હોમપેજદુનિયાISIના પ્રોક્સીથી CJPના સમર્થન સુધી: કોણ છે જેહાદી શહેઝાદ ભટ્ટી, જે પાકિસ્તાનમાં...

ISIના પ્રોક્સીથી CJPના સમર્થન સુધી: કોણ છે જેહાદી શહેઝાદ ભટ્ટી, જે પાકિસ્તાનમાં બેસીને ભારતના યુવાનોને આતંકના રસ્તે ધકેલી રહ્યો છે

શહેઝાદ ભટ્ટીનું આ ડિજિટલ સામ્રાજ્ય ‘333’ અને ‘software update’ જેવા કોડવર્ડ્સ પર ચાલે છે. તે પાકિસ્તાનમાં બેઠેલા વિડીયો એડિટરો પાસે પોતાના જુના વિડીયો રી-એડિટ કરાવીને ભારતવિરોધી પ્રોપેગન્ડા ફેલાવે છે.

- Advertisement -

તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે સ્વતંત્રતા દિવસ પહેલાં દેશની સુરક્ષા એજન્સીઓએ એકસાથે દેશના 14 રાજ્યોમાં સંયુક્ત અને સુયોજિત દરોડા પાડીને ISI સમર્થિત ‘શહેઝાદ ભટ્ટી નેટવર્ક’ના 253 જેહાદી તત્વોને ઝડપી પાડ્યા હતા. અમિત શાહની જાહેરાતના થોડાક દિવસો બાદ જ પાકિસ્તાનમાં બેઠેલો ગેંગસ્ટરમાંથી આતંકી બનેલો અને ISIનો પિઠ્ઠુ શહેઝાદ ભટ્ટી બરાબરનો અકળાઈ ગયો છે અને તેણે એક વિડીયો જારી કરીને દાવો કર્યો છે કે સુરક્ષા એજન્સીઓએ જે લોકોને પકડ્યા હતા તે કોકરોચ જનતા પાર્ટીના વંદાઓ હતા. વધુમાં તેણે એવો પણ દાવો કર્યો છે કે તેના 3,000 માણસો હજુ પણ ભારતમાં મુક્ત રીતે ફરી રહ્યા છે.

નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓએ પાર પાડેલા ઑપરેશન દરમિયાન વિવિધ રાજ્યોમાં 80થી વધુ FIR નોંધી હતી અને 200થી વધુ કટ્ટરપંથીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. દરોડા દરમિયાન સુરક્ષાદળોએ આતંકી મોડ્યુલ પાસેથી ઘાતક IED, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગ ધરાવતા ગ્રેનેડ, પિસ્તોલ, કારતૂસ અને મહત્વના પ્રતિષ્ઠિત સ્થળોની જાસૂસી કરવા માટે વાપરવામાં આવતા ઉચ્ચ ગુણવત્તાના CCTV કેમેરા સહિતનો જંગી દારૂગોળો જપ્ત કર્યો હતો.

આ માહિતી ગૃહમંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને આપી હતી. હવે વિડીયો જાહેર કરીને ભટ્ટીએ દાવો કર્યો છે કે ભારતમાં તેના આતંકી નેટવર્કના નામે પકડાયેલા લોકો તેના માણસો નથી, પરંતુ તેઓ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થકો અને 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો છે. ભટ્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારત સરકારને ખુલ્લો પડકાર ફેંકતા માગ કરી છે કે પકડાયેલા લોકોના ચહેરા, તેમની પાસેથી જપ્ત કરાયેલાં હથિયારો અને તે હથિયારો કયા દેશમાં બન્યાં છે તેની વિગતો જાહેર કરવામાં આવે.

- Advertisement -

આ સાથે જ પોતાની નાપાક તાકાતનો ભ્રમ ઊભો કરવા તેણે એવો પણ દાવો કર્યો કે તેના 3,000 આતંકીઓ હજુ પણ ભારતમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ પાકિસ્તાની જેહાદી આતંકી હવે ભારતના વિરોધ પક્ષ અને CJPના ‘કોકરોચો’નો ગ્રાન્ડ મસીહા બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. શહેઝાદ ભટ્ટીએ વિડીયોમાં CJPના દેશવિરોધી તત્વોને ખુલ્લેઆમ કાનૂની અને નાણાકીય સહાય પૂરી પાડવાની પણ ખુલ્લી ઑફર કરી છે અને કોકરોચ જનતા પાર્ટીને ખુલ્લુ સમર્થન પણ આપ્યું છે.

ભટ્ટીએ આંતરિક મતભેદો ઊભા કરવાના હેતુથી એવો આક્ષેપ પણ કર્યો કે ભારત સરકાર મત મેળવવા માટે શીખ સમુદાયને અંદરોઅંદર લડાવે છે અને પાકિસ્તાન પર આરોપો લગાવે છે.  તેણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે તેનું નેટવર્ક જો 5-6 વર્ષથી સક્રિય હતું તો એજન્સીઓએ અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી? ટૂંકમાં, જે શખ્સ સામે ભારતમાં આતંકી ભરતી, રેડિકલાઇઝેશન અને ગ્રેનેડ હુમલા કરાવવાના ગંભીર આરોપો છે, તે હવે ભારતની આંતરિક રાજનીતિમાં ઝેર ઘોળવા માટે ઉપદ્રવીઓની ભાષા બોલી રહ્યો છે.

કોણ છે આતંકી ‘શહેઝાદ ભટ્ટી’

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સવાલ ઊભો થાય છે કે આ શહેઝાદ ભટ્ટી આખરે છે કોણ? તે કઈ રીતે પાકિસ્તાનથી બેસીને ભારત સામે આતંકી જાળ પાથરી રહ્યો છે? મૂળ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી અને રાવલપિંડીના કુખ્યાત ખોખર પરિવારના ગેંગસ્ટર ફારૂક ખોખરનો ભૂતપૂર્વ સાગરીત શહેઝાદ ભટ્ટી હવે ISIનો કટ્ટર પ્રોક્સી એજન્ટ બની ચૂક્યો છે. તે દુબઈ અને પાકિસ્તાન વચ્ચે મુવમેન્ટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતમાં ગુનાહિત અને કટ્ટરપંથી નેટવર્ક ચલાવે છે.

ભારતીય એજન્સીઓની તપાસમાં ખુલાસો થયો છે કે ભટ્ટી ‘તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન’ (TTH) નામના એક નવા આતંકી ફ્રન્ટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. TTHએ વાસ્તવમાં પાકિસ્તાનની ISIનો જ મહોરો છે. આ મહોરાનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર અને લોહિયાળ આતંકી હુમલા કરાવીને તેની જવાબદારી TTHના માથે નાખી દેવાનો છે, જેથી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન પોતાની નાપાક ભૂમિકા છુપાવી શકે અને ‘પ્લોસિબલ ડિનાયબિલિટી’નો લાભ લઈ શકે.

એટલું જ નહીં, ISIના ઈશારે ભટ્ટીનું આ નેટવર્ક ભારતમાં સક્રિય કેટલાંક ખાલિસ્તાની આતંકી સંગઠનો જેવાં કે ખાલિસ્તાન આર્મ્ડ ફોર્સ, પંજાબ સાર્વભૌમત્વ એલાયન્સ, ખાલિસ્તાન લિબરેશન આર્મી અને શેર-એ-પંજાબ બ્રિગેડ સાથે મળીને પણ પંજાબ અને આસપાસના રાજ્યોમાં વાતાવરણ બગાડવાનું કામ કરે છે. ભટ્ટી શીખ અને મુસ્લિમ સમુદાયના ગેરમાર્ગે દોરાયેલા કે બેરોજગાર યુવાનોને પૈસાની લાલચ આપીને પોતાના આતંકી મોડ્યુલમાં હોમી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ‘ભાઈ’, જમીન પર હેન્ડલર

શહેઝાદ ભટ્ટીનું આતંકી મોડ્યુલ પરંપરાગત આતંકવાદીઓ કરતાં સાવ અલગ છે. તે કટ્ટર જેહાદી વિચારધારાના સ્થાને ગેંગસ્ટર કલ્ચર, સોશિયલ મીડિયાનું ગ્લેમર, મોંઘી ગાડીઓ, પૈસા અને ઝેરીલા મજહબી પ્રચારનું આખું પેકેજ બનાવીને ભારતીય યુવાનોનું બ્રેઈનવોશ કરે છે. તે ખાસ કરીને એવા યુવાનોને નિશાન બનાવે છે જેઓ ગેરમાર્ગે દોરાયેલા હોય અથવા ગુનાહિત માનસિકતા ધરાવતા હોય.

NDTV Datafyના તાજેતરના વિશ્લેષણ મુજબ ભટ્ટીએ સોશિયલ મીડિયા પર પોતાનું આખું ‘ભટ્ટી-વર્સ’ ઊભું કર્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વ્હોટ્સએપ અને યુટ્યુબ પર તેના બે ડઝનથી વધુ એકાઉન્ટ્સ અને પેજ સક્રિય છે, જેના 1 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેના એકાઉન્ટ્સમાં પંજાબી ગીતો, મોંઘી ગાડીઓ, શેર-વાઘ સાથેના સ્ટંટ, વિદેશી પ્રવાસો અને પિસ્તોલો બતાવીને યુવાનોને આકર્ષવામાં આવે છે.

ભટ્ટી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાને એક ‘રોબિનહૂડ’ તરીકે રજૂ કરે છે. તે વિડીયો કોલ પર લોકોને પૈસા મોકલવાના નાટક કરે છે, પોતાના સાગરીતોને ‘પ્રા’ (ભાઈ) કહીને બોલાવે છે અને પોતાને ઇસ્લામનો રક્ષક ગણાવે છે. પરંતુ આ ગ્લેમરસ ચહેરા પાછળ એક ઝેરીલો જેહાદી છુપાયેલો છે. તે તાજેતરમાં પંજાબના ગુરદાસપુરમાં માર્યા ગયેલા ગુનેગાર રંજિત સિંઘના એન્કાઉન્ટરને પણ ‘ફેક’ ગણાવીને પંજાબમાં તણાવ ઊભો કરવાની કોશિશ કરી ચૂક્યો છે.

ભરતીનો ખેલ

સુરક્ષા એજન્સીઓની તપાસમાં ભટ્ટીના નેટવર્કની ભરતી માટેની એક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તે નવા જોડાયેલા યુવકને સીધો જ મોટો હુમલો સોંપતો નથી. શરૂઆતમાં તેમને નાની રકમ આપીને ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેમ કે દિલ્હી, ફરીદાબાદ કે દેહરાદૂનની દિવાલો પર ‘TTH’ની ગ્રાફિટી સ્પ્રે કરવી, સરકારી બિલ્ડિંગો કે પોલીસ સ્ટેશનોની રેકી કરવી અને વિડીયો બનાવવો.

એકવાર યુવક નાની રકમની લાલચમાં આ જાળમાં ફસાઈ જાય, એટલે તેને બ્લેકમેલ કરીને અથવા વધુ પૈસાની લાલચ આપીને ઘાતક આતંકી હુમલાઓ તરફ ધકેલવામાં આવે છે. રાજસ્થાનના બીકાનેર સરહદેથી 18 વર્ષના એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેણે ભટ્ટીના સાગરીતોને ભારતીય SIM કાર્ડ અને OTP પૂરા પાડ્યા હતા. આ જ રીતે સ્થાનિક યુવાનોનો ઉપયોગ કરીને સરહદ પારથી ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલાં હથિયારો મેળવવામાં આવતાં હતાં.

આ મોડ્યુલે કરેલ હુમલાઓ

આ નેટવર્કનો ખતરનાક ચહેરો ત્યારે સામે આવ્યો જ્યારે નવેમ્બર 2025માં હરિયાણાના સિરસા મહિલા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી NIAએ મે 2026માં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં પાકિસ્તાની હેન્ડલર તરીકે શહેઝાદ ભટ્ટી અને સોહેલ અહમદ ઉર્ફે સોહેલ બલોચને મુખ્ય કાવતરાખોર દર્શાવવામાં આવ્યા હતા. તેમણે સ્થાનિક યુવાનોને રેડિકલાઈઝ કરીને અમૃતસરથી ગ્રેનેડ મંગાવી આ હુમલો કરાવ્યો હતો.

સિરસા હુમલા ઉપરાંત આ જ આતંકી મોડ્યુલે ફેબ્રુઆરી 2026માં પંજાબના ગુરદાસપુરના દોરંગલા પોલીસ આઉટપોસ્ટ પર હુમલો કરીને બે પોલીસ જવાનોની હત્યા કરી હતી. ત્યારબાદ મે 2026માં અમૃતસરના મજીઠામાં પંજાબ પોલીસના ASI જોગા સિંઘની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. TTHએ આ બંને હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને હત્યાના વિડીયો શૂટ કરીને પાકિસ્તાની આકાઓને મોકલ્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ભય ફેલાવવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એપ્રિલ 2026માં દિલ્હી-NCRમાં એક મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. મધ્ય પ્રદેશના બે શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ ભટ્ટીના ઈશારે દિલ્હીની એક જાણીતી હોટલ અને ઝીરકપુરની એક ક્લબ પર ફાયરિંગ અને ગ્રેનેડ હુમલા કરવાની ફિરાકમાં હતા. તેઓ અમૃતસરથી પિસ્તોલ અને કારતૂસ લાવ્યા હતા અને કાવતરું પાર પાડે તે પહેલાં જ પકડાઈ ગયા હતા.

ઉત્તરાખંડના દેહરાદૂનમાં પણ ‘ઑપરેશન પ્રહાર’ હેઠળ વિક્રાંત કશ્યપ નામના આતંકી સાગરીતની ધરપકડ થઈ હતી. તેણે પોલીસ હેડક્વાર્ટર અને ISBT જેવા સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી હતી અને TTHના ગ્રાફિટી ચીતર્યા હતા. તેને આ કામ બદલ નેપાળ રસ્તે દુબઈના વિઝા આપવાની લાલચ અપાઈ હતી. આ જ રીતે આસામના ધુબરી અને ચિરાંગ જિલ્લામાંથી પણ ભટ્ટી નેટવર્કના 3 સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.

શહેઝાદ ભટ્ટીનું આ ડિજિટલ સામ્રાજ્ય ‘333’ અને ‘software update’ જેવા કોડવર્ડ્સ પર ચાલે છે. તે પાકિસ્તાનમાં બેઠેલા વિડીયો એડિટરો પાસે પોતાના જુના વિડીયો રી-એડિટ કરાવીને ભારતવિરોધી પ્રોપેગન્ડા ફેલાવે છે. ભારત સરકાર જ્યારે તેના આ વિડીયો એકાઉન્ટ્સ બ્લોક કરે છે, ત્યારે તે તરત જ નવા ફેક પ્રોફાઈલ બનાવીને ભારતની સુરક્ષા એજન્સીઓ સાથે ‘કેટ એન્ડ માઉસ’ ગેમ રમવાનો પ્રયાસ કરે છે.

ધરપકડ બાદ કેમ બોલ્યો ભટ્ટી?

હવે જ્યારે ભારતની એજન્સીઓએ 14 રાજ્યોમાં એકસાથે દરોડા પાડીને તેના 253 જેહાદી મોડ્યુલ ઑપરેટિવ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, ત્યારે ભટ્ટીની કમર તૂટી ગઈ છે. પોતાની નાપાક ગેંગ ભાંગી પડતાં અકળાયેલા ભટ્ટીએ હવે ભારતના વિપક્ષી અને વિરોધ કરનારાં જૂથોની ભાષા બોલવાનું શરૂ કર્યું છે, જેથી તે ભારતના વાતાવરણને વધુ ડહોળી શકે અને અરાજકતા ફેલાવી શકે.

ભટ્ટી દ્વારા CJP અને જંતર-મંતરના ઉપદ્રવીઓને ‘વંદા’ કે ‘કોકરોચ’ ગણાવીને તેમને કાનૂની અને નાણાકીય મદદ આપવાની ઓફર કરવી એ દર્શાવે છે કે આ આતંકી હવે ભારતની આંતરિક બાબતોમાં લાભ ઉઠાવવા માંગે છે. તે ભારતના આંતરિક મતભેદો અને રાજકીય વિરોધનો ઉપયોગ કરીને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો નાપાક પ્રયાસ કરી રહ્યો છે.

ભારતના દેશવિરોધી તત્વો અને CJP જેવા જૂથોને આ પાકિસ્તાની જેહાદીનું સમર્થન મળવું એ સાબિત કરે છે કે દેશને અંદરથી તોડવા માંગતા તત્વો અને સરહદ પારના આતંકવાદીઓની ભાષા એક જ છે. આ દેશવિરોધી પ્રતીકો અને આતંકીઓનું ગઠબંધન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર બાબત છે.

ભટ્ટીનો 3,000 માણસો બહાર હોવાનો દાવો માત્ર અને માત્ર જૂઠ અને પ્રોપેગન્ડા છે. પોતાના નેટવર્કના નવા યુવાનોનો ભરોસો ન તૂટે અને તેમની અંદર આતંકનું આકર્ષણ જળવાઈ રહે તે માટે આ જેહાદી પાકિસ્તાનમાં બેસીને મોટી મોટી ડંફાસો હાંકી રહ્યો છે.

પરંતુ ભટ્ટીએ ભૂલી જવું ન જોઈએ કે આ નવું ભારત છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારતની સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓના આકાઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા સક્ષમ છે. 14 રાજ્યોમાં એકસાથે પડેલા દરોડા એ વાતની સાબિતી છે કે ISIનો આ ડિજિટલ જેહાદ હવે ભારતમાં ચાલવાનો નથી.

શહેઝાદ ભટ્ટીનું ગ્લેમરસ સોશિયલ મીડિયા મોડલ હવે દેશના યુવાનો સામે ખુલ્લું પડી ગયું છે. યુવાનો હવે સમજી રહ્યા છે કે ‘ભાઈ’ અને ‘રોબિનહૂડ’ બનવાનું નાટક કરતો આ શખ્સ વાસ્તવમાં ISIનો દલાલ છે, જે ભારતીય યુવાનોના હાથમાં બંદૂક આપીને તેમને જેહાદની આગમાં હોમી રહ્યો છે.

પાકિસ્તાનની ISI પણ આ ભટ્ટી જેવા ગેંગસ્ટરોનો ઉપયોગ કરીને ભારત સામે ‘હાઈબ્રિડ વોરફેર’ લડી રહી છે. પરંપરાગત યુદ્ધમાં ભારત સામે હારી ચૂકેલું પાકિસ્તાન હવે ડિજિટલ મીડિયા, ગેંગસ્ટર કલ્ચર અને ‘TTH’ જેવા પ્રોક્સી નામોનો ઉપયોગ કરીને ભારતને અંદરથી નબળું પાડવાનો અસફળ પ્રયાસ કરી રહ્યું છે.

પરંતુ 253ની ધરપકડ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આ નાપાક આતંકી નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કટિબદ્ધ છે. ભટ્ટી ગમે તેટલા વિડીયો બનાવી લે કે CJPના કોકરોચોને ગમે તેટલું સમર્થન આપી દે, ભારત સરકાર તેનો અને તેના દરેક મોહરાનો હિસાબ કરીને જ રહેશે.

અંતમાં, આ લડાઈ માત્ર બંદૂકધારી આતંકીઓ સામે નથી, પરંતુ મોબાઈલ સ્ક્રીન પરથી ચાલતા આતંકી નેરેટિવ સામે પણ છે. ભટ્ટી જેવા આતંકીઓ જ્યારે ભારતના વિપક્ષ અને ઉપદ્રવીઓને સમર્થન આપવા લાગે, ત્યારે દેશવાસીઓએ પણ સમજી જવું જોઈએ કે આ અરાજકતા પાછળ પાકિસ્તાન અને ISIનો કાળો હાથ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં