવી રહ્યાં છે, તેમની જ ભૂમિકા સામે પોતે રાજોઆણા અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે.

જગતાર સિંઘ હવારા અને અન્ય નામો

જગતાર સિંઘ હવારા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંઘની હત્યાના કેસમાં મુખ્ય દોષિતોમાંનો એક છે. તેને ફાળવવામાં આવેલી મૃત્યુદંડની સજાને વર્ષ 2010માં હાઇકોર્ટે આજીવન કેદમાં બદલી દીધી હતી. હવારા 2004માં ચંદીગઢની બુરેલ જેલમાંથી પરમજીત સિંઘ ભેઓરા અને જગતાર સિંઘ તારા સાથે મળીને સુરંગ બનાવીને ભાગી નીકળવાના હાઇપ્રોફાઇલ કેસને કારણે પણ ભારે ચર્ચામાં રહ્યો હતો.

હવારાને ધાર્મિક-રાજકીય પ્રતીક ગણાવી 2015માં બિન-સત્તાવાર ‘સરબત ખાલસા’ દરમિયાન અકાલ તખ્તના જથેદાર જાહેર કરાયો હતો, જેને SGPCએ અમાન્ય ગણાવ્યો હતો. હાલમાં આંદોલનકારીઓ તેની પેરોલની માંગ કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી પંજાબના સીએમ ભગવંત માને પણ તેની બીમાર માતાને મળવા 10 દિવસની પેરોલ આપવા રાજ્યપાલ સમક્ષ ભલામણ કરી છે. એક મુખ્યમંત્રી આવી ભલામણ કરતો પત્ર લખે એની ઉપરથી પણ મુદ્દા ફરતે થતું રાજકારણ સમજી શકાય છે.

દેવવિંદર પાલ સિંઘ ભુલ્લરનો કેસ પણ મહત્વનો

દેવવિંદર પાલ સિંઘ ભુલ્લર 1993ના દિલ્હી બૉમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરેલો કેદી છે. અદાલતે તેને શરૂઆતમાં ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ દયાની અરજી પર નિર્ણય લેવામાં થયેલા ભારે વિલંબને કારણે 2014માં સુપ્રીમ કોર્ટે તેની સજા આજીવન કેદમાં ફેરવી દીધી હતી.

જોકે મૃત્યુદંડમાંથી આજીવન કેદ થવાનો અર્થ દોષમુક્તિ નથી. દિલ્હીના ‘સેન્ટેન્સ રિવ્યુ બોર્ડ’ દ્વારા 2025ની બેઠક બાદ તેની વહેલી મુક્તિની અરજી ફગાવી દેવામાં આવી હતી, જે દર્શાવે છે કે પંજાબ સરકાર ઇચ્છે તો પણ દરેક કેદીને પોતાની મરજીથી મુક્ત કરી શકતી નથી.

હવે આ યાદીમાં નવાં નામો કેમ ઉમેરાઈ રહ્યાં છે?

સમય જતાં ‘બંદી સિંઘો’ સંબંધિત આ આંદોલન અને રાજકારણનું સ્વરૂપ પણ બદલાયું છે. શરૂઆતના તબક્કામાં આ યાદીમાં માત્ર 1980 અને 90ના દાયકાના ખાલિસ્તાની આતંકવાદ સાથે જોડાયેલા દોષિત કેદીઓનાં જ નામો સામેલ હતાં. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જૂની યાદીમાં નવા અને યુવાન કેદીઓનાં નામો પણ ઉમેરવામાં આવી રહ્યાં છે.

આ નવાં નામોમાં બ્રિટિશ નાગરિક જગતાર સિંઘ જોહલ (જગી જોહલ) સૌથી મોટું ઉદાહરણ છે, જેની 2017માં ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર NIAએ હિંદુ અને RSSના નેતાઓની લક્ષિત હત્યાઓના ષડયંત્રમાં સામેલ આરોપો મૂક્યા છે.

જગી જોહલ ઉપરાંત હાર્દીપ સિંઘ શેરા, રામનદીપ સિંઘ બગ્ગા અને ધર્મિન્દર સિંઘ ગુગની જેવાં અનેક નવાં નામો વિવિધ આતંકવાદી કેસોમાં આરોપી તરીકે ખૂલ્યા બાદ આ યાદીમાં પણ જોડાતાં ગયાં છે. પરિણામે ‘બંદી સિંઘો’ શબ્દ હવે માત્ર દાયકાઓ જૂના આજીવન કેદના દોષિતો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તેમાં નવા અન્ડરટ્રાયલ આરોપીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે.

અમૃતપાલ સિંઘની એન્ટ્રીથી આખું સમીકરણ બદલાયું

પંજાબના રાજકારણમાં સૌથી મોટો અને નવો વળાંક ખલિસ્તાની અમૃતપાલ સિંઘના પ્રવેશથી આવ્યો હતો. ખલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ સાથે જોડાયેલો અમૃતપાલ સિંઘ ખડૂર સાહિબથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યો છે અને હાલમાં અન્ડરટ્રાયલ કેદી તરીકે જેલમાં બંધ છે.

તેનો કેસ દાયકાઓ જૂના ‘બંદી સિંઘો’ કેસો કરતાં તદ્દન અલગ છે, કારણ કે તેની સામે અદાલતમાં કેસોની સુનાવણી હજુ ચાલુ છે. તેમ છતાં તેના સમર્થકોએ અમૃતપાલ સિંઘ અને અન્ય ‘બંદી સિંઘો’ની મુક્તિની માંગ સાથે ચંડીગઢ તરફ માર્ચ કરી હતી, જ્યાં સ્થિતિ નિયંત્રિત કરવા પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો.

આ ઘટના પંજાબની રાજનીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે. હવે ભૂતકાળના આતંકવાદી કેસોના દોષિતોની સજા માફી કે મુક્તિનો મુદ્દો વર્તમાન સમયના એક અન્ડરટ્રાયલ આરોપીની મુક્તિની માંગ સાથે સીધો જોડાઈ ગયો છે.

કૌમી ઇન્સાફ મોરચો શું છે?

બીજી તરફ, આ સમગ્ર આંદોલનનું નેતૃત્વ કરી રહેલો કૌમી ઇન્સાફ મોરચો કોઈ પરંપરાગત રાજકીય પક્ષ નથી. તે વિવિધ સાંપ્રદાયિક, પંથિક, સામાજિક અને ખેડૂત સંગઠનો માટેનો વિરોધ પ્રદર્શનકારી મંચ છે, જે ચંડીગઢ-મોહાલી સરહદે લાંબા સમયથી ધરણાં કરી રહ્યો છે.

સમય જતાં કૌમી ઇન્સાફ મોરચાનો વ્યાપ અને માંગણીઓ વધ્યાં છે. શરૂઆતમાં માત્ર કેદીઓની મુક્તિ પૂરતું સીમિત રહેલું આ આંદોલન હવે પવિત્ર ગ્રંથની બેઅદબીના કેસો, ભૂતકાળમાં થયેલા પોલીસ ફાયરિંગ અને અન્ય પંથિક મુદ્દાઓને પણ પોતાની રાજકીય માંગણીઓમાં સામેલ કરી ચૂક્યું છે.

મોરચો પોતાને માનવાધિકાર અને ન્યાય માટે લડતું સંગઠન ગણાવે છે. તેના સમર્થકો દાવો કરે છે કે લાંબા સમયથી જેલમાં રહેલા કેદીઓ સાથે માનવીય વ્યવહાર થવો જોઈએ અને નિયમ મુજબ પાત્રતા ધરાવતા કેદીઓને પેરોલ અથવા સજા માફી (Remission) મળવી જોઈએ.

આંદોલનના વિરોધનું કારણ શું છે?

આ આંદોલનનો વિરોધ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે માંગણીમાં સામેલ કેદીઓ સામાન્ય રાજકીય કેદીઓ નથી. આ યાદીમાં દર્શાવેલા કેટલાક લોકો સામે મુખ્યમંત્રીની આત્મઘાતી હત્યા, ગંભીર બૉમ્બ વિસ્ફોટ, હત્યાના ષડયંત્રો અને જેલમાંથી સુરંગ બનાવીને ભાગી જવા જેવા ભયાનક અને આતંકવાદી ગુનાઓ સાબિત થયેલા છે.

આ ઉપરાંત, આંદોલનની પદ્ધતિ સામે પણ સવાલો ઊભા થયા છે. વર્ષ 2023માં ચંડીગઢ-મોહાલી સરહદ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, પ્રદર્શનકારીઓએ તલવારો તથા અન્ય હથિયારો સાથે બેરિકેડ્સ તોડી નાખ્યાં હતાં અને પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. વિવેચકોનું માનવું છે કે સજા માફી (Remission) કે પેરોલ જેવા સંવેદનશીલ નિર્ણયો કાયદાકીય અને અદાલતી પ્રક્રિયા દ્વારા જ થવા જોઈએ, રસ્તા પર દબાણ ઊભું કરીને નહીં.

કૌમી ઇન્સાફ મોરચાએ આપેલ 21 ઓગસ્ટ 2026ના પંજાબ બંધના એલાનનો હેતુ ‘બંદી સિંઘો’ની મુક્તિ જેવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાનો હતો. સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધીના આ બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ, લગ્નપ્રસંગો અને એરપોર્ટ જતા મુસાફરોને બાદ કરતાં બાકીના તમામ ક્ષેત્રોને અસર પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.

આ બંધને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC), વિવિધ અકાલી જૂથો, ખેડૂત યુનિયનો અને સાંસદ અમૃતપાલ સિંઘના સમર્થકોનો ટેકો મળ્યો હતો. SGPCએ પોતાની સંસ્થાઓ બંધ રાખી હતી, જેના લીધે પંજાબનાં અનેક શહેરોમાં બજારો બંધ રહ્યાં હતાં અને હાઇવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

પંજાબની રાજનીતિમાં આ મુદ્દો આટલો મોટો કેમ?

પંજાબમાં ‘બંદી સિંઘો’નો મુદ્દો હવે માત્ર જેલમાંથી કેદીઓની મુક્તિ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ‘સાચો પંથિક કોણ?’ તે સાબિત કરવાની રાજકીય હોડ બની ગયો છે. શિરોમણી અકાલી દળ પોતાની ગુમાવેલી વૉટબેન્ક પાછી મેળવવા અને SGPC શીખ સાંપ્રદાયિક બાબતોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા આ મુદ્દાનો ઉપયોગ કરી રહ્યાં છે.

બીજી તરફ, આ આપ (AAP) સરકાર માટે એક ધર્મસંકટ બન્યું છે, કારણ કે વિપક્ષમાં રહીને માનવતાના નામે મુક્તિની માંગ કરવી સરળ હતી પણ સત્તામાં આવ્યા પછી સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાઓને કારણે નિર્ણય લેવો અત્યંત જટિલ બની ગયો છે. કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષો પણ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક રાજકારણ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સ્થિતિમાં કાયદાકીય અને નૈતિક દૃષ્ટિએ બે બાબતોને અલગ પાડીને જોવી જરૂરી છે. જો કોઈ કેદીની પેરોલ કે સજા માફીની અરજી પર સરકાર તરફથી વર્ષો સુધી અતિશય વિલંબ થતો હોય કે અન્યાય થતો હોય તો તેનો વિરોધ થાય પરંતુ માત્ર સાંપ્રદાયિક ઓળખ કે રાજકીય દબાણના આધારે દરેક કેદીને મુક્ત કરવાની માંગ કાયદાના શાસનને નબળું પાડે છે. કારણ કે દરેક કેસમાં ગુનાની ગંભીરતા, પીડિતોની સ્થિતિ, જેલમાં વર્તન અને જાહેર સુરક્ષા જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન અદાલતી અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા થાય છે.

અંતે આ સમગ્ર વિવાદ પંજાબ સામે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે શું આતંકવાદ અને રાજકીય હિંસાના દોષિતોને માત્ર સમય વીતવાથી રાજકીય કે સાંપ્રદાયિક પ્રતીક બનાવી શકાય? પંજાબે ખાલિસ્તાની આતંકવાદનો એક અતિશય ભયાનક અને લોહિયાળ તબક્કો જોયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંઘની હત્યાના વિસ્ફોટમાં 17 લોકો અને દિલ્હી બૉમ્બ ધડાકામાં 9 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. સજા માફી કે મુક્તિ અંગેની કોઈપણ ચર્ચા કરતી વખતે આ નિર્દોષ મૃતકો અને તેમના પરિવારોની પીડાને પણ ધ્યાનમાં રાખવી એટલી જ જરૂરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં