મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સાહસ અને સમયસૂચકતા દાખવનારા ગુજરાતી મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ વચ્ચે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ અને તેની પાછળ રહેલા ગૌરવશાળી ઇતિહાસ અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે જે અદ્ભુત હિંમત, ધૈર્ય અને સૂઝબૂઝ દાખવીને ફ્લાઇટમાં સવાર 174 મુસાફરોના પ્રાણ બચાવ્યા છે, તેનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ વિશ્વભરમાં રોશન થયું છે. પરંતુ આ સન્માનની ચર્ચા માત્ર એક વીર પાયલટની સાહસિક ઘટના પૂરતી મર્યાદિત નથી. તેની પાછળ ગુજરાત સરકારના એક એવા રાજ્ય સન્માનનો બે દાયકા જૂનો ઇતિહાસ છે, જેને રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક ગણવામાં આવે છે.
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 1, 2026
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત…
વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થયેલું આ સન્માન ઉદ્યોગપતિઓ, સર્જનો, વિજ્ઞાનીઓ, સમાજસેવકો, કલાકારો અને રમતવીરોથી લઈને હવે એક શૂરવીર પાયલટ સુધી પહોંચ્યું છે. પ્રથમ જોઈએ કે સ્મિત મચ્છરને આ સન્માન આપવાની જાહેરાત કેમ કરવામાં આવી.
સ્મિત મચ્છરને કેમ મળી રહ્યો છે આ એવોર્ડ
વાત 30 સપ્ટેમ્બર 2026ની સવારની છે. ફ્લાયદુબઈ એરલાઇન્સની ફ્લાઇટ FZ1073 દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જવા માટે રવાના થઈ હતી. આ વિમાનમાં કુલ 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. વિમાન જ્યારે આકાશમાં આશરે 33,000થી 34,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું, ત્યારે કોકપિટમાં રહેલા ઓમાની મુસ્લિમ કો-પાયલટે ફ્લાઇટના મુખ્ય કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો.
અહેવાલ અનુસાર હુમલાખોર કો-પાયલટે વિમાનને ક્રેશ કરવા આ હુમલો કર્યો હતો. ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અનુસાર, માત્ર એક જ મિનિટના ટૂંકા ગાળામાં વિમાન 33,000 ફૂટની ઊંચાઈથી ઘટીને 17,000 ફૂટ સુધી નીચે આવી ગયું હતું. કો-પાયલટના અચાનક થયેલા આ હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છરના શરીર પર ગંભીર ઘા વાગ્યા હતા અને તેઓ સતત લોહીલુહાણ થઈ રહ્યા હતા.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો સિક્યોરિટી દરવાજો અનલોક કર્યો. દરવાજો ખુલી જતાં અને હુમલાખોર કાબૂમાં આવતાં અન્ય બે પાયલટ્સે કોકપિટમાં જઈને વિમાનની કમાન સંભાળી લીધી. ત્યારબાદ વિમાનનું સાઉદી અરેબિયાના તબુક સ્થિત ‘પ્રિન્સ સુલતાન બિન અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
કેપ્ટન સ્મિત મચ્છરની આ અસાધારણ સમયસૂચકતા અને શૌર્યને કારણે જ 174 નિર્દોષ લોકોના જીવ બચી શક્યા. હાલમાં સ્મિત મચ્છર સાઉદી અરેબિયાના તબુકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સુધારા પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિત વૈશ્વિક નેતાઓએ સ્મિત મચ્છરના આ સાહસની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
કેપ્ટન સ્મિત મચ્છર મૂળ ગુજરાતના છે અને તેમનો પરિવાર મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સ્થાયી થયેલો છે. શરૂઆતમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને મુંબઈની વલિંગકર ઇન્સ્ટિટ્યૂટમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી ન્યૂઝીલેન્ડમાં એક એવિએશન સેમિનારમાં ભાગ લીધા બાદ તેમણે પાયલટ બનવાનો નિર્ણય લીધો હતો.
તેમણે સ્પાઇસજેટ એરલાઇન્સમાં 11 વર્ષથી વધુ સમય સુધી સિનિયર કમાન્ડર તરીકે સેવા આપી હતી અને જૂન 2022થી તેઓ ફ્લાયદુબઈમાં કેપ્ટન તરીકે કાર્યરત છે, જ્યાં તેમની પાસે બોઇંગ વિમાનો ઉડાડવાનો આશરે 9,750 કલાકનો બહોળો અનુભવ છે. તેમની બહાદુરીના કારણે તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ મળવાનો છે.
‘ગુજરાત ગરિમા એવોર્ડ’ શું છે?
ગુજરાત ગરિમા એવોર્ડની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. આ એવોર્ડની શરૂઆત કરવા પાછળનો મુખ્ય હેતુ એવો હતો કે દેશ કે વિદેશમાં વસતા એવા ગુજરાતીઓ અથવા ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી એવી વિશેષ વ્યક્તિઓને બિરદાવવી, જેમણે પોતાના ક્ષેત્રમાં અસાધારણ કામગીરી કરીને ગુજરાત અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઊંચું કર્યું હોય.
આ પુરસ્કારને ‘ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર’ ગણવામાં આવે છે. ગુજરાત ગરિમા એવોર્ડ કોઈ ચોક્કસ ક્ષેત્ર કે વ્યવસાય પૂરતો મર્યાદિત નથી. આ એવોર્ડ ઔદ્યોગિક વિકાસ, અર્થશાસ્ત્ર, તબીબી સેવા, આરોગ્ય, સામાજિક સેવા, પરોપકાર, માનવતા, શિક્ષણ, સંશોધન, કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, સાહસિક પ્રવૃત્તિઓ તેમજ અસાધારણ શૌર્ય અને જનરક્ષા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.
2004માં મોદી સરકાર દરમિયાન એવોર્ડની શરૂઆત
આ એવોર્ડની 22 વર્ષની યાત્રા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે રાજ્ય સરકારે દર વખતે અલગ-અલગ ક્ષેત્રમાં પોતાનું આયુષ્ય સમર્પિત કરનાર રત્નોને આ એવોર્ડ આપે છે. 13 જાન્યુઆરી 2004ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ‘વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્સવ’માં દેશના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રથમ ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
તે સમયે આ સન્માન પાંચ લોકોને આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ રતન ટાટા અને રાજ્યને વૈશ્વિક પેટ્રોકેમિકલ હબ બનાવનાર મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. આ સિવાય આરોગ્ય ક્ષેત્રે મોટું પ્રદાન આપનાર જાણીતા સર્જન ડૉ. દિનેશ પટેલ, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના ક્ષેત્રે અદ્ભુત સંશોધનો કરનાર અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી અને ‘ઇન્ડીકોર્પ્સ’ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક કાર્ય કરનાર આનંદ શાહને પણ આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વર્ષ 2007માં અમેરિકામાં વસતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કિરણ સી. પટેલને ભારત અને અમેરિકામાં શિક્ષણ તથા તબીબી ક્ષેત્રે કરોડો ડૉલરનું દાન આપવા બદલ આ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2009માં L&Tના તત્કાલીન ચેરમેન એ. એમ. નાઈકને ગુજરાતમાં વિશાળ ઔદ્યોગિક વિકાસની સાથે દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે બહુમૂલ્ય સામાજિક યોગદાન આપવા બદલ આ એવોર્ડ એનાયત થયો હતો.
2022માં વિસ્તર્યો એવોર્ડનો વ્યાપ
વર્ષ 2022માં ગુજરાત ગરિમા એવોર્ડનો વ્યાપ સામાજિક સેવા અને કળા ક્ષેત્ર સુધી વિસ્તર્યો હતો. આ વર્ષે સુરતની ‘ડોનેટ લાઈફ’ સંસ્થા દ્વારા અંગદાન અંગે મોટી જાગૃતિ લાવી હજારો લોકોને નવું જીવન આપનાર નિલેશ માંડલેવાલાને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શારીરિક પડકારો હોવા છતાં યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો જીતીને દેશનું નામ રોશન કરનાર ‘રબર ગર્લ’ અન્વી ઝાંઝરૂકિયાને આ એવોર્ડ એનાયત થયો હતો. આ સિવાય 2022માં જ પોતાની ગાયકી તથા ચૅરિટી શો દ્વારા દીકરીઓના શિક્ષણ અને સામાજિક કાર્યો માટે ભંડોળ એકત્ર કરનાર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીને પણ આ એવોર્ડ એનાયત કરાયો હતો.
1 મે 2023ના રોજ જામનગરમાં એક વિશેષ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુની સેવા આશ્રમના (ગોરજ) સ્થાપક સ્વ. અનુબેન ઠક્કરને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ માટે અદ્ભુત કામ કર્યું હતું.
આ જ સમારોહમાં અન્ય બે મહાનુભાવોને પણ એવોર્ડ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ડાંગના આદિવાસી એથ્લેટ સરિતા ગાયકવાડને આ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમની સાથે જાણીતા હાસ્યકલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીને પણ એવોર્ડ મળ્યો હતો, જેમણે પોતાના કાર્યક્રમોની કમાણીમાંથી કરોડો રૂપિયા સરકારી હોસ્પિટલો અને શાળાઓને દાનમાં આપ્યા છે.
આ ઉપરાંત 1 મે 2025ના રોજ પંચમહાલ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બે મહાનુભાવોને ‘ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ચારૂતર વિદ્યામંડળના (CVM) ચેરમેન ભીખુભાઈ પટેલને શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપવા બદલ આ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય ડૉ. રાહુલ કુમાર એમ. પડવાલને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમણે દાહોદ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં સેવા આપી હતી. તેમણે જોખમી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડી હતી.
આ ઉપરાંત વર્ષ 2026માં વર્ષ રાજ્યકક્ષાના ‘ગુજરાત ગૌરવ દિવસ’ની ઉજવણી દરમિયાન 2 મે 2026ના રોજ સુરતના ડુમસ સી-ફેસ ખાતે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ 5 પ્રતિભાઓને આ ગૌરવશાળી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ મેળવનારાઓમાં કલા ક્ષેત્રે ભરત કાંતિલાલ સાલવી, સામાજિક સેવા માટે હસમુખ દવે, મેડિકલ સેવા ક્ષેત્રે ડૉ. ધવલ નાયક, રમતગમત ક્ષેત્રે બકુલાબેન પટેલ તેમજ રમતગમત અને કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ માટે હેત્વી ખીમસુરિયાનો સમાવેશ થાય છે.
આ મુખ્ય સમારોહમાં પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, નિલેશભાઈ માંડલેવાળા, ડૉ. કનુભાઈ ટેલર અને હર્મિત દેસાઈના પરિવારજનો સહિત અન્ય અગ્રણી હસ્તીઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. જોકે, તેમને ગુજરાત ગરિમા એવોર્ડથી અલગ રીતે સન્માનિત કરાયા હતા.
હમણાંથી આ એવોર્ડ 1 મેના રોજ જ આપવામાં આવે છે, જોકે એવો કોઈ ચોક્કસ નિયમ નથી. તાજેતરના વર્ષોમાં તેને 1 મે ‘ગુજરાત ગૌરવ દિવસ’ના દિવસે જ આપવામાં આવે છે. પરંતુ શરૂઆતમાં 2004 અને 2009ના એવોર્ડ જાન્યુઆરી મહિનામાં આપવામાં આવ્યા હતા. તેથી, રાજ્ય સરકાર વિશેષ સિદ્ધિઓ કે અસાધારણ પ્રસંગો વખતે ગમે ત્યારે આ એવોર્ડની જાહેરાત કરી શકે છે.
આ એવોર્ડની વિશેષતા એ છે કે આ એવોર્ડ માત્ર ગુજરાતમાં રહેતા લોકો પૂરતો સીમિત નથી. દેશ કે વિદેશમાં (NRI) વસતા એવા તમામ ગુજરાતીઓ, જેમણે ડૉ. દિનેશ પટેલ, ડૉ. કિરણ પટેલ કે આનંદ શાહની જેમ વૈશ્વિક સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું હોય, તેમને પણ આ સન્માન આપવામાં આવે છે.
તેમજ આ એવોર્ડ માત્ર મોટા ઉદ્યોગપતિઓ માટે જ નથી. રતન ટાટા અને મુકેશ અંબાણી ઉપરાંત સરિતા ગાયકવાડ, અન્વી ઝાંઝરૂકિયા અને નિલેશ માંડલેવાલા જેવા સામાન્ય, પરિશ્રમી અને સેવાભાવી નાગરિકોને પણ તેમની વિશેષ સિદ્ધિઓ બદલ એવોર્ડ મળ્યો છે.
નોંધનીય છે કે વર્ષ 2026ના એવોર્ડ એનાયત થઈ ચૂક્યા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાયલટ સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાની જાહેરાત કરી છે, જે દર્શાવે છે કે સરકાર વીરતા અને શૌર્ય દાખવનારા નાયકોની કદર કરે છે.
વર્ષ 2004થી શરૂ થયેલી ગુજરાત ગરિમા એવોર્ડની પ્રેરણાદાયી યાત્રા આજે 2026માં પાયલટ સ્મિત મચ્છર સુધી પહોંચી છે. આ ઘટના સાબિત કરે છે કે ગુજરાતીઓની ઓળખ માત્ર વેપાર-ઉદ્યોગ પૂરતી નથી, પરંતુ સંકટના સમયે સાહસ અને સમર્પણ દાખવવું એ પણ તેમના લોહીમાં વણાયેલું છે.


