દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં ઓમાન મૂળના એક કેપ્ટને સાથી કેપ્ટનને ચાકુ મારી દીધા બાદ વિમાનનું સાઉદી અરબના એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ ચકચારી ઘટનામાં નવી વિગતો સામે આવી છે. જે અનુસાર જે પાયલટને ચાકુ મારવામાં આવ્યું હતું એ ભારતીય મૂળના હતા. સ્મિત મછાર નામના આ મૂળ ગુજરાતી પાયલટ ફ્લાયદુબઈની એ ફ્લાઇટના કમાન્ડિંગ પાયલટ હતા, જેમને સાથી પાયલટે ચાકુ મારી દીધું હતું. ત્યારબાદ સ્મિતે ઘાયલ અવસ્થામાં પણ કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો અને ત્યારબાદ ક્રૂ અને અન્ય પેસેન્જરોએ જઈને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
ઘટના બુધવારે (30 સપ્ટેમ્બર) સવારે બની હતી. ભારતીય સમય અનુસાર સવારે 8:30 આસપાસ દુબઈથી નીકળેલી ફ્લાયદુબઈની ફ્લાઇટે લગભગ 11 વાગ્યા આસપાસ એક ઇમરજન્સી કોડ ટ્રાન્સમિટ કર્યો હતો. ત્યારબાદ હાઇજેકિંગનો કોડ મોકલવામાં આવ્યો. તેની બરાબર પહેલાંની ક્ષણોમાં વિમાન અચાનક 35000 ફિટ પરથી 19000 ફિટ પર આવી ગયું હતું.
વિમાનના પાયલટ ભારતીય મૂળના સ્મિત મછાર હતા. તેમની સાથે ઓમાનનો એક સાથી પાયલટ હતો. આશંકા છે કે ઓમાનના પાયલટે વિમાન ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્મિતે વિરોધ કરતાં તેમની ઉપર સાથી પાયલટે ચાકુ વડે હુમલો કરી દીધો હતો.
ઈજાગ્રસ્ત હોવા છતાં દરવાજો ખોલ્યો, ત્યારબાદ પેસેન્જરો અંદર આવી શક્યા
સ્મિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હોવા છતાં તેમણે જઈને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યારબાદ સ્થિત ભાળી ગયેલા અમુક પેસેન્જરો અને ક્રૂ મેમ્બરો કોકપિટમાં ધસી ગયા હતા. તેમણે ઓમાનના પાયલટને કાબૂમાં લીધો હતો. દરમ્યાન પેસેન્જરોમાં હાજર બે પાયલટે વિમાનનું નિયંત્રણ હાથમાં લઈને વિમાનને સાઉદીમાં સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું.
The pilot who was stabbed on FlyDubai flight 1073 has been identified as Captain Smit Machchhar, an Indian national based in Dubai, reports @ariel_oseran.
— Israel War Room (@IsraelWarRoom) September 30, 2026
We are praying for Captain Machchhar’s recovery🙏 pic.twitter.com/Unw0yO6Z7l
અગાઉ એક પ્રશ્ન હતો કે કોકપિટમાં બે પાયલટ વચ્ચે આ બધું બન્યું તો પેસેન્જરો અંદર કઈ રીતે પ્રવેશી શક્યા કારણ કે વિમાનમાં કોકપિટનો દરવાજો બહારથી અંદરના પાયલટની મંજૂરી વગર ખોલી શકાતો નથી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે સ્મિતે પોતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં જાતે દરવાજો ખોલીને પેસેન્જરોને જાણ કરી હતી.
એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં સ્મિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે છે અને ઇઝરાયેલી પેસેન્જરો તેમનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે તમે અમને બધાને બચાવી લીધા.લેન્ડિંગ બાદ બંને પેસેન્જરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ મુસાફરો માટે ઈઝરાયેલે વિશેષ ફ્લાઇટ મોકલી હતી, જે હવે ફરી તેલ અવીવ લેન્ડ થઈ ચૂકી છે.
ઈન્ટરનેટ પર ભારતીય પાયલટનો આભાર માનવામાં આવી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે તેમની હિંમતના કારણે વધુ એક 9/11 જેવો હુમલો થતાં રહી ગયો.
11 વર્ષ સ્પાઇસજેટમાં કામ કર્યું, 2022માં ફ્લાયદુબઈમાં જોડાયા હતા
સ્મિત મછારની વાત કરીએ તો તેઓ મૂળ ગુજરાતના હોવાનું કહેવાય છે. બેંગ્લુરુની વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવ્યા બાદ તેમણે પાયલટ તરીકે કારકિર્દી આગળ વધારી.
તેઓ લગભગ 11 વર્ષ સુધી સ્પાઇસજેટ સાથે કામ કરી ચૂક્યા હતા. જૂન 2011થી 2022 સુધી તેઓ સ્પાઇસજેટમાં પાયલટ તરીકે રહ્યા. ત્યારબાદ જૂન 2022માં તેઓ ફ્લાયદુબઈ સાથે ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે જોડાયા હતા. ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન એટલે કોઈ એરલાઈન્સ કંપની સીધી અન્ય કંપનીમાં કામ કરી ચૂકેલા કેપ્ટનને કેપ્ટન તરીકે હાયર કરે છે અને તેમણે જે-તે કંપનીમાં ફરીથી ફર્સ્ટ ઑફિસર તરીકે કામ કરવું પડતું નથી.
સેંકડો માણસોના જીવ બચાવનાર સ્મિતની હવે પ્રશંસા થઈ રહી છે. ઇઝરાયેલીઓ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.


