હિંદુ યુવતીઓને ફસાવીને બ્લેકમેલ કરવાના આરોપસર સુરેન્દ્રનગરના જિમ સંચાલક અમીન મુલતાનીની ધરપકડ, બે જિમ સીલ

સુરેન્દ્રનગરમાં હિંદુ યુવતીઓ સાથે સંબંધ કેળવીને તેમના ફોટા-વિડીયો લઈ બ્લેકમેલ કરવાના આરોપસર એક જિમ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ અમીન મુલતાની તરીકે થઈ છે. સાથે પોલીસે બે જિમ સીલ કરી દીધાં છે.

ઘટના સુરેન્દ્રનગરના ટીબી હોસ્પિટલ રોડ પર સ્થિત એક જિમની છે. ‘ક્લબ 71’ નામના આ જિમના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સાથે 80 ફૂટ રોડ પર આવેલા આ જ નામના અન્ય એક જિમને પણ સીલ કરવામાં આવ્યું છે અને મુલતાનીની ઑફિસ પણ સીલ કરી દેવામાં આવી છે.

શુક્રવારે (2 ઑક્ટોબર) મોડી રાત્રે પોલીસે કાર્યવાહી કર્યા બાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે (PGVCL) જિમનું વીજ કનેક્શન પણ કાપી નાખ્યું હતું.

પોલીસ હાલ અમીન મુલતાનીની ધરપકડ કરીને તપાસ અને પૂછપરછ કરી રહી છે. જેના માટે જિમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે મુલતાનીના વોટ્સએપની ચેટ, અન્ય ડેટા વગેરે પણ ચકાસવામાં આવી રહ્યા છે.

આરોપ છે કે જિમમાં આવતી હિંદુ યુવતીઓ સાથે સંબંધ કેળવ્યા બાદ મુલતાની તેમની નજીક આવતો અને ફોટા-વિડીયો બનાવી લેતો હતો અને તેના આધારે યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતી. આ રીતે આખું એક નેટવર્ક ચાલતું હોવાની આશંકા છે. આ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. એક અહેવાલ અનુસાર લગભગ 70થી 80 યુવતીઓના ફોટોગ્રાફ મળી આવ્યા છે.

પોલીસે આ મામલે જિમના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ આમાં સંડોવાયેલું છે કે કેમ તે મામલે પણ તપાસ ચાલે છે.