
દિવાળીના તહેવાર પહેલાં દિલ્હીના મુખ્ય બજારોમાં ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ જ સમયે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ઇન્ડી ગઠબંધનની રેલીને કારણે વેપારીઓની ચિંતાઓ વધી છે. દિલ્હીના વેપારીઓના સંગઠન ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ (CTI) કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રેલી દિવાળી પછી યોજવાની અપીલ કરી છે.
સંગઠનનું કહેવું છે કે રેલીમાં 10 લાખ લોકો અને 15,000થી 20,000 બસો આવવાની શક્યતા છે. જો આટલી મોટી સંખ્યામાં લોકો રાજધાનીના વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં પહોંચશે તો વાહનવ્યવહાર, બજારો સુધીની અવરજવર અને માલસામાનની હેરફેર પર ગંભીર અસર પડી શકે છે. વેપારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આના કારણે ₹10,000 કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.
દિવાળીના ખરીદીના દિવસોમાં રેલી યોજવાના નિર્ણય સામે વેપારીઓની નારાજગી
દિલ્હીના વેપારીઓ માટે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજનો સમયગાળો વર્ષના મહત્વપૂર્ણ વ્યાપારી સમયગાળામાંનો એક છે. આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે, દિવાળી 8 નવેમ્બરે અને ભાઈબીજ 10 નવેમ્બરે છે. આ તહેવારો પહેલાં ગ્રાહકો કપડાં, ઘરવપરાશની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, સોના-ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે બજારોમાં પહોંચે છે.
દિલ્હીની અનેક જથ્થાબંધ બજારોમાં દેશના જુદા-જુદા ભાગોમાંથી વેપારીઓ અને ગ્રાહકો ખરીદી માટે આવે છે. આવા સમયે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં રેલી યોજાવાથી વ્યાપારી પ્રવૃત્તિઓ ખોરવાઈ શકે છે, એવી CTIએ ચિંતા વ્યક્ત કરી છે.
રામલીલા મેદાનની આસપાસ પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ખારી બાવલી, કાશ્મીરી ગેટ અને અન્ય મહત્વની જથ્થાબંધ તથા છૂટક માર્કેટો આવેલી છે. CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર રેલી દરમિયાન પોલીસ બેરિકેડિંગ, રસ્તાઓ પર પ્રતિબંધો, વાહનવ્યવહારના માર્ગોમાં ફેરફાર અને મેટ્રો સ્ટેશનો બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.
તેના કારણે રોજ બજારોમાં ખરીદી માટે આવતા ત્રણથી ચાર લાખ ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. બજારો સુધી પહોંચી ન શકતા ગ્રાહકો અને માલસામાનની હેરફેરમાં અવરોધોનો સીધો માર વેપારીઓને પડી શકે છે.
ગોયલે જણાવ્યું છે કે રામલીલા મેદાનમાં માત્ર 50,000 લોકોની ક્ષમતા હોવા છતાં રેલીમાં 10 લાખ લોકો આવવાની વાત કરવામાં આવી રહી છે. જો આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર અને વ્યવસ્થાપન પર ભારે દબાણ ઊભું થવાની આશંકા છે.
CTIએ અગાઉ પણ વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. દિલ્હીમાં અગાઉના વિરોધ પ્રદર્શનોના કારણેછેલ્લા 25 દિવસમાં વેપારીઓને આશરે ₹3,000 કરોડનું નુકસાન થયું છે. હવે દિવાળીના તહેવાર પહેલાં વધુ એક વિશાળ રેલી યોજાવાથી નુકસાનમાં વધારો થઈ શકે છે.
રાહુલ ગાંધીનો જવાબ
વેપારીઓની અપીલના જવાબમાં રાહુલ ગાંધીએ 26 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ પર નિવેદન આપ્યું હતું. તેમણે દિલ્હીના વેપારીઓને સંબોધીને કહ્યું કે મેટ્રો બંધ થવા, રસ્તાઓ પર પ્રતિબંધો અને રાજધાનીમાં ઊભી થયેલી મુશ્કેલીઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. રાહુલ ગાંધીએ ચૂંટણીમાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવીને દાવો કર્યો કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવે તો 30 સેકન્ડમાં વિરોધ પ્રદર્શનો બંધ થઈ જશે.
રાહુલ ગાંધીના આ જવાબથી વેપારીઓની મુખ્ય માગણીનો ઉકેલ આવ્યો નથી. વેપારીઓનો મુદ્દો ચૂંટણી સુધારા અંગેના રાજકીય વિવાદથી અલગ છે. તેમની ચિંતા એ છે કે દિવાળીના તહેવાર પહેલાં બજારોમાં ગ્રાહકોની અવરજવર ખોરવાય નહીં અને વેપારને નુકસાન ન થાય. તેઓ રેલી યોજવાના અધિકારનો વિરોધ કરવાને બદલે તેની તારીખ દિવાળી પછી રાખવાની અપીલ કરી રહ્યા છે.
To every trader in Delhi: We love you and hear you. The Govt shut the metro, sealed our roads and locked down our capital. With a stolen vote nothing is safe – your shop, your savings, your children’s future. Tell Modi to sack accused no. 4, Gyanesh Kumar and the protests will stop in 30 seconds. दिल्ली के हर व्यापारी से: हम आपसे प्यार करते हैं, आपकी बात सुन रहे हैं। मेट्रो सरकार ने बंद की, सड़कें सरकार ने सील की, राजधानी पर ताला सरकार ने लगाया। जब वोट ही चोरी हो जाए, तो कुछ भी सुरक्षित नहीं – न आपकी दुकान, न आपकी बचत, न आपके बच्चों का भविष्य। मोदी जी से कहिए – आरोपी नंबर 4, ज्ञानेश कुमार को हटाएं, 30 सेकंड में आंदोलन रुक जाएगा।
— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2026
CTIએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ પત્ર લખીને ઇન્ડી ગઠબંધનના નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવા કહ્યું છે. સંગઠન ઇચ્છે છે કે રેલી 10 નવેમ્બર પછી યોજવામાં આવે, જેથી દિવાળીના ખરીદીના દિવસોમાં વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ખડગેએ પત્ર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વેપારીઓની અપીલ અંગે વિચારણા કરવામાં આવશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ થશે. જોકે, રેલીની તારીખ બદલવા અંગે અંતિમ નિર્ણય જ લેવામાં આવ્યો નથી અને રાહુલ ગાંધીએ ઉડાઉ જવાબ આપી દીધા છે!
બીજી તરફ, ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે રાહુલ ગાંધીના નિવેદન પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે જો રસ્તાઓ બંધ થયા અને મેટ્રો સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સ્થિતિ ઊભી થઈ તો વહીવટીતંત્રને આવાં પગલાં ભરવાની ફરજ શા માટે પડી?
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતાઓ રેલીને દિવાળી પછી યોજવાની માગણી સ્વીકારતા નથી, જેના કારણે હિંદુ તહેવારો અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે.
જ્યારે ભારત જોડો યાત્રાને ક્રિસમસ માટે અપાયો હતો વિરામ!
રાહુલ ગાંધીની આ હરકત બાદ તેમની ‘ભારત જોડો યાત્રા’ પણ સવાલ ઉઠી શકે છે. યાત્રા 24 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો અને 3 જાન્યુઆરી, 2023ના રોજ તે ફરી શરૂ થઈ હતી. આ વિરામમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીનો સમયગાળો પણ આવતો હતો.
હાલના વિવાદમાં મુખ્ય સવાલ એ છે કે જ્યારે દિલ્હીના વેપારીઓ દિવાળીના વ્યાપારી સમયગાળામાં બજારો સુધી ગ્રાહકોની પહોંચ અને વેપારને થનારા સંભવિત નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઇન્ડી ગઠબંધન રેલીની તારીખ બદલવા તૈયાર થતું નથી.

