ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં હાઇકોર્ટે પક્ષકારોને મોકલી નોટિસ, મસ્જિદ ટ્રસ્ટ-ASI આપશે જવાબ: 2 નવેમ્બરે આગલી સુનાવણી

ભરૂચની જામા મસ્જિદના વિવાદમાં હવે ગુજરાત હાઇકોર્ટે નોટિસ પાઠવી છે. સોમવારે (26 ઑક્ટોબર) યોજાયેલી સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને નોટિસ મોકલી હતી, જેમાં આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા, ગુજરાત સરકાર, ભારત સરકાર અને મસ્જિદના ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે. તમામ જવાબ રજૂ કરશે ત્યારબાદ 2 નવેમ્બરના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી છે કે હાલમાં જે સ્થળ જામા મસ્જિદ તરીકે ઓળખાય છે તે મૂળભુત રીતે અત્યંત પ્રાચીન જૈન ધાર્મિક સ્થળ ‘અશ્વબોધ તીર્થ’ અને ‘શકુનિકા વિહાર’ છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે પરિસરમાં રહેલી ભગવાન મલ્લિનાથની મૂર્તિ અને અન્ય પવિત્ર ધાર્મિક અવશેષોનું તાત્કાલિક સંરક્ષણ કરવામાં આવે. સાથે જ, પુરાતત્વીય તપાસની પણ માગણી કરવામાં આવી છે જેથી જૈન સમાજ અહીં પૂજા કરી શકે.

આ મામલે હવે મસ્જિદ ટ્રસ્ટ અને ASI સહિતના પક્ષકારો જવાબો રજૂ કરશે.

અગાઉ 9 ઑક્ટોબરે પણ થઈ હતી સુનાવણી

આ વિવાદ પહેલી વખત ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. 9 ઑક્ટોબર, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન અરજદારોએ દલીલ કરી હતી કે ભરૂચની જામા મસ્જિદ તરીકે નોંધાયેલું માળખું મૂળ જૈન ધાર્મિક સ્થળ છે. તે સમયે હાઇકોર્ટે ASI પાસે આ દાવાની વિગતો મેળવી રજૂ કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ આ મામલે 26 ઑક્ટોબરે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ASI, ભરૂચ જિલ્લા કલેકટર, જામા મસ્જિદનું સંચાલન કરતી સમિતિ અને કેસમાં સામેલ અન્ય સબંધિત સરકારી અધિકારીઓ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. હવે આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ થશે.

અરજદારોની મુખ્ય માગણી છે કે ASIના રેકોર્ડમાં મસ્જિદ તરીકે નોંધાયેલા આ માળખાની સાચી ઓળખ જાહેર કરવામાં આવે અને તેને તેના મૂળ પવિત્ર નામ ‘અશ્વબોધ તીર્થ’ અને ‘શકુનિકા વિહાર’ તરીકે અધિકૃત માન્યતા આપવામાં આવે. આ અરજીમાં પરિસરમાં આવેલા પ્રાચીન ધાર્મિક અવશેષો અને મૂર્તિઓની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

અરજદારોના જણાવ્યા અનુસાર સ્થળના ભોંયરામાં જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની પ્રાચીન મૂર્તિ બિરાજમાન છે, જેને નુકસાન પહોંચવાની પૂરેપૂરી આશંકા છે. આથી કોર્ટ સમક્ષ ભગવાન મલ્લિનાથની મૂર્તિ, અન્ય ચિહ્નો અને શિલ્પોનું ત્વરિત સંરક્ષણ કરવા તથા જરૂર પડે તો સમગ્ર સ્થળને સીલ કરવા માટે વચગાળાના આદેશ આપવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.

અરજદારોએ માંગ કરી છે કે જૈન શ્રદ્ધાળુઓને આ સ્થળે નિયમિત પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ કરવાની પૂર્ણ મંજૂરી આપવામાં આવે. જો સમયસર યોગ્ય આદેશો અને તાત્કાલિક કાનૂની હસ્તક્ષેપ કરવામાં નહીં આવે તો આ અમૂલ્ય ઐતિહાસિક અને ધાર્મિક વારસો નષ્ટ થઈ શકે છે.